Rajkot : સૌંદર્યાભિમુખ કવિ પ્રહલાદ પારેખ (1911-1962) નો 22 Oct.જન્મદિવસ
ઉમાશંકર જોશીએ જેમને ‘આંખ, કાન અને નાકની કવિ’ કહેલા તે અર્વાચીન ગુજરાતી કવિતાના પાયારૂપ હતા. એમનો જન્મ ભાવનગર શહેરમાં ૨૨ ઓક્ટોબર ૧૯૧૧ના રોજ થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શ્રી દક્ષિણામૂર્તિ, ભાવનગરમાં. શિક્ષણ દરમિયાન સંસ્થાના દ્રષ્ટિસંપન્ન સંચાલક નાનાભાઈ ભટ્ટ અને આચાર્ય હરભાઈ ત્રિવેદીની અસર નીચે સાંસ્કારિક ઘડતરનો પાયો. ૧૯૩૦માં આઝાદીની ચળવળમાં જોડાવા અભ્યાસત્યાગ અને જેલવાસ. એ પછી પુનઃઅભ્યાસ અને દક્ષિણામૂર્તિની વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ, પછી અભ્યાસાર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૩૩માં ‘શાંતિનિકેતન’ જઈ ચાર વર્ષ અભ્યાસ. ત્યાં રવીન્દ્રનાથના સાંનિધ્યે એમના કાવ્યસર્જનને પ્રેર્યું. ૧૯૩૭માં વિલેપારલેની પ્યુપિલ્સ ઑન સ્કૂલમાં શિક્ષક. બીજે વર્ષે ભાવનગરની ઘરશાળામાં જોડાયા. એ પછી ૧૯૪૫ થી છેવટ સુધી મુંબઈની મોડર્ન હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે રહ્યા.
: એમના કાવ્યસંગ્રહ : ‘બારીબહાર’ (૧૯૪૦)માં ગાંધીયુગની સાહિત્યધારાથી જુદી પડતી નવીન કાવ્યધારા વહે છે. એમની કવિતાનું મુખ્ય લક્ષણ છે : બહિર્મુખી રાષ્ટ્રચેતના કે સમાજચેતનાને સ્થાને કવિતામાં પ્રસ્થાપિત થયેલી સૌંદર્યચેતના. ‘સરવાણી’ (૧૯૪૮)નાં કાવ્યો પણ ‘બારીબહાર’ની બીજી આવૃત્તિમાં સામેલ કરવામાં આવ્યાં છે. પ્રકૃતિપ્રેમ તથા માનવપ્રેમ એ એમની કવિતાના મુખ્ય વિષયો છે. એમની કવિ તરીકેની સિદ્ધિમાં ગીતોનો ફાળો વિશેષ છે. એમનાં ગીતોમાં ધ્યાનાકર્ષક છે લયસમૃદ્ધિ અને ભાવની ઇન્દ્રિયગ્રાહ્ય રજૂઆત. એમની સમગ્ર કવિતાનું બીજું મુખ્ય લક્ષણ છે, સૌંદર્યાભિમુખતા.
કરુણમંગલ ગદ્યકથા ‘ગુલાબ અને શિવલી’ (૧૯૩૮)માં એમણે ભાઈબહેનના શૈશવજીવનનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કર્યું છે. મિસીસ લૉરા ઇન્ગોલ્સ બાઇલ્ડરની ગદ્યકથાનો કવિએ ‘રૂપેરી સરોવરને કિનારે’ (૧૯૬૨) નામે, તો સ્ટિફન ઝ્વાઈગની નવલકથાનો ‘અજાણીનું અંતર’ નામે અનુવાદો પ્રગટ કર્યા છે. ‘શિસ્તની સમસ્યા’ (૧૯૬૨) એમની પરિચયપુસ્તિકા છે. ‘રાજકુમારની શોધમાં’ અને ‘કરુણાનો સ્વયંવર’ નામેક દીર્ઘ બાળવાર્તાઓ તથા ‘તનમનિયાં’ નામક બાળકાવ્યોનો સંગ્રહ અદ્યાપિ અપ્રગટ છે. તેમની સૌથી સુંદર કવિતા ‘બારી બહાર’ નાં થોડાક પુષ્પો તોડીને આપની સમક્ષ મુકીને ભાવવંદન કરું છું. 👏💐
વર્ષોની બંધ બારીને આજ જ્યારે ઉઘાડતો,
‘આવ’, ‘આવ’, દિશાઓથી સૂર એ કર્ણ આવતો.
આવે વાયુ પ્રથમ ભીતરે સિંધુના મોજ ચૂમી,
ઘૂમી ઘૂમી વન વન મહીં પુષ્પની ગંધને લૈ;
માળે માળૈ જઈ જઈ, લઈ પંખીના ગાનસૂર,
લાવે હૈયે નિકટ મુજ, જે આંખથી હોય દૂર.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877