ધાર્મિક કથા : ભાગ 106
ભગવાન ગણેશને દુર્વા કેમ ચઢે છે?
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
હિન્દુ સનાતન ધર્મમાં કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાસ છે જે ઘણીવાર બગીચામાં જોવા મળે છે. ગણેશજીને દુર્વા અર્પણ કરવું ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. એકમાત્ર ગણેશજી એવા દેવ છે, જેના પૂજનમાં દુર્વાનો ઉપયોગ થાય છે. પુરાણોમાં દંતકથા અનુસાર એક સમયે અનલાસુર નામનો રાક્ષક હતો. તેના ક્રોધ અને જુલમને કારણે દરેક જગ્યાએ લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેના આ અત્યાચારથી ઋષિ મુની, દેવી-દેવતા, માનવ, પ્રાણીઓ, પક્ષીઓ બધા દુ:ખી હતા. સૌ સાથે મળીને આ આતંકને રોકવા માટે શિવજી પાસે જાય છે અને વિનંતી કરે છે કે ભોલેનાથ આ ક્રૂર રાક્ષસથી અમને બચાવો. તેના આતંકને જલદીથી સમાપ્ત કરો. ભગવાન શિવ તેમની કરુણામય વિનંતિ સાંભળીને બધાને કહે છે કે આનો ઉપાય ફક્ત ગણેશ પાસે છે. પછી સૌ શ્રી ગણેશ પાસે અનલાસુરનો વધ કરવા માટેની પ્રાર્થના કરવા જાય છે અને ગજાનંદ સૌનું દુ:ખ જોઈ વધ કરવા માટે તૈયાર થઈ જાય છે, ત્યારબાદ ગણેશ અને અલનાસુર વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં લમ્બોદર ગણેશ રાક્ષસને ગળી જાય છે. રાક્ષસને ગળી ગયા પછી ગણેશજીના પેટમાં તીવ્ર જલન થવા લાગે છે. આ બળતરા અસહ્ય બને છે. બધા જ દેવી દેવતાઓ આ બળતરા શાંત કરવા માટેના ઉપાય શોધવા લાગે છે અને ઘણા ઉપાયો અજમાવ્યા પરંતુ કોઈ ફેર પડ્યો નહી કે પીડા શાંત થઈ નહી. એ સમયે કશ્યપ ઋષીએ દુર્વાની 21 ગાંઠ બનાવી શ્રી ગણેશને ખાવા આપી. આમ કરવાથી ભગવાન ગણેશના પેટમાં થતી અસહ્ય બળતરા શાંત થઈ. આ પછી ભગવાન ગણેશ દુર્વાથી ખૂબ જ ખુશ થાય છે અને જે ભક્ત ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરે છે તેની સર્વ મનોકામના ભગવાન ગણેશ શીઘ્ર પૂરી કરે છે. દીર્ઘ નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે દુર્વાને તેના મૂળથી તોડ્યા પછી પવિત્ર જળથી સાફ કરી 21 દુર્વાઓને ભેગી કરીને એક ગાંઠ બાંધી લેવી અને ત્યારબાદ તેને પૂજાની થાળીમાં રાખવી અને આ મુજબ મંત્રોચ્ચાર કરવો.
દુર્વા હ્યમૃતસંપન્ના શતમૂલા શતાકુરા |
શતં પાતકસંહંત્રી શતમાયુષ્યવર્ધિની ||
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877