જીવનચરિત્ર કથા : ભાગ 347 ગાંધીયુગનાં કવિ પ્રહલાદ પારેખ (1912-to-1962) નો આજે જન્મદિવસ : Manoj Acharya

Views: 9
0 0
Spread the love

Read Time:4 Minute, 20 Second

જીવનચરિત્ર કથા : ભાગ 347
ગાંધીયુગનાં કવિ પ્રહલાદ પારેખ (1912-1962) નો આજે જન્મદિવસ છે. 🌹


‘પ્રભુજીને પડખામાં રાખ મા પૂજારી, તારા આત્માને ઓઝલમાં રાખ મા, વાયુ વીંઝાશે ને દીવડો ઓલવાશે, એવી ભીતિ વંટોળિયાની ભાખ મા’ જેવા આજેપણ લોકપ્રિય ભજનના રચયિતા પ્રહલાદ પારેખનો જન્મ તા. 12 ઓક્ટોબર 1912 નાં રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા અને તેમણે ગદ્યકથા, બાળવાર્તા તથા બાળકાવ્યનું પણ સર્જન કર્યું હતું. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શ્રી દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં પૂર્ણ કર્યા પછી તેમણે ગૂજરાત વિદ્યાપીઠ તથા શાંતિનિકેતન ખાતે અભ્યાસ કર્યો હતો. આ સમયે રવિન્દ્રનાથ ટાગોરના સાનિધ્યમાં એમણે કવિતા લેખનની શરૂઆત કરી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમણે શિક્ષક તરીકે કારકિર્દી સ્વીકારી હતી. ૧૯૩૭માં વિલેપારલેની પ્યુપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાય પછી બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫ થી તેમના અવસાન સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક રહ્યા હતા. તેમણે સ્વતંત્રતાની લડતમાં સક્રિયપણે ભાગ લીધો હતો, જેના કારણે એમને જેલમાં પણ જવું પડ્યું હતું. આ કવિના ‘બારી બહાર’ (1940) કાવ્યસંગ્રહથી ગાંધીયુગીન ગુજરાતી કવિતાથી જુદી તરી આવતી સૌન્દર્યાભિમુખ ધારાનો નવરોમાંચ અનુભવાય છે. ગાંધીયુગની સ્વાતંત્ર્યાદિ ભાવનાઓને આ કવિ પોતાનાં કાવ્યોમાં સ્પર્શતા નથી. એ સમયે પ્રચલિત કાવ્યનાં બહિરંગી પરિવર્તનોથી પણ ઊફરા ચાલી ‘રસૈકલક્ષી’ રહીને કાવ્યસર્જન કર્યાં હતા. હૃદયના મુલાયમ ભાવોને નિરૂપવામાં વર્ષા, તારક વગેરેનાં લયવાહી સ્વરવ્યંજનાની સંકલનાવાળાં મનોરમ સુરેખ ચિત્રોના આલેખનમાં અને માનવીય સંવેદનના વૈવિધ્યભર્યા ભાવલોકના પ્રકટીકરણમાં આ કવિએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. માનવ અને પ્રકૃતિની સૂક્ષ્મતાને એમણે કલાત્મકતાથી કાવ્યમાં ઝીલી છે. અમૂર્ત ભાવોને આ કવિ લયની મનોહર લીલાથી સજીવતા અર્પે છે. ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો…’થી આરંભાતું ‘આજ’ કાવ્ય, નખશિખ સુંદર ‘વિદાય’ સૉનેટ, પુષ્પો તેમજ દરિયા વિશેનાં લયાન્વિત ઋજુ ગીતો, ‘પરાજયની જીત’ જેવું મનોહર અને ‘દાન’ જેવું અનુસર્જનાત્મક ખંડકાવ્ય વગેરે અનેક રચનાઓ પ્રહલાદની ઉત્તમ કવિ તરીકેની છબીને ઉપસાવે છે. ‘સરવાણી’ (1948) નામક ગીતસંગ્રહનો કવિએ ‘બારી બહાર’ની બીજી આવૃત્તિમાં સમાવેશ કરેલો છે. કાવ્યો ઉપરાંત ભાઈબહેનના શૈશવજીવનનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કરતી ‘ગુલાબ અને શિવલી’ (1938) નામક ગદ્યકથા આપી છે. તેમણે લાંબી બાલવાર્તાઓ (‘રાજકુમારની શોધમાં’ અને ‘કરુણાનો સ્વયંવર’), બાલકાવ્યો (‘તનમનિયાં’) પણ લખ્યાં છે, જે હજુ અપ્રગટ છે. ‘રૂપેરી સરોવરને કિનારે’ (1962) અને ‘અજાણીનું અંતર’ અનુક્રમે મિસિસ લોરા ઇન્ગોલ્સ બાઇલ્ડરની ગદ્યકથા અને સ્ટીફન ઝ્વાઇગની નવલકથાના એમણે કરેલા અનુવાદો છે. ‘શિસ્તની સમસ્યા’ (1962) એ એમની પરિચય પુસ્તિકા છે. એમનાં કેટલાંક કાવ્યોનું સંપાદન ચંદ્રકાન્ત શેઠ, વિનોદ જોશી વગેરે એ કર્યું છે. કવિ પ્રહલાદ પારેખનું અવસાન તા. 2 જાન્યુઆરી 1962 ના રોજ થયું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *