: શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ -13
બદરોલાએ રાઈ ની સાથે સાથે પ્રેમ નો વઘાર કરીને ભાત ને ચુંલે થી ઉતારી પેલી હાંડલીમાં ઠાલવ્યો.”માતાજી, ચાલો. વઘારેલો ભાત તૈયાર છે. આપણે પરવારીને જલ્દીથી નીકળીએ. પાછલા ટૂંકા રસ્તે જશુ, હ.”
“અરે, આ માટીની હાંડલીમાં કઇ ભાત લઈ જવાતો હશે? એવડા મોટા દેવ ને તો કોઈ વાસણમાં ભોગ ધરાવાય, સમજી ઘેલી. વળી માટેની હાંડલીને તૂટી જતાં વાર શી ? આવડી ભીડમાં એને સંભાળવી ભારે પડી જશે….. અને સાંભળ આજકાલ ચોરી નો ઉપદ્રવ જરા વધી ગયો છે એટલે આપણે સાથે નહીં નીકળીએ. પહેલા હું દર્શન કરીને સામગ્રી અંગીકાર કરાવી આવું, પછી તું જજે એક કામ કર આ તાસળી માં અડધો ભાત કાઢીને આપ. અને હા, તું પાછી વિચારોમાં ખોવાઈ ન જતી. નહીં તો ઢોર ઢાંખર વાડામાં ઘુસી જશે…”સાસુએ તાસળીને કાપડ માં બાંધી માથે ચડાવી અને વહુને શિખામણ દઈ ખોરડા બહાર પગ મૂક્યો.
‘ હું ઉ….. ચોરી નો ઉપદ્રવ વધી ગયો છે. ઘરમાં ચોરી કરવા જેવું છે જ શું ? લાલા, તું પણ ખરો કસોટી કરે છે. આજે જ્યારે આખું ગામ ઉમટયું છે નવી નવી સામગ્રી ધરાવવા ત્યારે મારે જ ઘરમાં ગોંધાઈ રહેવાનું? હવે આ મારા માતાજી ક્યારે પાછા ફરશે અને ક્યારે હું તારા નવા દેવને આ ભાત આરોગતી જોઈશ? તે નવા દેવ નું કેવું સુંદર વર્ણન કર્યું છે! પણ એક વાત કહું? એ દેવ ની જગ્યાએ મને તો તું જ બેઠેલો જોવો ગમશે. આ તો તારું મન રાખવા નવા દેવ માટે સામગ્રી બનાવી છે. એના ભાગની તાસળી મારા સાસુ લઈ ગયા છે. હવે તારા ભાગની આ હાડલી રહી છે તે હું લઈને આવીશ. હે શ્યામસુંદર, આટલી ભીડમાં તું મારી સાથે ક્યાંક આઘો પાછો થઈ જજે ને! હું એકાંતમાં મારા હાથે તારા મુખ માં કોળિયા મુકીશ….. આરોગતા આરોગતા તું મારી આંગળીનાં બટકુ ભરીશ તો મને બહુ ગમશે….. લાલા, આ મારા સાસુ ક્યાં અટકી ગયા? ભીડમાં એમનો વારો ક્યારે આવશે? અને પાછા ક્યારે ફરશે? હવે તો મારી ધીરજ ખૂટવા આવી છે. એવું લાગે છે કે જાણે કેટલાયે દિવસો પહેલા સાસુ ગયા છે અને પાછા નથી ફર્યા…….. હું તો કમભાગી જ રહી ……. ઠીક, એક દાસીને વળી સદભાગ્ય કેવું અ ને કમભાગ્ય કેવું? અત્યારે શ્રીગિરિરાજજીની તળેટીમાં બધા કેવા હોંશભેર કીર્તન, પૂજન અને પ્રદક્ષિણા કરી રહ્યા હશે…..?
આ તરફ શ્રીગિરિરાજજીની તળેટીમાં જબરી ભીડ એકઠી થઈ હતી . મંગળ વાદ્ય વાગતા અને કીર્તનો ગાતા વ્રજવાસીઓ માનસી ગંગાના જળથી અને ધોળી ગાયના દૂધથી શ્રી ગિરિરાજજી ને સ્નાન કરાવી ચુક્યા હતા. પૂજન પણ થઇ ગયું હતું. વિવિધ પ્રકારની સામગ્રીનો અન્નકૂટ ભોગ ધરાવીને વ્રજવાસીઓ હવે પ્રદક્ષિણા કરી રહ્યા હતા.
ત્યાં તો સૌ વ્રજવાસીઓમા વિશ્વાસ બેસાડવા ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજજી ઉપર પોતાનું વિશાળ સ્વરૂપ પ્રગટ કર્યું અને ગગનભેદી સ્વર્ ગર્જના કરી: “શૈલોડસ્મી” , ગિરિરાજોડસ્મી”. (હું પોતે શ્રી ગિરિરાજ છું”) હજારો ભુજાઓ ધારણ કરીને પોતે અન્નકૂટની વિવિધ સામગ્રી આરોગવા લાગ્યા.
ગગનભેદી સ્વર સાંભળીને બદરોલ ચમકી ગઈ. એને એ સ્વર પરિચિત લાગ્યો.’આતો મારા કનૈયા નો અવાજ છે. શું કહેતી હતી ને કે નવા દેવ લાલા જ હોવા જોઈએ. જોજો…. એનો અવાજ હતો! હવે એ નવા વેશે આરોગી રહ્યા છે…….’
શ્રી ગોવર્ધન નાથ કી જય👏🏻👏🏻👏🏻
શ્રીનાથજી ચરિત્રામૃત ભાગ-14
…… બદરોલાને ગળે ડૂમો બાઝ્યો. પાપણે અશ્રુઓના તોરણ બંધાયા. ખોરડા ની દીવાલે પીઠ ટેકવીને એ ઉભી રહી અને બારીમાંથી આકાશ તરફ જોતાં જોતાં અંતરના બંધન તોડી નાખ્યા. ઘોડા વેગે આવેલા રુદન ને એ ખાળીન શકી. ચોધાર આંસુએ રડતા રડતા બોલી:
“કનૈયા, આ વઘારેલો ભાત ઠંડો પડી રહ્યો છે. એવો ભાત આરોગવાથી તારે ગળે ડચૂરો બાઝશે. હજુ કહું છું, કંઈક નટખટ વેળા કર અને આભાત આરોગ્ય લાલા……. વહેલો આવજે….”બદરોલા તદ્દન પડી ભાંગી. એના સર્વ ગાત્રો શિથિલ થઈ ગયા. એના હૈયામાં શૂન્યાવકાશ વ્યાપી ગયો.
પ્રાણ એનો કાન્હામય થયો. એના હૈયામાં કાનો હતો કે પ્રાણ એ જ ખબર નહોતી પડતી. બસ, એ એવી અદ્વેત ક્ષણ પેદા થઈ ગઈ કે કાન્હા ને એની પાસે આવ્યા વગર છૂટજ ન રહ્યો! પણ એટલું જલ્દી અવાય એવી સ્થિતિ પણ નહોતી કાન્હાની! વ્રજવાસીઓ જય જયકાર બોલાવી રહ્યા વાજિંત્રોના શુરો આરોહી બનીને સર્વત્ર છવાઈ રહ્યા અને આ તરફ બદરોલાના હૃદયના ઊંડાણમાંથી આર્તનાદ સરી રહ્યો હતો:
“કનૈયા……. વહેલો આવજે……”
ઢોલ , ત્રાસા, નગારાના ધ્વનિ ગગને ચડ્યા.
“લાલા…. આવી જા… હવે તો આવ…….”. “ગીરીરાજ ત્યારે કી જય હો…..”. ” આન…… ઓર આન….. ગીરીરાજોડસ્મી…..”
“શ્યામ, એકવાર બસ….. હવે આ પ્રાણની નીકળવાની તૈયારીમાં જ છે .”
“શ્યામસુંદર પ્યારે કી જય હો …….”
“ઓર કોનકી સામગ્રી બચી હે? ધર દો, મોકુ ઓર સામગ્રી ધર દો.”
“હે બનવારી, હે મોર મુગુટધારી રાધારમણ…… બસ……. હ…વે…. આ…..વી……જા…… તારા દર્શન વગર આ પ્રાણ તરફડી રહ્યા છે…….”
“અરે…. અરે… ભુજા ઈતની લંબી હો કે કહા જાત હે……?”
અને બદરોલાના ખોરડામાં સોળે કળાએ પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો. બંસી નો મધુર ધ્વનિ રેલાઈ ગયો. મોરપીંછનો મુકુટ ધારણ કરેલા કનૈયાના મુખારવિંદ ના બદરોલાને દર્શન થયા. બીજી જ ક્ષણે એક લાંબો હસ્ત એના ખોરડા માં પ્રવેશ્યો અને પેલી હાંડલી માં અંગુલીઓ ખોસી હથેળીમાં લીધો.
“હો તો કબસે તોરી બાત નિહારું હુ, બદરી. યે દેખ હો હી વો દેવ હુ જા કે લિયે તુને યે ભાત સિદ્ધ કિયો હે…… મોકો અન્ય સામગ્રી આરોગવેમે દેર ભઈ વામે ઇતની વિકલ હે ગઈ પગલી?”
એમ કહી એક કોળિયો કનૈયાએ પોતાના મુખમાં મુક્યો અને બીજો કોળિયો બદરોલાના આંસુથી ખરડાયેલા ઓષ્ટ વચ્ચે ધર્યો. બદરોલાએ યંત્રવત મોં ખોલ્યુ અને કનૈયા ની આંગળીઓ અંદર પ્રવેશી. ધીમે રહીને એણે મોં બંધ કર્યું અને એમ જ એ અપલક નેત્રે કનૈયાના મુખારવિંદ ને તાકી રહી.
“બદરી, આંગળીમાં દાંત ભરાવ ને……”અને ખરેખર બદરોલાએ હળવેથી દાંત ભરાવ્યા.’ઉ ઈ. ઈ. ઈ…,..’ કરીને લાલાએ હસ્ત ખેંચી લીધો અને હાંડલી અધ્ધર ઉપડી ગઈ. બદરોલા જબકી ને જુએ છે તો એની સુંદર હાંડલી લઈને પેલો હસ્ત પાછો જઈ રહ્યો છે.
‘લાલા…… તું નહોતો આવ્યો ત્યાં સુધી પ્રાણ ટકી રહ્યા હતા…… પરંતુ હવે આવી ને તે એવું દાન દીધું છે કે…… બદરોલાના ગૌરાંગ માંથી શ્યામ તેજોરાશિ પ્રસ્ફુટી રહી.
શ્રી ગોવર્ધનનાથ કી જય👏🏻👏🏻👏🏻
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877