Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 292
શ્રાવણ સુદ તેરસ : કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ
🌺🌹🌸🌷💐🌺
કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલું છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક અને સાતમા ક્રમે આવે છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણેજ ગુજરાતીમાં કહેવત છે કે “સુરતનું જમણ અને કાશીનું મરણ.” કાશી આ સંસારની સૌથી પુરાણી નગરી કહેવાય છે. આ નગરી વર્તમાન વારાણસી શહેરમાં સ્થિત છે. વિશ્વના સર્વાધિક પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં કાશી નગરીનો ઉલ્લેખ જોવા મળે છે – કાશિરિત્તે. આ નગરીને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. પ્રલયના સમયે આ નગરની રક્ષા કરવા માટે ભગવાન શિવે આ શહેરને પોતાના ત્રિશૂળ પર ટકાવીને રાખ્યું હતું. એક કથા અનુસાર મહારાજ સુદેવના પુત્ર રાજા દિવોદાસે ગંગા નદીના તટ પર વારાણસી નગર વસાવ્યું હતું. એક વાર ભગવાન શંકરે જોયું કે પાર્વતીજીને પોતાના પિયર હિમાલય ક્ષેત્રમાં રહેવામાં સંકોચ થાય છે, તો એમણે કોઇ અન્ય સિદ્ધક્ષેત્રમાં રહેવાનો વિચાર કર્યો. આ માટે એમને કાશી નગરી અત્યંત પ્રિય લાગી. તેઓ અહિંયા આવી ગયા. ભગવાન શિવના સાન્નિધ્યમાં રહેવાની ઇચ્છાને કારણે દેવતાઓ પણ કાશી નગરીમાં આવીને રહેવા લાગ્યા. રાજા દિવોદાસને પોતાની રાજધાની કાશીનું આધિપત્ય ખોવાવા લાગ્યું તેથી ઘણા દુ:ખી થયા. એમણે કઠોર તપસ્યા કરી બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે દેવતાઓ દેવલોકમાં જ રહે, ભૂલોક મનુષ્યો માટે જ રહે. સૃષ્ટિકર્તાએ તથાસ્તુ કહી દિધું. આ વાતના ફળસ્વરૂપે ભગવાન શંકર અને દેવગણોને કાશી છોડવાને માટે વિવશ થવું પડ્યું. શિવજી મન્દરાચલ પર્વત પર ચાલ્યા તો ગયા પરંતુ કાશી નગરી સાથે એમનો મોહ ભંગ થઇ શક્યો નહીં. મહાદેવજીને એમની પ્રિય કાશી નગરીમાં પુન: વસાવવાના ઉદ્દેશ્યથી ચૌસઠ યોગિનીઓ, સૂર્યદેવ, બ્રહ્માજી અને નારાયણજીએ ખુબ પ્રયાસ કર્યો. ગણેશજીના સહયોગથી અંતે આ અભિયાન સફળ થયું અને જ્ઞાનોપદેશ મેળવીને રાજા દિવોદાસ વિરક્ત થઇ ગયા. એમણે સ્વયં એક શિવલિંગની સ્થાપના કરી અને એની અર્ચના કરી, પછીથી તેઓ દિવ્ય વિમાનમાં બેસીને શિવલોક ચાલ્યા ગયા અને મહાદેવજી કાશી પાછા આવી ગયા. કાશીનું માહાત્મ્ય એટલું છે કે સહુથી મોટા પુરાણ સ્કન્દ મહાપુરાણમાં કાશીખંડ નામથી એક વિસ્તૃત પૃથક વિભાગ આલેખવામાં આવેલ છે. આ નગરીના બાર પ્રસિદ્ધ નામ છે. કાશી, વારાણસી, અવિમુક્ત ક્ષેત્ર, આનન્દકાનન, મહાશ્મશાન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી અને વિશ્વનાથનગરી છે. સ્કન્દપુરાણમાં કાશી નગરીના મહિમાના ગુણ-ગાન કરતાં કરતાં કહેવામાં આવ્યું છે કે, જેને જગતની સીમાઓ સાથે બંધાયેલ હોવા છતાં પણ સૌનું બંધન કાપવાવાળી મોક્ષદાયિની છે, જે મહાત્રિલોકપાવની ગંગા નદીના તટ પર સુશોભિત તથા દેવતાઓ વડે સુસેવિત છે, ત્રિપુરારિ ભગવાન વિશ્વનાથની રાજધાની એવી કાશી સંપૂર્ણ જગતની રક્ષા કરે છે. કાશી નગરનું આ મુખ્ય મંદિર છે. મંદિરની ઉપર સુવર્ણ કળશ ચઢાવેલ છે, જેનું લોકાર્પણ પંજાબ નરેશ મહારાજા રણજિતસિંહે કરેલ, સાથે તેમણે 1000 કિલો સુવર્ણદાન પણ કરેલું. મંદિરની સામે સભામંડપ છે. મંડપની પશ્ચિમ દિશાએ દંડપાણેશ્વરનું મંદિર છે. સભામંડપમાં મોટો ઘંટ તથા અનેક દેવદેવીની મૂર્તિ છે. મંદિરના પ્રાંગણમાં એક બાજુ સૌભાગ્યગૌરી તથા ગણેશજી તો બીજી બાજુએ શૃંગારગૌરી અવિમુકતેશ્વર મંદિર તથા સત્યનારાયણદેવનાં મંદિર આવેલાં છે. દંડપાણેશ્વર મંદિરની પશ્ચિમે શનૈશ્ચરાય મહાદેવ છે. દ્વાદશ જ્યોર્તિલિંગમાંનું વિશ્વેશ્વર લિંગ અહીં છે. મહેશ્વરના બધા શિવાલયોમાં સૌથી મોટું શિવલિંગ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે. અહીંની વિશેષતાઓ એ છે કે અહીંના લિંગની બેઠક શંખના આકારની નથી પરંતુ ચોરસ આકારની છે. આમાંથી પાણી નીકળવાનો કોઇ માર્ગ નથી, તેથી લોટાથી પાણી ઊલેચી કાઢવું પડે છે. કારતક સુદ 14 તથા મહાશિવરાત્રિના દિવસે વિશ્વેશ્વરનું પૂજન અર્ચન કરનાર કરાવનારનો મોક્ષ થાય છે. શ્રી વિશ્વનાથજી કાશીનગરના સમ્રાટ છે. તેમના મંત્રી હરેશ્વર, કથા વાચક બ્રહ્મેશ્વર, કોટવાળ ભૈરવ, ધનાધ્યક્ષ તારકેશ્વર, છડીદાર દંડપાણી, ભંડારી વીરેશ્વર, અધિકારી ઢુંઢિરાજ તથા કાશીનાં અન્ય શિવલિંગ પ્રજાપાલક છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજનાં આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયને કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ય છે. કહેવામાં આવે છે કે ઔરંગઝેબે આ મંદિરને ધ્વ્સ્ત કરી દીધું હતું અને ત્યારબાદ વર્ષ 1735માં ઈન્દોરના મહારાણી દેવી અહિલ્યાબાઈએ કાશી વિશ્વનાથ મંદિરનું પુનનિર્માણ કરાવ્યું હતું. અહિલ્યાબાઈ દર સોમવારે પાલખીમાં બેસીને ભગવાન કાશી વિશ્વનાથ મંદિર જઈને ભગવાનની પૂજા-અર્ચના અને અભિષેક કરતી હતી. સવાર અને સાંજના સમયે અર્ચન પછી નેવેદ્યમાં ચોખા અને દાળનો નૈવેદ્ય ધરાવવામાં આવતો હતો. આજે પણ આ પ્રથા શરૂ છે. 13 ડિસેમ્બર, 2021 નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્રમાં કાશી વિશ્વનાથ ધામ કોરીડોરનું લોકાર્પણ કર્યુ છે, જે લગભગ સવા 5 લાખ સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યું છે. આ કોરિડોર બનાવવા માટે સેંકડો ઘરોનું અધિગ્રહણ કરાયું. આ દરમિયાન વિરોધ પણ થયો પરંતુ આખરે સરકારને સફળતા મળી. આ પ્રધાનમંત્રી મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. લાંબા સમયથી આ પરિયોજના પર કામ કરવામાં આવી રહ્યું હતું અને આશરે 32 મહિનામાં બાબાના સંપૂર્ણ પરિસરની કાયાકલ્પ થઈ ગઈ. હવે બાબા વિશ્વનાથ મંદિરનો વિસ્તાર ગંગા કિનારા સુધી છે, તેમાં 23 નાની ઇમારતો અને 27 મંદિરો છે. આ પરથી તમે તેની ભવ્યતાનો અંદાજ મેળવી શકો છો. કાશીમાં બાબા વિશ્વનાથના દર્શન પહેલા ગંગા સ્નાનની માન્યતા છે. હવે શ્રદ્ધાળુ ગંગા સ્નાન કરી ગંગા જળ લઈને સીધા બાબા વિશ્વનાથના દર્શન કરી શકે છે અને બધુ મંદિર પ્રાંગણમાં જ રહેશે.
।। काशी विश्वनाथ महादेव की जय ।।
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
[Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 293
શ્રાવણ સુદ ચૌદસ – ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ
ત્રંબકેશ્વર એ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ત્રંબક શહેરમાં આવેલું પ્રાચીન હિંદુ મંદિર છે. ત્રંબક નાસિક શહેરથી ૨૮ કિમી દૂર આવેલું છે. ત્રંબકેશ્વર શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું એક એવું આઠમું જ્યોતિર્લિંગ છે. મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. ગોદાવરી નદી દખ્ખણ પ્રદેશમાં આવેલી સૌથી લાંબી નદી છે. હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ (નાનાસાહેબ) દ્વારા બાંધવામાં આવ્યું હતું. આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે. ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે. આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે, જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે. એથી જયાંથી જળનો સ્ત્રાવ થાય છે, તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે. નાસિકના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની પૌરાણિક કથા અને તેના રહસ્યો ધાર્મિક અને પૌરાણિક દૃષ્ટિએ જોઈએ તો સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. દરેક સિદ્ધિઓ આપનારા મહાદેવની આરાધના ફક્ત મનુષ્ય અને દેવતા જ નહિ પણ વાનર, દૈત્ય, ગંધર્વ, અસુર તથા કિન્નર પણ કરે છે. શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મહાદેવના 12 જ્યોતિર્લિંગોનું મહત્વ જણાવવામાં આવ્યું છે, જે ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા છે. શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતા અંતર્ગત આ મંદિરની સ્થાપનાનો ઉલ્લેખ મળે છે જે આ પ્રકારે છે. પ્રાચીન કાળમાં આ સ્થળ પર અનેકો વર્ષો સુધી વરસાદ થયો ન હતો. જેના લીધે અહીં ભયંકર દુકાળ પડ્યો અને અહીંના રહેવાસી બીજા સ્થળ પર સ્થળાંતર કરવા લાગ્યા. તે સમયે ગૌતમ ઋષિએ કઠોર તપસ્યા કરીને વરુણદેવને પ્રસન્ન કર્યા. ઋષિની તપસ્યાને જોતા વરુણ દેવે ઋષિને એક ખાડો ખોદવાનું કહ્યું અને પોતાના દિવ્ય જળથી તેને ભરી દીધો. આ જળથી આ સ્થળ પર ફરીથી હરિયાળી થવા લાગી અને પલાયન કરવાવાળા દરેક રહેવાસી આ સ્થળ પર પાછા આવી ગયા. એક દિવસની વાત છે જયારે ઋષિના કેટલાક શિષ્ય તે તળાવમાં પાણી ભરવા માટે આવ્યા અને તે સમયે કેટલીક ઋષિ પત્નીઓ પણ ત્યાં પહોંચી અને પહેલા પાણી ભરવાની જીદ્દ કરવા લાગી. એવામાં ઋષિ ગૌતમની પત્ની અહિલ્યા ત્યાં આવે છે અને તે ઋષિ પત્નીઓને આગ્રહ કરે છે કે, પહેલા આ દરેક શિષ્ય અહીં આવ્યા છે, તો કૃપા કરીને તેમને પહેલા પાણી ભરવા દે. તેના પર દરેક ઋષિ પત્નીઓએ વિચાર્યું કે, માતા અહિલ્યા આ વાતમાં પોતાના શિષ્યોનો પક્ષ લઇ રહ્યા છે, કારણ કે આ દિવ્ય જળની વ્યવસ્થા તેમના પતિ ઋષિ ગૌતમે કરાવી છે. ઋષિ પત્નીઓએ પોતાના પતિઓને આ આખી ઘટના અતિશયોક્તિથી જણાવી અને તે દરેક ઋષિઓએ ગૌતમ ઋષિ સાથે બદલો લેવાનું વિચાર્યું. ઋષિઓએ ભગવાન ગણેશની મદદ લીધી. તેમણે ભગવાન ગણેશની કઠોર તપસ્યા કરીને ગૌતમ ઋષિ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. તેના પર ભગવાન ગણેશે તે દરેકને સમજાવતા કહ્યું કે, આવા પરમ આત્મા સાથે વેર રાખવો યોગ્ય નથી. તેનું પરિણામ અત્યંત ખરાબ હોઈ શકે છે પરંતુ ઋષિઓની જીદ્દને કારણે ભગવાન ગણેશે તેમની આજ્ઞા માની લીધી. તેના થોડા દિવસો પછી ભગવાન ગણેશ એક દુર્બળ ગાયનું રૂપ ધારણ કરીને ગૌતમ ઋષિના ખેતરમાં આવ્યા. ગૌતમ ઋષિ તે ગાયને જોઈને તેની પાસે જઈને તેને પોતાના હાથથી ચારો ખવડાવવા લાગ્યા પણ તેમના દ્વારા ખવડાવવામાં આવેલા ચારાના સ્પર્શ માત્રથી જ તે ગાય મૂર્છિત થઈને જમીન પર પડી ગઈ અને તેનું મૃત્યુ થઈ ગયું. બીજા ઋષિઓ તે સમયે તે સ્થળ પર સંતાયેલા હતા અને ગાયના મૂર્છિત થવા પર તે બહાર આવી ગયા અને તેના માટે ગૌતમ ઋષિને જવાબદાર ગણાવવા લાગ્યા. તેમના પર ગૌહત્યાનું પાપ નાંખવા લાગ્યા. તે બધા ઋષિઓએ ગૌતમ ઋષિને અપમાનિત કરીને તેમને ગામ છોડીને જતા રહેવા કહ્યું અને ગૌતમ ઋષિ તે સ્થળ છોડીને ત્યાંથી દૂર એક ઝૂંપડીમાં રહેવા લાગ્યા પરંતુ આ ઋષિઓએ ત્યાં પણ તેમનો પીછો નહિ છોડ્યો અને ગૌતમ ઋષિને કહેવા લાગ્યા કે, તમે ગૌહત્યાનું પાપ કર્યું છે. આ પાપથી મુક્ત થવા માટે તમારે ત્રણ વાર પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા આ સ્થળ પર આવીને એક મહિના સુધી વ્રત કરવું પડશે, તેની સાથે જ તમારે બ્રહ્મગિરિ પર્વતની 101 વાર પ્રદિક્ષણા પણ કરવી પડશે, ત્યારે જ તમારી શુદ્ધિ થઈ શકશે અથવા તો તમે આ જગ્યા પર માતા ગંગાને લાવીને તેમાં સ્નાન કરો અને મહાદેવના પુરા 1 કરોડ પાર્થિવ શિવલિંગ બનાવીને તેમની આરાધના કરો, પછી બ્રહ્મગિરિ પર્વતની 11 વાર પ્રદક્ષિણા કરી 100 ઘડાના જળથી તે દરેક પાર્થિવ શિવલિંગનો અભિષેક કરો, ત્યારે જઈને જ તમને આ પાપમાંથી મુક્તિ મળી શકે છે. તે ઋષિઓના કહેવા પ્રમાણે ગૌતમ ઋષિએ મહાદેવના પાર્થિવ શિવલિંગ બનાવીને તેમની આરાધના શરૂ કરી. આ તપમાં ગૌતમ ઋષિની પત્ની અહિલ્યાએ પણ તેમનો સંપૂર્ણ સાથ આપ્યો. ગૌતમ ઋષિની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે તેમને પોતાના દિવ્ય દર્શન આપ્યા અને તેમને વરદાન માંગવા કહ્યું. તેના પર ગૌતમ ઋષિએ તેમને ગૌહત્યાના પાપમાંથી મુક્ત થવાનું વરદાન માંગ્યું. આથી મહાદેવ બોલ્યા કે તમે તો કોઈ પાપ કર્યું જ નથી. એ તો પેલા ઋષિઓએ વેરને કારણે ષડયંત્ર બનાવ્યું હતું. તમે હંમેશાથી નિષ્પાપ છો. ભગવાનના મુખથી આ વાણી સાંભળી ગૌતમ ઋષિ સંતુષ્ટ થયા અને કહેવા લાગ્યા કે, જો તે ઋષિઓએ આવું ન કર્યું હોત, તો મને તમારા દર્શન પણ ના થાત. એટલા માટે હે મહાદેવ જો તમે મારી તપસ્યાથી પ્રસન્ન છો, તો અહીં માં ગંગાને પ્રકટ કરો. ગૌતમ ઋષિના આગ્રહથી ભગવાન શિવે ગંગાને આ સ્થળ પર પ્રકટ થવાનું નિવેદન કર્યું. તેના પર માં ગંગાએ કહ્યું કે, હું ત્યારે જ આ સ્થળ પર પ્રગટ થઈશ જયારે મહાદેવ પોતે પોતાના પરિવાર અને સમસ્ત દેવતાઓ સાથે અહીં વાસ કરશે. મહાદેવે તથાસ્તુ કહ્યું પછી માં ગંગા તે સ્થળ પર પ્રગટ થયા અને વિશ્વમાં ગોદાવરીના નામથી ઓળખાવા લાગ્યા અને તેને કિનારે ભગવાન શંકર, બ્રહ્મા, વિષ્ણુ અને ઈન્દ્ભ એમ ચાર શિવલિંગોના બનેલા જયોર્તિલિંગ સ્વરૂપે શિવજી અહીં સ્થિત થયા. અહીં આ ગંગા નદી ગૌતમીના નામથી પૂજાવા લાગી. એક વખત ઈન્દ્રએ અહલ્યાના રૂપથી મોહિત થઈને તેને છેતરીને તેનો ઉપયોગ કર્યો, તેની સજારૂપે ભગવાન શંકરે જયોર્તિલિંગના સ્થાનમાંથી ઈન્દ્ભને કાઢી મૂકયા. તેથી ત્યાં ખાડો રહ્યો. આમ, ત્રણ લિંગનું બનેલુ આ જયોર્તિલિંગ ત્ર્યંબકેશ્વર કહેવાય છે. ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે. જોવાલાયક મંદિરોમાં સુંદર નારાયણ મંદિર, કાલારામ મંદિર, ગોરારામ મંદિર, મુકિતધામ, પંચવટી અને તપોવન મુખ્ય છે. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે અને ભક્તો ગૌતમ ગંગામાં સ્નાન કરીને ભગવાન શ્રી ત્રંબકેશ્વરના દર્શન કરે છે.
।। त्रंबकश्वर महादेव की जय हो ।। 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Manoj Aachary: જીવનચરિત્ર કથા : ભાગ 294
લીનાબહેન મંગળદાસ (જ. 18 ઑગસ્ટ 1915 અમદાવાદ – 2012 નો આજે જન્મદિવસ છે.
ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં બાળકલ્યાણ પ્રવૃત્તિ ચલાવતા ‘શ્રેયસ’ વિદ્યાસંકુલનાં સ્થાપક. ધનિક કુટુંબમાં જન્મ. પિતા અંબાલાલ સારાભાઈ જાણીતા ઉદ્યોગપતિ હતા. માતાનું નામ સરલાદેવી. તેમના વડવા મગનભાઈ શેઠે ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળાની સ્થાપના કરી હતી. એ વારસો લીનાબહેને ‘શ્રેયસ’ વિદ્યાકીય સંકુલ દ્વારા જાળવી રાખ્યો છે. મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ઠાકુર, મેડમ મૉન્ટેસરી અને જે. કૃષ્ણમૂર્તિ જેવાના સંપર્કમાં આવ્યાં અને તેને લીધે લીનાબહેનનું વ્યક્તિત્વ વિકાસ પામ્યું. બાર વર્ષની વયે બાળમંડળમાં જોડાયાં અને તેનું સંચાલન કરવાની જવાબદારી પોતાના શિરે લીધી જેમાંથી નેતૃત્વના ગુણો ખીલ્યા. 1935–1942ના ગાળામાં બાલમંદિર, પ્રસૂતિગૃહ, સારવાર મંડળ, ઝૂંપડપટ્ટીઓનું સંરક્ષણ, સહકારી પ્રવૃત્તિઓ જેવામાં પરોવાયાં. સમયાંતરે ‘શ્રેયસ’ વિદ્યાસંકુલની સ્થાપના કરી. આ સંકુલમાં તેમના માર્ગદર્શન હેઠળ બાલકલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓનું નિયમિત આયોજન થતું હતું. દા. ત., પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, છાત્રાલયો, પુસ્તકાલયો તથા વાચનાલયો, તરણ-ઘોડેસવારી–શરીરસૌષ્ઠવ પ્રવૃત્તિઓ, બાળકો માટે કઠપૂતળીના ખેલ (puppetry), વાર્ષિક મેળાઓ અને ઉત્સવોનું આયોજન વગેરે. 1966માં શ્રેયસ બાલગ્રામની સ્થાપના કરી, જે ભારતમાં સર્વપ્રથમ અને એશિયામાં આ પ્રકારની બીજી સંસ્થા છે. તેમણે સ્થાપેલ શ્રેયસ વિદ્યાસંકુલમાં ભણતા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી તેમને વિવિધ પ્રકારની અભ્યાસેતર પ્રવૃત્તિઓનો લાભ અપાતો હોય છે. દા. ત., પક્ષીદર્શન, અવકાશદર્શન, શૈક્ષણિક શિબિરોમાં હાજરી, સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે સભાનતા વધે તેવું માર્ગદર્શન, ખેતીકામ, બાગાયત, ગોપાલન, બાળઉછેર ઇત્યાદિ. શ્રેયસ બાલગ્રામની પ્રવૃત્તિઓના સંદર્ભમાં લીનાબહેનને ‘મધર્સ રીંગ’ અર્થાત્ ‘માતૃમુદ્રિકા’થી સન્માનવામાં આવ્યાં હતા. એ ઉપરાંત, લાયન્સ ક્લબ અને ગુજરાત વ્યાપારી મહામંડળ દ્વારા પણ તેમને પુરસ્કૃત કરવામાં આવેલા. તેઓનું અવસાન 2012 માં થયું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
[8/19, 10:13 AM] Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 294
શ્રાવણ સુદ પુનમ : વૈદ્યનાથ જ્યોતિર્લિંગ
🕉️ 🌷🌷🌷🌷🌷 🕉️
પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આપણે અલગ અલગ જ્યોતિર્લિંગોનો દિવ્ય મહિમા જાણીએ છીએ. 12 જ્યોતિર્લિંગોમાં નવમું સ્થાન વૈદ્યનાથ મહાદેવનું છે, જે ઝારખંડના દેવધર નામક સ્થાન પર સ્થિત છે. આના સાથે જોડાયેલી કથા શિવપુરાણના કોટિરુદ્રસંહિતામાં વર્ણવવામાં આવી છે. આ મામલે મતમતાંતર છે. પ્રથમ દેવધર ઝારખંડ, બીજું પરલી મહારાષ્ટ્ર, ત્રીજું હિમાચલ પ્રદેશ જણાવવામાં આવ્યું છે. 12 જ્યોતિર્લિંગો અનુસાર આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પરલીમાં સ્થિત છે. શિવમહાપુરાણ અનુસાર આ જ્યોતિર્લિંગ સીતાભૂમિ પાસે સ્થિત છે. આ સ્થાન 51 શક્તિપીઠો પૈકી એક છે. અહીંયા મા સતીનું હૃદય પડ્યું હતું એટલા માટે જ આ સ્થાનને હાર્દપીઠ પણ કહેવામાં આવે છે. કૈલાસપતિ ભગવાન શંકર મહાદેવ તો ભોળાનાથ છે. તેમને પ્રાપ્ત કરવા કોઈ ભક્ત કઠોર તપ આદરે તો મહાદેવજી તેને વશ પણ થઈ જાય છે અને પોતાની સર્વ શક્તિ ભક્તને પ્રાપ્ત થાય છે. રાક્ષસરાજ રાવણ અનન્ય શિવભક્ત હતો. તે મહા પંડિત હતો અને જ્યોર્તિવિદ્યામાં નિપુણ હતો. કુશળ રાજ્યકર્તા તો હતો જ, પરંતુ ગણિતશાસ્ત્રનો તે પ્રણેતા ગણાયો છે અને તાકાતમાં તો તેનો જોટો ન હતો. દસ ક્ષેત્રના પંડિતોની બુદ્ધિ અને કાર્યક્ષમતા તેનામાં હતી એટલે તો સાહિત્યકારોએ રાવણને દસ મસ્તકધારી તરીકે વર્ણવ્યો છે. આટલા બધા ગુણોના સમન્વયનો ગર્વ પણ તેને ઓછો ન હતો. સીતા સ્વયંવરમાં શિવધનુષ ઊપાડવામાં નિષ્ફળ જવાથી સર્વ-શક્તિમાન બનવાની તેને મહત્વાકાંક્ષા જાગી અને એવી ઈચ્છા થઈ કે કૈલાસપતિ ભગવાન શંકર જો કૈલાસ છોડીને તેના મહેલમાં હંમેશ માટે વાસ કરે તો પોતાની બધી જ મહત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ થાય. આ આશયથી કૈલાસપતિ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે લંકાપતિ રાવણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર તપ કરવા લાગ્યો. ઘણા સમય સુધી દારુણ તપ કર્યા છતાં મહાદેવજી પ્રસન્ન થયા નહીં કારણ કે અંતર્યામી આશુતોષ ભગવાન તો જાણતા હતા કે આ તપની પાછળ મહાત્મા રાવણની સ્વાર્થી મહત્વાકાંક્ષાઓ છુપાએલી હતી ! આવી ઉગ્ર તપશ્ચર્યાને પણ નિષ્ફળ માનીને દસ મસ્તકધારી રાવણ અત્યંત દુઃખી થયો અને તેને પોતાનાં બળ, તપશ્ચર્યા અને શરીર પ્રત્યે ધિક્કાર પેદા થયો. આથી એ મહાયજ્ઞના પ્રજ્વલિત અગ્નિમાં પોતાનું એક પછી એક મસ્તક કાપીને હોમવા લાગ્યો. નવ મસ્તકો તો હોમાઈ ગયાં અને દસમું મસ્તક કાપવા જતો હતો ત્યાં ભક્તવત્સલ ભોળાનાથ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા અને મહાત્મા રાવણને મનોવાંચ્છિત વરદાન માગવા કહ્યું અને શિવજીએ પોતાની અમોઘ દ્રષ્ટિથી રાવણના કપાઈ ગયેલા મસ્તકો સાંધીને બરાબર જોડી દીધા. સ્વસ્થ થઈને રાવણે પ્રાર્થના કરી કે “હે મહેશ્વર ! જ્યારે આપ પ્રસન્ન થયા છો તો પછી એથી વિશેષ દુર્લભ મને શું હોઈ શકે ? છતાં મારે ત્યાં કાયમ વાસ કરવા માટે આપને લંકા લઈ જવાની મને ઈચ્છા છે, તે પૂરી કરો.” ભોળાનાથ મહાદેવે “તથાસ્તુ” કહીને ઉત્તમ સારવાળું પોતાનું જ્યોતિર્લિંગ રાવણના હાથમાં મૂક્યું અને ચેતવણી આપી કે “આ જ્યોતિર્લિંગ પૃથ્વી ઉપર જે સ્થળે મૂકીશ ત્યાં સ્થિત થશે અને ત્યાર પછી ત્યાંથી ઊઠશે નહીં.” કોઈ પણ વ્યક્તિ ભલે અનેક ગુણોથી સભર પંડિત હોય અને ઘોર તપસ્યા માટે શક્તિમાન હોય પરંતુ જો તેનામાં ગર્વ અને દુષ્ટતા હોય તો તેને ત્યાં વાસ કરવાનું ઈશ્વરને પસંદ હોતું નથી. આ અવગુણો તપસ્વી રાવણમાં હતા અને એટલે જ ભગવાન શંકરે વરદાન સાથે શરત મૂકી હતી. પોતાની અલૌકિક યોગશક્તિ દ્વારા રાવણ આકાશમાર્ગે લંકા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં લઘુશંકા નિવારણની આવશ્યકતા ઊભી થતાં રાવણ અકળાયો. અંતે ધરતી ઉપર ઊતર્યો તો ખરો, પણ જ્યોતિર્લિંગનું શું કરવું તે વિચારતો હતો, તેવામાં તેની નજર એક ગોવાળિયા પર પડી. આ જ્યોતિર્લિંગને જમીન પર નહીં મૂકવાની સૂચના સાથે એ જ્યોતિર્લિંગ ગોવાળિયાના હાથમાં મૂકીને રાવણ ગયો. દરમ્યાન આ જ્યોતિર્લિંગનાં અતિશય વજનથી થાકીને એ ગોવાળિયાએ જ્યોતિર્લિંગને જમીન પર મૂકી દીધું. રાવણ પાછો ફર્યો ત્યારે તો વજ્રનું સારગ્રાહી આ જ્યોતિર્લિંગ ધરતી ઉપર સ્થિત થઈ ચૂક્યું હતું! રાવણે પોતાનાં આંગળાં ખૂંચી જાય એવી તાકાત અજમાવવા છતાં જ્યારે આ જ્યોતિર્લિંગ ચસક્યું ય નહીં, ત્યારે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અને અભિષેક કરીને રાવણ પાછો લંકા ચાલ્યો ગયો. રાવણનાં કપાઈ ગયેલાં મસ્તકો કૈલાસપતિ મહાદેવ શંકરે વૈદ્યરાજની માફક સાંધીને જોડી આપેલાં, તેથી આ જ્યોતિર્લિંગ ‘વૈદ્યનાથ‘ નામથી પૂજાય છે. વૈદ્યનાથ ધામની સ્થાપના સતયુગમાં થઈ હોવાનું માનવામાં આવે છે. મંદિર પરિસરમાં કુલ 22 જેટલાં મંદિરો આવેલા છે. આ તમામ મંદિરોને સફેદ રંગથી રંગવામાં આવ્યાં છે, જે સુંદર ચિત્ર પ્રસ્તુત કરે છે. હાલમાં રહેલ મંદિરનો મુખ્ય દ્વાર બિહારના ગિધોર પ્રાંતના રાજા પુરાણમલે ઈ.સ.1516માં બંધાવ્યું હતું. એવો ઉલ્લેખ છે કે બંગાળના પાલ શાસનના સામ્રાજ્યનો વિસ્તાર દેવધર સુધી કરવામાં આવ્યો હતો. મુખ્ય મંદિરનો કળશ સોનાનો છે. આના પાછળની કથા પણ રસપ્રદ છે. અંગ્રેજોના શાસનકાળમાં સંથાળ જાતિના લોકો બાબા વૈદ્યનાથ મહાદેવના મંદિરમાં આવ્યાં. આ લોકો પૂરેપૂરા નાસ્તિક હતાં. તેમણે આ મંદિરના તાંબાના બનેલા કળશને તીરનું નિશાન બનાવીને કળશમાં છેદ પાડ્યો. એવું કહેવાય છે કે આ છેદથી તેમાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ બહાર નિકળ્યાં અને સંથાળ લોકોને કરડવા લાગ્યાં. ભ્રમરોના કરડવાથી ઈજાગ્રસ્ત થયેલાં આ લોકો બાબા વૈદ્યનાથના શરણે ગયાં અને ભગવાન ભોળાનાથ મહાદેવની ક્ષમા માંગી. ભગવાન ભોળાનાથે તેમને ક્ષમા આપી અને સંથાળ જાતિના લોકો ત્યારથી જ શિવભક્ત બની ગયાં. આ ઘટના બાદ ગિધોરનરેશની રાજમાતાને બાબા વૈદ્યનાથે સ્વપ્નમાં આદેશ આપ્યો કે મારો તાંબાનો કળશ જીર્ણ થઈ ગયો છે, જેને બદલાવીને તમે નવો કળશ લગાવો. રાજમાતાએ તેમના રાજગુરુની સલાહ લઈને તાંબાના કળશના સ્થાને સવામણ સોનાનો કળશ ચડાવવાનો આદેશ આપ્યો, જે આજે પણ મંદિરમાં જોઈ શકાય છે.
🙏🏻 ।। हर हर महादेव ।। 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
ધાર્મિક શિવ કથા : ભાગ 295



શ્રાવણ વદ એકમ : નાગેશ્વર જ્યોતિર્લિંગ
🛕 🚩 👏 💐 🕉️
ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે. એક સોમનાથ અને બીજું દ્વારકા નજીક આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે દ્વારકાથી લગભગ 18 કિમી દૂર સ્થાપિત છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અભૂતપૂર્વ છે અને દસમા ક્રમાંકે આવે છે. અહીં દ્વારકાધીશ ભગવાન શિવજીનો રૂદ્રાભિષેક કરતા હતા. પુરાણો પ્રમાણે ભગવાન મહાદેવને નાગના દેવતા કહેવામાં આવે છે. ભગવાન શિવના સહસ્ત્ર નામોમાંથી એક નામ નાગેશ્વર પણ છે, નાગના ઈશ્વર એટલે નાગેશ્વર. નાગ દેવતા હંમેશાં ભગવાન શિવજીના ગળામાં વિરાજિત રહે છે. પૌરાણિક કથાનુસાર પ્રાચીનકાળમાં પશ્ચિમ સમુદ્રના કિનારે દારુક નામનું એક વન હતું, જેમાં દારુકા નામની રાક્ષસી તેના પતિ સાથે રહેતી હતી. દારુકાએ દેવી પાર્વતીને પ્રસન્ન કરીને તેમની પાસે વરદાન પ્રાપ્ત કર્યું કે ‘વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂર હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો.’ માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું. વરદાન મેળવીને દારુકાને ઘણું જ અભિમાન આવી ગયું. દારુકા રાક્ષસી સોળ યોજન વનમાં રહેતી હતી. સમુદ્રના રસ્તે જતા વટેમાર્ગુઓ કે પ્રવાસીઓને દારુકા પકડીને લૂંટી લેતી અથવા મારી નાખતી. એક વખત દારુકા રાક્ષસીએ નૌકાઓના એક મોટા કાફલાને પકડીને તમામને કેદી બનાવ્યા. આ કાફલામાં સુપ્રિય નામનો એક વણિક પણ હતો. સુપ્રિય ભગવાન શિવનો પરમ ભક્ત હતો અને જેલમાં પણ શિવજીના પાર્થિવ લિંગની પૂજા કરતો હતો. સુપ્રિયે બીજા કેદીઓને પણ મંત્રોથી શિવજીની પૂજા કરતાં શિખવ્યું. પરિણામ સ્વરૂપ તમામ કેદીઓ શિવપૂજા કરવા લાગ્યા. સુપ્રિયને શિવજી પર અપાર શ્રદ્ધા હતી. એ સમયે એક ઘટના બની. સુપ્રિય જ્યારે શિવજીનું પૂજન કરી રહ્યો હતો, ત્યારે તેને શિવજીનું સુંદર રૂપ દેખાયું. જેલની ચોકી કરી રહેલા એક રાક્ષસે પણ આ જોયું અને તેણે દારુકાને વાત કરી. તમામ રાક્ષસ સૈનિકો કેદખાનામાં એકત્ર થઈ ગયા અને સુપ્રિયને પૂછ્યું કે, સાચું બોલ તું કોની પૂજા કરે છે? જો તું સાચું નહીં બોલે તો તેને મારી નાખીશું. સુપ્રિયે સામે ઉતર આપ્યો કે પોતે કશું જ જાણતો નથી. આથી દારુકા વધારે ક્રોધિત થઈ અને તેણે સૈનિકોને સુપ્રિયને મારી નાખવાનો આદેશ આપ્યો. આથી સુપ્રિયે આ સંકટમાંથી ઉગારી લેવા શિવજીને પ્રાર્થના કરી. સુપ્રિયની પ્રાર્થના સાંભળી, જમીનમાંથી અચાનક એક સુંદર મંદિર નીકળ્યું, જેમાં જ્યોતિ સ્વરૂપે ભગવાન શંકર તેમના પરિવાર સાથે બિરાજમાન હતા. સુપ્રિયે શિવજીને પ્રણામ કર્યા અને તેનું પૂજન કર્યું. શિવજીએ પ્રસન્ન થઈને સુપ્રિયને અભયદાન આપ્યું અને રાક્ષસોનો નાશ કર્યો. આમ નાગભૂમિમાં શિવજી પ્રગટ થયાં હોવાથી આ સ્થળ નાગેશ્વરના નામથી પ્રસિદ્ધ થયાં. થોડા વર્ષો પહેલા સુધી નાગેશ્વર જ્યોતિર્લિંગ એક નાની દેરી જેવા મંદિરમાં જ વિદ્યમાન હતું. ભારતમાં ઓડિયો કેસેટ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીના માલિક સ્વ. ગુલશનકુમારે આ મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય 1996માં શરુ કરાવ્યું તે દરમિયાન તેમનું મૃત્યું થઈ જવાને કારણે એમના પરિવારે આ મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. વર્ષ 2002માં નાગેશ્વર જ્યોતિર્લિંગના નવનિર્મિત મંદિરનું કાર્ય સંપૂર્ણ થયું. મંદિરના નિર્માણમાં લગભગ 1.25 કરોડનો ખર્ચ થયો હતો જે ગુલશનકુમાર ચેરીટેબલ ટ્રેસ્ટે આપ્યો હતો. નાગેશ્વર જ્યોતિર્લિગનું હાલનું મંદિર ઘણું જ વિશાળ છે. મુખ્ય મંદિરની બાજુમાં જ શિવજીની ધ્યાનસ્થ મુદ્રામાં 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી ભવ્યમૂર્તિ પણ આવેલી છે. ભગવાન શિવજીની આ વિશાળ મૂર્તિના બે કિલોમીટર દૂરથી ભક્તોને દર્શન થાય છે. આ મૂર્તિ ખુબજ સુંદર હોવાની સાથે ભક્તોનું મન મોહી લે છે. મંદિરનો મુખ્યદ્વાર સાધારણ પણ સુંદર છે. આ દ્વારમાંથી પ્રવેશ કરતાં જ સામે લાલ રંગનું નાગેશ્વર મહાદેવનું મંદિર છે. મુખ્ય મંદિર પહેલા એક સભાગૃહ છે જ્યાં પૂજન સામગ્રીની નાની દુકાનો લાગેલી છે. નાગેશ્વર જ્યોતિર્લિંગના ગર્ભગૃહમાં પ્રવેશની અનુમતિ માત્ર એ જ શ્રદ્ધાળુઓને હોય છે જેઓ અભિષેક કરાવે છે. અહીં અભિષેક માત્ર ગંગાજળથી જ થાય છે તથા અભિષેક કરનાર ભક્તોને મંદિર સમિતિ તરફથી ગંગાજળ નિ:શુલ્ક આપવામાં આવે છે. ગર્ભગૃહમાં પૂજાવિધિ માટે પુરૂષો ધોતી પહેરીને જ અંદર પ્રવેશી શકે છે. આ મંદિરમાં પૂજાવિધિમાં નાગ-નાગણ સ્વરૂપના શિવ-પાર્વતીની પૂજા કરવાનો મહિમા પ્રચલિત છે. ગર્ભગૃહ સભામંડપથી નીચલા સ્તર પર સ્થિત છે. જ્યોતિર્લિંગ મધ્ય મોટા આકારનું છે, જેના પર ચાંદીનું એક આવરણ ચઢાવેલું રહે છે. જ્યોતિર્લિંગ પર જ એક ચાંદીના નાગની આકૃતિ બનેલી છે. જ્યોતિર્લિંગની પાછળ માતા પાર્વતિની મૂર્તિ સ્થાપિત છે. ઈ.સ. પૂર્વે પાંચમી સદીના પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય પાણિનિના ગણપાઠમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને આનર્ત નામોનો ઉલ્લેખ છે. એક પ્રમાણ એવું પણ મળ્યું છે કે, દ્વારકા ક્ષેત્રમાં આર્યોના આગમન પૂર્વે નાગોનો વસવાટ હતો. પાતાળમાં વસતા નાગ સમુદ્રમાંથી આવીને આ ક્ષેત્રમાં વસવાટ કરતા હતાં. વેદોમાં પણ આવો ઉલ્લેખ જોવા મળે છે. સ્કંદપુરાણના કુમારિકા ખંડના વર્ણનોમાં પાતાળપુરીને અતિસમુદ્ધ મહેલો તથા અલંકારો અને રૂપવાન નાગ કન્યાઓથી સભર બતાવવામાં આવી છે. આ પ્રદેશમાં વસવાટ કરતી નાગ જાતિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સંપર્કમાં હોવાનું માનવામાં આવે છે. દ્વારકાને કુશસ્થળી તરીકે પણ ઓળખવામાં આવે છે. યદુવંશના સ્થાપક રાજા યદુના લગ્ન ચૌમ્રવર્ણની પાંચ નાગ કન્યાઓ સાથે થયા હતા. કુશસ્થળીનો રાજા રૈવત પણ મૂળરૂપે તક્ષક નાગ જ હતો પરંતુ બ્રાહ્મણના આશિર્વાદથી તે રાજા બન્યો હતો, તેવું વિવરણ સ્કંદપુરાણના પ્રભાસખંડમાં જોવા મળે છે. પુરાતત્વવિદોને દ્વારકા પ્રદેશમાં નાગોના અવશેષો આજે પણ મળી રહ્યા છે. શિવપુરાણ અનુસાર આ પ્રદેશનું એક પ્રસિદ્ધ નામ દારુકાવન હતું, જ્યાં નાગોનો વસવાટ હતો. આર્યોએ તેમને વર્ણાશ્રમ ધર્માનુયાયી બનાવ્યા અને નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી. હાલમાં આ મંદિર સવારે 5 વાગ્યે પ્રાત: આરતી સાથે ખુલે છે. સામાન્ય લોકો માટે મંદિર સવારે 6 વાગ્યે ખુલ્લે છે. સાંજે 4 વાગ્યે શ્રંગાર આરતીના ભક્તો દર્શન કરી શકે છે. ત્યારબાદ ગર્ભગૃહમાં પ્રવેશ બંધ થઈ જાય છે. શયન આરતી સાંજે 7 વાગ્યે થાય છે અને રાતના 9 વાગ્યે મંદિર બંધ થઈ જાય છે.
।। नागेश्वर ज्योतिर्लिंग की जय हो ।।
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877