ધાર્મિક શિવ કથા : ભાગ 79 શ્રાવણ વદ છઠ : ગંગાવતરણ કથા 🕉️ 🙏🏻🙏🏻🙏🏻 🕉️ ગંગાની સ્વર્ગમાંથી ધરતીલોક ઉપર અવતાર સંબંધી પૌરાણિક કથાનુસાર અયોધ્યાના રાજા સગરે ૯૯ અશ્વમેધ યજ્ઞો કરીને, છેલ્લો ૧૦૦મો યજ્ઞ આરંભ્યો. સ્વર્ગના રાજા ઇન્દ્રને ભય લાગ્યો કે સો યજ્ઞ પૂર્ણ થવાથી સગરને સ્વર્ગનું રાજય મળશે અને મારું પદ ઝૂંટવાઈ જશે. તેણે યજ્ઞનો ઘોડો ચોરીને પાતાળમાં કપિલ ઋષિના આશ્રમે બાંધી દીધો. સગરે પોતાના સાઠ હજાર પુત્રોને ઘોડાની શોધમાં પાતાળ મોકલ્યા, ત્યાં તેમણે પેલો ઘોડો જોયો. ઘોડો ચોરનાર કપિલ છે એમ માની સગર-પુત્રોએ ઋષિ પર હુમલો કર્યો પણ ઋષિ કપિલે પોતાના ક્રોધાગ્નિથી તેમને ભસ્મ કરી નાખ્યા. પુત્રો પાછા ન આવતાં સગરે પૌત્ર અંશુમાનને પાતાળલોકમાં મોકલ્યો. કપિલે તેને અશ્ચ લઈ જવા કહ્યું અને રાખનો ઢગલો બતાવી કહ્યું, ‘તારા બળી ગયેલા કાકાઓની આ ભસ્મ છે અને તેમના ઉદ્ધારનો માત્ર એક જ ઉપાય છે ગંગાજળનો સ્પર્શ.’ અંશુમાને ઘેર આવી વાત જણાવી. ગંગા તો સ્વર્ગમાં વહેતી હતી, એને ધરતી ઉપર કેવી રીતે લાવવી એ પ્રશ્ન હતો. સગરના પૌત્ર-પ્રપૌત્રોએ આ માટે પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ ગયા. છેવટે એ કુળ ઇશ્વાકુ વંશના ભગીરથે પૂર્વજોના ઉદ્ધાર માટે ગંગાને ધરતી ઉપર લાવવાનો દૃઢ સંકલ્પ કર્યો. સર્વપ્રથમ ભગીરથે તપશ્ચર્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ કહ્યું, ‘સ્વર્ગમાંથી ગંગા અવતરે તો ખરી પણ એના ધસમસતા પ્રવાહને મસ્તકે ઝીલી લેવો પડે અને એ માટે માત્ર શિવજી જ સમર્થ છે.’ આથી ભગીરથે તપ દ્વારા શિવજીને પ્રસન્ન કર્યા અને ગંગાને મસ્તકે ઝીલવાનું સ્વીકાર્યું. તે પછી ભગીરથે તપ વડે ગંગાને પ્રસન્ન કર્યા. ભગીરથે ગંગાને જણાવ્યું કે, ‘હે ગંગામૈયા! મારા પૂર્વજોની સદગતિમાં તમે પૃથ્વીલોક ઉપર અવતરો. તમારા પ્રવાહને ઝીલવા શિવજી તૈયાર થયા છે’. અહીં ગંગાને વાંધો પડયો. સ્ત્રીસહજ ઇર્ષ્યાથી તેને ગર્વ થયો. ‘મારા ધસમસતા પ્રવાહને ઝીલવાની શંકરની શી વિસાત! મને વળી ઝીલનાર શંકર કોણ? ભલે હું નીચે આવું છું, પણ મારા પ્રવાહમાં હું શંકરને પણ ઘસડી જઈશ.’ ગંગાનો ધસમસતો પ્રવાહ સ્વર્ગમાંથી શિવજીના મસ્તકે પડયો. ગંગાના ગર્વને શિવજી પામી ગયેલા. શિવજીએ તો ગંગાને પોતાની જટામાં જ બાંધી લીધી! ભગીરથે ગંગાને મુક્ત કરવા શિવને વિનંતી કરી. ગંગાએ પણ શિવજીની ક્ષમા માગી. ભોળા શંભુએ પોતાની જટાની એક લટ ખોલી અને બિંદુસરોવર રૂપે ગંગાજીને વહાવ્યા ને ગંગા પ્રવાહને મુક્ત કર્યો. તે પ્રવાહ ધરતી લોક ઉપર વહેવા લાગ્યો. પ્રવાહ માર્ગમાં આવતો જહનુ ઋષિનો આશ્રમ તણાવા લાગ્યો, તો ક્રોધમાં આવી તે ઋષિ ગંગાને પી ગયા પણ ભગીરથની વિનંતીથી જહનુએ પોતાના કાનમાંથી ગંગાને વહેવડાવી. ગંગાનું કેટલુંક જળ પાતાળમાં પણ ગયું ને તેના સ્પર્શથી સગર-પુત્રોનો ઉદ્ધાર થયો. ગંગાને સ્વર્ગમાંથી ભારે પુરુષાર્થ કરી ભગીરથે ધરતી ઉપર ઉતારી, તેથી તેનું નામ પડયું ‘ભાગીરથી’. આપણી ભારતીય સંસ્કૃતિમાં છેક વેદકાળથી ગંગા જેવી પવિત્ર નદીઓને માતા-દેવી માનીને તેમની સ્તુતિ, ઉપાસના અને પૂજા કરાય છે. 🙏🏻 સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)