જીવનચરિત્ર કથા : ભાગ 206
લોકડાયરાના લાડકા ભજનીક નારાયણ સ્વામી (1938-2004) : Manoj Acharya
જન્મ અષાઢ સુદ બીજ, વિક્રમ સંવત ૧૯૯૪ તારીખ ૨૯ જુન ૧૯૩૮ ગામ આંકડીયા, ઢસા. તેઓ રાજકોટ શહેરનાં વતની હતા. તેમનું મૂળ નામ શક્તિદાન મહીદાન લાંગાવદરા હતું. માતાજીનુ નામ જીવુબાબેન હતું. અભ્યાસ: ૨ ઘોરણ સુધી. ઢસા તાલુકામાં આવેલું દેરડી ગામમાં ઝાપામાં વાવને કાંઠે માતાજી આઈ જાનબાઈમાંની ડેરી છે. ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઈ જાનબાઈની દશમી પેઢીએ શ્રી મહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો. શ્રી મહિદાનજીને ભજન, છંદ, દુહા બોલવાનો શોખ હતો. તેમના પત્ની શ્રી જીવુબાબેન ખુબ જ પવિત્ર આત્મા હતા. દેરક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા. ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાંને અનોખો ભક્તિ ભાવ હતો. આવા પવિત્ર હૃદયી પુણ્યાત્માને ત્યાં આ તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ શક્તિદાન રાખવામાં આવ્યું. પૂર્વ જન્મમાં કરેલા પુણ્યનો વારસો અને આ જન્મના પુણ્યશાળી માં-બાપના આચરણથી બાળક શક્તિદાનની શક્તિને પ્રેરક બન્યા. ઢસા પાસે ગુંદાળા ગામથી ૩-૪ માઈલ દુર આવેલ જંગલમાં રાસવદરમાં હનુમાનજીનું મંદિર છે. ત્યાં તે વખતે દિગંબર સાધુ મહાત્મા બાલાનંદજી બ્રહ્મચારી રહેતા તેમનું તપ અજોડ હતું. બ્રહ્મચારીજી એક જ વખત દૂધ અને બટેટાની ભાજી લેતા. તે વખતે વખતે બાળ શક્તિદાનની ઉમર ૮ વર્ષની હતી. તેઓ દરરોજ માં પાસેથી દૂધ લઇ મહાત્મા પાસે આશ્રમે જતા. બ્રહ્મચારીજી પાસે બાળક શક્તિદાન દરરોજ ભજન છંદ બોલતા તેથી તેમને આનંદ આવતો. શક્તિદાને ૪,૫ વર્ષ સુધી ત્યાં જવાનું ચાલુ રાખ્યું. ઈ.સ. ૧૯૪૯ નાં જુન મહિનામાં શક્તિદાનજીને સંત શ્રી હરિહરાનંદજીનાં દર્શન થયા. પહેલા જ દર્શનમાં જુની ઓળખાણ કે સબંધ હોય એવો અરસપરસ ભાવ થયો. ગુરુજીના ચરણોમાં નમસ્કાર કર્યો. સંત શ્રી રામદાસબાપુએ શક્તિદાનજીનો પરિચય કરાવ્યો, અને કહ્યું. આ છોકરો ભજન બહુ સારા બોલે છે. તે વખતે સાધુ સંતો અને અન્યજનો વચ્ચે શક્તિદાનજી ચાર ભજન ગાયા. સંત શ્રી હરિહરાનંદજી બાપુ મહાદેવ-બીજથી મહાવદ અગીયાર સુધી જુનાગઢથી સનાતન ધર્મશાળામાં શિવપુરાણ બેસાડતાં. બાપુના આગ્રહથી શક્તિદાનજી શિવપુરાણ અને સંતવાણીમાં હાજર રહેતા. શક્તિદાનજી જ્યારે હરીહરાનંદજી બાપુના આશ્રમમાં હતાં ત્યારે બાપુ તેમને કહેતા કે તારા બાપુની ઈચ્છા છે, માટે હવે તું લગ્ન કરી નાખ. બાપુના અતિ આગ્રહને વશ થઇ તેમણે સને ૧૯૬૨ માં સુયોગ્ય, ધર્માભિમુખ કેળવણી પામેલા નાથુબા સાથે લગ્ન કર્યા. સમય વીતતા શક્તિદાનજીને ત્યાં ચંદનબાબેન નામે પુત્રી અને હરેશભાઈ તેમજ હિતેશભાઈ નામે બે પુત્રોનો જન્મ થયો. એક વખત હરિહરાનંદજીએ શક્તિદાનજીને કહેલું “જા તારી શક્તિ ખુબ ખીલશે” ત્યારબાદ માં શારદાની કૃપાથી પ્રેરણા મળી ગઈ અને પછી તો જાહેર ભજન માટે આમંત્રણ મળવા લાગ્યા. ત્યારબાદ તેઓ રાજકોટ આવી વસ્યા અને તેઓ ગુજરાતી ભજનના એક ખૂબ જ જાણીતા ગાયક બન્યા. તેઓના લોકગીતો અને લોકવાર્તાઓને લગતા કાર્યક્રમો કે જેને ગુજરાતમાં લોક ડાયરો કહે છે એ ભારત સહિત વિદેશોમાં પણ થયા છે. તેઓ દાસી જીવણ, મીરાં બાઈ, કબીરજી, ગંગાસતી અને નરસિંહ મહેતા જેવા સાહિત્યકારોએ રચેલાં ભજનો ગાવા માટે જાણીતા હતા. થોડા સમય બાદ તેમને સમાચાર મળ્યા કે પુ. હરિહરાનંદજી બાપુ દેવ થયા. આ સાંભળતા જ શક્તિદાનજીને ભયંકર આચકો લાગ્યો. તે તરત જ ગુરુસ્થાન આટકોટ પાસે આવેલા ગામ હલેન્ડા ગયા અને બાપુના અંતિમ દર્શન કર્યા. તે વખતે વિચાર આવ્યો.“આવા પુરૂષોને પણ જવું પડે છે તો આપણે શું હિસાબમાં”? ગુરુબાપુના દેવ થયા પછી શક્તિદાનજીને વૈરાગ્ય લાગ્યો. સન ૧૯૬૯ માં સંત શ્રી હરિહરાનંદજી બાપુની સમાધી પાસે મનોમન દિક્ષા ગ્રહણ કરી “સ્વામી નારાયણ નંદ” એવું નામ ધારણ કર્યું. રાજકોટમાં મવડી રોડ પર ફુલીયા હનુમાનજી પાસે હરિહરાનંદજીનાં ગુરુભાઈ બટુક સ્વામી રહેતા. એ દેવ
થયા ત્યાર પછી હરિહરાનંદજી બાપુના શિષ્ય મુક્તાનંદજી જગ્યા સંભાળતા, ત્યાંથી પૂ. નારાયણ બાપુ પરબવાળા હનુમાનજીની જગ્યાએ આવ્યા, જ્યાં આશ્રમ સ્થાપ્યો અને એક વર્ષ રહ્યા, ત્યાં લીલાખાવાળા બાપુ પાસે આવતા. ત્યારબાદ એ આશ્રમ સીતારામ મહાત્માને સુપ્રત કર્યો. લીલાખાના ગ્રામજનોના આગ્રહથી અને ગામના મુખ્ય આગેવાન શ્રી સામતભાઈએ નદી કિનારે સુંદર સ્થળ આશ્રમ માટે પસંદ કર્યું. આ સ્થળે બે વર્ષ સુધી આશ્રમ ચલાવ્યો. લીલાખામાં ગ્રામજનોએ નારાયણબાપુના નામથી કેળવણી ટ્રસ્ટ સ્થાપ્યું હતું. આ લીલાખાનું આશ્રમ તેમણે હાઇસ્કુલ બનાવવા માટે નારાયણ કેળવણી મંડળ ટ્રસ્ટને ભેટ આપી દીધું. સને ૧૯૭૦ માં નારાયણ બાપુએ લીલાખામાં ઉગ્ર તપશ્વર્યા આરંભી તેઓ આખો દિવસ ઉભા રહેતા અને એક જ વખત બટેટાની ભાજી લેતા અને રાતના સંતવાણી ગાતા. અમુક સમય પછી લીલાખા આશ્રમ છોડી પુ. નારાયણ બાપુને માંડવી ચપ્લેશ્વર મહાદેવનાં ટ્રસ્ટે મંદિર અને આજુબાજુ મંદિરની માલિકીની જમીન અર્પણ કરી જ્યાં નારાયણ બાપુએ અહીં આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ સને ૧૯૭૬ માં નારાયણ બાપુએ બિદડામાં આશ્રમ સ્થાપ્યો. તેનો વિકાસ કરી એક વર્ષ પછી તે આશ્રમ ગામને સુપ્રત કર્યો ! હરિદ્વારમાં માયાપુર ગણેશધાટ પાસે શ્રી નિરંજન અખાડા છે. ત્યાંના સ્વામીશ્રી ઈશ્વરભારતીજી એ નારાયણબાપુને સ્વામીશ્રી નારાયણનંદ સરસ્વતી નામાભીદાન આપી ભગવા ધારણ કરાવ્યા. આ દિક્ષા મહોત્સવ વખતે મુંબઈવાળા શેઠ ફુલચંદભાઈ કોઠારી, હરી ભગત અને પ્રેમજીભાઈ હરિદ્વાર આવ્યા હતાં. સને ૧૯૭૮ માં પૂ. નારાયણ સ્વામીએ જુનાગઢમાં આશ્રમ સ્થાપ્યો. ત્યાં શિવરાત્રીના પંદર દિવસ સંતવાણી અને હરિહરનો કાર્યક્રમ આજે પણ રાખવામાં આવે છે. પૂ. નારાયણ સ્વામીજીએ સંતવાણી યોજાય, જે ભેટ મળે તેમાંથી આશ્રમ ખર્ચ અને અન્ન્ક્ષેત્ર ચલાવતા. તેમાંથી બચત કરી ચપ્લેશ્વર મહાદેવનું વિશાળ મંદિર બંધાવ્યું અને તા. ૬-૫-૧૯૮૪ નાં રોજ ત્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ત્યારબાદ ભારતમાં તેમજ દેશ-વિદેશમાં ભજન સંતવાણીનાં કાર્યક્રમો યોજી ખુબજ લોકચાહના મેળવી અને ૧૯૮૬ નાં ડીસેમ્બર માસમાં પૂ. મોરારીબાપુની ભવ્ય રામકથાનું આયોજન કર્યું. ત્યારે પુ. બાપુ પાસે ફક્ત રૂ.૧૦,૦૦૦/- ની મૂડી હતી અને આ ભવ્ય કથાના આયોજન માટે ફંડ એકત્રીત કરીને આ કથાનું આયોજન કર્યું. આ કથામાં રોજના પચ્ચીસ હજાર લોકોની ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી અને પૂ. બાપુ રોજ રાત્રે ભજન કરતા હતાં. આ કથામાંથી જે કંઈ પણ બચત થઇ તેમાંથી આશ્રમનું નવનિર્માણ કર્યું. અમુક સમય જતા પુ. બાપુની તબિયત અવારનવાર બગડતી હતી. બાપુએ વિચાર કર્યો કે, હવે મારે આ આશ્રમ મારા શિષ્ય પ્રદીપાનંદ સરસ્વતીને સોંપી દેવો જોઈએ. એક દિવસ આ આશ્રમ આયોજન કરી પ્રદીપાનંદ સરસ્વતીને ગાદીપતિ બનાવ્યા. ત્યારબાદ ટૂંકાગાળામાં જ તા. ૧૫-૯-૨૦૦૦ ની રાત્રે પૂ. નારાયણ બાપુ બ્રહ્મલીન થયા અને આ દુનિયાને છેલ્લા જય નારાયણ કરી ગયા. સવારે ખબર પડતાની સાથે જ બધા લોકો આશ્રમે દોડી આવ્યા હતાં પ.પૂ. સંતશ્રી મોરારીબાપુ પણ નારાયણ બાપુને અંજલી આપવા ઉપસ્થિત રહ્યા હતાં. શ્રી પ્રદીપાનંદ સરસ્વતીજીએ પૂ. બાપુના બ્રહ્મલીન થયા પછી ખુબજ સારી રીતે આશ્રમનું સંચાલન કર્યું. આ કોલમના લેખક મનોજ આચાર્ય પણ નારાયણ સ્વામીનાં ખુબ જ ચાહક રહ્યા છે. ‘શંભુ શરણે પડી..’ એ પ્રિય ભજન છે. મીઠી હલકે ગવાયેલા એમનો ભજનો સાંભળીને આજે પણ ધ્યાનસ્થ થઈ જવાય છે. મારું વતન વઢવાણ છે અને બાળપણ ત્યાંજ વિત્યું છે. એ સમયે તેઓ વઢવાણ કે સુરેન્દ્રનગરમાં જ્યારે પણ આવ્યા છે ત્યારે મોડી રાત્રી સુધી તેમનાં ભજનો માણ્યા છે. માંડવી, કચ્છ ખાતે તેઓ બ્રહ્મલીન થયા. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877