Explore

Search

November 21, 2024 12:37 pm

लेटेस्ट न्यूज़

લેક્ટોઝ ઈનટોલરન્સ : ડૉ.મંથન શેઠ by Varsha Shah

લેક્ટોઝ ઈનટોલરન્સ : ડૉ.મંથન શેઠ by Varsha Shah

લેક્ટોઝ ઈનટોલરન્સ:

ડૉ.

૨૬ વષની યુવતી અત્યંત ચિંતિત ચહેરા સાથે ઓ.પી.ડી.માં પ્રવેશે છે. “મને રોજ સવારે કે બપોરે જ્યારે કોફી પીઉં છું કે દિવસ દરમ્યાન દૂધ-દહીં કંઈ પણ લઉં છું તેના એકાદ કલાક બાદ પેટમાં કંઇક અજીબ જ ફીલ થાય છે. સાહેબ ક્યારેક બ્લોટીંગ જેવું તો ક્યારેક ગેસ થઇ જવો તો ક્યારેક તરત વોશરૂમ જવું પડે છે.” યુવતી આટલું જ જણાવે છે એમની ફરિયાદમાં ત્યાં તો એમની સહેલી સૂરમાં સૂર પૂરાવતા કહે છે કે “સર, શું આ લેક્ટોઝ ઈનટોલરન્સ જેવું તો નહીં હોય? ” બિલકુલ હોઇ શકે ! એટલે દર્દી પૂછે છે, “લેક્ટોઝ ઈનટોલરન્સ એટલે શું?” વેલ, દૂધ તથા દૂધની બનાવટમાં લેક્ટોઝ નામનો પદાર્થ રહેલો છે. આ લેક્ટોઝ એટલે એક પ્રકારની સુગર (શર્કરા). આ લેક્ટોઝને પાચન માટે લેક્ટેઝ નામના એન્ઝાઇમની જરૂર પડે છે. નાનું આંતરડું આ એન્ઝાઇમને બનાવે છે. જ્યારે આ એન્ઝાઇમ પૂરતા પ્રમાણમાં ના હોય ત્યારે લેક્ટોઝ નાના કણમાં તૂટવા અક્ષમ બની જાય છે અને એને લેક્ટોઝ ઈનટોલરન્સ કહેવાય. હવે આ લેક્ટોઝ મોટા આંતરડામાં પ્રવેશે છે. મોટા આંતરડામાં સામાન્ય રીતે રહેલ બેક્ટેરિયા આ વ્યવસ્થિત નહીં પચેલા લેક્ટોઝ સાથે સંપર્કમાં આવે છે અને બ્લોટિંગ, ગેસ, ઝાડા જેવાં લક્ષણો સર્જે છે. આ સ્થિતિને લેક્ટોઝ ઈનટોલરન્સની સાથે સાથે લેક્ટેઝ ડેફિસિયન્સી (ઉણપ) તરીકે પણ ઓળખાય છે.

કોણ કોણ આનો શિકાર છ?
આ રોગ ગંભીર બિલકુલ નથી પણ બિનઆરામદાયક હોવાથી ખૂબ જ અપ્રિય બની રહે. એશિયા અને આફ્રિકાના લોકોમાં સૈાથી વધુ જોવા મળે. અમેરિકામાં ક્લિવલેન્ડ ક્લિનિક અનુસાર ૩ કરોડ તો ભારતમાં તથા ઓવરઓલ વર્લ્ડમાં લગભગ ૭૦% લોકોમાં આ જોવા મળે છે. યુરોપનાં લોકોમાં આ સૈાથી ઓછું છે.

કઇ રીતે શરૂઆત થાય? કઇ રીતે પારખી શકાય?
દૂધ કે દૂધની બનાવટની વસ્તુઓ પીધા કે ખાધા બાદ ૩૦ મિનિટથી લઈ ૨ કલાક સુધીમાં જો તમને ઉબકા, પેટમાં દુ:ખાવો, પેટમાં બ્લોટિંગ, ગેસ થવો, ઝાડા થવાં વગેરે લક્ષણો જણાય તો લેક્ટોઝ ઈનટોલરન્સની નિશાની છે.

કેટલાં પ્રકાર છે?
ઉંમર સાથે વયસ્કોમાં જોવા મળતો પ્રાથમિક પ્રકાર, ત્યારબાદ સેકન્ડરી કે જે માંદગી કે ઈજાને કારણે થાય છે. જેમાં આંતરડાના રોગ જેવાં કે ઈન્ફલેમેટરી બાઉલ ડિસીઝ, સર્જરી વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રકાર કન્જેનાઇટલ (જન્મથી) છે કે જે ડિફેક્ટીવ જીનને કારણે થતો હોય છે. ખૂબ જ જૂજ છે. આ જ પ્રકારમાં પ્રિટર્મ (૩૪ વિક પહેલા) જન્મેલા બાળકમાં થતાં ડેવલોપમેન્ટલ લેક્ટોઝ ઈનટોલરન્સનો સમાવેશ થાય છે.

નિદાન અને સારવાર શું છે?
નિદાન કરવાં પ્રાથમિક સ્તરે આ લક્ષણો જોવાં મળે ત્યારબાદ લેક્ટોઝ ઈનટોલરન્સ ટેસ્ટ, હાઇડ્રોજન બ્રિથ ટેસ્ટ, સ્ટૂલ એસિડિટી ટેસ્ટની મદદ લેવામાં આવે છે.
સૌથી શ્રેષ્ઠ સારવાર આહારમાં દૂધ કે દૂધની બનાવટોનો ઉપયોગ ટાળવો, અથવા ઓછા પ્રમાણમાં લેવું. લગભગ અડધું કપ દૂધ મોટા ભાગે આવા દર્દીઓમાં તકલીફ નથી કરતું. વળી, લેક્ટોઝ ફ્રી દૂધ પણ મળે છે જેનો ઉપયોગ કરી શકાય. લેક્ટેઝ એન્ઝાઈમ કૅપ્સ્યુલ, ગોળી, ટીપાં વગેરે સ્વરુપે લઈ શકાય.

દૂધ ના લઈએ તો શું ઉણપ આવી શકે?
કેલ્શિયમ, વિટામિન ડી, રિબોફ્લેવિન, પ્રોટીન વગેરેની ઉણપ સર્જાઈ શકે. પરંતુ, જો એ તમારાં આહારમાં સંતુલિત પ્રમાણમાં લો તો ચિંતા કરવા જેવું કંઈ નથી. દૂધના ફાયદાઓ અંગેની બધી વાત બાજુએ મૂકી દઈએ તો તમને ખરેખર આ તકલીફ હોય અને સમગ્ર દિવસ દરમિયાન ફીલ ગુડ નથી લાગી રહ્યું અને દૂધ કે એની બનાવટનો ત્યાગ કરો તો કઈં ખોટું નથી અને આ જ બેસ્ટ ઈલાજ છે. ડાયેટમાં દૂધ કે દૂધની બનાવટની ચીજવસ્તુઓનો ઉપયોગ બંધ થતાં મોટા ભાગના લક્ષણો દૂર થઈ જાય છે.

ઇત્તેફાક્ :

રક્તરંજિત કરીને છોડશે એ,
જીભ તારી અગર કટાર થશે.
કોઈને તારે લીધે હાશ થશે,
એ જ તારી ખરી નમાજ થશે.-સુનીલ શાહ

— ડૉ. મંથન શેઠ.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग