ધાર્મિક કથા : ભાગ 191
આજે 11 May. સમગ્ર ભારતની આસ્થા સમાન સોમનાથ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે.
શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શ્રાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ. અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ છે તે મુજબ આ મંદિર સુવર્ણ અને રત્નોથી જડિત હતું. સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું આ ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે, જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના નવનિર્માણનો સંકલ્પ કર્યો હતો અને નવેમ્બર ૧૩, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. ૧૧ મે ૧૯૫૧ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, “સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે”. ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને સવારે 9.46 કલાકે ભારતની 108 નદીઓ તથા સાત સાગરોનાં જળથી અભિષેક કરી વિધિવત પ્રતિષ્ઠા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતાં અને ભુતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા. ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી. આ મંદિરના કુલ સાત માળ છે અને આજે પણ મંદિરના ગર્ભગૃહને સુવર્ણમંડિત કરવામાં આવ્યું છે.
🛕 ।। जय सोमनाथ ।। 🛕
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877