શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાંપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનુ વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે અનંત, વાસુકિ, શેષ, પદ્મનાભ, કંબલ, શંખમાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય એ નવ કુળના સર્પ, નવકુળ નાગ કહેવામાં આવ્યા છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આ જ વિચાર જનમાનસ પર વધુ શ્રધ્ધાવંત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે, આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે. આ દિવસે ખાસ કરીને ઘરનાં પુરુષવર્ગ ઘરની પૂર્વાભિમુખ દિવાલ પર પાણીયારા પાસે નાગ દેવતાની લાલ કંકુ કે કાળારંગથી આકૃતિ ચીંતરવામાં આવે છે. એ પછી રૂની દિવેટનાં હાર બનાવીને પ્રતિકૃતિ પર બન્ને છેડે ચોંટાડવામાં આવે છે, જે નાગલા કહેવાય છે અને ઘીનો દીવો કરી પૂજન કરે છે અને બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવૈદ્ય ધરાવે છે. ત્યારબાદ કંકુ-ચોખા ચઢાવીને નાગદેવતાની આરતી કરી પૂજન કરાય છે તેમજ શ્રીફળ પણ વઘેરાય છે. પુરુષો બાજરીનાં લોટની ઘી ગોળની કુલેરની લાડુડી બનાવી ફરાળ કરે છે અને તેનો પ્રસાદ વહેચાય છે. પૂજન કરનારી ઘરની વ્યક્તિ કુલેરને આરોગીને ફરાળ કરે છે. કેટલાક સ્થળોએ સ્ત્રી વર્ગ પણ ટાઢું જમી, કુલેર ખાઈને ‘નાગપંચમી’નું વ્રત રાખે છે. લોકો નાગને પિતૃ સમાન માની તેનું પૂજન કરે છે, જેથી પોતાનાં પરિવારને રક્ષણ મળે. આજનાં પર્વે નાગનાં દર્શન પવિત્ર મનાયા છે. દેશમાં ખેતી કરનારો વર્ગ નાગપૂજા કરી, તેમનાં પાકને તેનાથી રક્ષણ મળે તેવી કામના કરે છે. ગુજરાતમાં ચરમાળીયા નાગ (ચોકડી-ચુડા), શેષનાગ (ડીસા-ઢીમા), ગોંગા નારાયણ (દાહોદ), ભૂજિયો ડુંગર (ભૂજ), અર્બુદાનાગ (અંબાજી- આબુ), નાગનાથ (જામનગર), શેષનારાયણ (સોમનાથ પ્રભાસ) તથા સૌરાષ્ટ્રની સર્પભૂમિ થાનગઢમાં આવેલું વાસુકી દાદાનું મંદિર એ જાણીતા નાગતીર્થો છે. વાસુકી નાગનું પ્રાચીન ભારતવર્ષમાં પૌરાણિક મહત્ત્વ છે. થાનગઢનાં વાસુકી મંદિરનાં મહંતશ્રી ભરતગીરીએ જણાવ્યું હતું કે શંકર ભગવાનનાં ગળામાં શોભાયમાન એવા વાસુકી નાગનો ઉપયોગ સમુદ્રમંથન સમયે નેતરા તરીકે ઉપયોગ થયો હતો. પ્રિતમ તળાવનાં કિનારે આવેલું આ મંદિર એક હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું જણાય છે તેમજ આજ વિસ્તારના રમણીય વનમાં બાંડીયાબેલમાં પણ નાગમંદિર લખતર સ્ટેટનાં રાજાશાહીનાં સમયથી છે અને આજેય લખતર રાજય (વર્તમાન રાજવી 93 વર્ષીય ઠા. સા. શ્રી બલભદ્રસિંહજી ઝાલા) તરફથી આરતીમાં મશાલ આવે છે. આમ, નાગ-સર્પની પૂજા સર્વ ધર્મ સર્વ સંપ્રદાયોમાં કરવાનો રિવાજ છે. ।। श्री नवनाग स्तोत्र ।। अनन्तं वासुकिं शेषं पद्मनाभं च कम्बलं शन्खपालं ध्रूतराष्ट्रं च तक्षकं कालियं तथा एतानि नव नामानि नागानाम च महात्मनं सायमकाले पठेन्नीत्यं प्रातक्काले विशेषतः तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत ll इति श्री नवनागस्त्रोत्रं सम्पूर्णं ll ✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)