ધાર્મિક કથા : ભાગ 163
🍁 કેસુડો કામણગરો 🍁
કવિઓએ જેને પોતાની કવિતામાં ઢાળી છે અને ફાગણમાં જ્યારે પાનખરની ઋતુ જામી હોય ત્યારે બધા વૃક્ષો પરથી પાંદડા ખરી પડે છે અને કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે. રંગોનો તહેવાર હોળી નજીક આવી ગયો છે. આ સાથે કેસૂડો પણ ખીલી ઉઠ્યો છે, ત્યારે આદિવાસી પંથકમાં ઠેક-ઠેકાણે ખીલેલા કેસૂડાના વૃક્ષને જોવાનો લાહ્વો પણ અનેરો છે. શિયાળાની વિદાય સાથે પાનખર ઋતુ બાદ આવતી વસંત ઋતુમાં કેસરીયો કેસૂડો ખીલી ઉઠે છે. ફાગણ મહિનામાં વસંત ઋતુનું સામ્રાજ્ય હોય છે. ચોતરફ રંગબેરંગી ફૂલો અને નવધાન્ય ખીલી ઉઠ્યા હોય છે તેના આનંદરૂપે હોળી-ધૂળેટીમાં લોકો એકબીજા પર ગુલાલ અને રંગો છાંટીને પોતાના ઉલ્લાસને વ્યક્ત કરે છે. ફાગણ મહિનામાં મહોરી ઉઠતો કેસૂડો કુદરતની લાજવાબ દેણ છે. ઘાટાં કેસરી કે સ્કારલેટ રંગના ફૂલોથી લદાયેલાં કેસૂડાંનાં ઝાડ જંગલમાં જાણે આગ લાગી હોય તેવું દ્રશ્ય સર્જે છે, તેથી અંગ્રેજીમાં તેને ‘ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ’ કહે છે. સંસ્કૃતમાં કેસૂડાનાં વૃક્ષને કિંશૂક કે પલાશ કહેવામાં આવે છે તો હિંદીમાં તે ટેસૂ, ઢાક વગેરે નામથી ઓળખાય છે. કેસૂડો અનેક રીતે ઉપયોગી છે. કેસૂડાનાં ફૂલોને પાણીમાં પલાળી રાખવાથી સરસ કેસરી રંગનું પાણી બને છે, જેનાથી હોળી રમવામાં આવે છે. આ નેચરલ હર્બલથી ત્વચાના વિકારો દૂર થાય છે. તે શરીરને શીતળતા પણ બક્ષે છે. કેસૂડાના વૃક્ષનાં પાનમાંથી પતરાળી બને છે, તો તેમાંથી નીકળતા ગુંદર, તેનાં બીજ, ફૂલો વગેરેને ઔષધિ બનાવવવામાં ઉપયોગમાં લેવાય છે. તે ડાયેરિયા, ડિસેન્ટ્રી, ડાયાબિટીસ વગેરે રોગોની રોકથામમાં મદદરૂપ બને છે. કવિ સુંદરમની એક સુંદર કવિતા સાથે ચાલો આપણે સૌ ધૂળેટીનાં આ સુંદર પર્વનાં વધામણાં કરીએ..
▶️ મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
- કવિ સુન્દરમ્
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877