વિષ્ણુસહસ્ત્ર નામ સ્તોત્ર નાં અદભુત રહસ્યો !!
આજથી લગભગ ૪૬ વર્ષ પહેલા દ્વારકામાં હું જ્યારે સ્વામી અભેદાનંદ જી ને મળેલો ત્યારે એમણે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનાં કેટલાંક રહસ્યો મને બતાવેલાં.
આજે આપની સાથે એ રહસ્યો હું શેર કરું છું. આપણે જાણીએ જ છીએ કે જન્મ એટલે કે સર્જનનો હવાલો બ્રહ્મા સંભાળે છે. જીવનનો હવાલો ભગવાન વિષ્ણુ સ્વયં સંભાળે છે જ્યારે મૃત્યુ અને વિસર્જનનો હવાલો ભગવાન શિવ સંભાળે છે.
એટલે જ્યાં સુધી જીવન છે, જ્યાં સુધી સંસાર છે, જ્યાં સુધી આર્થિક જરૂરિયાતો છે, જ્યાં સુધી ભોજનની વ્યવસ્થા કરવાની હોય છે, જ્યાં સુધી કુટુંબને પાળવાનું હોય છે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના જરૂરી છે. પછી તે શ્રીરામ તરીકે હોય, શ્રીકૃષ્ણ તરીકે હોય, શ્રી સ્વામિનારાયણ ભગવાન તરીકે હોય કે પછી તિરુપતિ બાલાજી તરીકે હોય !! વિષ્ણુની ચેતના જ આ તમામ સ્વરૂપોમાં જાગૃત છે.
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠ ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણની ઉપાસના કરવાનું એક અમોઘ સ્તોત્ર છે. આ સ્તોત્રના કેટલાક મંત્રો એકદમ સિદ્ધ મંત્રો છે અને જુદા જુદા હેતુ માટે એનું સતત નામસ્મરણ કરી શકાય છે.
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો છેલ્લો જે શ્લોક છે એ આપણી પોતાની સુરક્ષા માટે છે. ખાસ કરીને આપણે નાની-મોટી જ્યારે પણ મુસાફરી કરીએ ત્યારે મુસાફરી દરમિયાન આ શ્લોકનું સતત રટણ કરીએ તો અકસ્માતથી સંપૂર્ણ રક્ષણ મળે છે.
તમે પોતે તમારું પોતાનું વાહન ચલાવતા હો પછી તે સ્કૂટર હોય બાઇક હોય રીક્ષા હોય કે ગાડી હોય તો વાહન સ્ટાર્ટ કરતા પહેલા બાર વખત આ શ્લોક મનમાં બોલી જવો. અકસ્માત ક્યારે પણ નહીં થાય !!
રિક્ષામાં બસમાં ટ્રેનમાં કે ફ્લાઈટમાં આપણે બેઠા હોઈએ તો બેઠા પછી બાર વખત આ ૧૦૮ મો શ્લોક મનમાં બોલી જવો.
(वनमाली गदा श्रंगी
शंखी चक्री च नंदकी ।
श्रीमान नारायणो विष्णु
वासुदेव अभिरक्षतु ।। )
પૈસાની બહુ તકલીફ હોય, નોકરી છૂટી ગઈ હોય, માથે દેવું થઈ ગયું હોય, ધંધો જામતો ના હોય તો રોજ એકવાર અને પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય તો રોજ 3 વાર વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો. ચોક્કસ ઓચિંતી કોઈ તક તમને મળી જ જશે. આ ઘણા બધા લોકોનો પ્રત્યક્ષ અનુભવ છે !!
સાથે સાથે રોજ નીચેના શ્લોકની ૧૦૮ મણકાની એક માળા પણ કરવી.
(श्रीदः श्रीशः श्रीनिवासः श्रीनिधि श्रीविभावनः
श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान लोकत्रयाश्रयः)
હવે આપણે મુખ્ય વાત ઉપર આવીશું. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર માં કુલ ૧૦૮ શ્લોકો છે. જીવનમાં સુખી થવું હોય અને આર્થિક ચિંતાથી મુક્ત રહેવું હોય તો રોજ એકવાર તો વિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્રનો એક પાઠ તો કરવો જ સાથે સાથે તમારી ઉંમર સાથે જોડાયેલો એક શ્લોક ૧૦૮ વાર જપવો.
તમારી જે ઉંમર ચાલતી હોય એ ઉંમરની સંખ્યાનો શ્લોક તમારે આખા વર્ષ દરમિયાન કરવો. દરેક જન્મ તારીખે એના પછીનો નવો શ્લોક લેવો. એક ઉદાહરણથી આ વાત તમને સમજાવું.
માની લો કે તમારી જન્મતારીખ ૧૬ એપ્રિલ ૧૯૭૨ છે. તો અત્યારે ૨૦૨૨ માં તમારી કઈ ઉંમર ચાલતી હશે ? એના માટે તમારે પાછલી જન્મ તારીખ પકડવી પડે. પાછલી જન્મ તારીખ ૧૬ એપ્રિલ ૨૦૨૧ હતી. ૨૦૨૧ માં થી ૧૯૭૨ બાદ કરો તો ૪૯ આવે. મતલબ પાછલી જન્મતારીખે તમે ૪૯ પુરાં કર્યા અને ૫૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો. એનો અર્થ એ કે આવતી જન્મ તારીખ સુધી તમને ૨૦૨૨ માં અત્યારે ૫૦ મું વર્ષ ચાલે છે.
ઉંમર ગણવાનું બરાબર સમજી લો. આ પ્રમાણે જ તમારે તમારી ઉંમરની ગણતરી કરવાની. અને એ નંબરનો શ્લોક પસંદ કરવાનો. ઉપરના ઉદાહરણમાં ૫૦મું વર્ષ એટલે ૫૦મો શ્લોક… (स्वापनह स्ववशो व्यापीहः….) ૧૦૮ વાર જપવાનો રહેશે.
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર માં પૂર્વભાગ અને ઉત્તરભાગ હોય છે પરંતુ આપણે
( विश्वम विष्णुः वषटकारह… )શ્લોકને પહેલો શ્લોક ગણવો. અને જે ઉંમર ચાલતી હોય એ નંબર નો શ્લોક પસંદ કરવો એક વર્ષ માટે. જન્મ તારીખ આવે એટલે આગળ નો શ્લોક લેવો.
સ્વામીજી ની આ અનુભવ વાણી અમલમાં મૂકવા જેવી છે. લોકહિતમાં આજે સ્વામીજી સાથે થયેલી ચર્ચા આપની સમક્ષ આજે એકાદશીના દિવસે રજુ કરી છે. કેટલાક અનુભવો તો વ્યક્તિએ જાતે જ કરવાના હોય છે !!
જય શ્રી કૃષ્ણ🌹


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877