શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -7
તે દિવસથી શ્રી ગોવર્ધન પર્વત શ્રી ગિરિરાજજી તરીકે ઓળખાવા લાગ્યા. સમય વીતતો ગયો. શ્રી ગોવર્ધન પર્વત બંને નાના ભાઈઓ ની સાથે રમતા રમતા મોટા થવા લાગ્યા. એક દિવસ પુલત્સ્ય ઋષિ તીર્થ યાત્રા કરતા-કરતા શાલ્મલિ દ્વીપમાં આવી પહોંચ્યા. એમણે દ્રોણાચલ ને પોતાના ઘરે ઉતારો રાખ્યો. દ્રોણાચલ મન દઈને માનપૂર્વક ઋષિની સરભરા કરી. વિદાય લેવાનો દિવસ આવ્યો……. અને શ્રીહરિની પેલી અધૂરી રહેલી રહસ્યલીલા ની શરૂઆત થઈ.
” હે દ્રોણાચલ, આપ સર્વ પર્વતોના પતિ છો. આદરપૂર્વક સર્વ દેવો આપને પૂજ્ય ગણે છે. વળી આપનો અહોભાગ્ય છે કે આપની ઘરે ત્રણ ત્રણ સુશીલ અને દુર્લભ પુત્રોનું પ્રાગટ્ય થયું છે. આપને કોઈ વાતની ખોટ નથી…… પણ મને એક વાતની ખોટ સાલે છે………”
” આપતો ઋષિવર છો. સામર્થ્યવાન છો. આપને કોઈ વાતની કામના કે અછત હોઈ શકે, મહારાજ ?” દ્રોણાચલે દીનતા પૂર્વક ઋષિ ની મૂંઝવણ જાણવાનો પ્રયત્ન કર્યો.
” હે પર્વતરાજ ભારત વર્ષમાં હું અનેક સ્થળોએ ફર્યો છું. અનેક તીર્થોની યાત્રા કરી ચુક્યો છું. અને હવે કાશી નગરીમા સ્થાઈ. થઈ તપ કરવાનો નિર્ધાર કર્યો છે. વિશ્વનાથ મહાદેવજીનું એ પાવન ધામ છે. પતિતપાવની ગંગાજી ત્યાં મોક્ષદાયિની તરીકે વહે છે. મને એ નગરી અત્યંત પસંદ પડી ગઈ છે. પરંતુ મને તપ કરવાને લાયક એકાંત સ્થળ એ નગરી માં ક્યાંય નથી…..”
” તો એમાં હું આપને શું મદદ કરી શકું?”
” આપ મદદ કરી શકો તેમ છો. મને જોઈએ છે એવું એકાંત સ્થળ આપના સૌથી મોટા પુત્ર પાસે છે. હું ગોવર્ધન ને અહીંથી લઈ જઈ કાશી નગરીમાં ગંગાજીને કિનારે રાખીશ અને તેની એકાંત કંદરામાં બેસીને તપ કરીશ. મને આપનો ગોવર્ધન આપો.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ-8
દ્રોણાચલ ને માથે વીજળી ત્રાટકી. અન્નદાન હોઈ શકે, દ્રવ્ય નું દાન હોઈ શકે, ભૂમિ નું દાન હોઈ શકે…. પણ કંઈ પુત્ર હોઇ શકે?! પરંતુ બીજી તરફ ઋષિને નારાજ કરવાથી કેવળ અને કેવળ પ્રકારનો શાપ મળશે એ વાતનો ડર પણ સતાવી ગયો. આવી સંપત્તિને કઈ રીતે ટાળવી?
દ્રોણાચલે પોતાના ત્રણેય પુત્રોને પાસે બોલાવ્યા અને વાત્સલ્યપૂર્વક મસ્તક પર હાથ ફેરવી વિદાય લઈ રહેલા ઋષિ ને વંદન કરવા કહ્યું. ત્રણેય પુત્રો એ પુલતસ્ય ઋષિ ના ચરણ સ્પર્શી વંદન કર્યું. ઋષિ ના સૌથી મોટા પુત્ર શ્રી ગોવર્ધન ને નયન ભરીને નીરખી રહ્યા.
દ્રોણાચલે બે પળ માટે આખો મીંચીને કંઈક વિચાર કરી લીધો અને વચલો માર્ગ કાઢ્યો .
ઋષિવર અતિથિ સત્કાર ગૃહસ્થ નો ધર્મ છે હું પણ ગૃહસ્થ છું આપ મારા અતિથિ છો આપને સંતુષ્ટ કરી ને વિદાય આપવી જોઈએ. આપ જે માગો તે મારે આપવું જોઈએ. આપ મારા અત્યંત પ્રિય મોટા પુત્રની માગણી કરી છે તો હું એને આપને સોંપું છું. પરંતુ હવે એ ઉંમર લાયક થયો છે. બાર વર્ષ નું વય નાનું ન કહેવાય જરાક એની પણ શી ઈચ્છા છે એ જાણી લઈએ તો સારું……..” દ્રોણાચલે દીનતા પૂર્વક ની યુક્તિ શોધી કાઢી .
પુલતસ્ય ઋષિએ શ્રી ગોવર્ધન ની પીઠ પંપાળી અને વહાલ પૂર્વ દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવી.” બોલ બેટા તારે શું કહેવું છે? તું મદદરૂપ થઈશ મને તપ કરવા માં?”
શ્યામ સ્વરૂપના અંગ પર લાલ ધોતી લાલ ઉપરણુ અને લાલ પાઘ ધારણ કરીને શ્રી હસ્તમાં લાલ છડી લઈને શ્રી ગોવર્ધન બન્ને ભાઈઓ ની આગળ ઉભા હતા. મધુર સ્વરે એમણે ઋષિને એક પ્રશ્ન પૂછ્યો.
” હે મહારાજ અવિનય થાય તો ક્ષમા કરશો. પરંતુ હું જાણી શકું છું કે આપ મને કેવી રીતે લઈ જશો? હું આઠ યોજન લાંબો છું, બે યોજન ઉંચો છું અને પાંચ યોજન પહોળો છું.”
” પુત્ર એની ચિંતા તું ન કર મારા તપોબળથી હું તને સુખ થાય એ રીતે મારી હથેળીમાં બેસાડીને કાશી સુધી લઈ જઈશ.” ઋષિ તો હરખાઈ ગયા.
” તો પછી હું તૈયાર છું……. પરંતુ મારી એક શરત છે……”
” શી સરસ છે ?” ” એકવાર આપ મને જે ભૂમિ પર મૂકશો ત્યાંથી પછી હું પાછો નહીં ઉઠું…. બોલો,.. કબુલ ?”
” તારી આ શરતને પાળવા હું પ્રતિજ્ઞા કરું છું કે હું નિર્ધારિત સ્થળ કાશી નગરી સુધી ન પહોંચુ ત્યાં સુધી તને અન્ય કોઈપણ સ્થળે ભૂમિ પર નહિ મુકુ. વિશ્વાસ રાખજે.” ઋષિએ શ્રી ગોવર્ધન ની શરત પર પોતાની પ્રતિજ્ઞા ની મહોર મારી. સૌએ ભારે હૈયે શ્રી ગોવર્ધનને વિદાય આપી. પુલતસ્ય ઋષિએ પોતાના બળથી હાથથી હથેળી પર શ્રી ગોવર્ધન ને ધારણ કરી લીધા અને આકાશ માર્ગે ચાલી નીકળ્યા કાશી તરફ શ્રી હરિની લીલા નો બીજો અંક પુર બહારમાં ખીલ્યો………
શ્રી ગોવર્ધનનાથજી કી જય👏🏻👏🏻👏🏻
