સિક્કા ની બીજી બાજુ : – સૌજન્ય કાજલ ઓઝા વૈદ્ય / Varsha Shah

Views: 69
0 0
Spread the love

Read Time:11 Minute, 25 Second

❇️
🌷 સિક્કા ની બીજી બાજુ 🌷

     .... કેબિનનો દરવાજો ખોલી પ્યૂને હળવેક રહીને ટેબલ પર વિઝિટિંગ કાર્ડ મૂક્યું. કાર્ડ મૂકીને એ ગયો નહિ. ઊભો રહ્યો. કાગળમાંથી માથું ઊંચકીને પૂછ્યું: ‘કેમ?’

‘કોઈ ભાઈ બહાર મળવા આવ્યા છે. કહે છે કે…’

વિઝિટિંગ કાર્ડ ઉપર નજર ફેંકી- ભગીરથ પંડ્યા. બી.એ. બી.કૉમ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. એકદમ ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો. પ્યૂનને પૂછ્યું:
‘ક્યાં છે? ક્યાં છે આ ભાઈ?’

‘બહાર સોફા ઉપર બેસાડ્યા છે…’

‘બોલાવો, બોલાવો એમને…’

ભગીરથભાઈ આવ્યા. ઉષ્માથી ભેટ્યા. ખબરઅંતર પૂછ્યા. ચા પીતાં પીતાં પૂછ્યું; ‘ઘણાં વર્ષે મળ્યા, નહિ ?’

‘હા, સાત-આઠ વર્ષ થઈ ગયા.’

‘નોકરી છોડી દીધી?’

‘હા. ત્રણેક વર્ષ થઈ ગયાં. પ્રેક્ટિસ શરૂ કરી દીધી. આજે એક કંપનીનું ઑડિટિંગ હતું એટલે અહીં આવ્યો છું. કામ પૂરું થયું કે મળતો જાઉં. થોડું શોપિંગ પણ કરવું છે એટલે સાથે નીકળીએ એ ગણતરીથી…’ અને ઘડિયાળમાં જોઈને કહ્યું, ‘ઑફિસ સમય તો પૂરો થયો ને?’

શૉપિંગ અને તે પણ ભગીરથ પંડ્યા જોડે? આ વિચારથી મનમાં થોડી ગભરામણ થવા લાગી. વર્ષો પહેલાં પંડ્યાજી જોડે જ્યારે જ્યારે શૉપિંગમાં ગયા છીએ ત્યારે ત્યારે દુકાનદાર જોડે જે ઝઘડા થયા છે, એ અકળામણભર્યા અનુભવ યાદ આવ્યા વિના રહ્યા નહિ. ભગીરથભાઈને દુર્વાસા મુનિની પ્રકૃત્તિ વારસામાં મળી હતી. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. કોઈનું સાંભળે નહિ. દુકાનદારને અમુક વસ્તુ બતાવવાની કહી હોય અને બીજી વસ્તુ લાવે તોપણ એને ખખડાવી નાખે.

આવી પ્રવૃત્તિવાળા પંડ્યા જોડે જ્યારે બજારમાં ગયો ત્યારે બહુ જ વિચિત્ર અનુભવ થયો. બહુ જ શાંતિથી એ ખરીદી કરતા હતા. ન ગુસ્સો, ન ઘાંટાઘાંટ કે ન બૂમબરાડા. એમાંયે એક દુકાને જ્યારે દસ મીટર લેંઘાનું કાપડ પસંદ કરી પંડ્યાજીએ પેકિંગ કરવાનો ઑર્ડર આપ્યો ત્યારે સેલ્સમેને ચાલાકી કરી કાઉન્ટરની નીચે રાખેલા ‘સેકન્ડ’નો માલ પેક કરવા માંડ્યો. પંડ્યાએ ચાલાકી પકડી લીધી, પણ સેલ્સમેનને ખખડાવી નાખવાને બદલે પંડ્યાજીએ હસતાં હસતાં સેલ્સમેનને કહ્યું:
‘દોસ્ત, તમારી સમજવામાં કંઈ ભૂલ થતી લાગે છે, મેં તાકામાંથી કાપડ પસંદ કર્યું છે, એમાંથી જ ફાડી આપો ને.’

પંડ્યાના સ્વભાવનું આ પરિવર્તન જોઈને આશ્ચર્ય પામ્યો. ખરીદી પછી એક હોટલમાં કૉફી પીવા બેઠા ત્યારે બોલાઈ ગયું:
‘ભગીરથભાઈ, તમારા સ્વભાવમાં ગજબનું પરિવર્તન આવી ગયું છે…’

‘હું ગુસ્સે કેમ નથી થતો એ વાતનું જ તમને આશ્ચર્ય થાય છે ને?’

‘લગભગ એવું જ…’

‘એવું જ નહિ, એ જ,’ ભગીરથભાઈએ હસતાં હસતાં કહ્યું, ‘મારા સ્વભાવથી માત્ર મારાં કુટુંબીજનો જ નહિ, પણ મિત્રો પણ પરિચિત હતા. હું વાતવાતમાં તપી જતો, ગુસ્સે થતો, કોઈનું પણ સાંભળ્યા વિના આખડી પડતો.

પણ ભાઈ, એ વખતે હું એમ જ માનતો કે સિક્કાની એક જ બાજુ હોય છે. એટલે, કોઈની પણ વાત સાંભળ્યા વિના, કોઈની પરિસ્થિતિનો વિચાર કર્યા વગર એક જ પાટે મારી ગાડી ગબડાવ્યે જતો. પણ અશોકે મને ભાન કરાવી દીધું કે સિક્કાને બીજી બાજુ પણ હોય છે…’

‘અશોક? કોણ અશોક?’

‘તમે કદાચ નહિ ઓળખો, મારો જિગરી દોસ્ત. પહેલાં તો અમે બહુ નજદીક રહેતા, પણ પછી એણે બેંકની લોન લઈને શહેરને છેડે ઘર બંધાવ્યું એટલે મળવાનું ઓછું બનતું, પણ અઠવાડિયે એક વખત તો અચૂક મળીએ… બીજી કૉફી મંગીવીશું?’

બીજી કૉફીનો ઑર્ડર આપી ભગીરથભાઈએ વાતનો દોર સાંધી લીધો.
‘હા, તો અશોક અને મારે ગાઢ સંબંધો. મારી બહેન માટે જેટલા જેટલા મુરતિયા જોયા ત્યારે દરેક વખતે અશોક તો સાથે જ હોય. એનો અભિપ્રાય ફાઈનલ ગણાતો. પછી તો બહેનનાં લગ્ન લેવાયાં. વાડી રાખવાથી માંડીને ગોરમહારાજ સુધીની બધી વ્યવસ્થા અશોકે અને એની પત્ની સુમિત્રાબહેને માથે લઈ લીધી. લગ્નને આગલે દિવસે રાત્રે એક વાગ્ય સુધી બંને જણ એમના નાના બાબાને ત્યાં રોકાયાં હતાં. બીજે દિવસે સવારે સાડા સાતે વાડીમાં મળવાનું ગોઠવીને બંને ઘેર ગયાં.
‘સવારે સાડા સાતે લગ્નની એક પછી એક વિધિઓ શરૂ થવા લાગી પણ અશોક કે સુમિત્રાભાભી કોઈ દેખાયું નહિ. એ બંનેની પૃચ્છા થવા માંડી એટલે સ્વભાવ પ્રમાણે અકળાઈને મેં કહી દીધુ, જહન્નમની ખાડીમાં ગયાં બંને જણ, બહેનનાં લગ્ન લીધાં છે ને ખરે વખતે સમયસર હાજર ન થાય તો ધોઈ પીવી છે એની દોસ્તીને?’

સાંજે રિસેપ્શન વખતે કોઈ ભાઈ આવ્યા. બહેન માટે 151 રૂપિયાનો ચાંદલો, કીમતી સાડી અને શુભેચ્છાનો લાલ અક્ષરે લખેલો અશોક-સુમિત્રાના નામનો પત્ર એમણે બાને આપ્યો. બાએ મને બોલાવી આ બધું બતાવ્યું ત્યારે મેં ગુસ્સાથી કાગળ ફાડી નાખ્યો, કીમતી સાડીનો ડૂચો કરી એનો ઘા કરી દીધો ને પેલા પૈસાનું કવર એ ભાઈના સામે ફેંકી બોલી દીધું: “જાઓ, કહી દેજો તમારા સગલાઓને કે આવો વિવેક કરવાની હવે કોઈ જરૂર નથી.”

‘મારો ગુસ્સો આસમાને પહોંચી ગયો, બા-બાપુજી મને પટાવી વાડીના જુદા રૂમમાં લઈ ગયાં.’

‘લગ્ન પતી ગયાં. મારા ગુસ્સાને કારણે બા-બાપુજી કે કોઈએ અશોક-સુમિત્રાની વાત જ ન કાઢી પણ પંદર દિવસ પછી બહેન ઘરે આવી ત્યારે એણે હઠ લીધી. મને કહ્યું, “ભાઈ, જેમ તમે મારા ભાઈ છો એમ અશોકભાઈ પણ મારા ભાઈ છે. તમારી સાથે એને પણ હું રાખડી બાંધું છું. ભલે એ મારા લગ્નમાં ન આવ્યા પણ નાની બહેન તરીકે ભાઈ-ભાભીને મારે પગે લાગવા તો જવું જોઈએ ને?” લાડકી બહેનની હઠ આગળ મારે ઝૂકી જવું પડ્યું. રવિવારે વરઘોડિયાં જોડે હું અને મારી પત્ની અશોક-સુમિત્રાને ઘેર જવા નીકળ્યાં. બા-બાપુજીએ ખાનગીમાં મારી પત્નીને કહી રાખ્યું હતું કે ભગીરથ જો એના દોસ્ત જોડે ઝઘડી પડે તો વાતને વાળી લેવી.

‘અમે અશોકને ઘેર ગયાં. દરવાજો ખુલ્લો હતો. દીવાનખંડમાં અશોકનો નાનો બાબો સોફા પર ઊંઘતો હતો, બહેને બૂમ પાડી : “ભાભી આવું કે?”
તુરત જ રસોડામાંથી સુમિત્રાભાભીએ સામો સાદ દીધો, “આવો આવો! બેસો. હું એક મિનિટમાં આવી.” એ પછી ઝડપથી એ રસોડામાંથી નીકળી બેડરૂમમાં ઘૂસી ગયાં. નવીનકોર સાડી પહેરી એ બહાર આવ્યાં. અખંડ સૌભાગ્ય ઇચ્છ્યું. બંનેના હાથમાં અગિયાર-અગિયાર રૂપિયા મૂક્યા. બંનેનાં મોંમાં ગોળની કાંકરી મૂકીને પૂછ્યું : ‘શું લેશો? ચા-કૉફી કે પછી ઠંડું?’

“સુમિત્રાભાભીનો વિવેક જોઈ હું મનમાં સમસમી ગયો. કહેવાની ઈચ્છા થઈ ગઈ કે ભાડમાં પડે ચા-કૉફી. બોલાવો અશોકને બેડરૂમમાંથી બહાર. ક્યાં સુધી મોઢું સંતાડીશ? પણ મારી જીભ સળવળે તે પહેલાં મારી પત્નીએ કોણી મારી મને ચૂપ કરી દીધો…”

ભગીરથભાઈએ શ્વાસ લીધો. ઠંડીગાર થયેલી કૉફીનો કડવો ઘૂંટડો ગળે ઉતારતાં હળવા સાદે કહ્યું:
‘આ સ્ત્રીઓમાં પણ કોણ જાણે ભગવાને ગજબની શક્તિ મૂકી છે, ગિરીશભાઈ, કે હવામાંથી વાતની ગંધ પકડી લ્યે. જ્યારે સુમિત્રાભાભી વરઘોડિયાંનાં ઓવારણાં લઈને ચા-કૉફીનું પૂછતાં હતાં ત્યારે મારી પત્નીથી ન રહેવાયું. રસોડા તરફ સરકી રહેલાં સુમિત્રાભાભીનો હાથ પકડી એ બોલી ઊઠી:
“ભાભી શી વાત છે એ કહી દો ! અમે આવ્યાં ત્યારે રસોડામાંથી ઝડપભેર નીકળી તમે બેડરૂમમાં ગયાં ત્યારે સફેદ સાડલો પહેર્યો હતો. પછી બેડરૂમમાં જઈ તમે અપશુકન ન થાય એટલા માટે નવું કપડું પહેરી બહાર નીકળ્યાં. પ્લીઝ, સાચી વાત કહી દ્યો.”

‘ગિરીશભાઈ, એ દ્રશ્ય આજેય હું ભૂલ્યો નથી. સુમિત્રાભાભી મારી પત્નીને વળગી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. પંદર દિવસ સુધી ગળામાં દબાયેલો ડૂમો બહાર નીકળી ગયો…

‘વાત એમ હતી કે મારો પ્રિય દોસ્ત મારી બહેનનાં લગ્નનાં દિવસે જ વહેલી સવારે હાર્ટએટેકથી મૃત્યુ પામ્યો હતો. વાડીમાં આવવા બન્‍ને જણ વહેલાં ઊઠ્યાં. પણ છએક વાગ્યે અશોકનું શરીર ઠંડું પડવા લાગ્યું. ડૉક્ટરને બોલાવવા મોકલ્યા પણ એ આવે તે પહેલાં અશોક સૌને છોડીને ચાલ્યો ગયો.

‘અને એની પત્નીનું ડહાપણ તો જુઓ પંદર પંદર દિવસ થયા પણ લગ્નવાળા ઘરને શોકની છાયા ન નડે એ માટે કહેવરાવ્યું પણ નહિ. બપોરે ચાર વાગ્યે ડાઘુઓ અશોકનાં અસ્થિફૂલ લઈને આવ્યા ત્યારે એણે એક ડાઘુને સાડી, ચાંદલો અને શુભેચ્છા લઈને મારી બહેનના રિસેપ્શનમાં મોકલ્યો. ગજબની વ્યવહારકુશળતા હતી એ બાઈમાં. આવે વખતે હું હોત તો? આવી પરિસ્થિતિમાં હું મુકાઈ ગયો હોત તો?’
‘સિક્કાની બીજી બાજુ તે દિવસે જોઈ!!!’

(આ પંડ્યા સાહેબની જેમ જ મારો કે આપનો સ્વભાવ સાહજિક જ હોઈ શકે છે. એમાંથી સ્થિતપ્રજ્ઞતા તરફ સરકવું ખરેખર ખૂબ જ મુશ્કેલ છે. મારો પ્રયત્ન ચાલુ છે, આશા કે આપશ્રી પણ શરૂઆત કરશો એવો અહીં અનુકરણીય સાર રજુ થયો છે.)

🙏 આ વાર્તા મને whatsapp માધ્યમથી મળી છે ,વાર્તા ના ગ્રુપમાં. અહીં એટલા માટે મૂકી રહ્યો છું કે કોઈને આવો ગુસ્સો આવતો હોય તો ,કંટ્રોલ કરતા શીખજો.

… 🌹🙏🌹
સૌજન્ય કાજલ ઓઝા વૈદ્ય

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *