સામાન્ય
20
04
2021
કેટલો સુંદર અને હૈયા સોંસરવો ઉતરી જાય તેવો શબ્દ એટલે ‘સામાન્ય’. જીવન સામાન્ય
હોય. સ્વભાવ સામાન્ય હોય ! દેખાવ સામાન્ય હોય! ભણવામાં સામાન્ય. ઈતર પ્ર્વૃત્તિઓમાં
સામાન્ય ! જો કે જીવનમાં સામાન્ય હોવું એ સદગુણ છે, ‘મારા મત પ્રમાણે !’
જિંદગીમાં ક્યારેય પણ ઉત્તેજનાનો અભાવ હોય, તો એ જિંદગી સરળ રીતે વહે. ઉમંગ ભારોભાર
હોય માત્ર ડોળ ન હોય. આજે આકાંક્ષા પોતાની જિંદગી વિશે શામાટે વિચારી રહી હતી ?
એક વાત નિખાલસ ભાવે કબૂલ કરતી જિવનમાં સંઘર્ષ બહુ આવ્યા ન હતા. પણ જિવનમાં
અસામાન્ય પ્રસંગો પણ સાંપડ્યા ન હતાં. સુખી સંસ્કારી કુટુંબમાં જન્મ પામીને બાળપણ
મસ્તીમાં ગુજર્યું. તોફાની સ્વભાવને કારણે ઘણીવાર સજા ભોગવવી પડતી. સજા મળે તે પણ
હસતે મોઢે સ્વીકારતી. જો પસંદ ન આવે તો ‘ભેંકડો’ તાણતી. આકાંક્ષાને સહુથી વધુ ગમતું
ભણવાનું. તેનો ક્યારે પણ કંટાળો ન આવતો.
ભલે શાળામાં સિતારાની માફક ચમકતી નહી, પણ તેના વર્તનને કારણે સહુ શિક્ષક તેમજ
શિક્ષિકાઓને ગમતી. સામાન્ય હોવા છતાં જે અદભૂત આકર્ષણ હતું તેનું આલેખન કરવું ખૂબ
અઘરું છે. સામાન્યતામાં છુપાએલી અસામાન્યતા ને પારખનાર વિવેકે પસંદગીનો કળશ તેના
પર ઉંડેલ્યો.
શાળામાં પહેલી પાટલી પર બેસવું, ધ્યાન આપવું અને નવું નવું શિખવું. પણ તેના અક્ષર, પેલી
કહેવત છે ને ડોક્ટરની લખેલી દવા નું નામ, દવાવાળાને સમજાય ! શાળાનું ઘરકામ બરાબર કરીને
લઈ જાય. શિક્ષક વર્ગમાં વાંચવા ઉભી કરે ત્યારે તેને જ વાંચવામાં તકલિફ થાય.
ખેર તે છતાં પણ વિદ્યાલયમાં ભણી સ્નાતક થઈ. તે પણ સામાન્ય. કોઈ ધાડ નહોતી મારી. વિવેકની
આંખમાં વસી ગઈ. જો કોઈ પણ ધાડ મારી હોય તો એ ‘લગ્ન’. ખૂબ દેખાવડો પતિ પામી. ભલે સામાન્ય
પણ બે સુંદર દીકરાની પ્રેમાળ મા બની. સામાન્ય વ્યક્તિના જિવનમાં બધું સામાન્ય.
વિવેકની વરી સામાન્ય આકાંક્ષા સામાન્ય જીવન જીવી રહી હતી. તેના પ્રેમને વશ, વિવેક જીવનમાં
અસામાન્ય કાર્ય કરી રહ્યો. ‘ગીતા’નું અધ્યયન કામ આવ્યું. સામાન્ય વર્તને ક્યારેય ઘરની બહાર પગ ન
મૂક્યો. આકાંક્ષાના એગુણ ની કદર કરનાર વિવેક તેને હ્રદયથી ચાહતો. જેને કારણે સામાન્ય આકાંક્ષા
વિવેકના કુટુંબમાં આદર પામી રહી. તેનામાં જે અદભૂત આકર્ષણ શક્તિ હતી તેનાથી કોઈ અજાણ્યું ન
રહી શકતું.
સામાન્ય જીવનમાં જો કશું અસામાન્ય હોય તો આકાંક્ષાના દિલમાં આરામથી મોજ માણિ રહેલી ‘શાંતિ’.
જીવનમાં ક્યારેય દેખાદેખી નહી, કોઈના માટે ઈર્ષ્યા નહી. હા, તેને મીઠું મધ જેવું બોલતા ન ફાવે પણ
ઈજ્જત સહુને આપે. દિલમાં લાગણિની સરિતા સદા વહેતી હોય. જરૂરતમંદ માટે કાયમ તેનું ‘દિલ અને
દિમાગ’ તત્પર. કોઈને નિરાશ ન કરે. વિવેક ઢાલ બનીને તેની પડખે જણાય.
સંસારમાં અર્થનો અનર્થ થતા વાર નથી લાગતી. તે છતાં આકાંક્ષા ક્યારેય વિચલિત ન થતાં પોતાના
કાર્યમાં વ્યસ્ત રહેતી. અપેક્ષાથી સો જોજન દૂર. ઈર્ષ્યાએ કદી તેના જીવનમાં ડોકિયું પણ કર્યું ન હતું.
ખબર પડતી ન હતી, અસામાન્ય કોને કહેવાય ? ઘણી બધી પ્રવૃત્તિમાં રસ કેળવ્યો. બાળકો મોટા કર્યા.
યોગ્ય શિક્ષણ મળે તેનું ધ્યાન રાખ્યું. પતિનો પ્રેમ પામી. તેને કદાચ અસામાન્ય કહી શકાય. જેમાં ખૂબ
આનંદનો અનુભવ થયો. આનંદ પામવો એ મનનો સ્વભાવ છે. એમાં કશું અસામાન્ય ન જણાયું. કિંતુ એ
સમય પણ લાંબો ટક્યો નહી.
આકાંક્ષા જ્યારે, વિતી ગયેલા સમય વિશે વિચારતી ત્યારે થતું, ‘આખું જીવન હાથતાળી ‘ દઈ ગયું. આ
નશ્વર દેહ ક્યારે પંચમહાભૂત માં મળી જશે. નામ તો રેતીમાં લખ્યું હોય એમ વાયરો આવશે ને ભુંસી
નાખશે !
એક સામાન્ય વ્યક્તિ, પૃથ્વી પર આવી સામાન્ય જીવન વિતાવી, સામાન્ય રીતે મરણને શરણ થઈ જશે !.
સંપાદન કરો : સંપાદન કરો
ટિપ્પણીઓ : 2 Comments »
શ્રેણીઓ : ખુલ્લી આંખે
