ધાર્મિક કથા : ભાગ 98
બેંગલોરમાં પ્રથમ દિવસ મંદિર દર્શન તા. 3 સપ્ટેમ્બર 2022
🛕 🚩 🕉️ 👏 💐
બેંગલોરમાં પ્રથમ દિવસ ખુશનુમા સવાર સાથે થયો. સવારે એકદમ ઠંડી હતી તેથી ફ્લેટની દસમા માળની બાલ્કનીમાં બેસી શાલ ઓઢી ગરમ ચાની ચુસ્કી લીધી. ગ્રીનરીની વચ્ચે દેખાતું તળાવનું દ્રશ્ય મનોહર હતું. સાંજની સલુણી સંધ્યાનો આનંદ લઈ હું મનોજ આચાર્ય તથા જમાઇ કૃતાર્થકુમાર બેલેન્દુર એરીયામાં આવેલા મંદિરોનાં દર્શન માટે ગયા. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે. મંદિરનાં વિશાળ ચોગાનમાં સ્ટેજ ઉપર સંગીતનાં તાલે વિવિધ પ્રકારના નૃત્યો પ્રદર્શિત થઈ રહ્યા હતા અને ધર્મપ્રેમી જનતા તેનો આનંદ લઈ રહી હતી. અમે એક વિશાળ મંદિર વ્યંકટેશ્વરામાં પ્રવેશ્યા. 5 વર્ષ પહેલાં જ આ મંદિર બનાવેલું છે. દક્ષિણમાં દ્રવિડ શૈલીના મંદિરો વધુ પ્રચલિત છે કેટલાક પૌરાણિક મંદિરો ઉત્તર અને માધ્ય ભારતમાં પણ જોવા મળે છે. દ્રવિડ શૈલીના મંદિરોમાં પણ લંબગોળ ગર્ભગૃહ જોવા મળે છે ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા કરવા માટેની જગ્યા મુકવામાં આવે છે. દિપ સતત પ્રજ્વલિત હોય છે. આ શૈલીના મંદિરની ખાસિયત એ છે કે મંદિર પિરામિડ આકારના હોય છે. દ્રવિડ શૈલીના મંદિરોમાં પ્લાસ્ટર અને સ્તંભનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો જોવા મળે છે. દક્ષિણના તમામ રાજવંશોને સદીઓ સુધી વ્યંકટેશની ભકિતરૂપે અહીં ભવ્યમંદિરો નિર્માણ કરવા અને દાનપ્રવાહ વહાવવા પ્રેર્યા છે. પૌરાણિક કથાનુસાર એક નાનકડો છોકરો તળેટીના મંદિરમાં દર્શન કરવા જતો હશે. પૂજારીઓએ તેનું માથું ભાંગી નાખ્યું. તે નાસીને વ્યંકટેશને દ્વારે ગયો ને ભગવાનને ભકિતભાવપૂર્વક આજીજી કરી ત્યારે પાછળ આવી પહોંચેલા પૂજારીઓએ જૉયું કે છોકરો ત્યાં ન હતો, પણ જયારે મંદિરના ગર્ભગૃહનાં દ્વાર ઘડયાં ત્યારે ભગવાનના મસ્તક પર પેલા છોકરાના મસ્તક પર થયેલો ઘા દેખાયો જે તાજો, લોહી નીકળતો હતો. આમ, પ્રત્યક્ષ પરચો મળી ગયો! એ છોકરાનું નામ ‘બાલ’ અથવા ‘બાલા’ હતું. સંભવ છે કે ‘બાલાજી’ નામમાં આ ચમત્કારિક ઘટનાની સ્મૃતિ જળવાઇ હોય! આજે પણ આ ઘટનાની સ્મૃતિરૂપે ભગવાનના મસ્તક પર સફેદ કપડું ઢાંકવાની પરંપરા કાયમ છે. આજે આ દેશમાં તો અનેક પણ વિદેશોમાં પણ ભગવાન વ્યંકટેશનાં ઘણાં મંદિરો સ્થપાયાં છે. અહીંની દેવદેવીઓની મૂર્તિઓ વિશિષ્ટ લાગે છે અને કાળા આરસપહાણમાંથી કંડારેલી મૂર્તિઓ ખુબ જ મનોહર લાગે છે અને વિવિધ પ્રકારના ફુલોથી શણગારાયેલી હોય છે. આ મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વારની સામે ભગવાન વ્યંકટેશ્વર બિરાજીત છે, જે ખુબ જ ભવ્ય લાગે છે. મંદિરના પરિસરમાં હનુમાનજી મહારાજ બિરાજીત છે, જે અહીં ‘શ્રી વિરાંજનેય સ્વામી” તરીકે બિરાજીત છે. એ પછી મહાલક્ષ્મી માતા બિરાજીત છે. નરસિંહ ભગવાન’ પણ શ્રી યોગ નરસિંહ સ્વામી’ તરીકે અહીં બિરાજીત છે. મંદિરની બહાર નીકળતા સમયે દોણામાં પ્રસાદ ગ્રહણ કર્યો. ઓ બાપરે..! પ્રસાદ તો ગળ્યો જ હોય એમ સમજીને મેં ગ્રહણ કર્યો તે સાથે જ ખબર પડી કે આ તો તીખો ભાત છે કારણ કે ચોખા એ અહીંનો મુખ્ય ખોરાક છે. પ્રસાદ એ પ્રસાદ જ છે.. જેને પ્રેમથી આરોગવાનો જ હોય. જનરલી હું તીખું ખાઇ શકતો નથી તો પણ ઘરે પહોંચીને પાણી પીધું ત્યાં સુધી કંઈ જ અસર થઈ નહીં. જાણે કે ભગવાનને પણ થયું હશે કે છેક સૌરાષ્ટ્રથી આવેલો એક ભક્ત દર્શનાર્થે અહીં સુધી આવ્યો છે તો મારે પણ આશીર્વાદ તો દેવા જ જોઇએ ને..! બસ.. આવી જ ભગવાનની અનેરી લીલા.. એ તો કણકણમાં વ્યાપ્ત છે. અહીં જે પણ મૂર્તિ સ્વરૂપ ભગવાનનાં દર્શન કર્યા છે એની અનેરી તસવીરો પણ અત્રે આપી છે. તમે પણ દર્શન કરજો. 👏
✍️
મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)





Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877