ધાર્મિક કથા : ભાગ 350
શરદપૂર્ણિમા : સત્ ચિત્ત આનંદ સ્વરૂપા
વિક્રમ સંવતનાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે, જે એક માણવા લાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે, જેને દુધપૌંઆ કહેવાય છે. સાથોસાથ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે. હિંદુ ધર્મમાં શરદ પૂર્ણિમાની રાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ રાત્રે ચંદ્ર સંપૂર્ણ રીતે ચમકે છે એટલે કે ચંદ્ર 16 કલાઓથી સજ્જ હોય છે અને તે રાત્રે અમૃતનો વરસાદ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સમુદ્રમાંથી લક્ષ્મી માતા પ્રગટ થયા હતા. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ આ દિવસે મા લક્ષ્મીની પૂજા કરે છે તેના જીવનમાં ધન-ધાન્યની કમી ક્યારેય નથી આવતી. શરદપૂનમ ઝગમગ ચાંદનીથી આભ અને ધરતીને એક અનોખા મંગલ ''સૌંદર્યમાં પરિવર્તિત કરી દે છે. જાણે સર્વત્ર-સર્વમાં ચાંદની સ્વરૂપ પ્રભુનું દર્શન થાય છે. ગીતાજીના દસમા અધ્યાય - વિભૂતિયોગમાં ભગવાન કહે છે ''નક્ષત્રાણામ્ અહં શશિ''.... (નક્ષત્રોમાં ચંદ્ર હું છું.) વિષ્ણુસહસ્ત્રનામોમાં પણ ચંદ્ર સાથે જોડાયેલાં નામ-પ્રકાશરૂપ, નક્ષત્રાણામ્ પતિ, ઔષધિનામ્ પતિ, લલિતઃ સૌમ્યરૂપઃ, રૂપાણામ્પતિઃ દીપ્તિઃ, અમૃતસ્ય પ્રદાતા, મુદમ્રતિઃ શુચિઃ, નંદયિતા, ગૌરઃ વગેરે જાણવા મળે છે. જેનું દર્શન શરદપૂનમે કરી શકાય. શરદપૂનમ ઝલમલ ચાંદનીના પ્રકાશથી આભ અને ધરતીને એક અનોખા સૌંદર્યમાં પરિવર્તિત કરી દે છે. શરદપૂનમનાં પૂર્ણ ચંદ્ર અને ચાંદની જાણે મંગલમય પ્રભુનું સ્વરૂપ છે. શરદપૂનમના શીતળ પ્રકાશથી મઢયું સમગ્ર વાતાવરણ.. જાણે (માતાનો) ''વત્સલ'' ખોળો. ચોમેર નજર નાંખીએ તો લાગે કે જાણે સમસ્ત સૃષ્ટિ શરદપૂનમના પ્રકાશમાં પ્રફુલ્લિત થઈ રહી છે. ''ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રના જ'' એવું ગાતો સમય પણ ભાવાનુભૂતિમાં સ્થિર થઈ ગયો હોય છે. શરદપૂનમને ''માણેકઠારી'' પણ કહે છે. માણેક (રત્નની) દિવ્ય શીતળતા માંગલ્ય શરદપૂનમમાં અનુભવાય છે. સૌમ્ય... સુંદર ઠંડકની મધુર માદકતા તેમાં છે. સમગ્ર સૃષ્ટિ એટલે કે સમગ્ર પંચતત્ત્વો (તેજ, જળ, ભૂમિ, આકાશ, અગ્નિ) બધાં મધુરતાનો લય પામ્યાં છે. શરદપૂનમનું ચૂંબકીય વ્યક્તિત્વ છે, જે સૌને આકર્ષે છે ને પોતાનારૂપ બનાવે છે. શરદપૂનમના દર્શનથી પવિત્ર ભાવ અનુભવાય છે, તેથી તે દ્રષ્ટિપૂત છે. તેનું દર્શન બત્રીસ કોઠે ઠંડક આપનારું છે. યુગોથી આવો મંગલ સમૃદ્ધિ આપનાર શરદપૂનમનું શાશ્વત મૂલ્ય છે. શ્રીકૃષ્ણની રાસલીલાના મધુર, સ્મરણનો મલકાટ પણ તેના દર્શનમાં છે. શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ ભગવાનની રાસલીલાનું વર્ણન છે. આ દિવસે વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણે રાસલીલા કરી હતી તે અવિસ્મરણીય છે. ભગવાન શ્રીકૃષ્ણનો આ મહારાસ દિવ્ય છે. વૃંદાવનના આ મહારાસે ગોપીઓને ઘેલી બનાવેલી હતી અને ગોપીઓને આ રાસલીલા દ્વારા પ્રભુએ અપાર પ્રેમ-ભક્તિ આપ્યા હતા. શ્રીમદ્ ભાગવતમાં શુકદેવજી કહે છે : “હે પરીક્ષિત ! પ્રભુની બધી લીલાઓ દિવ્ય છે. તેમાં રાસલીલા તો અતિ દિવ્ય જ છે. બધી રાત્રિઓમાં શ્રેષ્ઠ રાત્રિ શરદપૂર્ણિમાની છે એટલે જ પ્રભુએ યમુનાના કિનારા ઉપર આ દિવ્યલીલા કરી છે.”
સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીએ પણ આ દિવ્ય રાસલીલાનો મહિમા ગાતાં ગાયું :
‘એ કહાન કુંવરની ક્રીડા રે, ગરવ તજી પ્રેમે ગાશે;
બ્રહ્માનંદ કહે મટે ભવ પીડા રે, અંતર નિષ્કામી થાશે…
ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલૂણો રાસ રમે;
ધન્ય ધન્ય એ નારી વ્રજની રે, ગિરિધરને મનમાંહી ગમે.’
શ્રી વ્યાસ મુનિએ શરદપૂનમનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે – ”જેમ યદુપતિ શ્રીકૃષ્ણ યાદવ મંડળથી વીંટળાઇને પૃથ્વી ઉપર શોભતા હતા તેમ, અખંડ મંડળવાળો શરદઋતુનો ચંદ્ર આકાશમાં નક્ષત્રોથી વીંટળાઈને શોભવા લાગ્યો. શરદપૂનમના ચંદ્રના શીતળ પ્રકાશભરી ભૂમિનું ચોમેર દર્શન કરવું તે શરદપૂનમના ચંદ્રની પર્યુપાસના છે, ચારેબાજુની આરાધના છે. ચિંતકો તો ભાવવિભોર બની શરદપૂનમના સમગ્ર વાતાવરણનું શુક્લ (પવિત્ર નિર્મળ) ધ્યાન ધરે છે. આવા અદ્ભૂત વાતાવરણમાં અવગાહન (સ્નાન….અધ્યયન) કરે છે. શરીરનો આધાર મસ્તિષ્ક છે. જો તેને ઠુંડું-શીતળ રાખવામાં આવે તો વ્યક્તિ દીર્ઘાયુષ્ય પામે છે. આ દ્રષ્ટિએ પણ શરદપૂનમનું મહત્વ છે. તેનો ઠંડો, શીતળ પ્રકાશ ઔષધ છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂનમના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવાની સાથે ચાંદની રાતે દૂધપૌંઆ તૈયાર કરીને રાખવામાં આવે છે અને તે પ્રસાદ માનીને આરોગવામાં આવે જે આયુર્વેદની દ્રષ્ટિએ પણ લાભપ્રદ માનવામાં આવે છે. આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે, જેનુ સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે. આ સમગ્ર સૃષ્ટિનો સર્જક પરમાત્મા પ્રેમપૂર્ણ છે. મંગલમય છે. આનંદથી પુલકિત કરનાર છે. શરદપૂનમ તો પરમાત્માનું મંગલ-પ્રસન્ન, સત્-ચિત્-આનંદ સ્વરૂપે છે. આવો… તેનું ભાવપૂર્વક દર્શન કરી રોમેરોમમાં આનંદ.. પવિત્રતા અને શાંતિ ભરીએ. जय हो। 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877