ધાર્મિક કથા : ભાગ 129 કાળી ચૌદશ 🕉️🪔🕉️🪔 કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું (પરંતુ, હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી, ડોક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે અને ખાસ કરીને બાળકોને મેંશ ના આંજવી તેવી સલાહ આપે છે). કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી આથી નરક ચતુર્દસી પણ કહેવાય છે. કાળી ચૌદશ એ મેલી વિદ્યાનાં સાધકોનો ખાસ દિવસ છે. તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે અને તેમની વિદ્યાશક્તિ વધુ મજબૂત થાય. છે. આ દિવસ મહાકાળી માતાજીને પણ સમર્પિત છે અને બંગાળમાં જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે તેમજ રાત્રે વિશેષ પુજન કરવામાં આવે છે. સ્કંદપુરાણ પ્રમાણે આ તિથિમાં સાંજે યમરાજ માટે દીપદાન આપવાથી અકાળ મૃત્યુ થતું નથી. ભવિષ્ય અને પદ્મપુરાણ પ્રમાણે ચૌદશ તિથિમાં સૂર્યોદય પહેલાં જાગીને અભ્યંગ એટલે તેલ માલિશ કરીને ઔષધી સ્નાન કરવું જોઇએ. આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે. આ દિવસે હનુમાનજી સાથે યમપૂજા, શ્રીકૃષ્ણ પૂજા, કાળી માતાની પૂજા, શિવપૂજા અને ભગવાન વામનની પૂજા કરવાનું વિધાન છે. આ દિવસે 6 દેવતાની પૂજા કરવાથી બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે. ✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય (શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)