Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 285
શ્રાવણ સુદ છઠ : શિવાલયની રચના
🕉️🐂🐢🪱🌙🔱☘️🛕
ભગવાન શિવનાં મંદિરને શિવાલય અથવા શિવમંદિર કહેવામા આવે છે. બીજી એક એ પણ ખાસિયત છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે થાય છે પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન શિવ તો એવા દેવ છે કે જેમણે હંમેશા માણસોની વસ્તીથી અલગ અને એકાંત જગ્યા વધારે પસંદ કરી છે. તેવીજ રીતે તેમના શિવાલયો પણ જંગલ અથવા તો ગામથી થોડા દુર જોવા મળે છે. શિવને આમ તો મંદિરની પણ જરૂર નથી, પથ્થરનાં ઓટલે, ઝાડની નીચે, ડુંગરની ટોચે પણ આ ભોળિયોનાથ બીરાજી જાય છે. મહાદેવનાં શણગાર તથા પૂજનવિધીમાં પણ જંગલની કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ જોવા મળે છે. જેમાં વનનાં ફુલો ધતુરો, બીલીપત્ર, રૂદ્રાક્ષ શણગાર તરીકે, શરીર ઉપર ભસ્મનું લેપન, વાહનમાં પોઠીયો, વગાડવામાં ડમરૂં, શરીરે જટાજુટ સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું હોય છે. પૂજનવિધીમાં પાણીનો લોટો અને થોડા બીલીપત્રનાં પાન.
સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકરને સદાશિવ કહેવાય છે. શિવનું મંદિર શાસ્ત્રોકત દ્રષ્ટિએ જીવનમાં માનવદેહ અને મનનું પ્રતીક અને ભાવના બની રહે છે. સર્વનું કલ્યાણ કરનારા શિવનાં શિવાલયમાં વાસ્તુશાસ્ત્ર, શિલ્પકલા વિધાનમાં તેમજ માનવજીવન માટે આશિષ ગણાતી અષ્ટાંગયોગ કલ્પના સાકાર થાય છે. ગુજરાતનાં પ્રદેશોમાં થતા શિવાલયની રચના (બાંધકામ) નીચે મુજબ હોય છે. શિવાલયની રચના બે ભાગમાં હોય છે. જેમાં આગળનો ભાગ મંદિર અને અંદરનો ભાગ ગર્ભગૃહ કહેવાય છે. શિવાલયમાં આગળનાં ભાગમાં કાલ ભૈરવનું સ્થાપન કરવામાં આવે છે, જે યમનું પ્રતીક માનવામાં આવે છે. દેહ સાથે જોડાયેલી મૂત્યુની વાત જન્મતા જ જાણી લેવી જોઈએ. ‘જે જોયું તે જાય’ એ ચરિતાર્થ કરવા માટે શરૂઆતમાં જ કાલ ભૈરવની મૂર્તિ હોય છે. શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠીયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવુ સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવુ જોઈએ. શિવાલયમાં પોઠીયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયોને સંકોરી, પોતાની જાતમાં સમાવી શકે છે. મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો (આંખ, કાન, જીભ, હાથ અને પગ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે, જે કાચબાનાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે. શિવાલયમાં કાચબાની ડાબી બાજુએ ઉતરદિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશ વિધ્નોનાં હરનાર કહેવાય છે. ગણપતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ, પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નીરખવાની ટેવ છે, જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ. એ રીતે ગણેશનાં કાન મોટા, આંખ નાની, પેટ મોટું રખાયા છે. તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા-બુધ્ધિના દેવ ગણાય છે. મનુષ્ય માટે બુધ્ધિ જીવન જીવવાની આવડતમાં આવશ્યક વસ્તુ છે. શિવાલયમાં ગણેશની બરોબર સામેની બાજુ એટલેકે દક્ષિણ દિશા બાજુ મુખે હનુમાનજીનું સ્થાપન કરવામાં આવે છે. હનુમાન બ્રહ્મચર્ય, શકિત અને સેવાનાં ઉદાહરણ રૂપે છે. જે મનુષ્યને જીવન જીવવામાં એક આદર્શરૂપ નિવડે છે. શિવાલયનાં બીજા ભાગમાં ગર્ભદ્વારનાં ઉંબરે વાઘનાં શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે. ગર્ભદ્વારનાં ઉંબરાની બન્ને બાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે. વાઘ ચોકસાઈ અને ધારણાવાળું પ્રાણી છે, જેનું નિશાન ઘણું ચોક્કસ હોય છે, જે ભાગ્યે જ ખાલી જાય છે. મનુષ્યએ પણ પોતાના જીવનનાં ચોક્કસ ધ્યેયો ચોકસાઈથી પાર પાડવા જોઈએ. શિવાલયનાં ગર્ભાગારની બરોબર વચ્ચે ભગવાન શિવનું લિંગની સ્થાપના કરવામા આવે છે. શિવનાં લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છે કે ભગવાન શિવ અજન્મા છે તેથી તેમના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી પરંતુ તે મંદિરનાં ગર્ભાગારની ટોચેથી કરવામાં આવે છે. શિવલિંગ હદય અને આત્માનું પ્રતીક છે. શિવાલયમાં શિવલિંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં થાળુ શિવલિંગની ફરતે ગોળાકાર લિંગનાં માપ જેટલુ વધારે હોય છે. શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે. જેમાં પાણી ભરીને લિંગ ઉપર સતત અભિષેક થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા કરવામાં આવતા પાણી અને દુધનાં અભિષેકનાં પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામા આવે છે. જેને ઉતર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે, જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે. આમ થાળુ અને જળાધારી કુંડલીની શક્તિ (દેહમાં રહેલી આંતરચેતના) દર્શાવે છે. જ્યારે શિવલિંગ ઉપર સર્પ એટલેકે નાગનું છત્ર હોય છે. જે જાગૂતિ અને ચંચળતાને પ્રગટ કરે છે. શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે ભક્તિ અને નમ્રતાનાં પ્રતીક રૂપે છે. પાર્વતી શ્રધ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે. મનના આંતરિક ગુણોમાં ભક્તિ, શ્રધ્ધા, નમ્રતા અને તપ જરૂરી ગણાય છે. આમ, શિવાલયની રચના મનુષ્યનાં જીવનમાં મૃત્યુ, પરિશ્રમ, ઈન્દ્રિય, બુદ્ધિ, સેવા, શક્તિ, જાગૃતિ, શ્રધ્ધા, ભક્તિ, તપ અને મુક્તિની આવશ્યક્તા સમજાવવામાં આવી છે. શિવાલય મનુષ્યના દેહ મનની આવશ્યક ગુણવત્તાનું પ્રતીક બની રહે છે. ભસ્મ અને ચંદન રાગ-વૈરાગ્ય વચ્ચેની સમદૃષ્ટિ પ્રગટ કરે છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, ર
Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 286
શ્રાવણ સુદ સાતમ : 12 જ્યોતિર્લિંગોની પવિત્ર કથા : સોમનાથ જ્યોતિર્લિંગનું મહત્વ
🛕 🚩 🕉️ 🔱 👏
સર્વે દેવી-દેવતાઓ સ્વર્ગમાં બિરાજીત છે પરંતુ જગત કલ્યાણ હેતુ ભગવાન શિવ પૃથ્વી ઉપર કૈલાશમાં બિરાજમાન છે અને તેઓ સમગ્ર ભારતમાં 12 જ્યોતિર્લિંગરૂપે સાક્ષાત વિદ્યમાન છે. આ જ્યોર્તિલિંગોમાં ક્રમશઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, અમ્લેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, નાગેશ્વર અને ઘુશ્મેશ્વર છે, જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે.
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ |
ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧||
પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશઙ્કરમ્ |
સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||૨||
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે |
હિમાલયે તુ કેદારં ઘૃશ્મેશં શિવાલયે ||૩||
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: |
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||૪||
|| ઇતિ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્મરણં II
👉 સૌપ્રથમ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ આવે છે. સોમનાથ મહાદેવના જ્યોતિર્મય રૂપના પ્રાગટ્ય સંબંધી કથાનો ઉલ્લેખ શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 8 થી 14 માં જોવા મળે છે. તેમાં વર્ણિત કથાનુસાર પ્રજાપતિ દક્ષે તેમની 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરાવ્યા. અલબત્ ચંદ્રમા તો માત્ર પત્ની રોહિણીના જ પ્રેમમાં ખોવાયેલા રહેતા. અન્ય પત્નીઓ પર ધ્યાન ન દેતા. ચંદ્રદેવના આ વર્તનથી ક્રોધિત થઈ પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને ક્ષયરોગ થવાનો શ્રાપ આપી દીધો. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર ચંદ્રદેવને ક્ષયરોગ થવાથી રાત્રીના સમયે સૃષ્ટિ પર ઘોર અંધકાર છવાઈ ગયો. આ મુસીબતમાંથી બહાર નીકળવા ચંદ્રમા અને દેવતાઓએ બ્રહ્માજીનું શરણું લીધું ત્યારે બ્રહ્માજીએ તેમને ‘પ્રભાસ’ ક્ષેત્રમાં જઈ દેવાધિદેવનું વિધિવત્ અનુષ્ઠાન કરવાની સલાહ આપી. કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી ચંદ્રમાએ સતત 6 મહિના સુધી પ્રભાસની ભૂમિ પર તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. શિવજીએ ચંદ્રદેવના શ્રાપને હળવો કરતા કહ્યું કે, “હે ચંદ્રદેવ ! તમારું પૂર્ણપણે શ્રાપમુક્ત થવું શક્ય નથી પરંતુ હું શ્રાપને હળવો કરી શકું છું. આજથી ૧૫ દિવસ સુધી વધતો અને પછી ૧૫ દિવસ ઘટતો થશે.” મહાદેવની કૃપાથી સર્વ દેવતાઓએ તેમનો જયકાર કર્યો, અને પછી મહાદેવને પ્રભાસમાં જ બિરાજમાન થવાની પ્રાર્થના કરી. સર્વની પ્રાર્થનાને વશ થઈ ભક્તવત્સલ મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયા. લોકવાયકા અનુસાર સોમનાથ મહાદેવ માટે ચંદ્રદેવતાએ સુવર્ણમાંથી, રાવણે ચાંદીમાંથી જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનકાષ્ઠમાંથી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પુરાણોમાં ઉલ્લેખ અનુસાર દેવાધિદેવ મહાદેવ હંમેશાથી જ યદુકુળના આરાધ્ય રહ્યા છે. કહે છે કે એટલે જ શ્રીકૃષ્ણએ તેમના આ આરાધ્યની સમીપે દ્વારિકામાં જ તેમની નગરી વસાવી હતી. શ્રીકૃષ્ણ તેમના જીવનકાળ દરમિયાન વારંવાર સોમનાથના દર્શનાર્થે આવ્યા હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. સોમનાથ મહાદેવનું મંદિર વાસ્તુ અને વિનાશનું સાક્ષી પણ બનતું રહ્યું છે. મંદિરની રક્ષાર્થે અનેક વીરોએ તેમના પ્રાણનું બલિદાન આપ્યું છે. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો. 1947માં ભારતની આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ આ તીર્થસ્થાનની મુલાકાતે આવ્યા. સોમનાથના ખંડેરોને જોઈ તેમણે નવમંદિર નિર્માણનો સંકલ્પ લીધો અને વર્ષ 1951ની 11મી મેના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું છે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”. એ સમયે ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું હતું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ આ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતા. અનેક વિધ્વંસો બાદ પણ સોમનાથનું સ્થાનક વારંવાર બેઠું થયું છે. આજે તો તેની ભવ્યતા જાણે આકાશને સ્પર્શી રહી છે. સર્વ પ્રથમ શિવધામ મનાતું હોઈ દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથમાં દર્શનાર્થે આવે છે. કહે છે કે જે એકવાર સોમેશ્વરના દર્શન કરી છે, તેના મનમાં સોમનાથ દાદાનું સ્મરણ સદૈવને માટે સ્થિર થઈ જાય છે.
🛕 જય સોમનાથ 🚩
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રા
Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 287
શ્રાવણ સુદ આઠમ : મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ
🕉️ 🔱 🛕 🚩 🙏🏻
મલ્લિકાર્જુન સ્વામી એ ભારતના આંધ્ર પ્રદેશના શ્રી શૈલમમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે, જે બીજા નંબરે આવે છે. એને દક્ષિણનું કૈલાસ પણ કહેવામાં આવે છે. અહીં મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન ભગવાન શિવ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગમાં ભોળાનાથ અને માતા પાર્વતી બંનેની જ્યોતિ સમાયેલી છે. શિવપુરાણની રુદ્રસંહિતાના વીસમા અધ્યાયમાં ઉલ્લેખ છે એ પ્રમાણે જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેય કે મુરુગનના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો. ભગવાન શિવે એવો નિવેડો લાવ્યો કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો પાછો આવશે તેના વિવાહ પ્રથમ થશે. કાર્તિકેય પોતાના વાહન મોર પર આરુઢ થઈ પ્રદક્ષિણા માટે નીકળી પડ્યાં. તેઓ પાછા આવે તે પહેલા શ્રી ગણેશે માતા પિતાની પ્રદક્ષિણા વિશ્વની પ્રદક્ષિણા સમાન છે તે શાસ્ત્રોક્તિ અનુસાર તેમની સાત વાર પ્રદક્ષિણા કરી લીધી. ભગવાન શિવે વિશ્વરૂપનની પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિના વિવાહ શ્રી ગણેશ સાથે કરી આપ્યાં. કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા અને ગણેશજીનાં વિવાહની વાતની જાણ થતાં ક્રોધે ભરાયા અને તેઓ ક્રોંચ નામના પર્વત પર કુમાર બ્રહ્મચારીના નામે એકલા રહેવાં ચાલ્યાં ગયાં. દેવોએ મનાવવા ખુબ પ્રયત્નો કર્યા પણ કાર્તિકેય પાછા ફર્યા નહીં, તેથી માતા પાર્વતી અને ભગવાન શિવને પુત્રનો વિયોગ થવા લાગ્યો. તેઓ દુઃખી થઈ ગયાં. એકવાર જ્યારે શિવજી અને માતા પાર્વતીજી કાર્તિકેયને યાદ કરીને ક્રોંચ પર્વત ઉપર તેમને મળવા આવ્યાં ત્યારે કાર્તિકેય માતા-પિતાને જોઈને દૂર જતા રહ્યા. છેલ્લે, પુત્રનાં દર્શનની લાલસાથી ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપ ધારણ કરીને તેઓ પર્વત ઉપર વિરાજમાન થઈ ગયા. કહેવાય છે કે એ દિવસથી જ આ શિવલિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત થયું. માન્યતા છે કે ભગવાન શિવ અને પાર્વતી દરેક ઉત્સવમાં કાર્તિકેયને જોવા માટે અહીં આવે છે. એવી પણ માન્યતા છે કે અમાસના દિવસે સ્વયં શિવજી અને પૂનમના દિવસે માતા પાર્વતી આવે છે. જે સ્થળે શંકર અને પાર્વતી રોકાયા તે સ્થળ શ્રી શૈલમ તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ રાજ્યના કુરનૂલ જિલ્લામાં શ્રી શૈલમ પર્વત આવેલો છે. હૈદરાબાદથી લગભગ 220 કિલોમીટરના અંતરે આવેલ આ પર્વત સમુદ્રની સપાટીથી 500 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. તે નલ્લામલ્લાના જંગલથી ઘેરાયેલો છે. આ જગ્યાનું સૌંદર્ય ખૂબ જ અદભુત છે. તેના વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે, “શ્રીશૈલા શીખરમ્ દૃષ્ટવા, પુનર્જન્મમ્ ન વિદ્યયતે।” અર્થાત્, દૂરથી પણ જો આપ શ્રીશૈલમ પહાડીના દર્શન કરી લો છો, તો માની લેજો કે જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવી લો છો ! આ એ સ્થાન છે કે જે સ્વયં કુમાર કાર્તિકેયની તપોભૂમિ રહ્યું છે. આ મંદિરનું માહાત્મ્ય એ છે કે મલ્લિકાર્જુન સ્વામી ખૂબ જ ભવ્ય મંદિરમાં વિદ્યમાન થયા છે. ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલાં આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલાં છે. જે ગોપુરમ્ તરીકે ઓળખાય છે. મંદિર બહાર પગ ધોયા બાદ જ ભક્તો અહીં મંદિરમાં પ્રવેશ કરી શકે છે. અલબત્, અહીં શિવજીના દર્શન પહેલાં નંદીના દર્શન અચૂક કરવા પડે છે અને નંદીની પરવાનગી લીધાં બાદ જ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપના દર્શન કરી શકે છે. આ મલ્લિકાર્જુન સ્વામી મુક્તિના દાતા મનાય છે. તેમના દર્શન માત્રથી મહાફળની પ્રાપ્તિની માન્યતા છે. શિવ ભક્તોમાં આ જ્યોતિર્લિંગને લઇને ખૂબ જ આસ્થા છે. સદીઓથી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિરનાં વિવિધ રાજવંશો અને શાસકો શિવ ભક્ત રહ્યા છે. સાતવાહન, ચાલુક્ય, કાકતીય, વિજયનગર સામ્રાજ્ય અને રેડ્ડી વંશ સહિત વિવિધ સામ્રાજ્યોના આશ્રય હેઠળ તેનું નવીનીકરણ અને વિસ્તરણ થયું. શ્રાવણ મહિનામાં આ જ્યોતિર્લિંગનાં દર્શન કરવાથી કષ્ટ દૂર થાય છે. આ એક સિદ્ધ સ્થાન છે, જ્યાં દર્શન કરવાથી જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પૂર્ણ થઈ જાય છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877