ધાર્મિક કથા : ભાગ 97
ગણેશ ભગવાનની વિવાહ કથા અને ગણેશ પરિવારનું પુજામાં મહત્વ
🙏🏻:::::::::::::::::::::::🙏🏻
જ્યારે ગણેશ અને કાર્તિકેય બંને મોટા થઈ ગયા ત્યારે શિવ અને પાર્વતીને તેમના લગ્નની ચિંતા થઈ. તેઓ ઈચ્છતા હતા કે બંનેના લગ્ન યોગ્ય સમય પર થઈ જાય. જ્યારે કાર્તિકેય અને ગણેશની સામે આ વાત કરવામાં આવી તો બંને વચ્ચે ઝઘડો થવા લાગ્યો, જે કંઈક આ રીતે છે. સૌથી પહેલા કાર્તિકેય અને ગણેશ વચ્ચે વિવાદ ખતમ કરવા શિવ અને પાર્વતીએ યોજના બનાવી. તે બંનેને બોલાવ્યા અને તેમને કહ્યું કે પુત્રો અમે તમને બંનેને સરખો જ પ્રેમ કરીએ છીએ. તમારા બંને વચ્ચે કોઈ અંતર નથી માનતા એટલે તમારા બંનેમાંથી કોન પહેલા લગ્ન કરશે આ વાતનો નિર્ણય એક સ્પર્ધા દ્વારા થશે. તમે બંને સંપૂર્ણ ધરતીનો એક ચક્કર લગાવો, જે સૌથી પહેલા પાછો આવશે, તે પહેલા લગ્ન કરશે. કાર્તિકેય પોતાના મોર ઉપર સવાર થઈ ચક્કર લગાવવા નીકળી ગયા, પરંતુ ગણેશજી ત્યાં જ રોકાય ગયા. તેમણે પૂરી શ્રદ્ધા સાથે પોતાના માતા-પિતાની પૂજા કરી અને તેમના સાત ચક્કર લગાવ્યાં અને ગણેશજીએ પોતાની વાત કહી કે “હે પ્રિય માતા-પિતા, વેદોમાં જણાવ્યાં મુજબ સંતાન માટે તેના માતા-પિતા જ સંપૂર્ણ દુનિયા હોય છે, તેમની ચારેય તરફ જ તેનું જીવન હોય છે અને તેઓ જ તેમના માટે બધું જ હોય છે એટલે મારા લગ્ન પહેલા થવા જોઈએ.” ગણેશની વાત સાંભળીને શંકર ભગવાન અને માતા પાર્વતી અભિભૂત થઈ ગયા અને ગણેશના લગ્ન પહેલા કરવાનો નિર્ણય કર્યો. પ્રજાપતિ વિશ્વરૂપની બે પુત્રીઓ હતી રિદ્ધિ અને સિદ્ધિ. આ બંનેની પસંદગી ગણેશ સાથે લગ્ન કરાવવા માટે કરવામાં આવી. વિશ્વ નિર્માતા વિશ્વકર્માએ પોતાની બંને પુત્રીઓના લગ્નની ખૂબ તૈયારીઓ કરી. ધામધૂમથી લગ્ન પૂરા થયા. આ બાજુ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા અને ગણેશ વિવાહની વાત જાણીને અત્યંત ખુશ થયા અને કહ્યું કે “ભાઇ, મારે તો આમેય લગ્ન કરવાની ઇચ્છા નથી. મારૂં જીવન જ ધર્મપ્રચાર માટે છે.” આમ કહી તેઓ વિદાય થયા અને મોટાભાગનો સમય તેઓ દક્ષિણાવર્તમાં જ રહ્યા છે.
ઘરના કોઈ પણ શુભ કાર્યમાં અથવા દિવાળી કે ધાર્મિક કાર્યક્રમ કે કોઈપણ પૂજાપાઠ દરમિયાન આપણે જ્યારે પૂજા કરવા મુખ્ય દરવાજા બાજુ સ્વસ્તિક બનાવીએ છીએ ત્યારે તેમની આજુબાજુ શુભ અને લાભ લખતા હોઈએ છીએ. હિન્દુ પૌરાણિક કથા પ્રમાણે ભગવાન ગણેશ જ્ઞાન અને ચાતુર્ય ના દેવતા છે અને સ્વસ્તિક બુદ્ધિનું પવિત્ર પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે સ્વસ્તિકની બંને બાજુની લાઇનમાં ભગવાન ગણપતિની પત્ની એટલે કે રિદ્ધિ અને સિદ્ધિ દર્શાવાઈ છે. સ્વસ્તિકની જમણી બાજુ શુભ અને ડાબી બાજુ લાભ આમ બંને પુત્રોના નામ પણ લખવામાં આવે છે. એટલા માટે ઘરમાં કે કોઈ પણ પવિત્ર જગ્યાએ કોઇ પણ મંદિરમાં કે પૂજા કરની દિવાલ ઉપર સ્વસ્તિક બનાવવાનું કારણ છે. કે ભગવાન ગણપતિ સમગ્ર પરિવાર સાથે ઘરમાં બિરાજમાન રહેતા હોય છે. ગણેશ ભગવાનની સાથે તેમની બંન્ને પત્નીઓ સાથે પુત્ર શુભની પણ પૂજા કરવામાં આવે છે. રિદ્ધિ (શાણપણ – અંતકરણની દેવી) અને સિદ્ધિ (સફળતાની દેવી) છે. રિદ્ધિ અને સિધ્ધિના નીચે આપેલા મંત્ર સાથે પૂજા કરવાથી ગરીબી અને અશાંતિ દૂર થાય છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો નિવાસ છે.
- ગણેશ મંત્ર – ઓમ ગન ગણપતયે નમ:.
- રિદ્ધિ મંત્ર- ॐ હેમાવર્ણાય રિદ્ધયે નમ:।
- સિદ્ધિ મંત્ર – ઓમ સર્વજ્ઞાનભૂષિતાય નમ.।
- શુભ મંત્ર- ॐ પૂર્ણય પૂર્ણામદાય શુભાય નમ:
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877








