ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે.ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમ કે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળના બે મોટા નેતાઓની ભેટ આપેલ છે – મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે – ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિદ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે.ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતાં પણ ઘણો વધારે છે.
પૌરાણિક ગુજરાત
વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. સોમનાથ મંદિર, ગિરનાર પર્વતનો પૌરાણિક વાર્તાઓમાં ઘણો ઉલ્લેખ જોવા મળે છે. તે સમયે સરસ્વતી નદી પણ કદાચ ગુજરાત સુધી વહેતી હશે. મહાભારત દરિમયાન શ્રી કૃષ્ણએ ગુજરાતના પશ્ચિમ કિનારા પર દ્વારિકા નગરી વસાવી હતી. પાંડવો જે વિરાટ નગરીમાં અજ્ઞાતવાસમાં રહેલા તે વિરાટ નગરી પણ આજના કચ્છ પ્રદેશમાં આવી હશે તેવું મનાય છે. યાજ્ઞવલ્કય ઋષિ નર્મદાના કિનારાના પ્રદેશમાં રહેતા હતા.
ઐતિહાસિક ગુજરાત
ધોળાવીરા માં આવેલું પુરાતન જળ સંગ્રાહક
લોથલ તથા ધોળાવીરામાંથી અને અન્ય ૫૦ સ્થળોએ સીંધુ ખીણની સંસ્કૃતિના સમૃદ્ધ અવશેષો મળી આવ્યા છે.[૧૨] પુરાતન કાળથી ગુજરાત હંમેશા તેના દરિયાકિનારા માટે જાણીતુ રહ્યું છે. અહીંના નગરો મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યમાં બંદરો અને વ્યાપારનાં કેન્દ્રો રહેલા છે. ત્યારબાદ ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, પાટણ અને લાટ (દક્ષિણ ગુજરાત) એમ ચાર અલગ રાજ્યો એક સાથે અસ્તિત્વમાં રહેલા છે.
ગુજરાતી સલ્તનતની સ્થાપના ૧૩મી સદી દરમ્યાન થઇ હતી જે ૧૫૭૬ સુધી સત્તામાં રહી, જે સમયે અકબરે ગુજરાત પર વિજય મેળવી તેને મુઘલ સામ્રાજ્યમાં સમાવી લીધું હતું. ૧૮મી સદીમાં મરાઠાઓએ તેના પર વિજય મેળવ્યો હતો.
( માહિતી:ગુજરાત વિકિપિડીયા માંથી સાભાર


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877