ધાર્મિક કથા : ભાગ 168
ચૈત્ર નવરાત્રી 2023 : જાણો તિથિ, મુહૂર્ત, મહત્વ અને કળશ સ્થાપનાની વિધિ
🛕 🙏🏻 🙏🏻 🙏🏻 🛕
સનાતન ધર્મમાં નવરાત્રિનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે, જેને હિન્દુઓ ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવે છે. નવરાત્રીનો તહેવાર દેવી દુર્ગાને સમર્પિત પવિત્ર તહેવાર છે અને તે વર્ષમાં કુલ ચાર વખત આવે છે. આ ચાર નવરાત્રીના નામ આ પ્રમાણે છે : મહા, અષાઢ, ચૈત્ર અને આસો નવરાત્રી. વિશ્વભરમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ દ્વારા ઉજવવામાં આવતી નવરાત્રિ દરમિયાન દેવી શક્તિના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દેવી દુર્ગાના ભક્તો આખું વર્ષ ચૈત્ર નવરાત્રીની રાહ જોતા હોય છે. ચૈત્ર નવરાત્રીનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી ઉનાળાની ઋતુની શરૂઆત કરે છે અને પ્રકૃતિ એક નોંધપાત્ર આબોહવાના પરિવર્તનમાંથી પસાર થાય છે. ચૈત્ર નવરાત્રી સામાન્ય રીતે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં આવે છે. ચૈત્ર શુક્લની પહેલી તિથિથી શરૂ થતી નવરાત્રિ નવમી તિથિએ પૂરી થાય છે. ચૈત્ર નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે નવમી તિથિ ભગવાન શ્રીરામના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તિથિને રામ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ કોઈપણ નવા કે શુભ કાર્યની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસો દરમિયાન આદિશક્તિના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસો દરમિયાન અનેક પ્રકારની ધાર્મિક વિધિઓ અને અનુષ્ઠાન કરવામાં આવે છે.ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ શુભ દિવસે ઘટસ્થાપન અથવા કળશની સ્થાપના કર્યા પછી દેવી શક્તિના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. કળશ સ્થાપના પૂર્ણ થયા પછી જ નવરાત્રિનો તહેવાર શરૂ થાય છે. શાસ્ત્રો અનુસાર, કળશને પ્રથમ ઉપાસક શ્રી ગણેશની સંજ્ઞા આપવામાં આવી છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર કોઈપણ શુભ કાર્ય અને પૂજા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આપણામાંથી મોટાભાગના લોકો નથી જાણતા કે આપણે નવરાત્રી દરમિયાન માઁ દુર્ગાની પૂજામાં કળશની સ્થાપના શા માટે કરીએ છીએ? કળશ સ્થાન સાથે સંબંધિત પૌરાણિક ગ્રંથોમાં એક માન્યતાનું વર્ણન છે, જે મુજબ કળશને ભગવાન વિષ્ણુનું શાશ્વત સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસે દેવી દુર્ગાની પૂજા કરતા પહેલા કળશની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિના દિવસે કળશ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે.
▶️ ઘટ સ્થાપના મુહૂર્ત સ્થાપન અને પૂજા વિધિ : સવારે 06:29 થી સવારે 07:39 સુધી, 22 માર્ચ 2023
નવરાત્રિના પ્રથમ દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને પૂજા સ્થળની સફાઈ કરો. માઁ દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કર્યા પછી ફૂલ ચઢાવો. દેવી દુર્ગાની સામે ડાબી બાજુ માટીના ખુલ્લા વાસણમાં માટી નાખીને સપ્તધાન અથવા જવ વાવવા જોઈએ. હવે આ માટી પર 1 કળશ સ્થાપિત કરો અને તે કળશમાં પાણી ભરો. આ પછી કળશના ઉપરના ભાગ એટલે કે ગળા પર નાડાછડી બાંધો. હવે કળશની ઉપર આંબા અથવા આસોપાલવના પાન મૂકો, પછી તે પાંદડાઓની વચ્ચે નાળિયેર સ્થાપિત કરો અને તેના પર નાડાછડી બાંધો. આ પછી સાચા મનથી માતા દુર્ગાનું આહ્વાન કરો અને દીવો પ્રગટાવીને કળશની પૂજા કરો. દેવીની વિધિવત પૂજા કર્યા પછી, દુર્ગા સપ્તશતી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ કરો. પૂજા પૂરી થયા પછી આરતી કરો અને દેવીને પ્રસાદ અર્પણ કર્યા પછી બધાને પ્રસાદ વહેંચો.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877








