,
વંદના
ફેબ્રુઆરી ૨૦૦૭નો સમયગાળો. વડોદરાથી ૫૦ કિ.મી. દૂર આવેલું ૩૦ હજારની વસ્તી ધરાવતું એક ગામ જ્યાં ૮૦ વર્ષના એક વૃદ્ધ સ્થાનિક ડોક્ટરો પાસે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. કેન્સર જેવી બીમારીનો ઈલાજ સ્થાનિક તબીબોના ગજા બહારની વાત હોવાથી ફેમિલી ડોક્ટરે વૃદ્ધને ચેન્નાઈની પ્રસિદ્ધ ‘અડયાર કેન્સર હોસ્પિટલ’માં ઈલાજ માટે જવા સલાહ આપી અને વૃદ્ધની સારવાર માટે ડોક્ટર દ્વારા તમામ ગોઠવણ અહીંથી જ ફોન કરીને કરી આપવામાં આવી.
એક મહિનો ચેન્નાઇ રહી અને સારવાર કરવાની હતી, જેથી બે પુત્રોમાંથી કોઈ એક મહિનો સાથે જઈ અને રહી શકે તેમ ન હોવાથી વૃદ્ધ પોતાની ૭૫ વર્ષની પત્નીને સાથે લઈને ચેન્નાઇ સારવાર કરાવવા નીકળ્યા. ચેન્નાઇ ટ્રેન પહોંચતા પાંચ કલાક મોડી પડી અને રાત્રે નવ વાગે ચેન્નાઇ ઉતરી અને વૃદ્ધ દંપત્તિ રીક્ષા દ્વારા કેન્સર હોસ્પિટલ પહોંચ્યું. રીક્ષાથી રાત્રે દસ વાગ્યા પછી હોસ્પિટલના કેમ્પસમાં પહોંચેલા વૃદ્ધાએ પૈસા ચૂકવી અને પતિને “નીચે ઉતરો હવે” તેમ કહ્યું ત્યારે જોયું કે પતિનો દેહ નિશ્ચેત છે. વૃદ્ધા ગભરાયા અને દોડીને હોસ્પિટલમાં ગયા ત્યાં ચેન્નાઇમાં ભાષાની ભારે તકલીફ પડી પણ વૃદ્ધાના ઈશારાઓથી ચેન્નાઇના ડોક્ટરો કંઈક સમજ્યા અને બહાર આવી વૃદ્ધને ચકાસીને જણાવ્યું કે, તેઓનો દેહાંત થઇ ચુક્યો છે.
વૃદ્ધના મૃતદેહને રીક્ષામાંથી ઉતારી સ્ટ્રેચર ઉપર મૂકી દેવામાં આવ્યો. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી શકાય પણ મૃતદેહને નહીં એટલે હોસ્પિટલના કેમ્પસમાં જ સ્ટ્રેચર ઉપર મૃતદેહ મૂકી રાખવામાં આવ્યો. રાતે દસ વાગ્યા પછીનો સમય હતો. હોસ્પિટલનું ચોગાન પણ સુમસામ હતું અને ૭૫ વર્ષની વૃદ્ધા ઘરથી ૧૮૦૦ કિલોમીટર દૂર પતિના મૃતદેહ સાથે અજાણ્યા મહાનગરમાં એકલી હતી, જ્યાં કોઈ તેની ભાષા સમજતું ન હતું કે તે કોઈની ભાષા સમજતી ન હતી. દરમ્યાન માઠા સમાચાર આપવા વૃદ્ધાએ ઘરે દીકરાને ફોન જોડ્યો. ઘરે અમંગળના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા પણ તેથી વધુ દુઃખ એ હતું કે ઘરથી આટલા દૂર પિતાના મૃતદેહ સાથે માતા એકલી તો હવે કરવું શું..!! સંબંધી અને આસપાડોસમાં સમાચાર વહેતા થયા અને લોકો એકત્રિત થવા લાગ્યા. તપાસ કરી પણ ટ્રેન કે વિમાન દ્વારા ચેન્નાઇ ચોવીસ કલાક પહેલા પહોંચવું કે ત્યાંથી મૃતદેહ અહીં લાવવો બંનેમાંથી કાંઈ જ કોઈપણ રીતે શક્ય ન હતું. છેવટે ભીડમાં મોજુદ આધેડ વયના અશોકભાઈએ પોતાની રીતે પ્રયત્નો શરુ કર્યા.
અશોકભાઈ વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીમાં ભણતા હતા ત્યારે ત્રીસ વર્ષ અગાઉ તેઓના ગ્રુપમાં વંદના નામની છોકરી હતી. તેના લગ્ન ચેન્નાઇ થયા હતા અને ત્યારે તેઓ તેના લગ્નમાં ગયા હતા તેવું યાદ આવતા અશોકભાઈ એ પોતાના મિત્ર વર્તુળમાં રાતે અગિયાર વાગે ફોન જોડવાના પ્રયત્નો શરુ કર્યા. લગ્ન બાદ વંદના સાથે કોઈ સંપર્ક ન હતો છતાં પાંચ-છ મિત્રોનો સંપર્ક કર્યા બાદ વંદનાના વડોદરા ખાતેના પિયરનો લેન્ડલાઈન નંબર મેળવી શકાયો. આ પ્રક્રિયા દરમ્યાન રાતના એક વાગી ગયો હતો. પરિવારના સભ્યો સતત ચેન્નાઇમાં પોતાની માતાના સંપર્કમાં હતા પણ ઉપરાઉપર ફોન ચાલુ રહેવાને કારણે ચેન્નાઇમાં વૃદ્ધાની મોબાઈલની બેટરી ઉતરી ગઈ અને સંપર્ક તૂટી ગયો.
અશોકભાઈએ રાતે એક વાગ્યા બાદ વંદનાના વડોદરા ખાતે પિયરના ઘરે ફોન કરી એક પ્રયત્ન કરવાનું ઠીક માન્યું. રાત્રે રિંગ વાગી તો કોઈક કિશોરીએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ વંદના વિષે પૂછતાં કિશોરીએ જણાવ્યું કે, ‘તે મારા ફોઈ છે અને ચેન્નાઇ જ રહે છે. તેઓની દીકરીનું પરમ દિવસ લગ્ન છે એટલે મારા પરિવારના તમામ સભ્યો ચેન્નાઇ ગયા છે. મારે માર્ચમાં બોર્ડની પરીક્ષા છે એટલે હું નથી ગઈ અને મારા બા અને હું અહીં જ છીએ.’
અશોકભાઈએ વંદનાનો ચેન્નાઇનો નંબર માંગતા મળી ગયો અને રાત્રે દોઢ વાગ્યાના અરસામાં ખચકાતા ખચકાતા અશોકભાઈએ વંદનાના મોબાઈલ પર ફોન કર્યો. બીજા દિવસે વંદનાની દીકરીનું લગ્ન હતું જેથી શું વાત કરવી અને કઈ રીતે કહેવું તે માટે અશોકભાઈ અવઢવમાં હતા ત્યાં વંદનાના પતિએ ફોન ઉપાડ્યો. અશોકભાઈએ પોતાનો પરિચય આપી વંદના સાથે વાત કરાવવા કહ્યું. વંદનાને તેના પતિએ ફોન આપ્યો તો અશોકભાઈએ વંદનાને સમગ્ર બાબત જણાવી અને કહ્યું કે, તારી દીકરીનું લગ્ન છે તેવા સમયે ત્રીસ વર્ષ પછી જિંદગીમાં પહેલીવાર તને ફોન કરું છું પણ આવી મજબૂરી છે. તારાથી થાય તો મદદ કર બોલતા અશોકભાઈનું ગળું ભરાઈ આવ્યું.
વંદનાએ નામ અને સરનામું લીધું અને બને તે મદદ કરવાની ખાતરી આપી. છત્રીસ કલાક બાદ જેના ઘરના આંગણામાં દીકરીને પરણવા જાન આવવાની હતી તે વંદના તેના પતિને લઇને રાતે અઢી વાગે ચેન્નાઇની કેન્સર હોસ્પિટલમાં પહોંચી અને એ વૃદ્ધાને મળી. અજાણ્યા પ્રદેશમાં કોઈ ગુજરાતી માણસ શોધતો આવીને મળતા દસ વાગ્યાના પતિની લાશ સાથે મુર્તિવંત બનીને બેઠેલી વૃદ્ધા દિલ ખોલીને વંદનાના ખભા ઉપર માથું મૂકી રડી. દરમ્યાન વંદનાના પતિએ હોસ્પિટલના જવાબદારો સાથે વાત કરી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવવાની વ્યવસ્થા કરી અને મૃતક વૃદ્ધના પરિવાર સાથે પરામર્શ કરીને મૃતદેહને ચેન્નાઇમાં જ અંત્યેષ્ઠી કરવાની વાત નક્કી કરી. વંદનાને વૃદ્ધા સાથે છોડી અને એનો પતિ અંતિમ ક્રિયાની તૈયારી કરવામાં લાગી ગયો.
સવારે સાત વાગે હોસ્પિટલના ચોગાનમાં એક એક કરીને માણસ ભેગા થવા લાગ્યા. આઠ વાગ્યાની આસપાસ ચારસો ગુજરાતીઓ હોસ્પિટલના ચોગાનમાં ભેગા થઇ ગયા. વંદનાનો પતિ અંતિમ સમાન લઇને આવ્યો. જરૂરી વિધિ પતાવી ચેન્નાઇમાં ચારસો ગુજરાતીઓ એક અજાણ્યા ગુજરાતીનો મૃતદેહ લઇ રામ નામનો જાપ કરી સ્મશાન પહોંચ્યા અને મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કર્યો.
વંદનાએ વૃદ્ધાને પોતાને ત્યાં લઇ જઈ થોડા સ્વસ્થ કર્યા અને ચેન્નાઇથી વડોદરા આવવા ટ્રેનમાં રવાના કરવાની વિધિ પતાવી. બીજે દિવસે દીકરીની જાન આવવાની હતી એટલે લગ્નમાં મોસાળું કરવા આવેલા ભાઈને ‘મોસાળું કરવાની જવાબદારી બીજા નિભાવી લેશે તું માજીને ઘરે પહોંચાડવાનું કામ કર’ કહીને ભાઈને માજી સાથે જ ટ્રેનમાં વડોદરા રવાના કર્યો.
વંદનાના ઘરે લગ્ન પતિ ગયાના બે સપ્તાહ બાદ વંદના પોતાના પિયરમાં અને સગા-સંબંધીઓને ત્યાં દીકરી જમાઈને લઈ આવીને ગુજરાતમાં કુળદેવીના મંદિર ખાતે નવપરણિત યુગલને પગે લગાડવાના હતા ત્યારે વંદના ચેન્નાઇથી અસ્થિ કળશ અને મૃત્યુનું પ્રમાણપત્ર પણ સાથે લઇને આવવાનું ન ભૂલી. એટલે જ કહેવાય છે કે ‘જ્યાંજ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’
(પત્રકાર તરીકે મારી કવર કરેલી હજારો સ્ટોરીઝમાંથી જે મારી હૃદયની સૌથી નજીક છે તે પૈકીની આ એક સત્ય ઘટના)
- ડો. કેયુર જાની
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877