Explore

Search

November 21, 2024 9:18 pm

लेटेस्ट न्यूज़

શિયાળો અને આરોગ્ય-1(લેખક – સ્વ.વૈધ શોભન) by RGM Hiran Vaishnav

શિયાળો અને આરોગ્ય-1(લેખક – સ્વ.વૈધ શોભન) by RGM Hiran Vaishnav

☘️☘️☘️☘️☘️☘️☘️☘️

શિયાળો અને આરોગ્ય-1

(લેખક – સ્વ.વૈધ શોભન)

ભારત જેવા ઉષ્ણતાપ્રધાન દેશમાં શીતઋતુ કુદરતની એક મહામૂલી ભેટ છે. ગ્રીષ્મના બળબળતા તાપથી તપી ઊઠેલી ધરતીને શાંતિ તો વર્ષાકાળ દરમિયાન વળી જ જાય છે; પરંતુ સૂર્ય ઉત્તરાયણનો થવાને કારણે મનુષ્યના બળમાં જે ઘટાડો થાય છે તેની પુનઃપ્રાપ્તિ શિયાળાના સુખદ સ્પર્શ વિના કદાપિ શક્ય નથી.

શરીરને હૃષ્ટપુષ્ટ બનાવવા અને ગુમાવેલી શક્તિ પાછી મેળવવા માટે આ ઠંડીના દિવસો સદાય લાભકારી બનતા રહ્યા છે. આથી જ, કેવળ રોગી જ નહિ, તંદુરસ્ત વ્યક્તિ પણ આતુરતાથી આ ઋતુની પ્રતીક્ષા કરે છે.

ઉત્તરાયણકાળ દરમિયાન સૂર્યનાં પ્રચંડ કિરણો જે રસ ખેંચી લે છે તે શીતકાળમાં ચંદ્રમાનાં શીતળ સ્નિગ્ધ કિરણો દ્વારા પાછો મળી આવે છે. સૂર્યના ઉત્તરાયણકાળને આદાન અને દક્ષિણાયનકાળને વિસર્ગકાળ કહેવાનું રહસ્ય એ છે કે ઉત્તરાયણ અર્થાત્ ગરમીના દિવસોમાં સૃષ્ટિનો રસ સૂર્યનાં પ્રખર કિરણો દ્વારા ખેંચાય છે અને દક્ષિણાયન અર્થાત્ ઠંડીના દિવસોમાં ચંદ્રનાં અમૃતશાં કિરણો દ્વારા રસની વર્ષા થવા લાગે છે.

શિયાળાની ઋતુનો પ્રત્યક્ષ પ્રભાવ એ છે કે ઠંડી પડતાં જ ભૂખ વધુ લાગવા માંડે છે; શરીરમાં સ્ફૂર્તિ જણાવા લાગે છે અને ચિત્ત એક પ્રકારનો અનિર્વચનીય આનંદ અનુભવે છે. આયુર્વેદની માન્યતા છે કે સૂર્યના દક્ષિણાયનકાળમાં ચંદ્રનું બળ વધી જાય છે, જેથી શરીરની તમામ ધાતુઓને પોષણ મળવા લાગે છે. ઠંડી વધવાને કારણે વર્ષા ઋતુમાં શરીરમાં સંચિત થયેલું અને શરદમાં પ્રકોપ પામેલું પિત્ત શાંત થઈ જાય છે, જેથી સ્વાભાવિક રીતે જ ભૂખ વધારે લાગે છે. શિયાળામાં લાગતી ભૂખની શાંતિ માટે જો જરૂરી માત્રામાં પોષક આહાર ન મળે તો એ વધેલી ભૂખ શરીરમાંની ધાતુઓનું ભક્ષણ કરવા લાગી જાય છે.

આથી શિયાળાની ઋતુમાં પૂરતા પ્રમાણમાં ઘી, દૂધ જેવા પૌષ્ટિક પદાર્થો ખાવાનો રિવાજ આજે પણ છે. કુદરતનો એ પણ એક ચમત્કાર છે કે શિયાળામાં પેદા થતા બધા ખાદ્યપદાર્થો રસની પૂરતી માત્રા ધરાવે છે. આ સમયમાં સફરજન, સંતરાં, દ્રાક્ષ, મોસંબી, ગાજર, કેળાં, ખજૂર, જમરૂખ અને આમળાં જેવાં પૌષ્ટિક ફળ જ માત્ર ઉત્પન્ન થાય છે એમ નથી, પરંતુ ગાયભેંસનાં દૂધનું પ્રમાણ પણ વધી જાય છે.

આયુર્વેદમાં દર્શાવેલ ત્રણ પ્રકારનાં બળમાંથી બે પ્રકારનાં બળ શિયાળામાં આપમેળે જ મળી રહે છે અને એ જ કારણે ઠંડીના દિવસોમાં કમજોર માણસ પણ કાંઈક સ્ફૂર્તિ અનુભવવા લાગે છે.

ચરકસંહિતામાં કહ્યું છે : ‘त्रिविधबलमिति सहजं कालजं युक्तिकृतम् तत्र सहज यच्छरीरसत्त्वयोः प्राकृतम् । कालकृतं ऋतुविभागजं वयः कृतम् । युक्तिकृतं पुनस्तद्यदाहार-चेष्टा-योगजम् ।।

અર્થાત્ સહજ, કાલજ અને યુક્તિકૃત બળમાં સહજ બળ તો માણસને માતાના ગર્ભમાં જ મળી જાય છે, જ્યારે કાલજ બળ અને અવસ્થા અને ઋતુના પ્રભાવથી મળે છે. જેમ કે, યુવાન વયે બળની વૃદ્ધિ થઈ જાય છે તથા શિયાળાની ઠંડી ઋતુમાં શરીરમાં સ્ફૂતિનો આભાસ થવા લાગે છે. યુક્તિકૃત બળ આહારવિહાર વડે મેળવી શકાય છે.

પૌષ્ટિક ખોરાક, પોષક રસાયણ, કસરત વગેરે એનાં ઉત્તમ સાધન છે. આમ, ઠંડી ઋતુમાં ‘કાલજ બલ’ તો આપોઆપ જ મળી જાય છે. અને થોડી સમજદારી કેળવી હોય તો ઘી, દૂધ, ફળ જેવા પૌષ્ટિક પદાર્થો અને અવનપ્રાશ, મકરધ્વજ, અભ્રક, સુવર્ણ વસંત માલતી, અશ્વગંધાપાક, કૌંચાપાક, સૂંઠ જેવાં રસાયણો કે ઔષધો તેમ જ કસરત, તેલમાલિશ વગેરે દ્વારા યુક્તિકૃત બલ પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય છે.

ખુદ પ્રકૃતિ જ જ્યારે મનુષ્યની ભૂખ અને કાર્યક્ષમતા વધારે છે અને પૌષ્ટિક પદાર્થોની ભેટ આપીને તેના સ્વાસ્થ્યને બળવત્તર બનાવવાનો અવસર આપે છે ત્યારે વિવેકશીલ વ્યક્તિએ તેનો પૂરો લાભ લેવો જોઈએ. શિયાળામાં સહુએ પોતાની શક્તિ અનુસાર પૌષ્ટિક પદાર્થોનું સેવન કરવું જોઈએ. ચોખ્ખાં ઘી-દૂધ તો ખૂબ ખાવાં જોઈએ. તેની સાથે બદામ, પિસ્તા, કાજુ, અખરોટ, કિસમિસ, ખજૂર, કોપરું, ગુંદર, ચારોલી, દ્રાક્ષ, સફરજન, શેરડી, ગોળ, તલ, અડદ, મૂળા, લસણ, તલતેલ વગેરે પણ યથાશક્તિ ખાવા જોઈએ.

આ સમયમાં મધુર, સ્નિગ્ધ, ઉષ્ણ તથા પૌષ્ટિક પદાર્થોનું પૂરતું સેવન શરીરમાં વર્ષભરની જરૂરી શક્તિ ભરી આપે છે.

ઠંડી ઋતુમાં ચામડીની શુષ્કતા દૂર કરી શરીરમાં સ્નિગ્ધતા પહોંચાડવા માટે તેલમાલિશ જરૂરી છે.

માલિશની ઉત્તમ રીત એ છે કે તડકામાં બેસીને હળવે હાથે સરસિયું તેલ ચોળવું કે જેથી તે શરીરમાં સારી રીતે ઊતરતું રહે. તેલમાલિશ એ એક ખૂબ જ બળવર્ધક ક્રિયા છે.

એની ઉપયોગિતાનું વર્ણન ચરકસંહિતામાં પણ મળી રહે છે :

स्नेहाभ्यङ्गायथा कुंभश्चर्मस्नेहविमर्दनात् । भवत्युपाङ्गादक्षश्च दृढः क्लेशसहो यथा ॥
तथा शरीरमभ्यङ्गाद् दृढः सुत्वक् प्रजायते । प्रशान्तमारुताबाध क्लेशव्यायामसंसहम् ।।
(૬. સૂ. અ. ૬)

જેવી રીતે ચીકાશથી માટીનો ઘડો મજબૂત બની જાય છે, ગાડીનો ધરો દૃઢ બની જાય છે, તેવી જ . રીતે તેલમાલિશથી શરીર મજબૂત તથા કષ્ટ સહન કરવાની શક્તિવાળું બને છે, ત્વચા સુંદર બની જાય છે, ત્વચા પરનાં છિદ્રો દ્વારા ઊતરેલું તેલ શરીરને પુષ્ટ અને ત્વચાને સ્નિગ્ધ બનાવે છે, વાયુ પ્રશાન્ત થઈ જવાથી તેના વિકારોની સંભાવના રહેતી નથી, શરીર કષ્ટ અને પરિશ્રમ સહન કરી શકે છે.

તેલમાલિશ પછી શરીરની શક્તિ અને સ્થિતિ પ્રમાણે વ્યાયામ કરવો જરૂરી છે.

યોગાસન-દંડ-બેઠકનો આપણો ભારતીય વ્યાયામ આપણે માટે બહુ સારો છે. બુદ્ધિજીવી વર્ગ માટે ક્રિકેટ, હૉકી, ફૂટબોલ જેવી પરસેવો વાળનારી કસરતો પણ સારી છે.

સવાર-સાંજ ફરવા જવું કે દોડવું પણ એક સારી એવી કસરત છે. વ્યાયામના ગુણો પર મહર્ષિ ચરકનું કથન છે

लाघवं कर्मसामर्थ्य
स्थैर्यं क्लेशसहिष्णुता । दोषक्षयोऽवृद्धिश्च व्यायामादुपजायते ॥

અર્થાત્ કસરત કરવાથી શરીર હળવું રહે છે, જેનાથી સ્ફૂર્તિ અને કાર્યશક્તિ જળવાઈ રહે છે. વ્યાયામ કરનાર મનુષ્યને થાક નથી લાગતો, તેની કાર્યક્ષમતા કદી નષ્ટ થતી નથી, દુઃખ સહન કરવાની શક્તિ પૂરેપૂરી જળવાઈ રહે છે, શક્તિ અને સ્ફૂર્તિ સદાય રહે છે, વધી ગયેલા દોષો શાંત થઈ આરોગ્ય સારું રહે છે, અને ભૂખ ખૂબ ઊઘડે છે. આમ ‘યુક્તિકૃત’ સાધનોમાં કસરતનું સ્થાન સૌથી ઊંચું છે.

સ્નાનક્રિયા એ કેવળ ધાર્મિક ક્રિયા જ છે એમ નથી; પરંતુ શરીરને સ્વસ્થ અને બળવાન બનાવનારી બીજી ક્રિયાઓની માફક એ એક આવશ્યક ક્રિયા છે.

पवित्रं वृष्यमायुष्यं श्रमस्वेदमलापहम् । शरीरबलसंधानं स्नानमोजकरं परम् ।।
અર્થાત્ સ્નાન શરીરને પવિત્ર (સ્વચ્છ) કરાયું છે, ધાતુઓની વૃદ્ધિ કરનારું છે, આયુષ્ય વધારનારું છે, થાક, પરસેવો તેમજ મેલને દૂર કરનારું છે અને બળ વધારનારું છે. સ્નાન કરવાથી ઓજસની ખૂબ વૃદ્ધિ થાય છે.

(ક્રમશ:)

– સ્વ વૈધ શોભન, પુસ્તક ‘સૌએ સમજવા જેવું – (1996) માંથી

☘️☘️☘️☘️☘️☘️☘️☘️

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग