ધાર્મિક કથા : ભાગ 58 હરીયાળી અમાસ – દિવાસો 🌳 ☘️ 🕉️ :::::::::::::::: 🙏🏻 અષાઢ માસની અમાસની તિથિ એ દિવાસા તરીકે ઓળખાય છે. આ અષાઢી અમાસને આપણે હરિયાળી અમાસ પણ કહીએ છીએ. અષાઢી અમાસને વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. કારણ કે દિવાસાથી જ વ્રત અને ઉત્સવોની શરૂઆત થાય છે. દિવાસાથી લઈ દિવાળી સુધી તહેવારોની ઋતુ રહે છે. જેમકે શિવજીનો પ્રિય માસ એવો શ્રાવણ માસ શરૂ થાય છે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ઉત્સવો આવે છે. ત્યારબાદ ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની હારમાળા સર્જાય છે. દિવાસોથી શરૂ કરીને દેવ દિવાળી સુધી, એટલે કે લગભગ 100 દિવસ સુધી કોઈને કોઈ ઉત્સવો આવતા જ રહે છે. આ સારા દિવસોની શરૂઆતને જ દિવાસા તરીકે ઓળખવામાં આવે છે. ઘણી સ્ત્રીઓ દિવાસાના અવસર પર વ્રત કરતી હોય છે. આ વ્રતમાં સ્ત્રીઓ 36 કલાકનું જાગરણ પણ કરે છે. ઘણાં ઓછાં લોકો જાણે છે કે હરિયાળી અમાસના નામે પ્રસિદ્ધ આ તિથિએ વૃક્ષારોપણનું પણ સવિશેષ મહત્વ છે. વર્ષાઋતુમાં ચોતરફ લીલીછમ વનરાજી છવાઈ જાય છે. ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. એટલે જ તો અષાઢ માસની અમાસને આપણે હરિયાળી અમાસ કહીએ છીએ. કહે છે કે આ તિથિ પર વિધવિધ પ્રકારના વૃક્ષો રોપવાથી વ્યક્તિની વિવિધ કામનાઓની પૂર્તિ થતી હોય છે. અમાસ તિથિએ પતિ-પત્નીએ એકસાથે શિવજી અને દેવી પાર્વતીની પૂજા કરવી જોઈએ. પૂજામાં ઓમ ઉમામહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. દેવી માતાને સુહાગનો સામાન ચઢાવો. શિવલિંગ ઉપર પંચામૃત અર્પણ કરો. પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ અને મિશ્રી મિક્સ કરીને બનાવવા જોઈએ. ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા કર્યા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ પ્રસાદ લો. સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)