ધાર્મિક કથા : ભાગ 112
શ્રાદ્ધ સંબંધિત માહિતી
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
હિંદુ ધર્મના લોકોમાં શ્રદ્ધાથી પિતૃઓને જે અંજલિ આપવામાં આવે છે, તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવતના ભાદરવા સુદ પુનમેથી આ પર્વની શરૂઆત થાય છે, જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધનાં સોળ દિવસ હોય છે.
▶️ શ્રાદ્ધ એટલે પિતૃ યજ્ઞના 16 દિવસ
અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે, ત્યારે પિતૃઓને તૃપ્ત કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ 16 દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ. આ સિવાય પુરાણોની વાત કરો તો બ્રહ્મ, વિષ્ણુ, નારદ, સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાદ્ધ શરૂ થતા જ પિતૃ મૃત્યલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે એટલે આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ, પિંડદાન, બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવામાં આવે છે.
▶️ ઘરે જ શ્રાદ્ધ અને તર્પણ કરી શકો છો.
ઘરમાં જ ઉપાય અને શ્રાદ્ધ કરવા માટે શ્રાદ્ધની તિથિએ સૂર્યોદય પહેલાં જાગી જવું. સાફ કપડા પહેરીને પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ અને દાનનો સંકલ્પ લો. શ્રાદ્ધ પૂર્ણ થાય ત્યાં સુધી કશું જ ખાવું નહીં. દિવસના આઠમાં મુહૂર્ત એટલે કુતુપ કાળમાં શ્રાદ્ધ કરવું. જે 11.36 થી 12.24 સુધી હોય છે. દક્ષિણ દિશામાં મુખ રાખીને ડાબો પગવાળીને ઘૂંટણને જમીન પર ટેકવીને બેસી જવું. તાંબાના મોટા વાસણમાં જવ, તલ, ચોખા, ગાયનું કાચું દૂધ, ગંગાજળ, સફેદ ફૂલ અને પાણી લેવું. હાથમાં કુશા ઘાસ રાખો અને જમણાં હાથમાં જળ લઈને અંગૂઠાથી તે વાસણમાં અર્પણ કરો. આ પ્રક્રિયા 11 વાર કરીને પિતૃઓનું ધ્યાન કરો. પિતૃઓ માટે અગ્નિમાં ખીર અર્પણ કરો. તે પછી પંચબલી એટલે દેવતા, ગાય, કૂતરાં, કાગડા અને કીડી માટે અલગથી ભોજન કાઢવું. બ્રાહ્મણ ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા અને અન્ય વસ્તુઓનું દાન કરો.
▶️ કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર?
ગૌતમધર્મસૂત્ર પ્રમાણે પુત્ર ન હોય તો ભાઈ-ભત્રીજા, માતાના કુળના લોકો એટલે મામા કે મામાનો દિકરો અથવા શિષ્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો તેમાંથી કોઇ ન હોય તો કુળ-પુરોહિત અથવા આચાર્ય શ્રાદ્ધ કર્મ કરી શકે છે. પિતા માટે પિંડદાન અને જળ તર્પણ પુત્રએ કરવું જોઇએ. પુત્ર ન હોય તો પત્ની અને પત્ની ન હોય તો સગો ભાઈ પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. વિષ્ણુપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, મૃત વ્યક્તિના પુત્ર, પૌત્ર, ભાઈના સંતાનને પિંડદાન કરવાનો અધિકાર હોય છે. માર્કણ્ડેય પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, જો કોઇ વ્યક્તિનો પુત્ર ન હોય તો તેની દીકરીનો પુત્ર પણ પિંડદાન કરી શકે છે. જો તે પણ ન હોય તો પત્ની મંત્રો વિના શ્રાદ્ધ-કર્મ કરી શકે છે. પત્ની પણ ન હોય તો કુળના કોઇ વ્યક્તિ દ્વારા શ્રાદ્ધ કરી શકાય છે. માતા-પિતા કુંવારી કન્યાઓને પિંડદાન કરી શકે છે. પરણિતા દીકરીના પરિવારમાં કોઇ શ્રાદ્ધ કરનાર ન હોય તો પિતા તેનું પણ પિંડદાન કરી શકે છે. દીકરીનો દીકરો અને નાના એકબીજાનું પિંડદાન કરી શકે છે. આ પ્રકારે જમાઈ અને સસરા પણ એકબીજાનું પિંડદાન કરી શકે છે. પુત્રવધૂ પણ પોતાની સાસુનું પિંડદાન કરી શકે છે.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877