ધાર્મિક શિવ કથા : ભાગ 243
શ્રાવણ વદ તેરસ
શિવને પ્રિય બિલીપત્રની કથા
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને એ વાત તો બધા જ જાણે છે કે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની બીલીપત્ર ચઢાવવાથી ખૂબ જ પૃણ્ય મળે છે. પણ શું તમને બીલીપત્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા વિષે જાણ છે? આવો, જાણો કેવી રીતે… બીલીપત્રના વૃક્ષનો જન્મ થયો અને તે કેમ શિવજીને આટલું પ્રિય છે? સ્કંદપુરાણ પ્રમાણે એક વાર માતા પાર્વતી મંદરાચળ પર્વત પર વિહાર કરી રહ્યા હતા ત્યારે તેમના પરસેવાના કેટલાંક ટીંપા મંદરાચળ પર્વત પર પડ્યા હતા અને તેમાંથી બીલીપત્રનું ઝાડ ઉતપન્ન થયું હતું. આથી એવું મનાય છે કે માતા પાર્વતીમાંથી જ આ ઝાડ ઉગ્યું હતું અને તેમાં માતા પાર્વતના બધા જ સ્વરૂપોનો વાસ હોય છે. બીલીપત્રના ઝાડના મૂળમાં ગિરીજા સ્વરૂપમાં, તેના રેસામાં માહેશ્વરીના સ્વરૂપમાં અને શાખાઓમાં દક્ષિણાયની અને બીલીના પાનમાં પાર્વતીના સ્વરૂપે રહે છે. ફળોમાં કાત્યાયની સ્વરૂપ અને ગૌરી સ્વરૂપ નિવાસ કરે છે. આ બધા રૂપ ઉપરાંત મા લક્ષ્મીનું રૂપ સમસ્ત વૃક્ષમાં નિવાસ કરે છે. બીલીપત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ હોવાને લીધે તેને ભગવાન શિવ પર ચઢાવવામાં આવે છે. ભગવાન શિવ પર બીલીપત્ર ચઢાવવાથી ભોળાનાથ અતિ પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરે છે. જે વ્યક્તિ કોઈ તીર્થસ્થાનમાં નથી જઈ શકતા તેઓ શ્રાવણ માસમાં બિલીપત્રના ઝાડના મૂળના ભાગની પૂજા કરીને તેમાં જળ રેડે છે તેને બધા તીર્થોના દર્શનનું પુણ્ય મળે છે તેમ મનાય છે. બિલીપત્રને સંસ્કૃતમાં ‘બિલ્વપત્ર’ કહે છે. બિલ્વપત્ર માટે એક તાત્ત્વિક સમજણ છે કે તે ત્રિદલ છે અને ત્રણ પાંદડા જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે બીલીપત્ર તોડતી વખતે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી તોડવું જોઇએ. સાથે જ કાણાંવાળા કે પાન ઉપરથી તૂટેલા હોય તેવા બીલીપત્ર શિવજી પર નથી ચઢતા. વધુમાં બીલીપત્રની લીસી બાજુ શિવજી પર ચઢાવવામાં આવે છે અને તે પછી તેની પર જળાભિષેક કરવો પણ જરૂરી છે. બિલીપત્ર એક એવું પાન છે, જે ક્યારેય વાસી થતું નથી. ભગવાન શિવની પૂજામાં વિશેષ રીતે ઉપયોગમાં લેવાતા આ પવિત્ર પાન વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો નવું બિલીપત્ર ઉપલબ્ધ ન હોય તો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ચઢાવવામાં આવેલ બિલીપત્રને પણ ધોઈને પૂજામાં ઉપયોગમાં લઈ શકાય છે. શ્રાવણ માસમાં બીલીપત્રનો અભિષેક કરવાથી પુણ્ય મળે છે તેમ શાસ્ત્રોમાં લખ્યું છે. (આ લેખનાં લેખક મનોજ ઇન્દ્રવદન આચાર્ય છે.) બિલીપત્રો ચઢાવતી વખતે નીચે આપેલ મંત્રનુ ઉચ્ચારણ જરૂર કરો.
ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્
ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ ॥
જેનો મતલબ છે, “હે ત્રણ ગુણ, ત્રણ નેત્રો, ત્રિશૂળ ધારણ કરનારા અને ત્રણેય લોકના પાપનો સંહાર કરનારા હે શિવજી તમને ત્રિદલ બીલ્વ અર્પણ કરું છું.” બિલીપત્ર સાથે જોડાયેલી અમુક મહત્વની વાત પણ બતાવવામાં આવી છે. જો તમે તમારા ઘરની અંદર ઉત્તર પશ્ચિમ ખૂણામાં બિલીપત્રનું ઝાડ લગાવો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું બતાવવામાં આવે છે કે ઘરમાં બિલીપત્રનું ઝાડ હોવાના કારણે ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર બની રહે છે. જો કોઈ કારણવશ તમે ઉત્તર પશ્ચિમ દિશામાં બિલીપત્રનું ઝાડ ન લગાવી શકો તો એને ઘરની ઉત્તર દિશામાં પણ લગાવી શકો છો. શિવપૂજા ઉપરાંત માનવજાત માટે પણ બીલી ઉપયોગી છે. આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંખમાં આંજવામાં આવે છે. દશમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં બીલીનાં પાન વપરાય છે. મધુપ્રમેહની સારવારમાં કેટલાક વૈદ્યો અમૂક સંજોગોમાં આ પાનનો ઉપયોગ કરે છે. વળી એનું શરબત પણ બનાવી શકાય છે, જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. પાકાં બીલાંનો ગર્ભ ઝાડા તેમ જ મરડામાં ઔષધ તરીકે વપરાય છે. બીલાં ઘણા
જ પૌષ્ટિક અને ગ્રાહી છે. આથી અશક્તિમાં એનો ઉપયોગ થાય છે.
🙏🏻।। हर हर महादेव हर ।। 🙏🏻
✍️ : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877