Explore

Search

November 21, 2024 4:18 pm

लेटेस्ट न्यूज़

‘આ નભ ઝુકયું તે કાનજી ને…સર્જક અને સૌંદર્યરાગી કવિ પ્રિયકાન્ત મણિયાર : Manoj Acharya

‘આ નભ ઝુકયું તે કાનજી ને…સર્જક અને સૌંદર્યરાગી કવિ પ્રિયકાન્ત મણિયાર  : Manoj Acharya

‘આ નભ ઝુકયું તે કાનજી ને ચાંદની તે રાધા રે’ જેવા અમર ગીતનાં સર્જક અને સૌંદર્યરાગી કવિ પ્રિયકાન્ત મણિયાર (1927-1976) નો આજે જન્મદિવસ છે.
જન્મ વિરમગામમાં. વતન અમરેલી. માંડલમાં પ્રાથમિક શિક્ષણ અને નવ ધોરણ સુધીનો માધ્યમિક અભ્યાસ અમદાવાદમાં પણ તેને અધુરો મુકીને પોતાના જાતિગત વ્યવસાયમાં પિતાની સાથે જોડાયા અને સાથોસાથ કાવ્યલેખન પણ કર્યું. પ્રથમ રચના ‘પંખી અને દાણો’ કુમારના બચુભાઈ રાવતને મોકલી, જેનાથી તેઓ પ્રભાવિત થયા અને ‘કુમાર’ની બુધસભામાં મકરન્દ-નિરંજન આદિ કવિમિત્રોના સંપર્કે એમની કાવ્યભાવના કેળવાઈ અને કાવ્યસંગ્રહ ‘પ્રતીક’ (૧૯૫૩) પ્રગટ થયો. એમાં વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાકર્ષક છે, તેમ માત્રામેળ છંદોનું અભ્યસ્ત સ્વરૂપ કથયિતવ્યને અનુરૂપ ખીલવવાની ફાવટ પણ અસાધારણ છે. મત્તયૌવનોર્મિનો છાક એમનાં લયમધુર ગીતોમાં તરવરે છે, તો ઊર્મિરસિત વિચારરમણા એમની કૃતિઓનું મુખ્ય લક્ષણ બની રહે છે. ‘પ્રતીક’નું બળકટ અંગ છે માનવવાદથી અનુપ્રાણિત થયેલી યથાર્થલક્ષી રચનાઓ. ‘એક ગાય’ આનું ઉત્તમ ઉદાહરણ છે. સોળ રચનાઓ ધરાવતો સંગ્રહ ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯) કાવ્યબાની અને કાવ્યવિષયની દ્રષ્ટિએ સર્વથા નવીન છે. ‘પ્રતીક’ની જેમ ‘અશબ્દ રાત્રિ’માં પણ કવિની ઉત્કટ સંવેદનશક્તિ અને વિલક્ષણ કલ્પનકળાનો ઉત્તમ સમન્વય થયેલો જોવા મળે છે. ‘સ્પર્શ’ (૧૯૬૬)માં સંગૃહીત રચનાઓમાં અડધા ઉપરાંતની સંખ્યા ગીતોની છે. ‘ઉચાટ’, ‘સાંજ સમાનો દીપ’ ઉપરાંત વ્રજભૂમિની કૃષ્ણવ્યાપી ભાવલીલા પ્રકટ કરતાં ગીતોમાં કાવ્યત્વની પરાકાષ્ઠા જોવાય છે. એમાંની છંદોબદ્ધ રચનાઓ પણ સરસ છે. ‘ક્યાં?’ અને ‘નદીકાંઠે હાથ’ વિલક્ષણ કૃતિઓ છે. ‘સમીપ’ (૧૯૭૨)માં વૃત્તબદ્ધ રચનાઓ જૂજ છે અને અહીં ગદ્યકાવ્યો પહેલીવાર આવે છે. કવિના અમેરિકાપ્રવાસના ફલરૂપ કાવ્યોનો સંગ્રહ ‘પ્રબલ ગતિ’ (૧૯૭૪) મુખ્યત્વે ગદ્યકાવ્યોનો સંગ્રહ છે. ‘એ લોકો’ ઉત્તમ ગદ્યકાવ્ય છે. સામાજિક વિષમતાઓને લક્ષ્ય કરતો પ્રબળ લાગણીપ્રસ્ફોટ અહીં છે. ‘વ્યોમલિપિ’ અને ‘લીલેરો ઢાળ’ એમનાં મરણોત્તર પ્રકાશનો (૧૯૭૯) છે. આધુનિક મનુષ્યનાં સંકુલ સંવેદનો ‘વ્યોમલિપિ’નાં કાવ્યોમાં ગૂંથાયાં છે, તો ‘લીલેરો ઢાળ’ સાદ્યંત લયમધુર ગીતરચનાઓથી સમૃધ્ધ છે. કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ૧૯૭૨-૭૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક એનાયત થયું. અમદાવાદમાં તા. 25 જુન 1976 નાં રોજ તેમનું અવસાન થયું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग