ધાર્મિક શિવ કથા : ભાગ 90 શ્રાવણ વદ અમાસ : આરાવારા, શિવપૂજા તથા શનિ અમાવસ્યા 🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️ શ્રાવણ માસના અંતિમ ચાર દિવસ પૈકી ત્રણ દિવસ આરાવારા (નાના બાળકો, સંતાન મૃત્યુ પામ્યા હોય તેને માતા પાણી રેડે) ગણાય છે. જ્યારે ચોથા અને અંતિમ દિવસે માત્ર પુરુષો પીપળે પિતૃ તૃપ્તિ અર્થે પાણી રેડવા જાય છે. રાજકોટ જયોતિશવિદ્દ મંડળના મહામંત્રી લલિતભાઇ શાસ્ત્રીના જણાવ્યા મુજબ અમાસના દિવસે પીપળે પાણી મૃતક પરિવારજનોનો નામોચ્ચાર કરતા કરતા ધીમી ધારે રેડવાનું હોય છે. જેઓએ ગુરુ કર્યા હોય અને તેમનું દેહાવસાન થયું હોય તે શિષ્યો પણ પીપળે પાણી રેડી તર્પણ કરાવી શકે છે. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ પિતૃ તૃપ્ત થતાં વંશવૃિધ્ધ, ધન, વૈભવ, સમૃિધ્ધ, સંસ્કાર, મૃદુતા તેમજ આવાસ વિહોણાને આવાસની પ્રાપ્તિ થાય છે. પાણીમાં ડૂબી જવાથી, અગ્નિમાં અકસ્માતે બળી જવાથી, પ્રસૂતિ સમયે સર્પદંશ, આપઘાત તેમજ કોઇ પણ પ્રકારના અકસ્માતમાં મૃત્યુ થવું સહિત ૩૬ પ્રકારના દુર્મરાગ ગણાયા છે. પીપળે પાણી રેડવાથી મૃતકની સદ્દગતિ થાય છે. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ શ્રાવણ વદ અમાસ જે 27 ઓગસ્ટ શનિવારે જ છે જેથી આ દિવસે શિવ અને શનિની કૃપા એક સાથે પ્રાપ્ત થશે. જે ભક્તોએ શ્રાવણ માસ પર્યંત ભગવાન શિવની આરાધના કરી છે એ હજુ પણ આજે પોતાની શક્તિ અને નિષ્ઠાથી આરાધના કરશે તેમને તેમની ભક્તિ અનુસાર આજ દિવસે ભગવાન શિવના આશીર્વાદ મળશે કારણ કે શનિ અને શિવનો સબંધ ગુરુ શિષ્યનો છે. શનિવાર શનિનો દિવસ અને તે દિવસે અમાસ હોવાથી કેટલાક કાર્યોથી કષ્ટમાંથી મુક્તિ મેળવી શકાય છે. શનિવારે હનુમાનજીની ભક્તિ કરવી, શિવ ઉપાસના કરવી અને શનિદેવને કાળા તલ કે અડદ ચડાવવાથી અટવાયેલા કાર્ય પૂર્ણ થાય છે. સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વિષ્ણુધર્મોત્તર પુરાણ અનુસાર શનિશ્ચરી અમાવસ્યા પર ફક્ત તીર્થસ્થાનોમાં સ્નાન કરવાથી અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. શનિ અમાવસ્યા પર દાન કરવાથી અનેક યજ્ઞો કરવા જેવું જ પુણ્ય ફળ મળે છે, એટલું જ નહીં શનિ અમાવસ્યા પર શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ વર્ષભર સંતુષ્ટ રહે છે. જેઓએ શ્રાવણ માસ સાધનાની પૂર્ણાહુતિ કરવાની છે તેઓએ પણ આ દિવસે સાધના પૂર્ણ થતી હોવાથી આ નિમિત્તે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન, વસ્ત્રો તથા અન્ય દાન પુણ્ય કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. ✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)