Explore

Search

November 21, 2024 6:35 pm

लेटेस्ट न्यूज़

ધાર્મિક શિવ કથા : ભાગ 91શિવ-પાર્વતી પુત્રી ઓખા અને ઓખાહરણની કથા : Manoj Acharya

ધાર્મિક શિવ કથા : ભાગ 91શિવ-પાર્વતી પુત્રી ઓખા અને ઓખાહરણની કથા : Manoj Acharya

ધાર્મિક શિવ કથા : ભાગ 91
શિવ-પાર્વતી પુત્રી ઓખા અને ઓખાહરણની કથા
🕉️ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🕉️
શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે શિવ પરિવારમાં તેમની ગણતરી કરવામાં આવતી નથી. કથાનુસાર દૈત્યરાજ બળિ (બલિરાજા)નો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે. બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહિ પણ મારું સંતાન તારી લડવાની ઇચ્છા પૂર્ણ કરશે. પણ ત્યાં સુધી તું રાહ જો. ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની છે. જ્યારે શિવજી તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છૂપાઈ જવાની કથા છે. આ પુત્રી તે “ઓખા”. જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છૂપાઈ જવાની સજારૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે. અંતે ઓખાની કાકલૂદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે. આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે, આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે. તારા બાહુઓ છેદાશે. દૈત્યો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. આ હિરણ્યકશિપુનો પુત્ર તે પ્રહલાદ અને પ્રહલાદનો પુત્ર વિરોચન. વિરોચનનો પુત્ર બલિરાજા અને તેમનો પુત્ર બાણાસુર, જેને શિવકૃપાથી હજાર હાથ મળેલા એટલે ખુબ જ બળશાળી હતો. શિવકૃપાથી એક પુત્રી પણ થઇ જેનું નામ ઓખા કે ઉષા. ઓખાને કદી પરણાવવી જ નહિ તેવા સંકલ્પ સાથે તેને તેના પ્રધાન કૌભાંડની કન્યા ચિત્રલેખા સાથે એકદંડિયા મહેલમાં, સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે. સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે. તેની સખી ચિત્રલેખા પાસે દિવ્ય શક્તિઓ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણી શકે છે. ચિત્રકલામાં પ્રવિણ છે અને ઊડી પણ શકે છે. તે દેશદેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ. ઓખા રાજી થાય છે અને ચિત્રલેખાને કહે છે કે હવે આ કુમારને લાવી દે. ચિત્રલેખા ઉડતી ઉડતી દ્વારકા જાય છે અને સુદર્શન ચક્રની ચોકી વટાવીને અનિરૂદ્ધનું હરણ કરે છે. સોળમાં સૈકામાં થયેલા મહાકવિ પ્રેમાનંદે આ પાત્રનું અદભૂત ચિત્રણ કરીને આખ્યાન લખાયું છે, જેનું નામ ‘ઓખાહરણ’ છે. તેનું કથાવસ્તુ પુરાણમાંથી લેવાયેલું છે. આખ્યાન કાવ્યનું નામ ભલે ઓખાહરણ હોય ખરેખર તો તેમાં અનિરૂદ્ધનું હરણ થાય છે અને ઓખા-અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે, જેની જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ આવે છે. યુદ્ધ થાય છે અને અંતે સૌ સારાવાના થાય છે. બાણાસુરનો મદ ભાંગે છે અને ઓખા-અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. અંતે, હરણ (અપહરણ) તો અનિરુદ્ધનું થયું છતાં તે ઓખાહરણ કહેવાયું છે. ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચવાનો મહિમા છે. મહાકવિ પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ (૧૬૪૯-૧૭૧૪) કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં આ કથા વહેંચાયેલી છે. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આ પદ્ય રચ ના છે. દરેક કડવું (પ્રકરણ) ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે. રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી છે. અહીં આખ્યાનના પ્રકરણો માટે “કડવું” શબ્દ વપરાયો છે. જેનો ઉચ્ચાર “કડ઼વું” (કળવું) એમ થાય. જેની વ્યુત્પત્તિ જોતાં જણાય છે કે, મૂળ સંસ્કૃત શબ્દ “કટ” એટલે કે ’બાજુ’ પરથી; ’એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય’ એમ અર્થ થાય છે. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ “કલાપ” મળે છે. જે પરથી તેનો અર્થ; ’એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ’ એમ થાય છે. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય છે.
▶️ શ્રાવણ માસ દરમ્યાન કુલ 31 ભાગમાં આપે શિવ કથાનું રસપાન કર્યું છે. આ સાથે શિવ કથાની પૂર્ણાહુતિ થાય છે. આપ સૌ ઉપર શિવ-પાર્વતીની કૃપા ઉતરે એવી ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું. 👏 આશા છે કે આપ સૌને આ કથાઓ ગમી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવશોજી 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
Mobile : 98244 17344
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग