Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 305
શ્રાવણ વદ નોમ
પાર્થેશ્વર શિવલિંગનું મહત્વ
🌷🌸🍁☘️🌸🌺🚩💐
પાર્થ એટલે માટી અને શ્વર એટલે ઈશ્વર (માટીના ઈશ્વર). તેનું શ્રાવણ માસમાં ઘણું જ મહત્વ હોય છે. શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કલિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરુ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે.
પાર્થિવ પૂજનનું મહત્વ
પાર્થિવ એટલે પૃથ્વી તત્વની પૂજા, જે પૃથ્વીની શુદ્ધતાનું પ્રમાણ બતાવે છે. પ્રથમ ભગવાન વિષ્ણુએ માટીના શિવલિંગની પૂજા કરી હતી અને સહસ્ત્ર કમળના પુષ્પો ચડાવીને પૂજન કર્યું હતું. પાર્થેશ્વરને બાણ લિંગ તરીકે પણ ઓળખાય છે, તેની પાછળ એક ઐતિહાસિક કથા આવે છે. મહાભારતના યુગમાં પહેલા બાણાસૂર નામનો પ્રતાપી રાજા થયો. બાણાસુર શિવજીના ભક્તોમાંનો એક હતો. તેણે પરમ તત્વની પૂજા માટીના કોટિ શિવલિંગ બનાવીને કરી હતી, તેથી બાણ લિંગ કહેવાયા છે. બાર જ્યોતિર્લીંગમાનું એક ઘુસ્મેશ્વર જ્યોતિર્લીંગ તેનું જાગૃત પ્રમાણ છે. માટીના પાર્થેશ્વર બનાવા અને તેની પૂજા કરવી ઘણી કઠિન છે એટલે જ પાર્થેશ્વરની પૂજા દેવો અને દાનવોએ પણ કરી છે. દરેક ભક્તોએ પાર્થેશ્વરની પૂજા કરી ધન્યતા પ્રાપ્ત કરવી એ હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા છે.
કેવી રીતે કરવી પાર્થિવ પૂજા :-
આ પૂજન કરવા માટે પવિત્ર નદી અથવા તળાવ કે સરોવરની ચોખ્ખી માટી લાવીને ભગવાન
આશુતોષની કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ સવારે નાહી ધોઈને લાવેલ માટીમાંથી ૧/૧૧/૨૧ કે ૧૦૧ માટીના શિવલીંગ બનાવવા. તેમાં શુદ્ધ ગંગા-જમુના કે નર્મદા જળ ઉમેરીને આ શિવલીંગ બનાવવા. તેના માટે માટી, ગાયનું છાણ અને પંચામૃત ભેળવીને શિવલિંગ બનાવો. શિવલિંગ બનાવવામાં એ વાતનું ધ્યાન રાખો કે ૧૨ આંગળીથી ઉંચા ન હોય. તેનાથી વધુ ઊંચા હોવાથી પૂજાનું પુણ્ય મળતું નથી. આ શિવલીંગને ત્રાંબાના ત્રાસ અથવા થાળીમાં રાખવા અને તેના પર પવિત્ર જળનો ૐ નમઃ શિવાય મંત્ર વડે જળાભિષેક કરવો. જો એક મોટું માટીનું શિવલીંગ બનાવ્યું હોય તો તેના પર ત્રાંબાની લોટીથી અભિષેક કરવો. ત્યારબાદ તેના પર સૌભાગ્ય દ્રવ્યો અબીલ-ગુલાલ-અક્ષત વિગેરે ચડાવવા. ત્રણ પાનવાળા બિલીપત્ર ધોઈને ચડાવવા. ખંડિત બિલીપત્ર ન ચડે તેનું ધ્યાન રાખવું. સુગંધિત અત્તર પણ મહાદેવને ચડાવી શકાય. શિવને ધતૂરાના પુષ્પો પણ પ્રિય છે, તે પણ ચડાવવા. શિવપૂજન પુર્ણ થયા પછી ધૂપ-દિપ દ્વારા ભગવાન શિવની આરતી ઉતારી મનોકામના પૂર્તિ માટે શિવલિંગને પ્રસાદ ધરાવવો જોઈએ.
પાર્થિવ શિવલિંગ પૂજાનું મહત્વ :-
પાર્થિવ પૂજાથી અકાળ મૃત્યુનું જોખમ દુર થાય છે. શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજા બધા લોકો કરી શકે છે, પછી તે પુરુષ હોય કે પછી સ્ત્રી. બધા જાણે છે કે શિવ કલ્યાણકારી છે. જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિસર પૂજા અર્ચના કરે છે, તે દસ હજાર કલ્પ સુધી સ્વર્ગમાં વસવાટ કરે છે. શિવપુરાણમાં લખવામાં આવ્યું છે કે પાર્થિવ પૂજા તમામ દુઃખોને દુર કરીને તમામ મનોકામનાઓ પૂરી કરે છે. જો દરરોજ પાર્થિવ પૂજા કરવામાં આવે તો આ લોક તથા પરલોકમાં પણ અખંડ શિવ ભક્તિ મળે છે. પાર્થિવ શિવલિંગ સમક્ષ તમામ શિવ મંત્રોના જાપ કરી શકાય છે. રોગથી પીડિત લોકો મહામૃત્યુંજય મંત્રના જાપ પણ કરી શકે છે. દુર્ગાસપ્તશતીના મંત્રોના જાપ પણ કરી શકાય છે. શિવ ઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
[8/28, 7:57 Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 306
શ્રાવણ વદ દસમ
સમુદ્રમંથન કથા
🍁🌻☘️🌹🌸
શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર. પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ વાત જયારે દેવતાઓએ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્રમંથન માટે તૈયાર થઇ ગયો. વાસુકી નાગને દોરડુ બનાવી મંદરાચલ પર્વતની મદદથી સમુદ્રને વલોવામાં આવ્યો. સમુદ્ર મંથનની સાથે આ કુર્માવતારની પણ આ કથા છે, જ્યારે ભગવાન વિષ્ણુએ વિશાળ કુર્મ એટલે કે કાચબાનું રૂપ લીધું હતું. આમ, દૈત્યો અને દેવતાઓ સાથે મળીને સમુદ્ર મંથન કરવા લાગ્યા.
▶️ કાલકૂટ વિષ:-
સૌથી પહેલાં કાલકૂટ નામનું વિષ બહાર આવ્યું. આ વિષને શિવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું. કાલકૂટ વિષનો સંદેશ છે કે જ્યારે પણ મનને મથવામાં આવે તો સૌથી પહેલાં વિષ સમાન ખરાબ વિચાર જ બહાર આવે છે. આ ખરાબ વિચારોનો ત્યાગ કરવો જોઇએ.
▶️ કામઘેનુ:-
પવિત્ર કામધેનુ યજ્ઞની સામગ્રી ઉત્પન્ન કરનારી દિવ્ય ગાય હતી. એટલે ઋષિઓએ કામધેનુને રાખી લીધી. કામધેનુનો સંદેશ છે કે ગાય એ માતા છે અને તેનું દૂધ માનવ જીવન માટે પોષક છે.
▶️ ઉચ્ચેશ્વવા ઘોડો:-
ઉચ્ચેશ્વવા ઘોડો સફેદ હતો. તેને અસુરોના રાજા બલિએ રાખ્યો હતો. ઉચ્ચેશ્વવા ઘોડો મનની ગતિથી ચાલતો હતો. મન જો ભટકે તો તે અવગુણો તરફ જ આગળ વધે છે. તેનો સંદેશ છે કે, આપણે મનને અહીં-ત્યાં ભટકવા દેવું જોઇએ નહીં અને ભગવાન તરફ ધ્યાન લગાવવું જોઇએ.
▶️ ઐરાવત હાથી:-
ઐરાવત ખૂબ જ દિવ્ય અને સફેદ હાથી હતો, જેને દેવરાજ ઇન્દ્રએ રાખ્યો હતો. એરાવત હાથી શુદ્ધ બુદ્ધિનું પ્રતીક છે. અવગુણોથી મુક્ત દિમાગમાં પણ શુદ્ધ વિચાર હોય છે. વિચાર સારા રહેશે તો મન પણ શુદ્ધ રહેશે.
▶️ કૌસ્તુભ મણિ:-
કૌસ્તુભ મણિને ભગવાન વિષ્ણુએ હ્રદય ઉપર ધારણ કર્યો હતું. આ મણિ ભક્તિનું પ્રતીક છે. ભક્તિ જાગૃત થવાથી ભક્તને ભગવાનની કૃપા મળે એટલે ભગવાનના હ્રદયમાં સ્થાન મળે છે.
▶️ કલ્પવૃક્ષ:-
બધી ઇચ્છાઓને પૂર્ણ કરનાર વૃક્ષ કલ્પવૃક્ષ હતું, જેને દેવતાઓએ સ્વર્ગમાં સ્થાપિત કરી દીધું. કલ્પવૃક્ષ ઇચ્છાઓનું પ્રતીક છે. ભક્તિમાં અને મનને મથવાની ક્રિયામાં ઇચ્છાઓ ઉપર કાબૂ મેળવવો જરૂરી છે.
▶️ રંભા અપ્સરા:-
રંભા નામની અપ્સરા ખૂબ જ સુંદર હતી. તે પણ દેવતાઓ પાસે જતી રહી. અપ્સરા વાસના અને લાલચનું પ્રતીક છે. જ્યારે વ્યક્તિ કોઇ લક્ષ્ય પ્રત્યે આગળ વધે છે ત્યારે તેને ભટકાવતી અનેક વસ્તુઓ મળે છે પરંતુ વ્યક્તિએ ત્યાં અટકવું જોઇએ નહીં. આગળ વધતાં રહેવું જોઇએ અને ભક્તિથી ઇશ્વરનાં કૃપાપાત્ર બની શકાય છે.
▶️ દેવી લક્ષ્મી:-
દેવી લક્ષ્મીને દેવતા, દાનવ અને ઋષિ બધા પોતાની પાસે રાખવા માંગતા હતા પરંતુ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુનું વરણ કર્યું. લક્ષ્મી એટલે ધન. ધન તે લોકો પાસે જ રહે છે જે કર્મને મહત્ત્વ આપે છે અને ધર્મ સાથે રહે છે. ભગવાન વિષ્ણુએ અવતારોના માધ્યમથી કર્મ કરતા રહેવું અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો છે.
▶️ વારુણી દેવી:-
વારૂણી દેવીને દૈત્યોએ ગ્રહણ કર્યાં હતાં. વારૂણી એટલે મદિરા. નશો પણ એક અવગુણ છે.
▶️ ચંદ્ર:- 🌙
ચંદ્રને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યાં હતા. ચંદ્ર શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. જ્યારે મનથી બધા વિકાર દૂર થઇ જાય છે, ત્યારે મનને શાંતિ અને શીતળતા મળે છે.
▶️ પારિજાત વૃક્ષ:- 🌳
પારિજાત વૃક્ષનો સ્પર્શ કરતાં જ થાક દૂર થઇ જતો હતો. તેને પણ દેવતાએ ગ્રહણ કર્યું. પારિજાત વૃક્ષ શાંતિનું પ્રતીક છે. જ્યારે મનમાં શાંતિ અને શીતળતા આવી જાય છે ત્યારે શરીરનો થાક પણ દૂર થઇ જાય છે.
▶️ પાંચજન્ય શંખ:-
સમુદ્ર મંથનમાં પાંચજન્ય શંખ મળ્યો. તેને ભગવાન વિષ્ણુએ લઇ લીધો. શંખને વિજયનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ તેનો અવાજ પણ શુભ માનવામાં આવે છે, જે ઈશ્વરીય નાદ એટલે સ્વરથી ભરાઈ જાય છે.
▶️ ભગવાન ધન્વન્તરી અને અમૃત કળશ:-
સમુદ્ર મંથનમાં સૌથી છેલ્લે ભગવાન ધન્વન્તરી પોતાના હાથમાં અમૃત કળશ લઇને નીકળ્યા. ભગવાન ધન્વન્તરી નિરોગી આરોગ્ય અને નિર્મલ મનનું પ્રતિક છે. સમુદ્ર મંથનમાં 14માં નંબરે અમૃત નીકળ્યું. તેને જોતા જ દૈત્યોએ અમૃત કળશ છીનવી લીધો. દેવતાઓના સંકટને દુર કરવા માટે ભગવાન વિષ્ણુએ અતિ સુંદર મોહિનીરૂપ ધારણ કરી દૈત્યોથી અમૃત કળશની રક્ષા કરી. તેમણે દૈત્યોને મોહિત કરીને વિશ્વાસ અપાવ્યો કે તે દરેકને સમાન અમૃત આપશે અને બંનેને અલગ અલગ હરોળમાં બેસાડી પહેલા દેવતાઓને અમૃત પીવડાવ્યું અને દૈત્યોને મદિરા પીવડાવી. તેમાંથી રાહુ નામના દૈત્યને મોહિની પર શક થયો તેથી તેણે દેવતાનું જ રૂપ ધારણ કરી દેવતાઓની પંક્તિમાં બેસી ગયો. જેવું મોહિનીએ તેને અમૃત પીવડાવ્યું તરત જ ચંદ્ર અને સૂર્ય દેવતા તેને ઓળખી ગયા. તુરંત ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું પરંતુ અમૃત પાન કરી લીધું હોવાથી તે અમર થઇ ગયો હતો, જેથી તેનું માથું અને ધડ રાહુ અને કેતુ કહેવાયા અને તેઓ બે ગ્રહ બની ગયા. તેને કારણે જ ચંદ્ર અને સૂર્ય પર ગ્રહણ બને છે.
।। हर हर महादेव ।।
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Aachary: જીવનચરિત્ર કથા : ભાગ 307
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી (1896-1947) ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા. આજે તેમનો જન્મદિવસ છે.
💐…………………… 💐
તેમનો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૮૯૬માં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણિક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર ઝીંઝુવાડા પ્રાથમિક શાળા (માહિતી સ્ત્રોત શ્રી સુરૂભા ઝાલા), રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું. ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં ‘સૌરાષ્ટ્ર’ નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ ‘સૌરાષ્ટ્ર’માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ ‘કુરબાનીની કથાઓ’ ની રચના કરી કે જે તેમનનું પહેલુંયપ્રકાશીત પુસ્તક પણ રહ્યું.. એ પછી તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી. કવિતા લેખનમાં તેમણે પગલાં ‘વેણીનાં ફુલ’ નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંઘુડો’ – એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં. તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કીતાબ’ નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં ‘મરેલાનાં રુધીર’ નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં. મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની રચના કરી છે. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાનું માણસાઈના દીવામાં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર, અપરાધી વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે. રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૨૮) સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે, શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે. તેમનાં પુસ્તકો પણ પ્રકાશિત થયા છે. 👇
સૌરાષ્ટ્રની રસધાર
સોરઠી બહારવટિયા
સોરઠી સંતવાણી
દાદાજીની વાતો
કંકાવટી
રઢિયાળી રાત
ચૂંદડી
હાલરડાં
ધરતીનું ધાવણ
લોકસાહિત્યનું સમાલોચન
યુગવંદના
તુલસીક્યારો
વેવિશાળ
બોળો
કિલ્લોલ
વેણીના ફૂલ
સમરાંગણ
સોરઠ તારા વહેતા પાણી.
૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું હતું. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ચોટીલાના અઘોરવાસમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીનું ચોટીલાનું ઘર સદભાગ્યે આટલા વર્ષો પછી પણ સચવાયેલું છે. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીનાં જન્મસ્થળનું ઐતિહાસિક મકાન સરકારી તાલુકા ગ્રંથાલયની સામે આવેલું છે. આ મકાનમાં 2 ખંડ અને પાછળ નાનું ફળીયું છે. 2010માં 114મી મેઘાણી જયંતીના અવસરે રોજ સહુ પ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયું હતું. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવનને નિરૂપતું રસપ્રદ અને માહિતીસભર પ્રદર્શન, મેઘાણી-તક્તી, મેઘાણી-સાહિત્ય કોર્નરની અહીં સ્થાપના કરી છે. આ ઉપરાંત ચોટીલાનાં ભરતસિંહ ડાભીનો પણ આ સ્થળ માટે ખુબ જ મહત્વનો ફાળો રહેલો છે, જેઓ મારા મિત્ર પણ છે. અમે પણ મારા પિતાશ્રી ડો. ઇન્દ્રવદન આચાર્ય (પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી”) આ સ્થળની મુલાકાત લીધેલી છે. 19મી સદીમાં બંધાયેલા એ મકાનને જોતાં જાણે એ સમયમાં પહોંચી જતા હોઈએ એવુ લાગે. એ જમાનાનો ખંડ, જાડી દીવાલ, નાનકડું રસોડું, રસોડામાં વળી પાણીયારું, પુરાતન બારીઓ, માથે નળીયા.. એ મકાન મેઘાણી ચાહકો માટે હવે તો તીર્થસ્થાન બની ચૂક્યુ છે. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ
Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 308
શ્રાવણ વદ અગિયારસ : પંચાક્ષર મંત્ર ૐ નમ: શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ
🕉️🌹🕉️🌷🕉️🌻🕉️
સૃષ્ટિનો પહેલો ધ્વનિ ૐ એટલે કે ઓમકાર છે પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે. શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર મંત્ર મહાદેવે સૌપ્રથમ બ્રહ્માજીને આપ્યો હતો. ૐ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે. નમ : શિવાયને પંચાક્ષરીમંત્ર તથા ૐ ની સાથે બોલવાથી ષડાક્ષરીમંત્ર પણ કહેવાય છે. વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલાં છે, તેમાં સૌથી મહાન મંત્ર ૐ નમઃશિવાય ગણાય છે. આથી આને ‘મહામંત્ર’ પણ કહેવામાં આવે છે. આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે. ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર કરું છું. આ મહાદેવનો મહામંત્ર છે. સર્વમંત્રોનું બીજ પણ છે. આ મૂળમંત્ર છે. કોઈપણ જાતિ, જ્ઞાતિનાં માણસો માટેનો આ રામબાણ મંત્ર છે. આ મંત્ર આત્માને પરમાત્મા સાથે મેળવવાનું સૂચક છે. આ મંત્રજાપથી શિવજી પ્રસન્ન થાય છે. રૂદ્રાક્ષની માળાથી 108 વાર આ મંત્રજાપથી શિવજીની પૂજા થાય છે. આ મંત્ર પાંચ મહાભૂતો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરનારો છે. જગતગુરૂ શ્રી શંકરાચાર્યજીએ આ પ્રત્યેક અક્ષરનો અર્થ અને મહત્ત્વ દર્શાવતા કહ્યું છે કે :-
▶️ ૐ- બિંદુ યુક્ત એવો જે ઓંકાર- પ્રણવ કે ઇચ્છાઓના પૂર્ણ કરનાર અને મોક્ષ આપનાર છે. તેનું યોગીઓ નિરંતર ધ્યાન ધરે છે. તે ‘ઓંકાર’ રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો !
▶️ ન- દેવોનાં ઇશ્વર શંકરને ઋષિઓ, દેવો અને મનુષ્યો પ્રણામ કરે છે. મોટા મોટા નાગોનાં હાર પહેરનારા, ત્રણ નેત્રોવાળા, ભસ્મોને અંગે લગાડનારા શુદ્ધ અને દિશારૂપી વસ્ત્રવાળા એવા શંકરને મારા નમસ્કાર હો.
▶️ મ- ગંગાનાં જળયુક્ત ચંદનને ચોપડનારા, નન્દીનાં ઇશ્વર, પ્રથમનાં સ્વામિ અને મહેશ્વર તેમજ મન્દારનાં પુષ્પો વડે પૂજન કરાયેલા એવા તે ‘મકારાક્ષર’ રૂપ શંકરને મારા નમસ્કાર હો :
▶️ શિ- કલ્યાણ સ્વરૂપ, પાર્વતીનાં વદનરૂપ કમળને ખીલવનારા, સુંદર સુર્યરૂપ, દક્ષનાં યજ્ઞનો નાશ કરનારા, શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં વૃષનું ચિહ્ન છે. એવા ‘શકારાક્ષર’ રૂપ શંકરને મારા નમસ્કાર હો.
▶️ વા : વશિષ્ઠ, અગત્સ્ય, ગૌતમ વિગેરે મહામુનિઓ તેમજ દેવોએ જેમને માળાઓ, અર્પણ કરેલી છે, એવાં અને ચંદ્ર, સુર્ય અને વૈશ્વાનર (અગ્નિ) રૂપ ત્રણ નેત્રોવાળા તે વકારાક્ષરને મારા નમસ્કાર હો.
▶️ ય- યક્ષસ્વરૂપ, જટાને ધારણ કરનારા, જેમનાં હાથમાં પિનાક ધનુષ્ય છે એવા દિવ્ય, દેવ, સનાતન અને દિશારૂપી વસ્ત્રવાળા એવા યકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો.
‘ભગવાન શંકરનાં આ પવિત્ર એવા શ્રીમદ્ શંકરાચાર્યએ રચેલા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકર સમીપમાં પાઠ કરે છે તે શિવલોકમાં જઈને શંકર સાથે આનંદ સાથે નિવાસ કરે છે. ઓમ નમઃ શિવાય મંત્રનો દરરોજ જાપ કરવો, જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો. જાપ કરવા માટે આસન ઉપર બેસવું આસન કુશ અથવા ઉનનું હોય તો વધુ સારું. જાપ કરતી વખતે મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું. ચાલો આપણે મુખથી અને મનમાં રટણ કર્યા કરીએ. ૐ નમઃ શિવાય. મનમાં બોલાયેલો ઓમકાર પણ શરીરની તમામ ઇન્દ્રિયોમાં સ્પંદન જન્માવે છે તો ઓમકારનું રટણ શરીરનાં તમામ ચક્રોને જાગૃત કરવાનું કામ કરે છે. મનુષ્યે વહેલી સવારે ઊઠીને દેવનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ નિત્યકર્મથી પરવારીને સદાશિવની સેવા કરવી. સાયંકાલે શિવમંદિર જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ. નિષ્કામ મનુષ્યને ધર્મ વડે તેના પાલનથી ચિત્તની શુદ્ધિ થાય છે. જ્ઞાનનો વિસ્તાર વધે છે અને તે વધુ તેજોમય બને છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
