✒️આલેખન – સંકલન: અશ્વિન પટેલ જુનાગઢ / भानूभाई लोकाडिया
રથયાત્રા પર્વ નિમિત્તે વિશેષ લેખ..ભગવાન જગન્નાથની મહિમા
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના દેહનો ત્યાગ કર્યો અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે શરીરના એક હિસ્સા સિવાય સમગ્ર દેહ પાંચતત્વમાં વિલીન થઇ ગયો હતો પરંતુ ભગવાન શ્રીકૃષ્ણનું હ્રદય જીવિત વ્યક્તિના હ્રદયની જેમ ધડકતું રહ્યું અને આ હ્રદય આજે પણ ભગવાન જગન્નાથની લાકડાની મૂર્તિમાં સુરક્ષિત રીતે વિદ્યમાન છે.ભગવાન જગન્નાથ-બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ લાકડામાંથી બનાવવામાં આવે છે.આ ત્રણ મૂર્તિ દર બાર વર્ષે બદલવામાં આવે છે અને જુની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓ ગુપ્ત પરંપરાથી સ્થાપિત કરવામાં આવે છે જે અનુસાર નવી અને જુની મૂર્તિઓને સામ-સામે રાખવામાં આવે છે.ત્યારબાદ મંદિર સહિત આખા શહેરની લાઇટો બંધ કરવામાં આવે છે.વિધિ કરનાર પૂજારીઓની આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે.હાથે મોજા પહેરવામાં આવે છે, ત્યારબાદ મૂર્તિઓ પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે પરંતુ આત્મ પદાર્થ કે બ્રહ્મ પદાર્થને બદલવામાં આવતો નથી. બ્રહ્મ પદાર્થને જુની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે.
આ બ્રહ્મ પદાર્થ શું છે? તેના વિશે આજસુધી કોઇને કોઇ જાણકારી નથી.મૂર્તિ બદલનાર પૂજારીઓનો અનુભવ છે કે જ્યારે બ્રહ્મ પદાર્થ જુની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં હાથથી પકડીને મુકવામાં આવે છે તે સમયે એવું લાગે છે કે જાણે હાથમાં કંઇક ઉછળી રહ્યું હોય.કોઇ એવી ચીજ કે જેનામાં પ્રાણ છે.હાથોમાં મોજા પહેરેલા હોવાથી આ પદાર્થનું બિલ્કુલ સટીક ભાન થતું નથી પરંતુ તે બ્રહ્મ પદાર્થમાં કોઇ જીવિત પદાર્થ હોવાનો અનુભવ થાય છે.
રથયાત્રા ભગવાન જગન્નાથ-બલદેવ અને સુભદ્રા સાથે જોડાયેલ હિંદુ તહેવાર છે જે સમગ્ર દેશમાં અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે.ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાના જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથo પુરીની છે.આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.ગુજરાતમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે,આ સિવાય વડોદરા તથા સૂરતમાં ઇસ્કોન સંસ્થા દ્વારા રથયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
રથયાત્રા સબંધે પૌરાણિક કથાનુસાર એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઇચ્છા જણાવી.શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર થઈ ગયા.સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો નગરયાત્રા પર નીકળી પડયાં.સુભદ્રાજીની નગરયાત્રાની ઇચ્છાની સ્મૃતિમાં જગન્નાથ પુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે.
બીજી માન્યતા અનુસાર પુરી ભગવાન જગન્નાથજીના માસીનું ઘર છે.ત્યાં ત્રણે ભાઇ-બહેન જાય છે, ગયા પછી તેમની તબિયત ખરાબ થઇ જાય છે અને પછી માસી દવા આપીને તેમને સાજા કરે છે તે ગુંડિચા મંદિર. હવે માસી ર્માં નું મંદિર કહેવાય છે.આ રથયાત્રા અગિયાર દિવસ સુધી ચાલે છે.દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તોને આર્શિવાદ આપવા માટે ગર્ભગૃહમાંથી બહાર આવે છે.
રથયાત્રાની ત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ એક કથા જોડાયેલી છે તે કથા અનુસાર રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નિલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ કે ભગવાન જગન્નાથ-બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે.આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ (લાકડું) તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો ! પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પીની શોધ. એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. રાજાએ શરતનો સ્વીકાર કર્યો.પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા.રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે? ઘણાં દિવસો સુધી તે ઘરનાં દ્વાર બંધ રહ્યાં. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી શકશે? પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર ખોલાવતાં ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી.આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, “હે નરેશ ! દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો.”
જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ બારમી સદીથી થયેલ છે.જેનું વર્ણન પદ્મપુરાણ,બ્રહ્મપુરાણ તથા સ્કંદપુરાણમાં છે.અમદાવાદમાં ૧૪૭ વર્ષથી રથયાત્રા યોજાય છે.જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ.૧૮૭૮ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો.નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.જમાલપુરમાં આવેલાં ચારસો વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને ચૌદ કિ.મી.નું અંતર કાપી રથયાત્રા સાંજે મંદિરે આવે છે.આ રથયાત્રાના પંદર દિવસ પહેલાં જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે.આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે.આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે.સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.
જલયાત્રાના દિવસે અભિષેક થયા બાદ મંદિરના દરવાજા પંદર દિવસ માટે બંધ રાખવામાં આવે છે. પંદર દિવસ સુધી એકાંતમાં એટલે કે તેમના આરામ ખંડમાં જાય છે.આ દરમિયાન ભક્તો તેમના દર્શન કરી શકતા નથી.ભગવાન જગન્નાથે એક ભક્તની બિમારી પંદર દિવસ માટે પોતાના પર લીધી હતી. પ્રાચીન દંતકથાઓ અનુસાર ભગવાનના પ્રખર ભક્ત માધવદાસ ઓરિસ્સા પ્રાંતના જગન્નાથ ધામમાં રહેતા હતા. એકવાર માધવદાસને પેટમાં ગડબડ થઈ અને તે એટલો કમજોર બની ગયો કે તે બેસી પણ શકતા ન હતા તેમ છતાં તેમણે ઈશ્વરની સેવા કરવાનું બંધ કર્યું નહીં.આ પછી ભગવાન જગન્નાથ પોતે પોતાના ભક્ત માધવદાસના ઘરે પહોંચ્યા અને માધવદાસની સેવા કરવા લાગ્યા.જે સમયે ભગવાન માધવદાસની સેવા કરી રહ્યા હતા તે સમયે તેઓ નિદ્રાધીન હતા.જ્યારે માધવદાસ ભગવાનના સ્પર્શથી જાગી ગયા ત્યારે તેમણે ભગવાનને ઓળખ્યા અને કહ્યું કે ભગવાન તમે મારી સેવા કરો છો..! તમે ઇચ્છતા તો તમે મારો રોગ મટાડી શક્યા હોત ! ત્યારે ભગવાને માધવદાસને કહ્યું કે જીવનમાં જે થવાનું છે તે તો થઇને જ રહે છે.અત્યારે તારી માંદગીના પંદર દિવસ બાકી છે એ મને આપી દે.ભગવાને પોતાના ભક્તનો રોગ પંદર દિવસ સુધી લીધો હતો ત્યારથી ભગવાન દર વર્ષે પંદર દિવસ બિમાર રહે છે.
હવે ત્રણે રથોની વાત કરીએ કે જેના ઉપર ભગવાન જગન્નાથ-બલભદ્ર અને સુભદ્રા સવાર થઇને બહાર નીકળે છે.લીમડાના લાકડામાંથી બનાવવામાં આવતા આ રથોમાં કોઇપણ પ્રકારના ખીલા કે અન્ય ધાતુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ભગવાન જગન્નાથના રથમાં સોળ પૈડા હોય છે અને તેને બનાવવામાં કુલ આઠસો બત્રીસ લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે.તેનો રંગ લાલ-પીળો અને ઉંચાઇ તેર મીટર હોય છે.ગરૂડધ્વજ, કપિધ્વજ અને નંદીઘોષ-આ ભગવાન જગન્નાથના રથના નામ છે.રથના ધ્વજને ત્રિલોક્યવાહિની કહે છે. રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેને શંખચૂડ કહે છે.ભગવાન વિષ્ણુના વાહન પક્ષીરાજ ગરૂડ ભગવાન જગન્નાથના રથના રક્ષક છે.
દેવી સુભદ્રાના રથ ઉપર દેવી દુર્ગાનું પ્રતિક હોય છે.તેમના રથનું નામ દેવદલન છે.લાલ અને કાળા રંગનો આ રથ ૧૨.૯૦ મીટર ઉંચો હોય છે.રથનાં રક્ષક જય દુર્ગા તથા સારથી અર્જુન હોય છે.તેને ખેંચવા માટેના દોરડું સ્વર્ણચૂંડા નામથી ઓળખાય છે.
ભગવાન બલભદ્રને મહાદેવનું પ્રતિક માનવામાં આવે છે.તેમના રથનું નામ તાલધ્વજ છે.રથના રક્ષક વાસુદેવ અને સારથી માતલી હોય છે.લાલ અને લીલા રંગના આ રથમાં ચૌદ પૈડા હોય છે અને આ રથ ૧૩.૨૦ મીટર ઉંચો હોય છે.
ભગવાન જગન્નાથ મંદિરના વિશે અન્ય એક રહસ્ય સિંહદ્વારનું છે.જગન્નાથ પુરી મંદિર સમુદ્ર કિનારે આવેલ છે.મંદિરમાં એક સિંહદ્વાર છે. જ્યાં સુધી આપણે આ સિંહદ્વારમાં દાખલ થતા નથી ત્યાં સુધી સમુદ્રની લહેરોનો અવાજ તથા આસપાસમાં સળગાવવામાં આવતી ચિત્તાઓની ગંધ આવે છે પરંતુ જેવા આપણે સિંહદ્વારમાં દાખલ થઇએ ત્યારે સમુદ્રની લહેરોનો અવાજ તથા ચિત્તાઓની ગંધ આવતી બંધ થઇ જાય છે.
મંદિરની સૂક્ષ્મ ઉર્જાનું અદભૂત ચુંબકીય ક્ષેત્ર એક મોટું રહસ્ય છે.સામાન્ય રીતે કોઇપણ મંદિર,મસ્જીદ કે કોઇ મોટા ભવન ઉપર આપણને પક્ષીઓ બેઠેલા જોવા મળે છે પરંતુ જગન્નાથ મંદિર ઉપર કોઇપણ પક્ષીઓ બેઠેલા કે તેના ઉપરથી ઉડતા જોવા મળતા નથી.મંદિર ઉપરથી હવાઇજહાજ કે હેલિકોપ્ટર ઉડાડવામાં આવતું નથી.અંગ્રેજો પણ ક્યારેય પુરી તટ ઉપર પોતાના બંદર બનાવી નહોતા શક્યા. શરૂઆતમાં તેમને પ્રયત્ન કર્યો હતો પરંતુ ચુંબકીય પ્રભાવના કારણે આવનાર તમામ જહાજ રસ્તામાં જ રસ્તો ભૂલીને ખોવાઇ ગયા હતા.
જગન્નાથ મંદિરની ઉપરની ધજા પણ જીજ્ઞાસા પેદા કરે તેવું એક રહસ્ય છે.આ મંદિર આશરે ચાર લાખ ચો.ફુટ વિસ્તારમાં ફેલાયેલું છે.તેની ઉંચાઇ ૨૧૪ ફુટ છે.સામાન્ય રીતે દિવસ દરમ્યાન કોઇપણ ભવન કે વસ્તુ-વ્યક્તિનો પડછાયો જમીન ઉપર દેખાય છે પરંતુ જગન્નાથ મંદિરનો પડછાયો આજ દિવસ સુધી કોઇએ જોયો નથી.મંદિરના શિખર ઉપરની ધજા દરરોજ બદલવામાં આવે છે.દરરોજ સાંજે મંદિરના પૂજારી ઉલ્ટી દિશાથી ઉપર ચઢી ધજા બદલે છે.માન્યતા છે કે જો ધજા બદલવામાં ના આવે તો આગલા અઢાર વર્ષ સુધી મંદિર બંધ કરી દેવું પડે એટલે મંદિરના પિસ્તાલીસ માળ ઉપર સ્થિત ધજાને રોજ બદલવામાં આવે છે.ધજાની અનોખી વાત એ છે કે ધજા હંમેશાં પવનની વિરૂદ્ધ દિશામાં ફરકે છે.
મંદિરના શિખર ઉપર ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર હોય છે.તેની વિશેષતા એ છે કે પુરી શહેરમાં ગમે તે ખૂણામાંથી જોવામાં આવે તો એમ જ લાગે કે ચક્ર અમારી સામે જ છે.
આ અદ્વિતિય મંદિરની રસોડાનું રહસ્ય પણ રોચક છે.કહેવાય છે કે જગન્નાથ મંદિરનું રસોડું વિશ્વનું મોટામાં મોટું છે.આ રસોડામાં પાંચસો રસોઇઆ અને ત્રણસો મદદનીશ કામ કરે છે જે ભગવાનનો પ્રસાદ બનાવે છે.આ પ્રસાદ પ્રાચિન વિધિપૂર્વક બનાવવામાં આવે છે.એક ઉપર એક એમ માટીના સાત વાસણો રાખીને બનાવવામાં આવે છે.છે.તેમાં સૌથી ઉપર રાખેલ વાસણમાં પહેલો પ્રસાદ તૈયાર થાય છે અને સૌથી નીચેના વાસણની રસોઇ છેલ્લે તૈયાર થાય છે આ એક મોટામાં મોટું રહસ્ય છે જેને આજદિન સુધી કોઇ જાણી શક્યું નથી.આ રસોડાનું રહસ્ય એવું છે કે ગમે તેટલા દર્શનાર્થીઓ ભોજન ગ્રહણ કરે તેમછતાં પ્રસાદ ક્યારેય ખુટતો નથી અને જેવો મંદિરનો ગેટ બંધ થાય કે તુરંત જ પ્રસાદ આપોઆપ પુરો થઇ જાય છે એટલે કે પ્રસાદ ક્યારેય બગડતો નથી.
આલેખનઃઅશ્વિન પટેલ જુનાગઢ
—————————————— —-
✍🏼
ના જાણેલી વાત જાણવા જેવી પોસ્ટ
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877