YouTube ઉપર ગઈકાલે કાજલ ઓઝા વૈદ્યનું એક વક્તવ્ય સાંભળ્યું. એમાં એમણે એક યુવાન અને એની પ્રેમિકાની વાત કહી. એટલી સુંદર વાત હતી કે હૃદયને સ્પર્શી ગઈ. એના શબ્દે શબ્દ તો યાદ નથી પણ વાત કંઈક આમ હતી –
એક યુવાન એની પ્રેમિકા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો એટલે એ પ્રેમિકાની માને મળવા ગયો. એકબીજાના ઔપચારિક પરિચાર પછી માએ યુવાનને એક સવાલ પૂછ્યો, “શું તું લગ્ન પછી મારી દીકરીને સુખી રાખીશ?” યુવાને જવાબ આપ્યો, “હું તમારી દીકરીને દુનિયાના બધા એશોઆરામ આપીશ. નોકર ચાકર એની આગળ પાછળ ફરશે. એને કોઈ વાતની કમી વરતવા નહિ દઉં. પણ સુખી તો એણે જાતે જ થવાનું છે!”
તમે જુઓ કે એ યુવાને કેવો જવાબ આપ્યો છે. કોઈને લાગશે કે આ વ્યક્તિ માત્ર ભૌતિક સગવડો આપવાની વાત કરે છે પણ જો તમે વિચારશો તો લાગશે કે એની વાત બિલકુલ સાચી છે. તમારી પાસે બધી સગવડો હોવા છતાં તમે ઘણી વાર દુઃખી હોવ છો. જો તમે કોઈને પૂછો કે એને જિંદગીમાં આગળ શું કરવું છે તો કહેશે કે મને ખુબ તરક્કી કરવી છે, ખુબ પૈસા બનાવવા છે, જેથી મને અને મારા પરિવારને સુખી કરી શકું. પછી એ જ સવાલ કોઈ અમીર વ્યક્તિને પૂછશો તો કહેશે કે મને slow down થવું છે, કામ ઓછું કરવું છે, જેથી મારા પરિવારને વધુ સમય આપી શકું અને અમે સુખેથી રહીએ.
તમે જુઓ, સુખની વ્યાખ્યા દરેકની પોતાની જુદી જ હોય છે. પૈસા હોવા કે ના હોવા થી સુખ નથી મળતું. સુખ તમારા મનમાંથી આવે છે. તમારા સમય સમયની જરૂરિયાતો કેવી છે અને એ કેવી અને કેટલી પૂરી થાય છે એના ઉપર તમારું સુખ ટકે છે. આજથી દસ પંદર વર્ષ પહેલા કોઈએ મને મારી સુખની વ્યાખ્યા પૂછી હોત તો મારો જવાબ કદાચ આવો હોત – મારા બાળકો અને પતિ જો સ્વસ્થ રહે અને બાળકો સારી રીતે મોટા થઈ જાય તો હું ખુબ સુખી થઈશ. અને એ જ સવાલ જો કોઈ મને આજે પૂછે તો કદાચ આવું કહું – મારા બાળકો જો સારી રીતે સેટલ થઈ જાય તો હું ખુબ સુખી થઈશ.
સમય સમય સાથે સુખની વ્યાખ્યા દરેક માટે બદલાય છે. પાછા પેલા યુવાનની વાત કરીએ તો એણે જે જવાબ આપ્યો એ બિલકુલ બરાબર હતો. એણે પ્રેમિકાને બધી સગવડો આપવાનો વાયદો કર્યો, પણ એ સગવડોથી અને એની જિંદગીમાંથી સુખ શોધવાનું કામ તો પ્રેમિકાનું પોતાનું જ છે. એ જ રીતે એ યુવાને પણ પોતાનું સુખ પોતાની જાતે જ શોધવાનું છે. એના માટે એની પ્રેમિકા સાથે લગ્ન કરવા એ સુખ છે. જો પ્રેમિકા માટે પણ પ્રેમી સાથે લગ્ન કરવા એ સુખ હશે તો ભૌતિકતા વિના પણ બંને સુખી રહેશે. અને જો સુખી હશે તો ખુશી પણ આપોઆપ જ આવશે.
પોતાની પાસે જે ઉપલબ્ધ છે એમાંથી પોતાનું સુખ શોધવાથી મોટી વાત બીજી કોઈ નથી. હા, ભૌતિક સગવડો હશે તો તમારી શારીરિક જિંદગી સુંદર લાગશે પણ સુખ જયારે તમારી અંદરથી મળશે, જયારે તમારું મન અને હૃદય સુખી હશે, ત્યારે જેટલી સુંદર જિંદગી થઇ જશે એની કોઈ તુલના નથી!
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877