ધાર્મિક કથા : ભાગ 323
ઐતિહાસિક મંદિર : થાન માંડવ વનમાં આવેલું 10 મી સદીનું સ્થાપત્ય ધરાવતું મુનિબાવા શિવ મંદિર
🕉️ 🛕 🚩
ગુજરાતમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો પૌરાણિક ભૂભાગ એટલે દેવકો પંચાલ ઘણો ઐતિહાસિક છે. અહીં માંડવ્ય ઋષિની તપસ્યા ભૂમિ માંડવ વનનાં અનેક પવિત્ર સ્થાનો માહેનું એક પ્રાચીન શિવાલય એટલે આજે ઓળખાતું ‘મુનિબાવા’ મંદિર છે. ચોટીલાથી થાન જતા 6 કિમી અવલ્યા ઠાકરની જગ્યાંથી વાયવ્ય દિશા તરફ નજર કરો તો 10 મી સદીના સ્થાપત્ય અને ઇતિહાસને સંઘરીને બેઠેલું જર્જરિત અવસ્થામાં છે અને શિવમંદિર સુધી પહોંચવા માટે પગપાળા જઇ શકાય છે. ઉંચી ટેકરી પર આવેલા આ મંદિરમાં આવેલી કલાકૃતિઓ, બાંધણી, અને સ્થાપત્યોની એક અલગ જ ઓળખ રહી છે. માંડવ વન વિસ્તારમાં આ મંદિર પાસે એક તળાવ પણ આવેલ છે એટલે નયનરમ્ય દ્રશ્યો અહીં જોવા મળે છે. આ મંદિરની ઈતિહાસવિદો, સંસ્કૃતિ પ્રેમીઓ અને શિલ્પકારો તેની શિલ્પકલા માટે મુલાકાત લેતાં હોય છે. મુનીબાવા શિવ મંદિર વિષે વિદ્વાનોએ મંતવ્યો રજૂ કર્યા છે. આર્કિયોલોજીકલ સરવે ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા મુનિબાવા મંદિર જ લખે છે પરંતુ તેનું નામ મુનિબાવા મંદિર કેમ પડ્યું તેનો કોઇ સંદર્ભ મળતો નથી. લોકવાયકા મુજબ આ પ્રદેશમાં ઘણાં સાધુ સંતો તપસ્યા કરતા હતા માટે તે સમયે કોઇ મહાત્મા મૌન તપસ્યા કરી હશે તેથી મૌનીબાવા મંદિર નામ પડ્યાની લોક વાયકા છે. આ મંદિરનું અવલોકન કરતાં શાસ્ત્રી હરિશંકર પ્રભાશંકરે લખ્યું છે કે આ ધાર્મિક સ્થાપત્ય શિવાલય પૂર્વાભિમુખ છે. ચોકી મંડપ અને ગર્ભગૃહયુક્ત નિરંધાર પ્રકારનું છે. આ મંદિરની પ્રતિમાઓ અને શિલ્પોના અવશેષો સોમનાથ મંદિરની પ્રતિમાઓ અને શિલ્પો સાથે સામ્ય ધરાવે છે. જ્યારે વિદ્વાન ગોદાણી હરિલાલે લખ્યું છે કે આ મંદિરનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ મંદિરના સ્થાપત્યમાં કેટલાક લક્ષ્ણો ઉમેરાતા ગયેલા લાગે છે. ગુજરાતમાં મંડપના ગજતાલુનો પ્રથમ પ્રયોગ સૌ પ્રથમ આ મંદિરમાં જોવા મળે છે. મહાગુર્જર શૈલીના વારસારૂપ થતાં કંઈક અંશે સોલંકી શૈલીને અનુસરે છે. આ મંદિરની શૈલીના પ્રકાર પરથી સંભવત 10મી સદીના મધ્યકાલમાં નિર્માણ થયેલ હોવાનું અનુમાન થઈ શકે છે. ઝાલાવાડના રક્ષિત સ્મારકોમાં 1-1-1956થી રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલ પરંતુ અહીં કોઇ જાળવણી કરાઈ ન હતી. ૨૦૦૧ માં આવેલા ભુકંપમાં આ મંદિરને મોટું નુક્સાન થયું હતું. આ મંદિરમાં વર્ષ 2021 માં ખજાનો હોવાની લાલચે ચોરીનો પ્રયાસ થતા આ મંદિર લોકોના ધ્યાને આવ્યું હતું.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877