Explore

Search

August 30, 2025 2:48 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

જીવનચરિત્ર કથા : ભાગ 301,302,303 & 304 : Manoj Acharya

Manoj Aachary: જીવનચરિત્ર કથા : ભાગ 301
▶️▶️
વીર કવિ નર્મદનું પૂરું નામ તો નર્મદાશંકર લાલશંકર દવે. (1833-1886) કદાચ જગતની કોઇ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય! આજે એમનો જન્મદિવસ છે.


નર્મદના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે. તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ માં સુરતમાં થયો હતો. માતા : નવદુર્ગા, પિતા : લાલશંકર (મુંબઇમાં લહિયાનો વ્યવસાય ) પત્ની : પ્રથમ – ગૌરી ( 1844, 11 વર્ષની વયે, 1853 માં અવસાન પામ્યા ), બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856), ત્રીજું લગ્ન વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869) થયું. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ થયો. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ થયું. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો. ૨૩મી વર્ષગાંઠથી કાવ્ય લેખનનો પ્રારંભ કર્યો. કવિતા વાંચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો આરંભ પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચાર પરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો. અર્વાચીન યુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે. નર્મદે યુદ્ધમાં વીરતા બતાવી એ હતું સમાજ સુધારણાનું ક્ષેત્ર અને અહીં એનાં હથિયાર હતાં એની કલમ, એની નિર્ભકતા અને એની સર્જકતા. તે સમયે સમાજમાં જે કુરિવાજો હતા તે તરફ કવિ દલપતરામે સરળ ભાષામાં કટાક્ષ કર્યા હતા પણ એને સુધારવા પ્રતિબદ્ધતાથી ક્ષત્રિય થવું સહેલું નહોતું. નર્મદે આ પડકાર ઝીલી લ‍ઇ યોદ્ધાની અદાથી ગર્જના કરી. “યા હોમ કરીને પડો, ફતેહ છે આગે”. એમણે જ ગાયું છે “ડગલું ભર્યું કે ના હઠવું ન હઠવું”. આ સંકલ્પે કવિની આકરી કસોટી કરી. પોતે જે માનતા એને આચારમાં મૂકવાની હિંમત રાખતા આ કવિએ વિધવા વિવાહ પણ કર્યો. કવિ નર્મદ સાહિત્ય જગતમાં “અર્વાચીનોમાં આદ્ય” કહેવાયા. એમના સર્જનમાં કેવળ સમાજ સુધારણાનો લલકાર જ નથી, ભરપૂર કાવ્યતત્વ સભર કાવ્યો પણ છે. આપણી નવી ગુજરાતી કવિતાનો એ સૂર્યોદય છે. કબીરવડનું વર્ણન કરતું એમનું કાવ્ય અદ્‍ભૂત શબ્દચિત્ર છે. “ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો નિર્ભયપણે, એક સરખો.” આ સુદીર્ઘ કાવ્ય વાંચતા કવિ આપણી મન:ચક્ષુ સમક્ષ ચિત્ર ખડું કરી જાય છે. કવિ નર્મદે આપણને અનેકવિધ સાહિત્ય સ્વરૂપોનો શુભારંભ કરી આપતાં કલમ ચલાવી છે. “ડાંડિયો” નામના સામાયિક દ્વારા પત્રકારત્વની ય દિશા ખોલી છે. એમની અમર રચના “જય જય ગરવી ગુજરાત” એ ગુજરાતની ગઇકાલ અને આજના આધારે આવનારી સંભવિત ઉજળી આવતીકાલનું ભવિષ્યકથન છે. “અર્વાચીનમાં આદ્ય” ગણાતા વીર કવિ નર્મદની એક રચના ભૂલવા જેવી નથી. પોતાના અવસાન સંદર્ભે કોઇ કવિએ આપણી ભાષામાં આવી વાણી ઉચ્ચારી નથી. ભયાવહ કલ્પના, નૈરાશ્ય, હતાશાનો અનુભવ, શોકના આંસુથી જ મૃત્યુની વાત આલેખાવી સહજ છે. જીવનના અંત સમા મૃત્યુનો પુરસ્કાર કરવો મુશ્કેલ છે. કૈંક બાકી રહી ગયાનો ભાવ જવાની પળે તીવ્રતાથી પીડે છે. આવા સમયે, આપણા આ કવિ સાવ નોખી-અનોખી કવિતા લ‍ઇને આવે છે. નર્મદના આગમન સુધી મૃત્યુ સંદર્ભે આપણને આવી કવિતા મળી નથી. ભજન પરંપરમાં તો નાશવંત જીવનની ક્ષણભંગુરતા જોતાં જીવનની અસારતા જ ગવાઇ છે, અને હરિનામ લેવામાં જ મોક્ષ! પણ, જીવનને સાધકતાથી જીવવું, કરેલા સંકલ્પપથ પર દ્‍ઢ્ઢતાથી ચાલવું, સમાધાન ન કરવા અને પ્રતિબદ્ધતાથી તમામ પડકારો સામે લડતા રહેવું એ “વીર કવિ” નું વિશેષણ સાર્થક કરે છે. આથી જ એમનું આ કાવ્ય “નવ કરશો કોઇ શોક, રસિકાં” અનોખું છે. કવિ પોતાના મૃત્યુનો શોક ન કરવાનું સૂચવતાં લગભગ આજ્ઞા જ કરે છે : નવ કરશો કોઇ શોક. પણ પછી જે સંબોધન છે એ મહત્વનું છે : “રસિકડાં”! કવિ આ સૂચન રસિકજનોને કરે છે. કવિના શબ્દનો મહિમા રસિક ભાવિકોને હોય. કારણ કે એ કવિના ભાવને, એમના કર્મને, એમની સર્જકતાને જાણે-માણે-સન્માને! અન્યને એની કિંમત ન હોય એ સ્વાભાવિક છે. કવિને વિદાય વેળાએ કૈં અધૂરૂં રહી ગયાની અબળતા નથી. જે કૈં થ‍ઇ શક્યું એનો સંતોષ છે : “યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી”. પોતાના સાહિત્ય સર્જનથી પોતે જીવશે એવી શ્રદ્ધા ગાવી સહેલું નથી. “વીર સત્ય અને રસિક ટેકીપણું” તો દુશ્મનો ય દિલથી ગાશે! જનમ-મરણ એ તો “જગતનીમ” છે, એનું રૂદન કેવું! ગુજરાતી કવિતામાં પોતાના પ્રકારનું આ અનોખું કાવ્ય છે. નર્મદના ગદ્ય લખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવન સામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્ય લખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩) એમના સંશોધન-સંપાદન ગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે. ‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘દ્રોપદી દર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણ વિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વ ચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે. આઠ મહિનાની સંધિવાની માંદગી પછી તેમનું અવસાન ફેબ્રુઆરી ૨૬, ૧૮૮૬ના રોજ ૫૨ વર્ષની વયે મુંબઇ ખાતે થયું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકો

Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 302
શ્રાવણ વદ સાતમ : રુદ્રાવતાર શિવ
🕉️ 🔱 🌙 🐍 🚩 👏
ભગવાન શિવના રુદ્ર સ્વરૂપની પરિભાષા આપણા શાસ્ત્રોમાં અનેક રીતે આપવામાં આવી છે. તેને જાણવું એ એક રોચક અનુભવ છે. શિવપુરાણ મુજબ સૃષ્ટિના નિર્માણ સમયે મહાશિવરાત્રીની મધ્યરાત્રિમાં શિવ પોતાના રૂદ્ર રૂપમાં પ્રગટ થયા હતા. લિંગપુરાણ અનુસાર સૃષ્ટિ ચક્રને તીવ્રતા આપવા માટે ભગવાન શિવે જ પોતાના 11 અમર તથા શક્તિશાળી રુદ્ર સ્વરૂપની રચના કરી હતી. જો કે તેની ચર્ચા દરેક જગ્યાએ અલગ રીતે થાય છે. કોઈને તે રૌદ્ર સ્વરૂપમાં દેખાય છે તો કેટલાંકને તે સૌમ્ય રૂપમાં દર્શન આપે છે. જો કે એમ કહી શકાય કે બંને એકબીજાના પૂરક છે. શાસ્ત્રોમાં ભગવાન રુદ્રનું ખૂબ જ સુંદર વર્ણન જાણવા મળે છે. તેમાં ભગવાન રૂદ્રના પાંચ માથા અને ધડ એકદમ પારદર્શક અને ચમકીલું હોવાનું જણાવાયુ છે. તેમના મસ્તક પર ચંદ્રમા બિરાજમાન છે અને તેમાંથી નિયમિત ગંગા પ્રવાહિત થતી જોવા મળે છે. તેમના ગળામાં સાપ અને બાજુમાં માતા પાર્વતી તેમની પાસે બેઠેલા જોવા મળે છે. ત્રિનેત્રધારી ભગવાનના ચાર હાથમાંથી એકમાં ત્રિશુલ છે જ્યારે બાકીના હાથથી તે આશીર્વાદ-વરદાન આપતા જોવા મળે છે. આ કારણે ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરવામાં આવે ત્યારે તેને 11 વાર અભિષેક કરવાની પરંપરા છે. એવી માન્યતા છે કે હનુમાન દાદા પણ તેમનો 11મો રૂદ્રાવતાર છે. તે આ રૂપમાં શ્રી રામના ધરતી પરના અવતારની મદદ કરવા માટે જ આવ્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભગવાન રૂદ્રના નામમાં જ તેમના પાલનહાર હોવાનું રહસ્ય છૂપાયેલુ છે. રુ નો અર્થ થાય છે ચિંતા અને દ્રનો અર્થ થાય છે દૂર કરવી. રૂદ્રનો અર્થ એ થાય છે જે તમારી બધી જ ચિંતાઓનો નાશ કરી દે. જો કે ભગવાન શિવના રૂદ્ર સ્વરૂપને પાલનહાર અને સંહારક બંનેની સંજ્ઞા મળી છે. આથી તે આ રૂપમાં આવે છે ત્યારે ક્યાંક પ્રલય થઈ જાય છે. ઋગવેદ અને યજુર્વેદમાં રૂદ્ર ભગવાનને પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે વસેલી દુનિયાના ઈષ્ટદેવના સ્વરૂપ મનાયા છે. આ સૃષ્ટિમાં જે રીતે જીવિત રહેવા માટે પ્રાણવાયુ ઉપસ્થિત છે તે જ રીતે રુદ્રનું અસ્તિત્વ પણ સર્વોપરિ છે. આ ઉપરાંત ઉપનિષદોમાં ભગવાન રુદ્રના 11 સ્વરૂપને શરીરના 10 મહત્વપૂર્ણ ઉર્જા સ્રોત માનવા સાથે જ 11માને આત્મ સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ રીતે કહી શકાય કે સૃષ્ટિમાં જે કોઈપણ જીવિત છે તે આમના કારણે જ છે. મૃત્યુ પછી તમારી અંદર બધી જ ઉર્જા જતી રહે છે. શક્તિ અને સાધનાના પ્રતિક શિવના 28 અવતારોનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે, પરંતુ તેમાંથી 10 અવતારોની પ્રમુખતાથી ચર્ચા થાય છે. જે આ પ્રમાણે છે. 👇
1- મહાકાલ
શિવનો પહેલો અવતાર મહાકાલને માનવામાં આવે છે. આ અવતારની શક્તિ માં કાળી છે. ઉજ્જૈનમાં મહાકાલ નામથી જ્યોતિર્લિંગ પ્રસિદ્ધ છે.
2- તારા
શિવનો બીજો અવતાર તારા નામથી પ્રસિદ્ધ છે. આ અવતાર શક્તિની તારા દેવી માનવામાં આવે છે. આ સ્થાન પશ્ચિમ બંગાળના બીરભૂમિમાં દ્વારિકા નદીની પાસે મહાશમશાનમાં સ્થિત છે.
3- બાલ ભુવનેશ્વર
દસ મહાવિદ્યામાંથી એક માતા ભુવનેશ્વરીની શક્તિ પીઠ ઉત્તરાંચલમાં સ્થિત છે જે શિવના ત્રીજા અવતાના રૂપમાં પ્રસિદ્ધ છે.
4- ષોડેશ શ્રી વિદ્યેશ
દસ મહાવિદ્યાઓમાં ત્રીજા મહાવિદ્યા ભગવતી ષોડશી છે, જે ત્રિપુરાના ઉદયપુરની નજીક રાધાકિશોરપુ ગામના માતાબાઢી પર્વત શિખર પર માતાનો જમણો પગ પડ્યો હતો. આ સ્થાન શિવના ચોથા અવતારના રૂપે પ્રસિદ્ધ છે.
5- ભૈરવ
શિવનો પાંચમો રૂદ્રાવતાર ભૈરવ સૌથી વધુ વિખ્યાત છે. જેને કાળ ભૈરવ કહેવાય છે. ઉજ્જૈનની શિપ્રા નદીના તટ સ્થિત ભૈરવ પર્વત પર માં ભૈરવી શક્તિના નામે પ્રચલિત છે. અહીં માતાના હોઠ પડ્યા હતા.
6- છિન્નમસ્તક
છિન્નમસ્તિકા મંદિર તાંત્રિક પીઠના નામથી વિખ્યાત છે. આ ઝારખંડની રાજધાની રાંચીથી 75 કિમી દૂર રામગઢ સ્થિત છે. રૂદ્રનો છઠ્ઠો અવતાર છિન્નમસ્તક નામથી પ્રસિદ્ધ છે.
7- દ્યૂમવાન
ધૂમવતિ મંદિર મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ શક્તિપીઠ પીતામ્બરા પીઠના પ્રાંગણમાં સ્થિત છે. આખા ભારતમાં ધૂમાવતીના નામથી એકમાત્ર મંદિર છે. આ શક્તિપીઠ રૂદ્રના સાતમા અવતારના રૂપે પ્રસિદ્ધ છે.
8- બગુલામુખી શિવ
દસ મહાવિદ્યાઓમાંથી બગલામુખીના ત્રણ પ્રસિદ્ધ શક્તિપીઠ છે. 1) હિમાચલ પ્રદેશમાં કાંડણાંમાં બગલામુખી મંદિર. 2) મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં બગલામુખી મંદિર. 3) મધ્ય પ્રદેશના શાજાપુરમાં સ્થિત બગલામુખી મંદિર. શિવનો આઠમો રુદ્ર અવતાર બગલામુખ નામથી પ્રચલિત છે.
9- માતંગ
શિવના નવ અવતારોમાં માતંગ સૌથી પ્રસિદ્ધ છે. માતંગ દેવી અર્થાત રાજમાતા દસ મહાવિદ્યાઓના દેવી છે અને મોહકપુરની મુખ્ય અધિષ્ઠા છે.
10- કમલ
શિવનો દશમો અવતાર કમલ નામથી પ્રસિદ્ધ છે. આ અવતારની શક્તિ માં કમલા દેવી છે.
🙏🏻।। जय हो रुद्रेश्वर महादेव ।। 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

Manoj Aachary: ધાર્મિક કથા ભાગ 303 – શિતળા સાતમ


પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા સર્જાય છે. ભાવિ ભક્તો આ પવિત્ર શ્રાવણ માહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવીને ધન્યતા અનુભવે છે. જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલા જ શીતળા સાતમ આવે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે. આ વખતે શીતળા સાતમ 25 ઓગસ્ટ 2024, રવિવારના રોજ છે. ગુજરાતી પરિવારો અને ભક્તો આ દિવસે દેવી શીતળાની પૂજા કરે છે. માનવામાં આવે છે કે દેવી શીતળા તેમના ભક્તો અને તેમના પરિવારોને ઓરી અને શીતળાથી રક્ષણ આપે છે. ગુજરાતમાં પરિવારો દેવી શીતળાના આશીર્વાદ મેળવવા માટે શીતળા સાતમની વિધિ કરે છે. શીતળા માતા હિંદુ ધર્મના લોકોની દેવી તરીકે પૂજાય છે. શીતળા માતાનું પ્રાચીન કાળથી અધિક માહાત્મ્ય રહ્યું છે. સ્કંધપુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગર્દભ (ગધેડું) દર્શાવવામાં આવેલ છે. માતાના હાથોમાં કળશ (લોટો), સૂપ (પંખો), માર્જન (ઝાડુ) અને લીમડાનાં પાંદડાં ધારણ કરેલી દર્શાવાવામાં આવેલ છે. માતાને શીતળા જેવા રક્તસંક્રમણના રોગોની દેવી તરીકે દર્શાવવામાં આવેલ છે. આનું પ્રતિકાત્મક મહત્વ છે, જેમ કે પંખા વડે હવા નાખી રોગીના શરીરની બળતરા શાંત કરવી, ઝાડુ વડે ફોડલા ફફોડી શકાય, કળશના ઠંડા જળથી શરીરને ઠંડુ કરી શકાય તેમ જ લીમડાના પર્ણો વડે ફોડલાને સડવાથી બચાવી શકાય. ગર્દભની લાદના લેપનથી શીતળાના ડાઘ મટી શકે એવી પણ માન્યતા છે. શીતળા-માતા સેવાની દેવી છે, માટે સેવા કરનાર વ્યક્તિ મનની શાંતિ મેળવે છે. વ્રત કરનાર સિવાય અન્ય કોઇ એટલી શાંતિ મેળવી શકતું નથી. સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે. આંબાના રોપનું રહસ્ય એ છે કે, સારાયે કુટુંબીવર્ગને આમ્રવૃક્ષની શીતળતા સતત મળતી રહે અને આંબાના પરિપક્વ ફળ જેવો મીઠો મધુર સ્વાદ રસોઈમાં સૌને મળતો રહે એવી ભવ્ય ભાવના છુપાયેલી છે. આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહિ, એ તો ઘરના દેવતા છે. ભારતની ભાતીગળ સંસ્કૃતિ આ અગ્નિદેવના ઉપકારને કેમ ભૂલી શકે? માટે સ્ત્રીઓ શીતળા સાતમને દિવસે સગડી તથા સાધન સામગ્રીનું પૂજન કરીને કૃતજ્ઞતા અનુભવે છે. આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માઁની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે. આ લેખનાં લેખક મનોજ આચાર્યને 4 વર્ષની ઉંમરે પણ બરોબર યાદ છે કે મારા માતુશ્રી સ્વ. મધુકાન્તા આચાર્ય મને લઇને રાજકોટનાં પૌરાણિક મંદિર પંચનાથ મહાદેવનાં મંદિરમાં આવેલા શીતળા માતાજીનાં દર્શનાર્થે દર વર્ષે લઇ જતા એ ક્રમ આજે પણ ચાલુ છે. શીતળા એક ચેપી રોગ છે જે એક વિષાણુ (વાઇરસ)ના બે પ્રકારો વેરીઓલા મેજર અને વેરીઓલા માઇનોરના લીધે થાય છે. આ રોગનો છેલ્લો કુદરતી કિસ્સો ઓકટોબર ૧૯૭૭માં જોવા મળેલો અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ૧૯૮૦માં રોગને વૈશ્વિક ધોરણે નાબૂદ જાહેર કરવામાં આવેલો. ઇંગ્લેન્ડનાં એડવર્ડ જેનર નામના શોધકે શીતળાની રસી શોધી હતી. એમને પણ શીતળા સાતમના દિવસે યાદ કરવા જોઈએ કારણ કે આપણે હવે વિજ્ઞાન સાથે પણ સહમત થઈએ છીએ.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 304
શ્રાવણ વદ આઠમ : જન્માષ્ટમી
બાળકૃષ્ણનાં દર્શને મહાદેવ પધાર્યા
🍁🌻☘️🌸🌺🌷🚩🕉️
જન્માષ્ટમી એ ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. હિંદુ અવતારવાદ અને ભાગવત પુરાણ પ્રમાણે કૃષ્ણ એ વિષ્ણુનો આઠમો અવતાર છે. તેઓ વસુદેવ અને દેવકીનાં પુત્ર છે. શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રીએ મથુરાનાં કારાગૃહમાં જન્મ અને પછી તુરંત તેમના પિતા તેમને યમુના નદી પાર કરી ગોકુળમાં નંદરાય અને યશોદાને ત્યાં મુકી આવ્યાની કથા જાણીતી છે અને બીજે દિવસે નંદોત્સવ મનાવાય છે. નંદોત્સવ એટલે શું? સર્વ જીવોને આનંદ આપે તે નંદ અને તેને ત્યાં પધારે પરમાનંદ. ઉત્સવનો અર્થ જોઇએ તો ઉત એટલે ઈશ્વર અને સવ એટલે પ્રાગટ્ય. ઈશ્વરનું પ્રાગટ્ય તે ઉત્સવ. તેમાં ભાવ મુખ્ય છે, ધન ગૌણ છે. નંદ મહોત્સવ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની નવમીએ થયો હતો. નંદબાબા મોટા મનના અને ઉદાર હતા. પુત્ર જન્મ થવાથી આનંદવિભોર બની ગયા હતા. સ્નાન કરી પવિત્ર થઈ, વસ્ત્રાલંકાર ધારણ કરી, વેદોના જાણકાર બ્રાહ્મણોને બોલાવ્યા. પુત્રના જાતકર્મ-સંસ્કાર કરાવ્યા કારણ કે સંસ્કારોથી જ ગર્ભશુદ્ધિ થાય છે. સાથે સાથે દેવતાઓની અને પિતૃઓની પૂજા કરાવી. ઉત્તમ અલંકારોથી શોભતી બે લાખ ગાયો, રત્નો, અને સોનામહોરોથી ભરેલા તથા વસ્ત્રોથી ઢાંકેલા સાત તલના પર્વતોનું દાન બ્રાહ્મણોને કર્યું. વ્રજમંડળના બધા ઘરોનાં બારી, બારણાં, આંગણા અને ઓરડા વાળી ચોળીને સાફ કરવામાં આવ્યા. બધે સુગંધિત જળ છંટાવ્યું અને રંગબેરંગી ધજાપતાકા તથા તોરણો બાંધવામાં આવ્યા. પશુઓને શણગારવામાં આવ્યા. ગોવાળિયાઓ રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ હાથમાં ભેટ અને સામગ્રી લઈ નંદબાબાને ત્યાં આવ્યા. નંદબાબાને ત્યાં પુત્ર જન્મ થયો છે તે જાણી સમગ્ર ગોકુળના ગોપ, ગોપીઓ હર્ષઘેલા બન્યા છે. આ વખતે મહાભાગ્યશાળી રોહિણીજી પણ નંદરાયજીના તથા ગોવાળોના અભિનંદન પામી દિવ્ય અલંકારોથી સજીધજીને ઘરની જ વ્યક્તિની જેમ જ આવતી જતી સ્ત્રીઓનો આદર સત્કાર કરી રહ્યાં છે. જાણે કે ગોકુળના લોકો પ્રભુના મિલન માટે ઉતાવળા થયા છે. પ્રભુના દર્શનથી અનેક લોકોને સમાધી લાગી ગઈ છે. લાલાના દર્શન માત્રથી પોતાનું ભાન ભૂલી ગયા છે.
ભગવાન ભોલેનાથનું ગોકુળમાં આગમન :
આ સમયે શિવજી સમાધિમાં બેઠા હતા. જાગ્રત થયા પછી જાણ્યું કે ભગવાને અવતાર લીલા પ્રકટ કરી છે એટલે શ્રાવણ વદી દ્વાદશીના દિવસે શિવજી ગોકુળમાં આવ્યા. શ્રીમદ્ ભાગવતમાં આ પ્રસંગનું વર્ણન નથી પરંતુ અન્ય ગ્રંથોમાં છે. ભગવાન શ્રીકૃષ્ણ યોગેશ્વર છે અને શિવજી યોગીશ્વર છે. આ દિવસે યોગીશ્વર અને યોગેશ્વરનું મિલન થયું છે. ભગવાન શિવ નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે તો શ્રીકૃષ્ણ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે. ભગવાન શિવજી કહે છે જેમણે બ્રહ્માનંદ લેવો છે તેમણે થોડી નિવૃત્તિ લેવી જ પડશે. ચાહ ન છોડે એ મોહ કેમ છોડી શકે ? ભગવાન શ્રીકૃષ્ણ પ્રવૃત્તિ ધર્મને આદર્શ બતાવે છે. એકદમ પ્રવૃતિ કરે છે છતાં કોઈપણ પ્રવૃતિમાં આસક્ત નથી. તેમને માટે પ્રવૃત્તિ પણ નિવૃત્તિ સમાન છે. શિવજી સાધુ બનીને આવ્યા છે અને સાથે શૃંગી અને ભૃંગી નામના ચેલા છે. ઔર આયે સદાશિવ ગોકુલમેં. મહાત્માઓ આ લીલાનું વર્ણન અનેક રીતે કરે છે. આજ સુધી જે નિરંજન હતા તે આજે અપેક્ષાવાળા બન્યા છે. યશોદામૈયાનો નિયમ છે કે રોજ સાધુ-બ્રાહ્મણને જમાડવા. લોકો યશોદાજીને કહે છે કે આ સાધુ તો ભગવાન શિવજી જેવો લાગે છે. ભગવાન શિવ, સ્વરૂપને છુપાવે પણ તેજ ! તેજ જાય ક્યાં ? દાસીએ જઈને યશોદામૈયાને ખબર આપ્યા કે કોઈ સાધુ મહારાજ દ્વારે આવ્યા છે. યશોદાજીએ દાસી સાથે ફળોની ભિક્ષા મોકલી. શિવજી કહે છે મારે ભિક્ષા નથી લેવી મને તો બાલકૃષ્ણનાં દર્શન કરાવો.
नहि चाहिये तेरा मेवा मीठाई,
नहि चाहिए रत्नकी माया,
अपने लालाका दर्शन करा दे मैया,
मैं तो उसके दर्शनको ही आया।
યશોદાજીએ બારીમાંથી જોયું સાધુને માથે જટા છે, આંખો અર્ધી મીંચેલી છે, વ્યાઘ્રામ્બર પહેરેલું છે અને ગાળામાં સર્પ છે. માતા યશોદા વિચારે છે, “લાગે છે તો સાક્ષાત શંકર જેવા ! પણ મારો લાલો આને જુએ તો ડરી જાય. ” યશોદા વિનવે છે, “મહારાજ ! મારા લાલાને હું બહાર નહી કાઢું. તમારા ગળામાં રહેલા આ સાપથી મારો લાલો ડરી જાય.” દેવાધિદેવ, કૈલાસપતિ, મહાકાલ જેમનાં એક અવાજે ત્રણે ભુવન ડોલી ઉઠે એવાં ભગવાન શિવ યોગેશ્વરના દર્શન કરવાને માટે યશોદાજીને વિનવે છે, “મા ! તારો લાલો કોઇથીય ડરે એવો નથી, તારી ચિંતા ખોટી છે, મા ! તારો કાનો કાળનો ય કાળ છે, બ્રહ્મનો બ્રહ્મ છે, શિવનું ધન છે અને સંતોનું મન છે. તેને કોઈનો ડર ન લાગે.” પણ માતાનું મન માનતું નથી. તો સામે શિવજી પણ ક્યાં જાય એવાં છે ! શિવજી કહે છે, “મા ! તારા લાલાના દર્શન કર્યા વગર વિના હું અહીંથી જવાનો નથી. ખાધા પીધા વિના હું અહીં જ આસન જમાવીશ.” આમ કહીને ભોલેબાબા એક ઝાડ નીચે જઈને બેઠા અને કૃષ્ણ નામનો જાપ કરવા લાગ્યા. લાલાને ખબર પડી ગઈ કે શિવજી આવ્યા છે પરંતુ મા મને બહાર કાઢતી નથી તેથી તેણે રડવાનું શરુ કર્યું પરંતુ આનંદ ઉત્સાહના કોલાહલમાં કોણ તેનું સાંભળે ? લાલાએ રડવાનો અવાજ વધાર્યો. મા દોડતા આવ્યા પરંતુ લાલો કેમેય કરીને શાંત થતો નથી. લાલાને રડતો જોઇને ગોપીઓ પણ ત્યાં દોડતી આવી. એક ગોપીએ તો કહ્યું કે, “યશોદા મા પેલો બાવો ઝાડ નીચે બેસીને કંઈક મંત્ર જપે છે. યશોદા મા ગભરાયા. તેમણે ગુરુ શાંડિલ્યને ઝટ ઝટ બોલાવ્યા. ગુરુ બધું સમજી ગયા તેમણે યશોદાજીને સલાહ આપી, “આંગણે આવેલો સાધુ ભૂખ્યો રહે તે સારું નહી. તેને લાલાના દર્શન કરાવો.” યશોદાજીનું મન માન્યું નહી પણ છતાં લાલાને સુંદર કપડાં પહેરાવ્યા, મેશનું ટપકું કર્યું અને પછી બહાર લઈ આવ્યા. શિવજીને જોતાં જ બાલકૃષ્ણ હસવા લાગ્યા. શિવજીએ બાલકૃષ્ણને પ્રણામ કર્યા. હવે યશોદાજી પ્રસન્ન થયા અને સાધુ મહારાજને ઘરમાં બોલાવી ગયા. ત્યાં બેસાડી પૂછવા લાગ્યા કે, “હે મહારાજ ! મારા લાલનું ભવિષ્ય કહો.” લાલાની લીલા અલૌકિક છે. તેને શિવજીને મળવાની ઈચ્છા છે પરંતુ મા હજી તેને શિવજીના હાથમાં આપતી નથી. ભગવાન ભોલેનાથ કહે, “મા જ્યાં સુધી લાલો તમારી ગોદમાં હોય ત્યાં સુધી હું એના હાથની રેખા બરાબર કેવી રીતે જોઈ શકું ? માટે લાલાને લાવો મારી ગોદમાં.” હરિ અને હરનું મિલન થયું એટલે શિવજીને સમાધી લાગી ગઈ. ભગવાન શંકરના નેત્ર બંધ છે અને તેમની ગોદમાં રહેલો લાલો મંદ મંદ હસી રહ્યો છે. જાણે કહી રહ્યો હોય કે અમે તો એક જ છીએ. થોડી વાર પછી શિવજી કહે છે, “આ લાલો જગતનો રાજા થશે અને સોનાની નગરી વસાવશે. મા ! લાલાને બરાબર સાચવજો.” પછી અતિ આનંદમાં આવેલા શિવજીએ નૃત્ય કર્યું. નંદબાબાને ખબર મળ્યા એટલે તેઓ પણ ત્યાં દોડતા આવ્યા અને શિવજીને સાષ્ટાંગ દંડવત કર્યા. પછી શિવજી કૈલાસ પધાર્યા. જન્માષ્ટમીએ આ દિવ્ય કથાનું રસપાન આપે કર્યું છે. ભગવાન ભોલેનાથ અને ભગવાન કૃષ્ણની કૃપા આપ સૌ ઉપર ઉતરે એ જ અભ્યર્થના 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements