જીવનચરિત્ર કથા : ભાગ 353 ‘થોમસ બેબિંગ્ટન મેકોલે’ (1800-1859) એક પ્રખ્યાત અંગ્રેજી કવિ, નિબંધકાર, ઇતિહાસકાર અને રાજકારણી હતા. આજે 25 ઓક્ટોબરે તેમનો જન્મદિવસ છે. એક નિબંધકાર અને વિવેચક તરીકે તેમણે બ્રિટિશ ઇતિહાસ પર વ્યાપકપણે લખ્યું હતું પરંતુ મેકોલે શિક્ષણ પદ્ધતિ ભારત માટે કેમ ખતરનાક પુરવાર થઇ? આવો જાણીએ સંપૂર્ણ ઇતિહાસ શિક્ષણ કોઈપણ વ્યકિત, સમાજ કે દેશ માટે કરોડરજજુ સમાન હોય છે. આ ત્રણેયનાં વર્તમાન અને ભવિષ્ય કેવાં હશે એનો આધાર એ વાત ઉપર છે કે શિક્ષણની પદ્ધતિ કેવી છે? શીખવા-શીખવવાની રીત કેવી છે.? ભારતની વર્તમાન શિક્ષણ પદ્ધતિની વાત કરીએ તો આશ્ચર્ય થાય છે કે આટલો પ્રાચીન, ઋષિ-મુનિઓનો, શિક્ષણ અને જ્ઞાન માટે દુનિયાભરમાં પંકાયેલો દેશ આજે એક અંગ્રેજ લોર્ડ મેકોલે બનાવેલી શિક્ષણ પદ્ધતિને જેમની તેમ અપનાવીને બેઠેલો છે. તેમનો ઉદ્દેશ દર્શન, ધર્મ અને સંસ્કૃતિનું જ્ઞાન આપતી આપણી મૂળ શિક્ષણ વ્યવસ્થાને મૂળમાંથી જ છિન્નભિન્ન કરી આપણા આત્મસમ્માનને તોડવાનો હતો. એ આપણને સદીઓ સુધી ગુલામ બનાવી રાખવાની પાકી વ્યવસ્થા કરવા ઇરછતો હતો. આવો જાણીએ લોર્ડ મેકોલે વિશે વિસ્તૃત માહિતી. ઈ. સ. 1834 થી 1838 સુધી તેઓ સુપ્રીમ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં કાયદાના સભ્ય અને કાયદા પંચના વડા હતા. ભારતીય દંડ સંહિતા સંબંધિત પ્રખ્યાત પુસ્તક ‘ધ ઈન્ડિયન પીનલ કોડ’ની લગભગ તમામ હસ્તપ્રતો તેમના દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અંગ્રેજી ભાષાને ભારતની સત્તાવાર ભાષા અને શિક્ષણનું માધ્યમ બનાવવામાં અને યુરોપિયન સાહિત્ય, ફિલસૂફી અને વિજ્ઞાનને ભારતીય શિક્ષણનું લક્ષ્ય બનાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. ▶️ ભારતમાં આગમન મેકોલે 1823 માં બેરિસ્ટર બન્યા પરંતુ તેમણે બેરિસ્ટરશિપ કરવાને બદલે જાહેર જીવન પસંદ કર્યું. તેઓ 1830 માં બ્રિટિશ સંસદના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ગવર્નર-જનરલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પ્રથમ કાયદાના સભ્ય તરીકે નિયુક્ત થયા બાદ 1834 માં ભારત આવ્યા હતા. ત્યાં સુધીનો ભારતનો વહીવટ જાતિ, દ્વેષ, ભેદભાવ પર આધારિત અને દમનકારી હતો. તેમણે નક્કર ઉદાર સિદ્ધાંતો પર વહીવટ ચલાવવાનો પ્રયાસ કર્યો. તેમણે ભારતમાં અખબારોની સ્વતંત્રતા માટે ઝુંબેશ ચલાવી, કાયદા સમક્ષ યુરોપિયનો અને ભારતીયોની સમાનતાને સમર્થન આપ્યું. અંગ્રેજી દ્વારા પશ્ચિમી શૈલીની ઉદાર શિક્ષણ પ્રણાલી શરૂ કરી અને પીનલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જે પાછળથી ‘ઇન્ડિયન પીનલ કોડ’નો આધાર બન્યો. અંગ્રેજ બૌદ્ધિકોએ અનેક પ્રકારે ભ્રમ, જૂઠ અને અર્ધસત્યનો આધાર લઇ ભારતને તોડવાની, વિખવાદ પેદા કરવાની અને પોતાની હકૂમત મજબૂત કરવાની રણનીતિ અપનાવી હતી. ખ્રિસ્તી મિશનરીએ ધર્માંતરણની રણનીતિ અપનાવી તો અંગ્રેજોએ એક બીજી પણ રણનીતિ અપનાવી. એ હતી ભારત પ્રત્યેની નિષ્ઠા ખતમ કરવી હોય તો શિક્ષણનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીએ. એ કામ હાથમાં લીધું લોર્ડ મૅકોલેએ. લોર્ડ મેકોલેએ આ દેશની ધરા સંભાળ્યા બાદ બ્રિટિશ પાર્લામેન્ટમાં તા. 02-02-1835 ના રોજ બ્રિટિશ પાર્લામેંટમાં કરેલું ભાષણ અહીં ઈંગ્લીશનું ભાષાંતર શબ્દશઃ આ પ્રમાણે હતું. ”મેં ભારતદેશના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ્ના વિસ્તારોનું પરિભરમણ કર્યું છે. આ દેશ એટલો સમૃધ્ધ છે અને તેની પ્રજાનું નૈતિક મૂલ્યોનું સ્તર એટલું ઊંચુ છે કે મેં દેશમાં કોઈ નાગરિક એવો ના જોયો કે જે ભિક્ષુક હોય કે ચોર હોય. હું નથી ધારતો કે આવા ઉત્કૃષ્ટ નૈતિક મૂલ્યવાન દેશને આપણે ક્યારેય પણ જીતી શકીએ. સિવાય કે આ દેશની આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વારસો કે જે રાષ્ટ્રની કરોડરજ્જુ સમાન છે તેનો આપણે નાશ કરી શકીએ. આથી હું દરખાસ્ત કરૂં છું કે આપણે તેની ગૌરવલક્ષી સદીઓ પુરાણી પ્રથાઓને મૂળથી જ બદલીએ કે જેના પરિણામે હિન્દુસ્તાનીઓ માનતા થાય કે જે કંઈ વિદેશી છે અને ઈંગ્લીશ છે તે તેમના કરતાં વિશેષ સારું છે તથા મહાન છે અને આ કારણે તેઓ પોતાની ઓળખ અને આત્મ ગૌરવ ગુમાવશે. પોતાના નિજી સાંસ્કૃતિક સ્વરૂપો ગુમાવશે અને તેઓ એવા નાગરિકો બની જશે કે જેવા આપણે તેમને ઈચ્છીએ છીએ અર્થાત કાળા અંગ્રેજો-સ્વૈચ્છિક ગુલામ અને ખરા અર્થમાં આપણાં આધિપત્યવાળું ગુલામ રાષ્ટ્ર બની રહેશે.” આ પ્રવચન બાદ બ્રિટીશ સરકારે લીલી ઝંડી આપી અને ટી.બી. મેકોલે દેશવ્યાપી અંગ્રેજીમાં શિક્ષણથી જાત જાતના પ્રલોભનો આપી નવી નવી શાળાઓ ખોલી તેનો હેતુ પાર પાડ્યો અને તા. 12/10/1836ના રોજ તેમના પિતાજીને હર્ષભેર પત્ર લખ્યો. ‘આ સમયે આપણે એક એવો વર્ગ તૈયાર કરવા માટે ખાસ ધ્યાન આપવું જોઇએ કે જે આપણી અને આપણા કરોડો પ્રજાજનો વચ્ચે દુભાષિયાનું કામ કરી શકે. લોકોનો એક એવો વર્ગ તૈયાર થાય જે દેખાવે તો ભારતીય હોય, પરંતુ રુચિ, વિચાર, મન અને બુદ્ધિથી અંગ્રેજ હોય.’ 1836માં એમણે ફરી પોતાના પિતાને લખ્યું હતું : ‘અંગ્રેજી શિક્ષણ લેનાર હિન્દુ ધર્મ પ્રત્યે સાચી નિષ્ઠા રાખી નહીં શકે. જો આપણી શિક્ષણ પદ્ધતિ અપનાવાશે તો ત્રીસ વર્ષ પછી એકેય મૂર્તિપૂજક બચશે નહીં અને એ ધર્માંતરણની ઝંઝટ વિના શક્ય બનશે.’ આ જ મહાશયે કહ્યું હતું કે ભારતના સમગ્ર પ્રાચીન સાહિત્યને આધુનિક યુરોપના પુસ્તકાલયના એક કબાટમાં સમાવી શકાય એમ છે. મૅકોલેની માન્યતા પ્રમાણે આપણો ઇતિહાસ અંધકાર યુગથી આરંભાય છે. વાસ્તવમાં તે ભારતનો સુવર્ણયુગ હતો, જેમાં ભારતે જ્ઞાન-વિજ્ઞાન, ભૌતિક અને આધ્યાત્મિક દરેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી હતી. આમ આ રીતે રાજકીય શતરંજ પર એક અનોખી ચાલ અંગ્રેજી શિક્ષણની અંગ્રેજો ચાલ્યા અને ઈંગ્લિશ માધ્યમવાળી શાળાઓના ફેલાવા સાથે આપણા દેશની પુરાણી શિક્ષણ પ્રથા અને તેના સંસ્કાર વારસાને સ્થાને બીજી પદ્ધતિ દાખલ થઇ, જેને પરિણામે ભારતીય પ્રજાને એમ લાગવા માંડયું કે જે કઇં વિદેશી અને ઈંગ્લિશ છે તે આપણી ધરોહર કરતાં સારું અને ચડિયાતું છે. કદાચ તેથી જ સ્તો સમય જતાં ભારતીય પ્રજા સ્વમાન અને તેમની મૂળ સંસ્કૃિત ગુમાવવા લાગી અને તેઓ જેવા બ્રિટિશરો તેમને બનાવવા ઇચ્છતા હતા તેવા બન્યા. કોઈ પણ દેશ પર રાજ્ય કરવું હોય તો તેની પ્રજાને કાં તો જાનથી ખતમ કરવી પડે, નહીં તો ગુલામ બનાવવી પડે. ગુલામ બનાવવા માટે જે તે સમુદાયની અસ્મિતા હણી લેવાથી કામ થાય એ તો યુરોપના ઘણા દેશોએ ગુલામી પ્રથાના અમલ દરમ્યાન જોઈ લીધેલું. આમ મેકોલેના પ્રસ્તાવનો અમલ કરીને બ્રિટિશ સરકારને જે જોઈતું હતું તે મળી ગયું. દેશના ઘણા ભાગના ગામોમાં ઈંગ્લિશ માધ્યમવાળી શાળાઓ ખોલવામાં આવી, જ્યાં પાંચ-સાત ધોરણ અથવા બહુમાં બહુ મેટ્રિક્યુલેશન સુધીની સુવિધા કરવામાં આવી, જેથી ઇન્ડિયન સિવિલ સર્વિસના બે હજાર સભ્યો તેમ જ દસ હજાર જેટલા સરકારી અફસરોની બનેલ એક ટુકડી સાઈંઠ હજાર બ્રિટિશ સૈનિકો અને બે લાખ જેટલા હિંદના વતની સિપાહીઓની મદદથી ત્રીસ કરોડની પ્રજા પર શાસન કરી શક્યા. અહીં સુધીની વાત તો સમજાય તેવી છે પરંતુ જે નથી સમજાતી તે સ્વતંત્રતા બાદની શિક્ષણના માધ્યમ વિશેની ભારતની નીતિ. ગાંધીજી અને તેમની હરોળના સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રતીતિ થઇ કે બ્રિટન ભારતને પોતાનું સંસ્થાન બનાવી શક્યું, તેમ થવા પાછળ અને તે સત્તા બે સદીઓ સુધી ટકી રહી એટલું જ નહીં પણ ફૂલીફાલી તેની પાછળ ભારતવાસીઓની તેમણે લાદેલ કાયદા-કાનૂન વ્યવસ્થા પરત્વેની વફાદારી, તેઓના દેશની બનાવટના માલનો વપરાશ કરવાની તૈયારી અને તેમણે શરૂ કરેલ શિક્ષણ પદ્ધતિનો સ્વીકાર એ ત્રણ પરિબળોએ ખૂબ મોટો ભાગ ભજવેલો. અફસોસ એ વાતનો છે કે આઝાદી મેળવ્યાનો ઊભરો શમ્યો ન શમ્યો ત્યાં ગુલામી માનસના અવશેષ રૂપે બ્રિટિશ શિક્ષણ પદ્ધતિનો મોહ ભારતીયોના દિમાગમાં ફરી જોર કરવા લાગ્યો. બ્રિટિશ શિક્ષણ પદ્ધતિના અમલને પરિણામે તત્કાલીન ભારતીય પ્રજામાં ધીરે ધીરે પણ ચોક્કસપણે એક એવી વિચારસરણી વિકસવા લાગેલી કે જે કઇં ‘ગોરા લોકો’ કરે છે, બોલે છે અને મેળવે છે તે જ આપણો આદર્શ હોઈ શકે. આથી જ તો થોડા દાયકાઓમાં પૂર્વજો સિંચિત તમામ સિદ્ધિઓને વિસ્મૃિતની ગર્તામાં ધકેલી ભારતીય પ્રજા વિદેશથી એટલે કે પશ્ચિમના દેશોમાંથી આવેલ ભાષાની સાથો સાથ તેમની ચિકિત્સા અને સારવાર પદ્ધતિ, તેમના ઉદ્યોગો અને વ્યાપારની વ્યવસ્થા, તેમની જીવન પદ્ધતિ બધાનું અનુકરણ કરવા લાગ્યા. જે પ્રજા માતૃભાષા પરની પકડ ગુમાવે તે માત્ર પોતાની સંસ્કૃિત જ નહીં, પોતાના સમાજજીવન, કુટુંબ જીવન અને વિજ્ઞાનથી માંડીને કળા-સ્થાપત્ય જેવા અમૂર્ત ક્ષેત્રોમાં પણ પોતાની અસ્મિતા ગુમાવી બેસે છે. હવે બ્રિટનની સરકાર માટે તો ભારતને ગુલામ બનાવવા તેના પર ઈંગ્લિશ માધ્યમવાળું શિક્ષણનું માળખું ઠોકી બેસાડવું તે જરૂરી હોઈ શકે, તે સ્વાભાવિક છે જેથી માત્ર હુકમ ઉઠાવી શકે તેવી ભણેલા લોકોની ફૌજ ઊભી કરવાની તેમની પવિત્ર ફરજ પૂરી થાય પરંતુ વિદેશી શાસનના અંત પછી પણ પશ્ચિમી ભાષાના માધ્યમ દ્વારા જ શિક્ષણ આપવાની ઘેલછા સ્વતંત્ર ભારતની નવી પેઢીને સ્વઓળખ વિનાની સત્ત્વહીન કારકુની મનોવલણવાળી સેના બનાવતી રહી છે તે એક દુઃખદ બીના છે. આજે ભારતની યુવા પેઢી ભણેલી અને સ્માર્ટ દેખાય છે. પુષ્કળ સંખ્યામાં યુવક-યુવતીઓ વિદેશ ગમન કરીને અઢળક ધન કામાય છે અને એટલે ઈંગ્લિશ માધ્યમની શાળાઓ ખોલવાનું વ્યાજબી લાગે. વળી ભારતે ટેક્નોલોજી અને થોડે ઘણે અંશે વિજ્ઞાન ક્ષેત્રે પણ પ્રગતિ કરી છે જે ઈંગ્લિશ પરના પ્રભુત્વ વિના શક્ય ન બન્યું હોત, તેમ આપણે જરૂર કહી શકીએ. જોકે બીજી એક વિષમ પરિસ્થિતિ પણ આપણે જોવી જોઈએ. ગુજરાતમાં રહેતાં મધ્યમ વર્ગનાં દસ બાર વર્ષનાં એવાં બાળકો કે જેઓની શાળામાં ગુજરાતી વિષય તરીકે ભણાવાતો નથી, એટલું જ નહીં ત્યાં ગુજરાતીમાં બોલવાની પણ સખ્ત મનાઈ છે. એ જ બાળકોને છઠ્ઠા ધોરણથી ગુજરાતી કે સંસ્કૃત વિષય ભણવાનો વિકલ્પ અપાશે અને ફ્રેન્ચ પણ શીખવાશે! હવે એ પેઢી પોતાને સોફ્ટવેર એન્જીિનયર, એકાઉન્ટન્ટ કે ડોક્ટર તરીકે ઓળખાવવાનું ગૌરવ લેશે પણ ખરા ભારતીય હોવા વિષે સભાન હશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. આ પરિસ્થિતિ માટે અન્ય વિદેશી શાસકો કરતાં દુરંદેશી એવા મેકોલેની યુરોપિયન સંસ્કૃતિ અને ઈંગ્લિશ ભાષા પ્રત્યેની ભક્તિનો આભાર જ માનવો રહ્યો…! લોર્ડ મેકોલેનું મૃત્યુ 28 ડિસેમ્બર, 1859 ના રોજ થયું હતું. ✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)