Explore

Search

October 14, 2025 6:11 pm

लेटेस्ट न्यूज़
Advertisements

ધાર્મિક કથા : ભાગ 110 શક્તિની ભક્તિનું મહાપર્વ ભાદરવી પૂનમ- ઇતિહાસ અને મહત્વ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 110 શક્તિની ભક્તિનું મહાપર્વ ભાદરવી પૂનમ- ઇતિહાસ અને મહત્વ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 110
શક્તિની ભક્તિનું મહાપર્વ ભાદરવી પૂનમ. જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
🛕🚩🛕🚩🛕🚩
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણથીયે જૂના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળ મોવાળા (બાબરી) આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે અને રુક્મિણીએ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ. સં. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯)નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં એક સંવત ૧૬૦૧ નો લેખ છે, તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે, તે ૧૬ માં શતકના છે. એક બીજા સં. ૧૭૭૯ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. ૧૪ મા શતકથી તો આરાસુરનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાંનાં બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે, કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ-પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યાં હતા. પૌરાણિક માન્યતા મુજબ દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા. એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળાં શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયાં અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયા.
▶️ બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું, રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું, જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
▶️ દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે. ગુજરાતમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આદ્યશક્તિ મા અંબાની આરાધનાનું પર્વ શરૂ થઈ જાય છે. ઉત્તર ગુજરાતની અરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજી ગુજરાત જ નહીં, દેશ અને દુનિયાના માઈ-ભક્તોમાં પણ અનેરું સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ. તો ચાલો, આ વખતે શક્તિપીઠ માં અંબાનાં દર્શને… અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે, તેઓનાં ઝૂંપડાં દેખાય છે. યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે. અંબાજીના મંદિરમાં લોકોમાં શ્રધ્ધા વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલાં બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિભવ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યારે તો મંદિરની ઉપરનો કળશ અને શિખર સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ રાખવા જેવી એ છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર હશે કે, માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્ત િ નથ ી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતનાં દર્શન થાય છે, જેનો ફોટોગ્રાફ પણ અહીં આપ્યો છે. વર્ષોથી માંની પાસે ઘીના બે અખંડ દીવા બળે છે. માતાજીનાં દર્શન સવારે અંદરનું બારણું ઊઘડતાં થાય છે. બેઉ વખતે આરતી વખતે પણ દર્શન થાય છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા પાનાં પતરાં મઢેલાં બારણાં છે, તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબું છે અને તેના ઉપર ત્રણ શિખર છે. અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.
અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં તો ઘી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ તેમજ માથામાંયે ન નખાય પરંતુ ઘી નાખી શકાય. બીજું એ કે આ માતાજીના સ્થાનમાં પવિત્રતા ખાસ જાળવવી જોઈએ. સ્વચ્છ મનથી શ્રદ્ધાપૂર્વક કરેલી ભક્તિ ઉપર માં કૃપા વરસાવે છે. વર્ષાઋતુમાં ભાદરવી પૂનમની પદયાત્રા આનંદદાયક અને અરવલ્લીની ગિરિમાળાની ચારે તરફ લીલીછમ હરિયાળી અને વહેતાં ઝરણાંથી મન પ્રસન્ન બને છે. પદયાત્રાની સાથે પ્રકૃતિના મોહક શણગારનો સમન્વય પણ આ દિવસોમાં નિહાળવાનો અદ્ભુત લહાવો મળે છે.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements