ધાર્મિક કથા : ભાગ 132
ભાઈબીજનું મહત્વ
🌷🌷🌷🌷🌷
ભાઈ બીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે અને આ દિવસે યમરાજા બહેન યમુનાને ત્યાં ભોજન માટે ગયા હતા. એવી માન્યતા છે. ત્યારથી જ આ પર્વ મનાય છે. ભાઈબીજ એક એવો તહેવાર છે જેમાં સુગંધ છે ભાઈ-બહેનના મીઠા સંબંધોની. આ એ તહેવાર છે જે પ્રતિક છે કર્તવ્ય અને મંગલકામનાનુ. ભાઈની સલામતી માટે અને લાંબા આયુષ્ય માટે જાણે કેટલા વર્ષોથી આ તહેવાર બહેનો મનાવતી આવી છે. ધર્મ, ભાષા અને બંધનોથી અલગ ભાઈબીજ તહેવાર કોઈનો બંધક હોય તો તે ફક્ત ભાવનાઓનો અને ભાઈ-બહેનની પવિત્ર જોડીનો. આજે ભાઈબીજ એટલે કે યમ દ્રિતીયા. આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘરે ભોજન કરેલુ અને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે. બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. જે ભાઇઓ ભાઇબીજના દિવસે પોતાની બહેનને ત્યાં જમશે તે નરકનું બારણું નહીં જુએ. ભાઇ રોગી હોય્,અથવા તો બહેનના ઘરે જવાનુ ના બને તો આ ભાઇબીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલુ જ ફળ મળે છે. એવી માન્યતા રહેલી છે. આ દિવસે બહેન ભાઈને પોતાના ઘેર જમવા બોલાવે છે. ભાઈ બહેનના ઘરે જમવા જાય છે. આગળના દિવસોમાં ગળ્યુ બહુ ખાધુ હોવાથી આ દિવસે ખીચડી, કઢી, શાક, રોટલા,મીઠાઈ વગેરેનું ખૂબ મહત્વ છે. આ દિવસે બહેન પોતાના ભાઈને મનગમતી રસોઈ બનાવીને ભાઈને એ અહેસાસ કરાવે છે કે આજે પણ બહેનને ભાઈ પ્રત્યે એટલો જ પ્રેમ છે અને ભાઈ પણ બહેનના પ્રેમને સમજી તેને ખુશ કરવા તેને પસંદ આવે તેવી ભેટ આપે છે. ભેટની કીંમત મહત્વની નથી હોતી, મહત્વનું તો હોય છે એક ભાઈનું બહેનના ઘરે આગમન. બહેન તો પિયર અવાર-નવાર જતી હોય છે. પણ ભાઈનું પરીવાર સહિત જવું એવુ તો કોઈ પ્રસંગ હોય ત્યારે જ બને છે. આમ પણ લોકોની માન્યતા કે દીકરીના ઘરે વધુ ન જવાય, ન ખવાય વગેરેને કારણે પણ પિયરિયાઓ કારણ વગર જવાનું ટાળતા હોય છે. આ ધાર્મિક પરંપરાને કારણે બહેન હકથી ભાઈને પોતાની ઘરે જમવા બોલાવી શકે છે. ભારતીય સંસ્કૃતિની આ કેવી દિવ્ય પરંપરા છે કે રક્ષાબંધનના દિવસે દરેક બહેનને ભાઈને ઘરે જવાનો અધિકાર મળે છે અને ભાઈબીજના દિવસે ભાઈને બહેનની ઘરે જવાનો. આ બંધનની વચ્ચે આ બે તહેવારો દરમિયાન કોઈ પણ વિધ્ન આવી શકતું નથી એવી માન્યતા છે. ભાઈ-બહેનનું સરખું જ મહત્વ, કોઈને અન્યાય નહી. આવા તહેવારોને કારણે જ તો ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનતો જાય છે. આપ સૌને ભાઈબીજની ખુબ ખુબ શુભકામનાઓ… 💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877