Explore

Search

November 22, 2024 11:07 am

लेटेस्ट न्यूज़

જીવનચરિત્ર કથા : ભાગ 330,ધાર્મિક કથા : ભાગ 331& ધાર્મિક કથા : ભાગ 332 : Manoj Acharya ⁶

Manoj Aachary: જીવનચરિત્ર કથા : ભાગ 330
કૃષ્ણલાલ શ્રીધરાણી (૧૬ સપ્ટેમ્બર ૧૯૧૧ – ૨૩ જુલાઇ ૧૯૬૦) ગુજરાતી ભાષાના કવિ અને નાટ્યકાર હતા. આજે તેમનો જન્મદિવસ છે.


તેમનો જન્મ ઉમરાળામાં (ભાવનગર જિલ્લો) થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું. ૧૯૨૯માં તેઓ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડી કુચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ થયો. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી તેઓ ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક થયા. બીજે વર્ષે રવિન્દ્રનાથ ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. ૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑવ જર્નાલિઝમમાંથી એમ.એસ. ચાર વર્ષ પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજ્કીય તત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પીએચ.ડી. દરમિયાન અમેરિકામાં હિન્દને આઝાદ કરવાની લડતનો મોરચો રચી, અમેરિકી પ્રજાને સમજણ આપી લોકમત જાગ્રત કર્યો. ૧૯૪૫ પછી અમૃતબઝાર પત્રિકા માટે લખવાનું શરૂ કર્યું. ૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. તેઓ ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા. ‘કોડીયા’, ‘પુનરવિ કાવ્ય સંગ્રહ, વડલો, મોરનાં ઇંડા જેવા 16 નાટકો આપ્યા. એમનાં સરળ સુંદર ગીતો બાળકો ખુબ જ ગાતા. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો. ૨૩ જુલાઇ ૧૯૬૦ના રોજ હૃદય બંધ પડવાથી દિલ્હીમાં તેમનું અવસાન થયું. ભાવવંદન 👏💐
કવિ શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને એમના જન્મદિવસની સ્મરણાંજલિ સાથે માણીએ એમનું આ મઝાનું ગીત..!

અમે તો સૂરજના છડીદાર
અમે તો પ્રભાતના પોકાર ! … અમે

સૂરજ આવશે સાત ઘોડલે
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલે બંદી બાંકો, પ્રકાશ-ગીત ગાનાર ! … અમે

નીંદરને પારણીએ ઝૂલે, ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી, જગને જગાડનાર ! … અમે

પ્રભાતના એ પ્રથમ પહોરમાં, ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે, જાગૃતિ-રસ પાનાર ! … અમે

જાગો, ઉઠો ભોર થઇ છે, શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો, સકલ વેદનો સાર ! … અમે
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

Manoj Aachary: ધાર્મિક કથા : ભાગ 331
ભાદરવી પૂનમે અંબાજી માતાનો મેળો – આજે ભાદરવા સુદ તેરસ છે.
🛕🚩🔱🪔👏🕉️
ભાદરવી સુદ પૂનમે માં અંબા પધારી રહ્યા છે કારણ કે આ તેમનો પ્રાગટય દિવસ છે. ચાલો, આપણે સૌ સતત ત્રણ દિવસ માંના ગુણગાન ગાઈએ.. અંબાજીનો મેળો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી મુકામે યોજાય છે. પાલનપુરથી ૫૦ કિલોમીટર દુર અંબાજીમાં દર પૂનમે મેળા જેવું જ વાતાવરણ સર્જાય છે. આ બધામાં કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો મહિનાની પૂનમના દિવસે અહી મોટા મેળા યોજાય છે, જેમાં ‘ભાદરવી પૂનમનો મેળો’ ખુબ મહત્વપૂર્ણ અને મોટો મેળો છે. ભાદરવી પુનમનો આ મેળો તેરસ, ચૌદસ અને પૂનમ એમ સતત ત્રણ દિવસ સુધી ભરાય છે. આ દિવસે લાખો લોકો માતાના દર્શન માટે ઉમટી પડે છે. આ સમયે અસંખ્ય લોકો અહીં પગપાળા યાત્રા કરીને આવતા હોય છે. ચાચર ચોકમાં અહીં ભક્તો ઊંચા અવાજે શક્રાદય સ્તુતિનું પઠન કરી માતાજીને પ્રાર્થના કરે છે. પૂર્ણિમાના દિવસે માતાજીને વિવિધ શણગારો સજી શોભાયમાન કરવામાં આવે છે ત્યારે બ્રાહ્મણો સપ્તશતીનું પઠન કરતા હોય છે. ભાદરવી પૂનમે ગુજરાતમાંથી તેમજ દેશના અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ અંબાજી માતાના ભક્તો દર્શન કરવા આવતા છે. અહી મંદિરમાં કોઈ પ્રતિમા કે ચિત્રની પૂજા કરવામાં આવતી નથી પણ ‘શ્રી વિસાયંત્ર’નું પૂજન કરવામાં આવે છે. પોષી પૂનમ કે જે દિવસે માતાજી પ્રગટ થયા એવું મનાય છે. ભાદરવી પૂનમ શક્તિપીઠની સ્થાપનાનું પર્વ હોઈ આ દિવસનું માઈભક્તોમાં સૌથી વધુ મહત્ત્વ છે. પગપાળા યાત્રા કરી, પ્રદેશ અને દેશના લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે અંબાજી પહોંચે છે અને પોતાની ધજા ચઢાવે છે. આ પગપાળા સંઘોની શરૂઆત ક્યારથી થઈ એ અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી પરંતુ એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ ૧૭પ વર્ષ કરતાં પણ વધુ પુરાણો છે. ઉ.ગુ.માં પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસીંગજીને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસીંગ રાયકાજી નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કૂળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યારબાદ ભીમસિંગ બાપુને ત્યાં પુત્ર જન્મ્યો. આમ તેમને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું. ભુવાજી અને ૫૧ બ્રાહ્મણો ૧૮૪૧ની ભાદરવા સુદ ૧૦ના રોજ એક સંઘરૂપે સૌ અંબાજી જવા નીકળ્યા. આમ પ્રથમવાર ભીમસીંગ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણો તેમજ આગામી ૫ વર્ષ સુધી પગપાળા અંબાજી જવાની માનતા લઈ પગપાળા સંઘની સ્થાપના કરી. ૧૮૪૧માં શરૂ થયેલી આ પરંપરાને આજે લગભગ 183 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાના-મોટા ૧૬૦૦ કરતા પણ વધુ સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. આટલા વર્ષો પહેલાં શરૂ થયેલી એ પરંપરા આજે મહાપરંપરા બની ચૂકી છે. ઊંચા ડુંગરોમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે-ગામથી અંબાજીના ભકતો ‘અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ…’, ‘બોલ માડી અંબે જય જય અંબે’ના જયઘોષ કરતાં અંબાજી મંદિર તરફ પગપાળા ચાલીને આગળ વધે છે. સાથે… સાથે… માના રથ ખેંચતા, ગરબા ગાતા, છંદ અને માતાજીની સ્તુતિમાં ભાવવિભોર બનીને માના ભકતો, ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ માના જયઘોષથી પોતાનો જુસ્સો બુલંદ બનાવે છે અને માના ધામમાં માથું ટેકવવા અધીરા બની દોટ મૂકે છે. પૂર્ણિમાના દિવસે માતાજીના દર્શને કરવા આવતા વિવિધ સંઘો દ્વારા અહી ભવાઈ અને ચાચર ચોકમાં રાસગરબાનું અદ્ભુત આયોજન કરવામાં છે. અહીં મંદિર પરિસરમાં જ ઢોલ-પખવાજના તાલે માતાજીના ભક્તો સરસ રાસગરબા રમે છે. અંબાજીના આ મહામેળામાં ૨૫ લાખથી વધુ ભક્તો માતાજીના દર્શને કરવા આવે છે. આ પવિત્ર મહાપર્વના દિવસોમાં અંબાજી જતા તમામ રસ્તાઓ યાત્રાળુઓથી ભરેલા હોય છે. આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર અને અંબાજી ગામને પણ શણગારવામાં આવે છે. માતાજીની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. ભાદરવી પૂનમના દિવસે મંદિરમાં અને મેળામાં દર્શનાર્થીઓનો ભારે ધસારો રહે છે. રસ્તામાં ઠેર ઠેર પ્રસાદી, ચુંદડી, શ્રીફળ, કંકુ, પુષ્પ વગેરેની દુકાનો મોટી સંખ્યામાં જોવાય છે. માતાજીને ચુંદડી ચડાવવા માટે સાડીઓની દુકાનોમાં પણ ભીડ જોવા મળે છે. ખાણી-પીણીનાં સ્ટોલ પણ કામચલાઉ ધોરણે ઉભા કરવામાં આવે છે. આ વિસ્તારની આદિવાસી મહીલાઓ છૂંદણા છૂદાવવાની અને બંગડીઓની શોખીન છે. વિવિધ પ્રકારનાં રમકડાંની દૂકાનો પણ લગાવવામાં આવે છે. વિવિધ સંસ્થાઓ અને સેવા કેન્દ્રો દ્વારા યાત્રાળુઓને વિસામો ખાવાની સુવિધા, ચા-નાસ્તો અને જમવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. મેળાના દિવસોમાં અને અન્ય સમયે પણ શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
🙏🏻 जय अंबे 🙏🏻
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Manoj Aachary: ધાર્મિક કથા : ભાગ 332
ભગવાન ગણેશને દુર્વા કેમ ચઢે છે?
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
હિન્દુ સનાતન ધર્મમાં કોઈ પણ કાર્યની શરૂઆતમાં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાસ છે જે ઘણીવાર બગીચામાં જોવા મળે છે. ગણેશજીને દુર્વા અર્પણ કરવું ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે. એકમાત્ર ગણેશજી એવા દેવ છે, જેના પૂજનમાં દુર્વાનો ઉપયોગ થાય છે. પુરાણોમાં દંતકથા અનુસાર એક સમયે અનલાસુર નામનો રાક્ષક હતો. તેના ક્રોધ અને જુલમને કારણે દરેક જગ્યાએ લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. તેના આ અત્યાચારથી ઋષિ મુની, દેવી-દેવતા, માનવ, પ્રાણીઓ, પક્ષીઓ બધા દુ:ખી હતા. સૌ સાથે મળીને આ આતંકને રોકવા માટે શિવજી પાસે જાય છે અને વિનંતી કરે છે કે ભોલેનાથ આ ક્રૂર રાક્ષસથી અમને બચાવો. તેના આતંકને જલદીથી સમાપ્ત કરો. ભગવાન શિવ તેમની કરુણામય વિનંતિ સાંભળીને બધાને કહે છે કે આનો ઉપાય ફક્ત ગણેશ પાસે છે. પછી સૌ શ્રી ગણેશ પાસે અનલાસુરનો વધ કરવા માટેની પ્રાર્થના કરવા જાય છે અને ગજાનંદ સૌનું દુ:ખ જોઈ વધ કરવા માટે તૈયાર થઈ જાય છે, ત્યારબાદ ગણેશ અને અલનાસુર વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં લમ્બોદર ગણેશ રાક્ષસને ગળી જાય છે. રાક્ષસને ગળી ગયા પછી ગણેશજીના પેટમાં તીવ્ર જલન થવા લાગે છે. આ બળતરા અસહ્ય બને છે. બધા જ દેવી દેવતાઓ આ બળતરા શાંત કરવા માટેના ઉપાય શોધવા લાગે છે અને ઘણા ઉપાયો અજમાવ્યા પરંતુ કોઈ ફેર પડ્યો નહી કે પીડા શાંત થઈ નહી. એ સમયે કશ્યપ ઋષીએ દુર્વાની 21 ગાંઠ બનાવી શ્રી ગણેશને ખાવા આપી. આમ કરવાથી ભગવાન ગણેશના પેટમાં થતી અસહ્ય બળતરા શાંત થઈ. આ પછી ભગવાન ગણેશ દુર્વાથી ખૂબ જ ખુશ થાય છે અને જે ભક્ત ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરે છે તેની સર્વ મનોકામના ભગવાન ગણેશ શીઘ્ર પૂરી કરે છે. દીર્ઘ નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે. જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે દુર્વાને તેના મૂળથી તોડ્યા પછી પવિત્ર જળથી સાફ કરી 21 દુર્વાઓને ભેગી કરીને એક ગાંઠ બાંધી લેવી અને ત્યારબાદ તેને પૂજાની થાળીમાં રાખવી અને આ મુજબ મંત્રોચ્ચાર કરવો.
દુર્વા હ્યમૃતસંપન્ના શતમૂલા શતાકુરા |
શતં પાતકસંહંત્રી શતમાયુષ્યવર્ધિની ||
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग