ધાર્મિક કથા : ભાગ 137
અન્નપૂર્ણા માતાનું વૃત
અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. અન્ન ઓછું થાય નહિ અને જોઇએ તેટલી ભરપૂરતા રહે એવું કરનારી માતા એ અન્નપૂર્ણા માતા. મોટા જમણની રસોઇ આગળ કેટલાક શ્રદ્ધાળુ તે ખૂટે નહિ તે માટે ‘અન્નપૂર્ણા’નો પાઠ કરાવે અથવા તેના નામનો ઘીનો દીવો બાળે છે. આદિ શંકરાચાર્યએ મા અન્નપૂર્ણાની સ્તુતિમાં અન્નપૂર્ણા સ્તોત્ર રચ્યું છે. અન્નપૂર્ણા માતા મૂળ કાશીક્ષેત્રમાં વસતા હોવાનું માનવામાં આવે છે. આ કારણે તેમનું એક ભવ્ય મંદિર વારાણસીમાં આવેલું છે. આ ઉપરાંત ગુજરાતમાં ઘણા બધા શહેરો અને ગામોમાં અન્નપૂર્ણા માતાનાં મંદિરો આવેલાં છે, જે પૈકીનું એક અમદાવાદના રાયપુર વિસ્તારમાં પીપરડીની પોળમાં આવેલું છે. આ મંદિરમાં દર્શન કરવા માટે અન્નપૂર્ણા વ્રતના દિવસો દરમ્યાન ખૂબ જ ભીડ રહે છે.
▶️ વ્રત 👇
ગુજરાતી પંચાંગ પ્રમાણે માગશર સુદ છઠના દિવસથી અન્નપૂર્ણા માતાજીનાં વ્રતનો પ્રારંભ થાય છે જે ૨૧ દિવસ સુધી ચાલે છે. મોટેભાગે મહિલાઓ આ વ્રત કરતી હોય છે.
સર્વાનંદકારી સદા શુભકારી કાશીપુરાધિશ્વરી ।
ભિક્ષાન્ન દેહિ કૃપા વલંબન કરી માતાન્નપૂર્ણેશ્વરી ।।
ધાન્યનાં અધિષ્ઠાત્રી એટલે માતા અન્નપૂર્ણા જગતનાં અન્નને પૂર્ણ કરે છે. આપણે ત્યાં અન્નને બ્રહ્મ કહ્યું છે. ધાન્યનાં માતા અન્નનાં દેવી છે. તેઓ પર્વતરાજ હિમાલયનાં પુત્રી પાર્વતીનું સ્વરૂપ છે. માતા શિવજીના ૫ુરક છે, પોષક છે. એક વખત શિવજી માતા અન્નપૂર્ણા પાસે ‘ભિક્ષામ્ દેહિ’ કહીને ભિક્ષા માટે ઉભા રહે છે અને માતા પ્રેમથી શિવજીને અન્નનું દાન કરે છે. આ કથા ભુખ્યાંને તથા ભિક્ષુકને અન્નદાનનો મહિમા સમજાવે છે.
માગશર માસમાં મા અન્નપૂર્ણાના વ્રતનો મહિમા અનન્ય છે. ભક્તો ૨૧ દિવસ માટે વ્રત કરે છે. આ વ્રતની વિધિ પ્રમાણે એકવીસ સુતરના તારને ૨૧ ગાંઠો વાળીને દોરો તૈયાર કરવો. ફોટા કે મૂર્તિ પાસે બાજોઠ પર ઘઉં, લાલ વસ્ત્ર પર પાથરીને પાસે દીવો કરવો. માતાજીને અક્ષત, કંકુ, ચંદન, કેસરનું તિલક કરવું. ત્યારબાદ અન્નપૂર્ણા વ્રતની કથા વાંચવી. કથા સમયે પહેલો દોરો ધારણ કરવો તે પ્રમાણે ૨૧ દિવસ સુધી રોજ કરવું. ૨૧ દિવસ બાદ નાની ત્રણ કે પાંચ બાળાઓને જમાડવી અને દક્ષીણામાં કંકુ, ચુડી, બીંદી, બંગડી, માળા જેવી ચીજો દાનમાં કે ભેટ આપવી. બીજા માગસરમાં જુના દોરા પધરાવીને નવા દોરા ધારણ કરવા. મા અન્નપૂર્ણાનું વ્રત કરનારને ત્યાં કદી અન્ન ખુટતું નથી. અતિથિ, મહેમાનો કે અભ્યાગતોનું પોષણ કરવાની શક્તિ તથા સામર્થ્ય મળે છે. આ વ્રત સમયે એક ટાંણુ કરી શકાય. એક સમયે દુધ કે ફળાહાર લઈ શકાય. માતાની કૃપાથી ધરતી પર અન્નનું ઉત્પાદન થાય છે અને માનવીને માની કૃપાથી ધન-ધાન્યની પ્રાપ્તિ થતી રહે છે. અન્નનાં અધિષ્ઠાત્રી મા અન્નપૂર્ણાની કૃપા સદા ભક્તો પર અવિરત વહેતી રહે તેવી પ્રાર્થના. મા અન્નપૂર્ણાના ચરણોમાં શતકોટિ વંદન. નમસ્કાર.. 👏
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
