શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ. – 11
‘વેણુગીત’ માં પણ શ્રી ગિરિરાજજીના સ્વરૂપનું વર્ણન આવે છે. ગોપીજનો પરસ્પર કહે છે કે આ શ્રી ગોવર્ધન શ્રી હરિના ભક્તોમાં શ્રેષ્ઠ છે કારણ કે તેઓને શ્રી બલરામ અને શ્રીકૃષ્ણના ચરણારવિંદ ના સ્પર્શથી પરમ આનંદ પ્રાપ્ત થયો છે. તેમનું રોમ રોમ સ્પર્શ માત્રથી પુલકિત થયું છે. પ્રભુના ચરણ સાક્ષાત ભક્તિમાર્ગ રુપ છે. ભક્તિમાર્ગના સ્પર્શ થી જેમને આનંદનો અનુભવ થાય છે, તે ભગવતીયોમાં શ્રેષ્ઠ ગણાય છે. એવા શ્રેષ્ઠ ભગવદીય શ્રી ગિરિરાજજી બંને ભાઈઓના, ગોપગણનો તથા ગાયોનું જળ, કોમળ ઘાસ, કદરા અને કંદમૂળ ના સમર્પણથી આતિથ્ય સત્કાર કરે છે.
આવા ભગવદીયોનો માં શ્રેષ્ઠ શ્રી ગીરીરાજજી પરમ સાત્વિક અને ગુણાતીત છે. તેમણે પોતાના સર્વસ્વનો વિનિયોગ શ્રી હરિના ચરણમાં કરી દીધો છે. તેમના શીલા ખંડને આપણે સાક્ષાત ભગવદ્ સ્વરૂપ ના ભાવથી સેવીએ છીએ, દૂધથી સ્નાન કરાવીએ છીએ, ભોગ ધરાવીએ છીએ અને પરિક્રમા કરીએ છીએ. પણ આ પ્રથા ક્યારથી શરૂ થઈ? બસ, આજની કથા માં શ્રી ગોવર્ધન લીલા નો પ્રસંગ છે.
વ્રજવાસીઓ માં એક એવો રિવાજ હતો કે વર્ષાઋતુને અંતે જ્યારે નવા ધાન્ય પાક પાકે ત્યારે ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા એક મહાન ‘ઇન્દ્રયાગ’ યજ્ઞ કરવો. શ્રી કૃષ્ણ જ્યારે સાત વર્ષના હતા ત્યારે દર વર્ષની જેમ ઇન્દ્રયાગની તૈયારી ચાલી રહી હતી. કનૈયાએ જ્યારે શ્રી નંદરાયજી ને આવડા મોટા ઉત્સવ નું કારણ પૂછ્યું ત્યારે તેમણે સમજાવવામાં આવ્યા:
“જો કનૈયા, ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા આપણે દર વર્ષે ઇન્દ્રયાગ યજ્ઞ કરીએ છીએ. આ બધી તૈયારીઓ એ યજ્ઞનીજ ચાલી રહી છે. ઇન્દ્ર તો દેવોના પણ રાજા છે. તેઓ દર વર્ષે કેટલું બધું પાણી વરસાવે છે? તેથી જ તો આપણે અનાજ વગેરે પકાવી શકીએ છીએ, ગાયોને ઘાસ ચરાવી શકીએ છીએ, નદી તળાવ માંથી જળથી સિચી શકીએ છીએ, ફળફૂલ મેળવી શકીએ છીએ અને જીવન નિર્વાહ કરી શકીએ છીએ. આપણે ઈન્દ્રદેવ નો આભાર માનવા માટે કંઈક તો કરવું જ જોઈએ ને?”
આ વાત સાંભળીને કનૈયા ને હસવું આવ્યું. અદબ વાળીને તેઓ ઉભા રહ્યા અને સૌને સાચી વાત સમજાવી: “ઈન્દ્રને કારણે આપણને સુખ મળે છે એવું નથી. આપણા કર્મો અનુસાર આપણને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. ઇન્દ્રને આપણી સાથે કોઈ લેવાદેવા નથી. એનો યાગ શા માટે કરવો જોઈએ? હા, આપણને વિશેષ સુખ પ્રાપ્ત થાય છે આ ગોવર્ધન પર્વત દ્વારા. એ આપણા બધાનું સર્વ રીતે રક્ષણ કરે છે. ગાયોને ચરવા માટે ઘાસ કોણ આપે છે? જળના કુન્ડો કોની તળેટીમાં છે? વનમાં છાયો કોણ આપે છે? નાની મોટી કંદરાઓ દ્વારા આપણને ઠંડી જગ્યા વિશ્રામ અર્થે કોણ આપે છે? ટાઢ, તડકો અને વરસાદથી આપણને કોણ બચાવે છે? માટે જો યજ્ઞ કરવો હોય તો આ શ્રી ગિરિરાજજી નો કરો . એમનું પૂજન કરો. એમની આરાધના કરો. તેઓ દેવાધિદેવ છે. આટલા વર્ષમાં કોઈએ ઇન્દ્ર દેવ ના દર્શન કર્યા છે? જ્યારે શ્રી ગીરીરાજ દેવ તો હાજરાહજુર છે. આ વર્ષે બધો ભોગ એમને ધરાવવો…… આપણે ઘણા સુખી થઈશું.”
“હે પિતાજી મારો તો આ મત છે, આપનું મન માનતું હોય તો કરો. મને ગાય, બ્રાહ્મણ અને શ્રીગિરિરાજજીને ઉદેશીને કરવામાં આવતો યજ્ઞ ગમે છે. મારી એવી માન્યતા છે કે,. ઇન્દ્રપૂજા ને બદલે આપણે શ્રી ગોવર્ધનપૂજનની પ્રણાલિકા નો પ્રારંભ કરીશું તો આપણે અત્યંત સુખી થઈશું.”
સૌએ શ્રીકૃષ્ણના વચનોને વધાવી લીધા અને ઈન્દ્રને બદલે શ્રી ગોવર્ધન ની પૂજા કરવાનું નક્કી કર્યું. સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે પૂજન તથા ભોગ સામગ્રી લઇ આવ્યા. કોઈ ગાડા ભરીને લાવ્યા તો કોઈ થેલા ભરી ને તો કોઈ હાંડી ભરીને લાવ્યા. ટળેટીના બહુ મોટો ઉત્સવ યોજાયો. મંગલ વાદ્યો વાગ્યા……. કીર્તન ગવાયા…… પૂજન થયું ‘બડદેન કો આગે દે ગિરધર’ની રમઝટ બોલાઈ…. પ્રેમ લક્ષણા ભક્તોના હૈયે વિવિધ પ્રકારના મનોરથો પ્રાગટ્યા. એમાં એક ભક્ત ના હૈયામાં વીરહાનલે માજા ઓળંગી.
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -12
‘આમ તો જો આ સામેની બારી માં. ગામવાસીઓ કેવા ગાડા ભરી ભરીને હોશે જઈ રહ્યા છે!…… અને આ પાછળના વાડા તરફથી શેનો અવાજ આવી રહ્યો છે? લાવ જરા ત્યાં જઈને જોઉં તો ખરી. આતો લલીતા…. કૃષ્ણા….. જમુના…. ચંદ્રા…. બધી બલોયા અને કડા ખખડાવતી અને કમર લચકાવતી માથે દહીં દૂધની હાંડીઓ લઈ જઈ રહી છે! હંડીમાં દહીં અને દૂધ કેવા છલોછલ ભર્યા છે છલક છલક થઈને એમના ગાલ પરથી લસરી ને ચુંદડી અને ચોળી ભીંજાવી રહ્યા છે! કોણ જાણે મારા સાસુ બજારમાંથી ક્યારે પાછા આવશે અને મને પણ આ રીતે જવા દેશે? પણ હું શું લઈ ને જઈશ? ઘરમાં તો એવું કંઈ નથી…….. અરે, દરવાજાની કડી ખખડી….. સાસુ આવી ગયા લાગે છે…….’
નાનકડા એવા ખોરડામાં એક બારીએથી બીજી બારીએ અને પરસાળ થી વાડામાં અને વાડામાંથી ઓસરીમાં ફરીને લાગણીઓનાં પૂર આડે વાસ્તવિકતાના બંધ બાંધી રહેલી વહુ પોતાની સાસુને જોઈને પાછી સભાન થઈ ગઈ.
“વહુ, આ લે, બજારમાંથી ચોખા લઈ આવી છું. જલ્દીથી રાંધીને ભાત બનાવી નાખ….. અને હા, ભાતને વઘારી લેજે, આપણા તરફથી આજના દિને વઘારેલા ભાત ની સામગ્રી લઈ જશું. એક ગરીબના ઘરમાં બીજું શું હોય, બેટા?”વૃષભાણ ગોપની બદરોલા નામની દાસીના હાથમાં સાસુએ ચોખાની પોટલી પકડાવી.
બહુ હરખાઈ ગઈ. અન્નકૂટના ભોગમાં એના હાથે બનાવેલી સામગ્રી પણ ધરાવાશે એ વિચારમાત્રથી એને રોમાંચ થઈ આવ્યો. એણે ઝડપથી ચૂલો પેટાવ્યો અને એના પર ચોખાની તપેલી ચડાવી.
બદરોલા વળી પાછી સપનાની જાલર ગૂંથવા લાગી. હું મારી હાંડલી સંતાડીને લઈ જઈશ જેને કોઈને જાણ ન થાય કે હું શું લાવી છું……… આ પાછલા ટૂંકા રસ્તે થઈને જઈશ કે જેથી બધાની સાથે જ હુ પણ ભોગ ધરાવી શકુ. કનૈયાએ કહેવડાવ્યું છે એ મુજબ બધા વિવિધ પ્રકારની સામગ્રી લઈને ગયા હશે. વળી દહીં દૂધ અને મેવા મીઠાઈ નો પણ પાર નહીં હોય. પણ કોઈનેય ભાત લઈને જવાનો વિચાર નહીં આવ્યો હોય. આટલા પ્રકારની સામગ્રી આરોગ્ય પછી શ્રી ગિરિરાજજી ને થોડી નરમ વાનગી તો જોઇએ જ ને! ભોજનને અંતે ભાત ન હોય ઓડકાર ક્યાંથી આવે? અને ઓડકાર ન આવે તો ભોજનનો સંતોષ ક્યાંથી થાય? ભલું થજો સાસુનું કે ભાત બનાવવાની વાત સુજી. પણ હું હાંડલી રાખીશ કઈ જગ્યાએ? આટલા બધા મોટા ઢગલાની વચ્ચે મારી નાનકડી હાંડલી ક્યાંય દબાઈ જશે. એક કામ કરું લાવ, હાંડલી ને રંગીને ઉપર સરસ નકશીકામ કરું કે જેથી એ જુદી તરી આવે અને શ્રી ગિરિરાજજી ને એ હાંડલી ઉઠાવવાનું મન થાય…….’
વહુ હાંડલી રંગવા બેઠી. હાંડલી ને રંગાતી જાય અને વળી સપનામાં સરકતી જાય.’કનૈયા, આજ તેરે એક વચન પે વિશ્વાસ રાખી કે ઈતનો સાહસ કર રહી હું. તો કો જો પ્રિય હે, વો હમકો હુ પ્રિય હે. તોરી કાંનીસુ શ્રી ગિરિરાજજી કો હો ભોગ લગાઊંગી…… પર વો ઈતનો બડો
દેવ યા ગરીબ કી સામગ્રી અંગીકાર કરેગો? યે દેખ, હંડીકો
હું સજાય લીની. અબ યામે સામગ્રી હુ ધર દુંગી. સુંદર સજાઈ હે ન હંડી?…….
“અરે, વહુ, શું કરવા બેઠી? ભાત થયો કે નહીં? અરે વાહ,આ તો બહુ સુંદર લાગે છે. બતાવો તો….. પણ અત્યારે આનું શું કામ છે કે સમય બગાડી રહી છે? જલ્દી તપેલી ઉતાર અને ભાત વઘાર.”
“જી,માતાજી, હમણાં વધારી દઉ.”બદરોલા પ્રેમાંવેશમાં એટલી તલ્લીન થઈ ગઈ હતી કે એને સાસુના વેણ જરાય આકરા નહોતા લાગી રહ્યા. એનું ચિત એવી જગ્યાએ પહોંચ્યું હતું કે જ્યાંથી એને પણ એના પોતાના કોઈ ખબર નહોતા પહોંચી રહ્યા!
‘મારા કાન્હા એ બતાવેલા નવા દેવ પોતાના હાથમાં આ હાંડલી ઉઠાવશે તો શોભશે તો ખરા ને? એમાંથી ભાત કાઢીને આરોગશે ત્યારે એ કેવા લાગશે? લાવ, જરા રાઈનો મધમધતો વઘાર કરીને એને સ્વાદિષ્ટ બનાવી દઉં……’
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
