સૈયદ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર સામે મેન ઓફ ધ મેચ હેમાંગ પટેલ.
હેમાંગ પટેલ આગળ પણ આવુજ પ્રદર્શન ચાલુ રાખશે. (ક્રિકેટ કોચ ભગુ પટેલ.)
B.C.C.I. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા સૈયદ અલી T-20 ક્રિકેટ સ્પર્ધામાં ઈન્દોરના મેદાનમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે મેચ રમાઈ હતી જેમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ અનડક્ટેએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા જેમાં વિશ્વરાજ જાડેજાએ 52 રન અને હાર્વિક દેસાઈએ 47 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી તેજસ પટેલે 2 વિકેટ ઝડપી હતી. 197 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 8.3 ઓવરમાં 84 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ હેમાંગ પટેલે સૌરવ ચૌહાણ સાથે 5મી વિકેટ માટે 48 બોલમાં 103 રનની મજબૂત ભાગીદારી કરી સૌરાષ્ટ્રની ટીમને પાછળ ધકેલી દીધી હતી. હેમાંગ પટેલે 36 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 57 રન ફટકારીને સૌરાષ્ટ્રના તમામ બોલરોને પરાસ્ત કરી ગુજરાતની ટીમને વિજય અપાવ્યો હતો. ગુજરાતની ટીમે 19.2 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી હેમાંગ પટેલને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. મેચને જોતા ક્રિકેટ કોચ ભગુ પટેલે મેન ઓફ ધ મેચ બનેલા હેમાંગ પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે હેમાંગ પટેલ સમગ્ર ગુજરાતની ટીમમાં એક સારો ઓલરાઉન્ડર છે, જે પરિસ્થિતિ ગમે તે હોય, તે જાણે છે કે કેવી રીતે રમવું. આ ઉપરાંત ક્રિકેટ કોચ ભગુ પટેલે જણાવ્યું છે કે હેમાંગ ભવિષ્યમાં પણ તેનું પ્રદર્શન ચાલુ રાખશે અને ગુજરાતની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
