વડાપ્રધાનશ્રીનાં ‘સહી પોષણ, દેશ રોશન’ આહવાનને, ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકાનાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના કપરાડા ઘટક-૨ દ્વારા પાંચમા રાષ્ટ્રીય પોષણ- માહ ૨૦૨૨ ની થીમ ‘મહિલા અને સ્વાસ્થ્ય’ અંતર્ગત કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ ટુકવાડા પી.એચ.સી. ખાતે અતિકુપોષિત તેમજ કુપોષિત બાળકો તથા સગર્ભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કિટ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જે ન્યુટ્રી કીટ કાકડકોપર ગામનાં વાઇબ્રન્ટ પ્રોડક્ટસ પ્રા.લિ.ના દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. લાભાર્થી દીઠ ૧ કિ.ગ્રા ચણા, ૧ કિ.ગ્રા મગ, ૧ કિ.ગ્રા શીંગદાણા, ૧ કિ.ગ્રા ગોળ અને ૧ કિ.ગ્રા ખજુરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કપરાડા ઘટક-૨ ના બાળ વિકાસ યોજના અધિકારી વિનિતાબેન એ. વળવીએ સમગ્ર પોષણ માહ દરમિયાન કુપોષણ માટેના જવાબદાર કારણો સામે જન જાગૃતિ લાવીને લોક સહકારથી જન આંદોલન વડે કુપોષણને નાબુદ કરવા તેમજ મમતા દિવસે અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસ બાદ જરૂર જણાય તો સીએમટીસીમાં રીફર કરવા અંગે માહિતી આપી હતી તેમજ આંગણવાડી કાર્યકર બહેનો તથા વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય અંગે જાગૃત, સંવેદનશીલ તથા સક્રિય રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. આંગણવાડીમાંથી આપવામાં આવતા ટી.એચ.આર.નો મહત્તમ ઉપયોગ કરી કુપોષણને ડામવા માટે અપીલ કરવામાં આવી હતી. ટુકવાડા પી.એચ.સી.ના મેડીકલ ઓફીસર ડો.સોહમ પટેલ દ્વારા અતિ કુપોષિત, કુપોષિત બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા જાહેર સ્થળોએ રંગોળી બનાવી મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટુકવાડા સેજા સુપરવાઇઝર ધવળીબેન બી.જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું અને કપરાડા ઘટક-૨ના આંકડા મદદનીશ અંજનાબેન દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત એન.એન.એમ. બ્લોક કો.ઓર્ડીનેટર જીતેન્દ્રભાઇ જે.ગાયકવાડ તેમજ ટુકવાડા સેજાના તમામ આંગણવાડી કાર્યકર બહેનોનાં સહિયારા પ્રયાસથી સંપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877