સુરેન્દ્રનગર ખાતે પિતૃ મોક્ષાર્થે આચાર્ય પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડીમાં તા. 12/9 થી 25/9/2022 દરમિયાન કરવામાં આવ્યું. કથાના આયોજકશ્રીઓ પ્રો. શાંતિલાલ મહિપતરામ આચાર્ય તથા તેમનાં ભાઇ ઘનશ્યામભાઇનાં નિમંત્રણને માન આપીને શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ નાં ગાદીપતિ પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” (વતન વઢવાણ : ઝાલાવાડનાં ઇતિહાસવિદ ડો. ઇન્દ્રવદન આચાર્ય) ની પધરામણી શનિવારે તા. 24 સપ્ટેમ્બરે કથા દરમિયાન સાંજના 5 થી 6.30 દરમિયાન થઇ ત્યારે ઉપસ્થિત સૌ લોકોએ ઊભા થઈને તાળીઓનાં ગડગડાટથી અને ગાયત્રી માંના જયઘોષથી સ્વાગત કર્યું. શ્રી શાંતિલાલભાઇ તથા ઘનશ્યામભાઇએ શાલ ઓઢાડી સન્માન કર્યું અને પ્રોફેસર શાંતિલાલભાઇએ સ્વાગત સ્પીચમાં જણાવ્યું કે “પુ. માડી જ્યારે ઇન્દ્રવદન આચાર્ય હતા અને વઢવાણની દાજીરાજ હાઇસ્કુલમાં હિન્દીનાં શિક્ષક હતા ત્યારે એ સમયે હું સુરેન્દ્રનગરની JNVV SCHOOL માં ટીચર હતો. એ પછી 1963-64 માં અમે રાજકોટ M.A. નાં લેક્ચર ભરવા માટે સુરેન્દ્રનગરથી સાથે જતા અને ત્યારથી અમે મિત્રો બન્યા. એ પછી થોડો સમય એમ. પી. શાહ કોલેજમાં આચાર્ય સાહેબ પ્રોફેસર તરીકે રહ્યા. એ સમયે મારા પિતાશ્રી મહિપતરામ આચાર્ય અને ઇન્દ્રવદનભાઇનાં સસરા અને પ્રખ્યાત વેદપંડિત શાસ્ત્રી ગાંડુભાઇ શુકલ મિત્રો હતા તેમજ વઢવાણમાં મારા મોટાબેન સુભદ્રા અને બનેવી સાહેબ નંદલાલ રાવલ માધાવાવ ખાતે રહેતા હતા અને તેમની સાથે પણ પારિવારિક સંબંધો રહ્યા કારણ કે એ સમયે ઇન્દ્રવદનભાઇ પિતા નટવરલાલ તથા દાદા લક્ષ્મીશંકર સાથે માધાવાવ ખાતે સલાટ શેરીમાં રહેતા હતા. એમ. પી. શાહ કોલેજ બાદ ટુંક સમયમાં જ ગુજરાત કોલેજ, અમદાવાદમાં પ્રોફેસર તરીકે નિમણુંક થઈ. એ પછી 1967 માં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા. સને 1985 માં જીવનમાં પરિવર્તન આવતાં સંન્યસ્ત ગ્રહણ કર્યું અને ગાયત્રી ઉપાસક બન્યા. આજે હવે ડો. ઇન્દ્રવદન આચાર્યમાંથી આધ્યાત્મિક ગુરુ સ્વરૂપાનંદજી બન્યા છે અને સૌ પ્રેમથી ‘માડી’ તરીકે સંબોધે છે. એક સમયનાં મિત્રો તરીકે રહેલા અમે બંન્ને આજે 60 વર્ષ બાદ મળ્યા છીએ એનો અનેરો આનંદ છે.” એ પછી પુ. શ્રી માડીએ કથાના વક્તા શાસ્ત્રીશ્રી ભાવેશભાઇ વ્યાસનું શાલ ઓઢાડી સન્માન કર્યું. આ પ્રસંગે અન્ય ધર્મગુરુઓમાં કથાકારશ્રી સંજયભારથી ગોસ્વામી (રાંધેજા-ગાંધીનગર) તથા ગણપતિ ફાટસર ગણપતિ, વઢવાણનાં ગાદીપતિ શ્રી લાલદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિ હતી. તેમનું પણ યથોચિત સન્માન કરવામાં આવ્યું તેમજ પુ. લાલદાસ બાપુએ પણ પુ. શ્રી માડીનું શાલ ઓઢાડી સન્માન કર્યું. આ ઉપરાંત આચાર્ય પરિવારનાં કૂળદેવી શકટામ્બિકા માતાજીનાં પાટોત્સવ દરમિયાન બસ દ્વારા જતા યાત્રિક સેવા મંડળે પણ પુ. ગુરુદેવ શ્રી માડીનું સ્વાગત કર્યું. આ પ્રસંગે જોરાવનગરનાં પ્રસિદ્ધ પત્રકાર, લેખક, ગાયક અને સાહિત્યકાર શ્રી મનોજભાઇ પંડયા, તેમનાં ભાઈશ્રી અશોકભાઈ, બહેન ભાવના, ગાયક અને ભજનીક શ્રી નયનભાઇ ઠાકર, શ્રી નિમેષ દવે, આચાર્ય પરિવારનાં પરિવારજનો સહિત અન્ય સ્નેહીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877