ધાર્મિક કથા – ભાગ 329
ભગવાન ગણેશજીનો મહિમા અને તેમનાં મુખ્ય 12 નામ
🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻
કોઈ પણ કાર્યનો આરંભ કરતી વખતે પ્રથમ ગણપતિને યાદ કરવામાં આવે છે, કેમ કે ગણપતિ બધા ગણોના અધિપતિ છે. બુદ્ધિના અધિષ્ઠાતા છે. તેમની પૂજાથી બુદ્ધિ વિનમ્ર થાય અને સદ્બુદ્ધિ પ્રાપ્ત્ થાય છે. આપણા ધર્મગ્રંથોમાં શ્રી ગણેશની ત્રણ વ્યાખ્યા છે. (૧) આધિભૌતિક (૨) આધિદૈવિક અને (૩) આધ્યાત્મિક. શ્રી ગણેશ વૈદિક દેવ છે. રુદ્રની ‘અષ્ટાધ્યાયી’ની શરૂઆત ગણેશજીના ધ્યાનથી થાય છે. ‘શ્રી ગણપતિ અર્થવર્શીષ’ની રચના શ્રી ગણેશ વૈદિક દેવ હોવાની સાબિતી છે. હિન્દુ ધર્મના પંચાયતનમાં પાંચ મુખ્ય ઉપાસના રૂપોમાં શ્રી ગણેશનો સમાવેશ થાય છે. ગણેશપુરાણ અનુસાર ગણેશની જન્મતિથિ માગશર સુદ ચોથ છે અને ભાદરવા સુદ ચતુર્થી એ મહાસિદ્ધિ વિનાયકી ચોથ કહેવાય છે અને ધામધૂમથી ઊજવવામાં આવે છે કારણ કે ગણપતિ લોકદેવતા છે. ગણપતિ શબ્દનો અર્થ લોકનાયક થાય છે. ગણેશજીને ચોથ અતિપ્રિય છે; એટલે જ માગશર સુદ ચોથ, મહા સુદ ચોથ, વૈશાખ સુદ ચોથ અને ભાદરવા સુદ ચોથ એ ગણેશજીની ઉપાસના કરવાની તિથિ ગણાય છે. ગણપતિ બાપ્પાના સ્વરૂપ પાછળ ગહન અર્થ છુપાયેલો છે. તેમનું હાથી જેવું મોટું માથું જીવનમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે. સમગ્ર પ્રાણીઓમાં હાથી બુદ્ધિશાળી અને ધીરગંભીર પ્રાણી છે. ગણેશજી પણ ભારે બુદ્ધિશાળી ગણાય છે. તેમના સૂપડા જેવા મોટા કાન જ્ઞાનશ્રવણનું પ્રતીક છે. તેઓ બધું સાંભળે છે પરંતુ માત્ર સાર ગ્રહણ કરે છે. તેમનું સૂંઢ જેવું લાંબું નાક કુશાગ્ર વિવેકબુદ્ધિનું દર્શન કરાવે છે. તેમની ઝીણી આંખો દૂરદૃષ્ટિ અને ગુણગ્રાહકતાનું પ્રતીક છે. તેઓ દૂરથી ઝીણામાં ઝીણી વસ્તુ પણ જોઈ શકે છે. તેમનું ગાગર જેવું વિશાળ પેટ એ ગંભીરતા અને ઉદારતાનું પ્રતીક છે. જીવનમાં કડવા-મીઠા અનુભવોને પચાવવાની અને સમજપૂર્વક ધારણા કરવાની શીખ આપે છે. તેમના ટૂંકા પગ બુદ્ધિનું લક્ષણ છે અને લાંબા હાથ સૌભાગ્યનું લક્ષણ છે. તેમના દાંત ચતુરાઈ અને વ્યવહારકુશળતાનું પ્રતીક છે. તેમનો આખો દાંત શ્રદ્ધાનું અને અડધો દાંત બુદ્ધીનું પ્રતીક છે. તેમના ચાર હાથમાં પરશુ, પાશ, લાડુ અને કમળ છે. પરશુ સંકટનો નાશ કરે છે. પાશ ભવસાગર તારે છે. લાડુ મધુરતાનો ગુણ સૂચવે છે જે ભૌતિક સુખ-સમૃદ્ધિનો સૂચક છે. કમળ આધ્યાત્મિક વિકાસનું પ્રતીક છે. તેમનું વાહન મુષક-ઉંદર છે જે કાળનું પ્રતીક છે. ગણેશજી નિગુર્ણ, નિરાકાર, અજરામર એવા દેવ છે. તેમને લાલ રંગ પ્રિય છે. તેમના સ્થાપનનું કપડું લાલ રંગનું, નાડાછડી, કંકુ, જાસૂદનું ફૂલ બધું જ લાલમલાલ… કેમ કે તેમની જ્યાં પધરામણી થાય ત્યાં લાલી પથરાઈ જાય છે.
👉 ગણેશજીનાં અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે. 👇
સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877