☘️☘️☘️☘️☘️☘️☘️☘️
“રોગોની સારવારમાં બેકાળજી ક્યારેય ન રાખશો”
લેખક – સ્વ. વૈધ શોભન
આયુર્વેદની ‘ચરકસંહિતા’ને ચિકિત્સાજગતનો સર્વોત્તમ ગ્રંથ માનવામાં આવે છે. તેમાં એક અતિ ઉપયોગી શ્લોક આ પ્રમાણે છે :
અણુર્હિ પ્રથમં ભૂત્વા રોગ પશ્ચાત્ વિવર્ધત ।
સજાતમૂલો મુષ્ણાતિ બલં આયુષ્ય દુર્મતે ll
તસ્માત્ પ્રાગેવ રોગેભ્યો રોગેષુ તરુણેષુ વા।
ભેષજ: પ્રતિકુર્તીત ય ઇચ્છેતુ સુખં આત્મનઃ
શરૂઆતમાં તો રોગ માત્ર અણુરૂપે વ્યક્ત થઈ, પાછળથી વધવા માંડે છે. અને તે પછી તો ઊંડા મૂળવાળો થયેલો એ રોગ (તરત જ સારવાર નહિ કરનાર, બેદ૨કા૨) મૂર્ખ દરદીના બળ અને આયુષ્યને હણી નાખે છે, માટે જ પોતાનું શ્રેય (આરોગ્ય) ઇચ્છનારા રોગીએ રોગની શરૂઆત થતાં જ તેનો યોગ્ય ઔષધો દ્વારા પ્રતિકાર કરવો જોઈએ.
ઘેર ઘેર મઢી રાખવા જેવા આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે, આહાર-વિહારની ભૂલને કારણે, ઉંમરને કારણે, ઋતુપરિવર્તનને કારણે, કર્મને કારણે અને ચેપ ફેલાવાને કારણે વગેરે કારણે માનવને અવારનવાર રોગ થવાની શક્યતા છે.
રોગો પણ સેંકડો હોવાથી કોને, ક્યારે, કયો રોગ થઈ આવે તે કહી શકાય નહીં. નાના-મોટા કે નવા-જૂના કોઈ પણ રોગમાં સારા ચિકિત્સક, સાચાં ઔષધો અને યોગ્ય પરિચર્યા મળે તો તે રોગ તુરત જ કાબૂમાં આવી જતો હોય છે.
પણ એવા લાખો લોકો છે કે જેને સારા વૈદ્ય-ડૉક્ટરની સગવડ મળી શકતી નથી, સાચાં-પૂરતાં ઔષધ મળી શક્યાં નથી. તેથી તેમના રોગ સમયસ૨ કાબૂમાં ન આવતાં આગળ વધતાં વધતાં અસાધ્ય થઈ જાય છે.
જોકે એવા પણ ઘણા લોકો હોય છે કે, જેને સારા ચિકિત્સકની સારવાર લેવાની સગવડ હોય, દવાઓ ખરીદવાની શક્તિ હોય, પરિચારકોની પૂરી સવલત હોય છતાં કેવળ બેદરકારીને કારણે સારવાર શરૂ ન કરવાથી રોગને વધારી મૂકીને એક દિવસ મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે.
કારણ કે કોઈ રોગ કોઈની શેહશરમ રાખતો જ નથી. તે તો આગની ચિનગારી જેવો છે, સહેજ લાગતાં જ ભડકો થઈ બધું બરબાદ કરીને જ જંપે છે.
રોગને આયુર્વેદે બાવળના વૃક્ષ જેવો કે થોરની વાડ જેવો કહ્યો છે. તેને સમયસર મૂળમાંથી કાપી નાખવામાં ન આવે તો રોજબરોજ વધતાં-વધતાં તે એક દિવસ કાપી ન શકાય તેટલો ઊંડો અને તેટલો મોટો થઈ હેરાન કરી શકે છે.
કેટલાક આળસુ લોકો આળસમાં દવાખાને જતા નથી. દવા લઈ આવે તો આળસને કારણે પીતા નથી. પીએ તો ફરીને લેવા જતા નથી. ફરી લેવા જાય તો સાવ પૂરેપૂરો રોગ મટે ત્યાં સુધી સારવારને વળગી રહેતા નથી. કેટલાક લોકો ભીરુ હોવાથી દવાના સ્વાદથી કે કરવામાં આવતી ક્રિયાથી ડરે તો કેટલાક દરદી એવું માની લેતા હોય છે કે, રોગ આપોઆપ મટી જશે, પરંતુ રોગમાં જે વિકૃતિ આવી હોય છે તેને સમી કર્યા વિના દૂર થવાની શક્યતા નથી. (કપડું મેલું થયું હોય તો તેને ધોવું જ પડે. રાખી મૂકવાથી ધોવાઈ ન જાય.)
કેટલાક દરદી ચંચળ હોય છે, તે સારવાર કરે છે પણ ચલચિત્ત સ્વભાવને કારણે સ્થિર સારવાર લેવાને બદલે અકારણ વારંવાર ચિકિત્સક બદલ્યા કરે છે.
જેમ પચાસ ફૂટ ઊંડું ખોદવાથી કૂવામાં પાણી નીકળવાનું ન હોય તો ૫૫ ફૂટ સુધી ખોદવું તે ખેડૂતનું કર્તવ્ય છે, પણ ૫ ફૂટ ખોદીને ૧૦મા ભાગનું પાણી કેમ ન નીકળ્યું ? તેમ કહી તે આખા ખેતરમાં ૫-૫ ફૂટના હજારો ખાડા કરે તો પણ પાણીનાં દર્શન થઈ ન શકે.
રોગને મટાડવામાં પણ તેનો કૉર્સ પૂરો કરવો પડતો હોય છે. વારંવાર વૈદ્યો કે ડૉક્ટરો બદલવાથી તો પૈસા, સમય, શક્તિ અને મનોબળની બરબાદી સિવાય કાંઈ મળતું નથી.
તેથી રોગ શરૂ થાય કે તુરત જ પોતાને જેમાં વિશ્વાસ હોય તેવી કોઈ ચિકિત્સાપદ્ધતિ આયુર્વેદ, એલોપથી, નેચરોપથી, હૉમિયોપથી, બાયોકેમિક વગેરે કોઈમાંથી ખૂબ વિચારીને પસંદ કરવી.
પછી તે ચિકિત્સાપદ્ધતિમાં કોઈ એક યોગ્ય ચિકિત્સક પસંદ કરી તેના ઉપર પૂરો વિશ્વાસ મૂકી રોગ ન મટે ત્યાં સુધી તેને વળગી રહેવું જોઈએ.
નહીં તો શરદી જેવા સામાન્ય રોગમાંથી બેદરકાર રહેવાથી ઉધરસમાં પરિણમે છે. તેમાં ગાફેલ રહેવાથી શ્વાસ કે ક્ષયમાં રૂપાન્તર થાય છે. ને ક્યારેક તે જીવલેણ પણ બને છે.
તેથી સમજુ વ્યક્તિનું કર્તવ્ય છે કે નાનકડો રોગ થતાં તેની વ્યવસ્થિત સારવાર શરૂ કરી દેવી.
“રોગ અને દુશ્મનને શરૂ થતાં જ દાબી દેવાં. તેવી કહેવત યાદ રાખવા જેવી છે.”
– સ્વ. વૈધ શોભન, પુસ્તક ‘ રોગપ્રતિકાર (1997)’ માંથી
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
