Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 296
શ્રાવણ વદ ત્રીજ : રામેશ્વર જ્યોતિર્લિંગ
🕉️ 🛕 🚩 🔱 🪱. 🕉️
રામેશ્વરમ જ્યોતિર્લિંગ મંદિર તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે. રામેશ્વરમ મંદિરમાં સ્થિત જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે અને રામેશ્વરમને અગિયારમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. આ મંદિર હિન્દુઓના મુખ્ય તીર્થ સ્થાનોમાંનું એક છે, જેથી દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે. રામાયણ સમયે એટલે કે ત્રેતા યુગમાં રાવણનો આતંક હતો. રાવણથી બધા જ દેવી-દેવતા, ઋષિ-મુનિ અને મનુષ્ય ત્રસ્ત હતાં. તે સમયે ભગવાન વિષ્ણુએ રાવણ અને તેમની જેવા અસુરોનો અંત કરવા માટે રામ અવતાર લીધો હતો. પૌરાણિક ગ્રંથોમાં આપેલી માન્યતા અનુસાર ભગવાન રામ જ્યારે યુદ્ધ માટે લંકા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે તેમણે સમુદ્ર કિનારે શિવલિંગ બનાવીને ભગવાન શિવની પૂજા કરી હતી. પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન ભોલેનાથે રામને વિજય થવાના આશીર્વાદ આપ્યા હતા. ભગવાન રામે ભોલેનાથને વિનંતી કરી હતી કે તેઓ હંમેશાં આ જ્યોતિર્લિંગ સ્વરૂપમાં અહીં રહે અને ભક્તોને તેમના આશીર્વાદ આપે. તેમની આ પ્રાર્થનાને ભગવાન શિવે સ્વીકારી લીધી અને તેઓ જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા હતા. શિવપુરાણ પ્રમાણે અહીં શ્રીરામએ લંકા પર ચડાઈ કરતાં પહેલા એક પથ્થરના પુલનું નિર્માણ કરાવ્યું હતું, જેના પર ચાલીને વાનરસેના લંકા પહોંચી હતી. ત્યારબાદ શ્રીરામે વિભિષણની વિંનતી બાદ ધનુષકોટિ નામના સ્થળે આ સેતુ તોડી નાંખ્યો હતો. આજે પણ જોવાથી રામસેતુનો કેટલોક ભાગ જોઈ શકાય છે. રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો વિસ્તાર 15 એકરમાં છે. 11મી સદીથી વિવિધ શાસકોના શાસનકાળ દરમિયાન આ મંદિરમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. અત્યંત પૌરાણિક આ મંદિરની ઈ.સ. 1414માં પુનઃરચના કરવામાં આવી હતી. મંદિર પોતાની શાનદાર સુંદરતા માટે જાણીતું છે. અહીંના મુખ્ય દ્વાર ઉપર લગભગ સો ફૂટ ઊંચું એક ગોપુરમ છે. રામેશ્વરમ મંદિરનો કોરિડોર દુનિયાનો સૌથી મોટો કોરિડોર માનવામાં આવે છે. તે ઉત્તર-દક્ષિણમાં 197 મીટર અને પૂર્વ-પશ્ચિમ 133 મીટર છે. તેની પહોળાઈ 6 મીટર છે અને ઊંચાઈ 9 મી છે. ગોપુરમ મંદિરના પ્રવેશદ્વારથી લઈને મંદિરના દરેક સ્તંભ, દરેક દિવાલ સ્થાપત્યની દ્રષ્ટિએ અદભૂત છે. મંદિરની અંદર વિશાળ 1212 થાંભલાઓ છે, જે દેખાવે તો એક જેવા લાગે છે પરંતુ નજીક જઈને ઝીણવટપૂર્વક જોઈએ તો ખબર પડશે કે દરેક થાંભલામાં જુદીજુદી કારીગરી જેવા મળશે. આ કારીગરી વાસ્તુકલા, શિલ્પશૈલીઓ વગેરે શૈવવાદ અને વૈષ્ણવવાદથી પ્રભાવિત છે. મંદિરની એક જગ્યાએ ઉપર છતમાં એક શિવલિંગનું ચિત્રકામ એવી રીતે કરેલું છે કે આ જગ્યાએથી પસાર થતા પહેલા અને પછી પણ શિવલિંગ એકસરખું જ લાગે છે, જે આશ્ચર્યની વાત છે અને તેનો અનુભવ આ લેખનાં લેખક મનોજ આચાર્યે કરેલો છે. રામેશ્વર મંદિર ક્ષેત્રમાં ચક્ર તીર્થ, શિવ તીર્થ, અગસ્ત્ય તીર્થ, ગંગા તીર્થ, યમુના તીર્થ વગેરે સહિત પવિત્ર 22 તીર્થ સ્થળો છે, જે પોતાની આગવી ઓળખ અને મહત્વ ધરાવે છે. મંદિરના બાવીસ કુંડમાંથી સૌથી પવિત્ર કુંડ અગ્નિર્તીથમ કુંડ છે, જેમાં યજ્ઞ કરવા પૂર્વે રામે અહીં સ્નાન કર્યું હતું. આ મંદિરમાં ગંગાજળથી ભગવાનની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે દર વર્ષે લાખો લોકો પૂજા કરવા માટે રામેશ્વરમ જાય છે. રામેશ્વર મંદિરની એક તરફ હિંદ મહાસાગર ને બીજી બાજુ બંગાળની ખાડી હોવાથી આ સ્થળનું સૌદર્ય પણ આકર્ષક છે. રામેશ્વરના મુખ્ય મંદિરનું આખું નામ અરુલમિગુ રામનાથસ્વામી મંદિર છે, જે ટુંકમાં રામનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે. રામનાથસ્વામી મંદિરમાં દિવસમાં કુલ 6 વાર પૂજા થાય છે. મંદિર સવારે 5 વાગ્યે ખુલે છે. શરૂઆતમાં પલ્લિઆરાઈ દીપ આરાધના કરવામાં આવે છે. સવારે 5.10 વાગ્યે સ્ફટિકલિંગ દીપ આરાધના કરવામાં આવે છે. સવારે 5.45 કલાકે થિરુવરંતલ દીપ આરાધના, સવારે 7 કલાકે વિલાપૂજા, સવારે 10 કલાકે કળશાંતિ પૂજા, બપોરે 12 કલાકે ઉચીકલા પૂજા, સાંજે 6 કલાકે સાયારત્ય પૂજા, રાત્રિના 8.30 કલાકે અર્થજમા પૂજા અને રાત્રિના 8.45 કલાકે પલ્લિઆરાઈ પૂજા થાય છે. મંદિર રાત્રે 9 વાગ્યે બંધ થાય છે. બપોરે 1થી 3 દરમિયાન મંદિરનો ગર્ભગૃહ બંધ રહે છે. આદિ ગુરુ શંકરાચાર્યજીએ ચાર ધામની સ્થાપના કરી હતી, તેમાં રામેશ્વર પણ સામેલ છે સ્વામી વિવેકાનંદ ઈ.સ 1887માં રામેશ્વરની મુલાકાતે આવ્યા હતા અને આ સ્થળથી ઘણા જ અભિભૂત થયા હતા. રામેશ્વર જવા માટે દેશના અનેક ભાગમાં રેલ સુવિધા મળી રહે છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ મદુરાઈમાં આવેલું છે. રામેશ્વરમાં શિયાળાનું વાતાવરણ ખૂબ જ સુખદ હોય છે. દરેક હિંદુએ રામેશ્વર દર્શન કરવા માટે અવશ્ય જવું જોઈએ. 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Manoj Aachary: ધાર્મિક શિવ કથા : ભાગ 297
ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગ
🕉️ 🛕 🚩 👏 💐 🔱 🕉️
ઘુષ્મેશ્વર એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક અને અંતિમ જ્યોતિર્લિંગ છે. આ મંદિર મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે. આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓ નજીક આવેલું છે. પૌરાણિક કથાનુસાર શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 32-33માં ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથાનું વર્ણન મળે છે. શિવપુરાણમાં આ જ્યોતિર્લિંગનું ઘુશ્મેશ્વરના નામે જ વર્ણન મળે છે. તેમાં વર્ણિત કથા અનુસાર દક્ષિણ દેશમાં દેવગિરિ નામના પર્વતની નજીક સુધર્મા નામનો બ્રાહ્મણ તેની પત્ની સુદેહા સાથે નિવાસ કરતો. આ શિવભક્ત દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી. આખરે સુદેહાએ જીદ કરી તેની જ બહેન ઘુશ્મા સાથે સુધર્માના બીજા લગ્ન કરાવ્યા. સાથે જ પતિને વચન પણ આપ્યું કે તે ક્યારેય તેની બહેનની ઈર્ષ્યા નહીં કરે. સ્વયં સુદેહાની આજ્ઞાથી જ ઘુશ્માએ નિત્ય એકસો પાર્થિવ લિંગ બનાવી તેની વિધિપૂર્વક પૂજા કરવાનું શરૂ કર્યું. શિવજીની કૃપાથી તેને સુંદર અને સદગુણી પુત્રની પ્રાપ્તિ થઈ. ઘુશ્માનું માન વધ્યું અને તે સાથે જ સુદેહા ઈર્ષ્યાથી બળવા લાગી. યુવા અવસ્થાએ પહોંચતા જ ઘુશ્માના પુત્રના લગ્ન થયા પણ ત્યાં સુધીમાં સુદેહાની ઈર્ષ્યા એટલી વધી ચૂકી હતી કે તેણે એક રાત્રિએ ઘુશ્માના પુત્રની હત્યા કરી દીધી અને પછી તેના ટુકડા કરી તેને એ જ તળાવમાં જઈને નાંખી દીધાં કે જ્યાં ઘુશ્મા નિત્ય પાર્થિવ શિવલિંગનું વિસર્જન કરતી. બીજા દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ પણ ઘુશ્માએ જરાય વિચલિત થયા વિના વિચાર્યું કે, “જેમણે પુત્ર આપ્યો હતો, તે જ પુત્રની રક્ષા કરશે !” આમ વિચારતા જ ઘુશ્માએ પોતાના પુત્રને તળાવ કિનારે સજીવન જોયો. પણ ઘુશ્મા તો વિષાદ અને હર્ષની લાગણીથી જ પર હતી અને હંમેશા શિવ ભક્તિમાં લીન રહેતી હતી. ભક્તવત્સલ મહાદેવ પ્રગટ થયા અને ઘુશ્મા સાથે અનિષ્ટ કરનાર સુદેહાને મારવા ધસ્યા. કહે છે કે ત્યારે ઘુશ્માએ તેમને રોકી પોતાની મોટી બહેનને ક્ષમા કરવા પ્રાર્થના કરી. ઘુશ્માની આ કરુણાથી પ્રસન્ન થઈ મહાદેવે તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ઘુશ્માએ ભક્તોની રક્ષાર્થે મહાદેવે ત્યાં જ વિદ્યમાન થવા પ્રાર્થના કરી. આખરે, દેવાધિદેવ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના રૂપે બિરાજમાન થયા. ઘૃષ્ણેશ્વર મંદિરનું પુન:નિર્માણ ૧૬મી સદીમાં વેરુળના માલોજી રાજે ભોંસલે (શિવાજીના દાદાજી) દ્વારા કરવામાં આવ્યું અને ત્યાર બાદ ૧૮મી સદીમાં અહિલ્યાબાઈ હોળકર દ્વારા તેનું પુન:નિર્માણ કરાયું, જે વાસ્તુકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અહીં મંદિરનું ગર્ભગૃહ સભામંડપથી થોડું નીચું છે. મંદિરના ગર્ભગૃહમાં પૂર્વાભિમુખ શિવલિંગ પ્રસ્થાપિત છે. ઘૃષ્ણેશ્વર મહાદેવને નિત્ય અદભૂત શણગાર કરવામાં આવે છે, જેમના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. અલબત્, શ્રાવણ માસમાં મહેશ્વરના આ જ્યોતિર્મય સ્વરૂપના દર્શનનો સવિશેષ મહિમા છે. પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર મહાદેવનું આ દિવ્ય રૂપ ભક્તોને સુરક્ષા પ્રદાન કરનારું છે. અહીલ્યાબાઈએ બનારસના કાશી વિશ્વનાથ મંદિર અને ગયાના વિષ્ણુપુર મંદિરનું પણ પુનર્નિર્માણ કરાવ્યું હતું.
✅ જ્યોતિર્લિંગ’ એટલે જેમાં શિવનો અંશ રહેલો હોય છે. આ જ્યોતિર્લિંગ એવા સ્થળો છે જ્યાં ભગવાન શંકર દિવ્ય જ્યોતી સ્વરૂપે પ્રગટ થયા હતાં એમ માનવામાં આવે છે કે દરેક જ્યોતિર્લિંગનું તેના અધિપતી દેવ પ્રમાણે નામકરણ કરાયું છે – તે દરેક શિવના જ વિવિધ સ્વરૂપો છે. આ દરેક દેવસ્થાનની મૂળ મૂર્તિ એ એક લિંગ છે જે એક અનંત સ્તંભનું ચિન્હ છે, જે અનંત અને વિશાળ એવા શિવજીને દર્શાવે છે. આ બાર જ્યોતિર્લિંગ છે, જેની આપને કથા અને મહત્વ સમજાવ્યું. આપ સૌએ ભગવાન શિવનાં બાર જ્યોતિર્લિંગોની દિવ્ય કથા શ્રાવણ માસનાં પવિત્ર દિવસોમાં ભાવથી વાંચી છે એ બદલ આપનાં જીવન તથા પરિવારમાં ભગવાન આશુતોષની કૃપા ઉતરે એવી અંતરથી પ્રાર્થના 🙏🏻 અને આશીર્વાદ 🙋🏻♂️
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
] Manoj Aachary: ધાર્મિક શ્રાવણ માસ શિવ કથા : ભાગ 298
ઋદ્રાભિષેકનું મહત્વ
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
આમ તો કોઈપણ સમયે રુદ્રાભિષેક કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણમાં તેનું મહત્વ અનેકગણું છે. પિતા દક્ષ પ્રજાપતિનું ઘર છોડ્યા બાદ માતા સતીએ શ્રાવણ મહિનામાં તપશ્ચર્યા કરીને શિવજીને પતિ સ્વરૂપે મેળવ્યા હતા, ત્યારથી જ શિવજીને શ્રાવણ મહિનો ખૂબ પ્રિય છે. માન્યતા મુજબ શ્રાવણ મહિના દરમિયાન શિવજી પૃથ્વી પર વાસ કરે છે. શિવપુરાણની રૂદ્રાસંહિતામાં એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક વિશેષ ફળદાયી છે. રુદ્રાભિષેકમાં ભગવાન શિવને પવિત્ર સ્નાન કરાવીને પૂજા અર્ચના કરાવવામાં આવે છે. તે સનાતન ધર્મમાં સૌથી પ્રભાવશાળી પૂજા માનવામાં આવે છે, જેનું પરિણામ તાત્કાલિક મળે છે. સર્વદેવાત્મકો રુદ્ર: સર્વે દેવા: શિવાત્મક: અર્થાત્ રુદ્ર બધા દેવતાઓના આત્મામાં હાજર છે અને બધા દેવતાઓ રુદ્રની આત્મામાં છે. આ મંત્રથી સ્પષ્ટ છે કે રુદ્ર સર્વશક્તિમાન છે. રુદ્રાભિષેકમાં ભગવાન શિવના રૂદ્ર અવતારની પૂજા કરવામાં આવે છે. તે ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ છે, તમામ ગ્રહ બાધા અને સમસ્યાઓનો નાશ કરનાર છે. શ્રાવણ મહિનામાં રુદ્ર જ સૃષ્ટિનું તમામ કાર્ય સંભાળે છે, તેથી આ સમયે રૂદ્રાભિષેક વધુ અને તરત ફળદાયી છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. શિવ ભક્તો આખો મહિનો શિવજીની પૂજા આરાધના કરીને ભોળાનાથને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. શિવજી માટે કહેવાયું છે- ‘रुतम्-दुःखम्, द्रावयति-नाशयतीति रुद्रः’ અર્થાત્ રુદ્ર બધા જ પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે ભક્ત રુદ્રાભિષેક કરે છે તેને ત્યાર પછી કોઈપણ પ્રકારની પૂજાની જરૂર નથી રહેતી. ‘ब्रह्मविष्णुमयो रुद्रः’ અર્થાત્ બ્રહ્મા વિષ્ણુ પણ રુદ્રમય છે. રુદ્રાભિષેક કરવાથી બધા જ દેવોની પૂજા થઈ ગઈ ગણાય છે. ઘરમાં રુદ્રાભિષેક કરવા માટે શિવલિંગને ઉત્તર દિશામાં રાખવું જોઈએ અને રુદ્રાભિષેક કરનાર સાધકનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. અભિષેક કરવા માટે શ્રૃંગીમાં ગંગાજળ રેડો અને અભિષેક શરૂ કરો. શિવપુરાણમાં ઉલ્લેખ અનુસાર શિવજીને રુદ્ર અત્યંત પ્રિય છે. શિવ પુરાણના આઠ અધ્યાયમાં 176 મંત્ર છે, જેના પાઠ થકી શિવજીનો રુદ્રાભિષેક કરવામાં આવે છે. તેમાં ગણેશજી, વિષ્ણુ, ઈન્દ્ર, સૂર્ય, રુદ્ર, સોમ, મરૂત અને અગ્નિનું સ્તવન કરવામાં આવ્યું છે. આ મંત્રોમાં બીજા પણ અસંખ્ય દેવી દેવતાઓનું સ્તવન કરવામાં આવ્યું છે. રુદ્રનો અભિષેક કરવાથી બધા દેવોના અભિષેક કરવાનું ફળ એ જ ક્ષણે મળી જાય છે. રુદ્રાભિષેકમાં આખા સંસારની મનોકામના પૂર્ણ કરવાની શક્તિ છે. પોતાની જરૂર અનુસાર ભક્ત અલગ અલગ પદાર્થથી અભિષેક કરી ઈચ્છિત ફળ મેળવી શકે છે. પુત્ર પ્રાપ્તિ માટે દૂધ, યશ માટે શેરડીના રસ, ઉત્તમ પતિ પત્નિની પ્રાપ્તિ તથા દેવામાંથી મુક્તિ માટે મધ, રોગથી મુક્તિ માટે કુશ અને જળ, અષ્ટલક્ષ્મી માટે પંચામૃત અને મોક્ષની પ્રાપ્તિ માટે તીર્થજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. ભગવાન શિવનો રૂદ્રાભિષેક કરતા સમયે મહામૃત્યુંજય મંત્ર, શિવ તાંડવ સ્તોત્ર, ઓમ નમઃ શિવાય અથવા રુદ્રમંત્રનો જાપ કરો. જન્મ પત્રિકામાં હાજર કાલસર્પ દોષથી છુટકારો મેળવવા માટે રૂદ્રાભિષેક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભગવાન શિવની કૃપાથી ગ્રહ દોષો પણ શાંત થાય છે અને સાધક જીવનમાં પ્રગતિ કરે છે. અભિષેક સમયે ઘરના દરેક વ્યક્તિ હાજર રહેવું જોઈએ અને ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. અભિષેકમાંથી એકઠા કરેલા પાણીને આખા ઘરમાં છંટકાવ કરો અને પછી તેનો પ્રસાદ ગ્રહણ કરો. ભગવાન શિવની કૃપા હંમેશા આપ પર બની રહેશે.
।। जय हो भोलेनाथ की ।।
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, ર
] Manoj Aachary: ધાર્મિક કથા : ભાગ 299
શ્રાવણ વદ પાંચમ નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. 🪱 👏
આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર નાગપૂજાની પરંપરા આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતા પ્રમાણે અનંત, વાસુકિ, શેષ, પદ્મનાભ, કંબલ, શંખમાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય એ નવ કુળના સર્પ, નવકુળ નાગ કહેવામાં આવ્યા છે. આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે અને એમના ગળામાં નાગ શોભાયમાન છે. આ કારણે પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રધ્ધા રાખે છે. આ દિવસે ખાસ કરીને ઘરનાં પુરુષવર્ગ ઘરની પૂર્વાભિમુખ દિવાલ પર પાણીયારા પાસે નાગ દેવતાની લાલ કંકુ કે કાળા રંગથી આકૃતિને ચીતરવામાં આવે છે. એ પછી રૂની દિવેટનાં હાર બનાવીને પ્રતિકૃતિ બન્ને છેડે ચોંટાડવામાં આવે છે, જે નાગલા કહેવાય છે. ઘીનો દીવો કરી પૂજન કરે છે અને બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવૈદ્ય ધરાવે છે. ત્યારબાદ કંકુ-ચોખા ચઢાવીને નાગદેવતાની આરતી કરી પૂજન કરાય છે તેમજ શ્રીફળ પણ વઘેરાય છે. પુરુષો બાજરીનાં લોટની ઘી ગોળની કુલેરની લાડુડી બનાવી ફરાળ કરે છે અને તેનો પ્રસાદ વહેચાય છે. પૂજન કરનારી ઘરની વ્યક્તિ કુલેરને આરોગીને ફરાળ કરે છે. કેટલાક સ્થળોએ સ્ત્રી વર્ગ પણ ટાઢું જમી, કુલેર ખાઈને ‘નાગપંચમી’નું વ્રત રાખે છે. લોકો નાગને પિતૃ સમાન માની તેનું પૂજન કરે છે, જેથી પોતાનાં પરિવારને રક્ષણ મળે. આજનાં પર્વે નાગનાં દર્શન પવિત્ર મનાયા છે. દેશમાં ખેતી કરનારો વર્ગ નાગપૂજા કરી, તેમનાં પાકને તેનાથી રક્ષણ મળે તેવી કામના કરે છે. ગુજરાતમાં ચરમાળીયા નાગ (ચોકડી-ચુડા કે જ્યાં ઝાલા રાજ પરીવાર દ્વારા ધજા ચઢાવવામાં આવે છે.), શેષનાગ (ડીસા-ઢીમા), ગોંગા નારાયણ (દાહોદ), ભૂજિયો ડુંગર (ભૂજ), અર્બુદાનાગ (અંબાજી- આબુ), નાગનાથ (જામનગર), શેષનારાયણ (સોમનાથ પ્રભાસ) તથા સૌરાષ્ટ્રની સર્પભૂમિ થાનગઢમાં આવેલું વાસુકી દાદાનું મંદિર એ જાણીતા નાગતીર્થો છે. વાસુકી નાગનું ભારતવર્ષમાં પૌરાણિક મહત્ત્વ છે. થાનગઢનાં વાસુકી મંદિરનાં મહંતશ્રી ભરતગીરીએ જણાવ્યું હતું કે શંકર ભગવાનનાં ગળામાં શોભાયમાન એવા વાસુકી નાગનો ઉપયોગ સમુદ્રમંથન સમયે નેતરા તરીકે ઉપયોગ થયો હતો. પ્રિતમ તળાવનાં કિનારે આવેલું આ મંદિર એક હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું જણાય છે તેમજ આજ વિસ્તારના રમણીય વનમાં બાંડીયાબેલીમાં પણ નાગમંદિર છે. થાન-લખતર સંસ્થાનનાં રાજાશાહીનાં સમયથી (વર્તમાન રાજવી 96 વર્ષીય ઠા. સા. શ્રી બલભદ્રસિંહજી ઝાલા) લખતર સ્ટેટ તરફથી આરતીમાં મશાલ આવે છે. આમ, નાગ-સર્પની પૂજા સર્વ ધર્મ અને સર્વ સંપ્રદાયોમાં કરવાનો રિવાજ છે. શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે પણ પરંપરાગત રીતે તા. 23 ઓગસ્ટ 2024 નાં શુક્રવારે પુ. ગુરૂદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શુભ હસ્તે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી અને કુલેરની પ્રસાદી સૌને વહેંચવામાં આવી હતી.
🪱 ।। श्री नवनाग स्तोत्र ।। 🪱
अनन्तं वासुकिं शेषं पद्मनाभं च कम्बलं
शन्खपालं ध्रूतराष्ट्रं च तक्षकं कालियं तथा
एतानि नव नामानि नागानाम च महात्मनं
सायमकाले पठेन्नीत्यं प्रातक्काले विशेषतः
तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत
ll इति श्री नवनागस्त्रोत्रं सम्पूर्णं ll
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)






Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877