ધાર્મિક કથા : ભાગ 244
જૈનોનો પર્વાધિરાજ પર્યુષણ પર્વ
🕉️ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🕉️
તહેવારોની હેલી બરાબરની જામી છે. એક તરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિને આરે છે ત્યાં હવે પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થયો છે. મૂળ પ્રાકૃત (અર્ધમાગધી) માં પર્યુષણ માટે જે શબ્દ છે તે છે “પજ્જો-સવન”. જૈન ધર્મમાં પ્રાકૃતના રૂપોને મૂળ રૂપ માનવામાં આવે છે. આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના) દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. પર્યુષણની શરૂઆત શ્રાવણ વદ તેરસથી શરૂ કરીને ભાદરવા સુદ પાંચમે પૂર્ણાહુતિ થાય છે. પર્યુષણના આઠ-આઠ દિવસ સુધી જૈનો પોતાના મન-વચન-કાયાના દોષોરૂપી ભૂલોની માફી માંગી ખમાવશે. જૈન સમાજમાં પર્યુષણનો આ પર્વ સૌથી મોટો ઉત્સવ મનાય છે અને એટલે જ તે પર્વાધિરાજ તરીકે પણ ઓળખાય છે. પર્યુષણ પર્વને પજુસણ પણ કહે છે. શ્વેતાંબર જૈનો આ ઉત્સવની આઠ દિવસ સુધી ઉજવણી કરે છે. આ આઠ દિવસ દરમિયાન કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવે છે, જેમાં પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મનું વાંચન કરવામાં આવે છે. ભાદરવા સુદ ચોથના દિવસે આ પર્વની સમાપ્તિ થાય છે. આ દિવસ સંવત્સરી તરીકે ઓળખાય છે. દિગમ્બર જૈનો ભાદરવા સુદ પાંચમથી શરૂ કરી દસ દિવસ સુધી આ પર્વની ઉવજણી કરે છે. જેને ‘દસલક્ષણા’ કહેવામાં આવે છે. આ દસ લક્ષણો છે ક્ષમા, મર્દવ, અર્ણવ, સત્ય, સંયમ, શૌર્ય, તપશ્ચર્યા, ત્યાગ, અસુવિધા અને બ્રહ્મચર્ય. પર્યુષણમાં તીર્થંકરોની પૂજા, સેવા અને સ્મરણ કરવામાં આવે છે. તો સાથે જ તેમાં સૌથી વધારે મહત્વ છે ઉપવાસનું. ઉપવાસ દ્વારા વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વયંને તપસ્યા માટે સમર્પિત કરે છે. પર્યુષણમાં ઉપવાસનો સમયગાળો 1 દિવસથી લઈ 30 દિવસ સુધીનો હોય છે, જેમાં સૂર્યોદયથી લઈ સૂર્યાસ્તની વચ્ચે માત્ર ઉકાળેલું પાણી જ ગ્રહણ કરી શકાય છે.
▶️ પ્રતિક્રમણ મહિમા
પ્રતિક્રમણ એટલે પાપથી પાછા ફરવું. પર્યુષણના દિવસની શરૂઆત પ્રતિક્રમણથી જ થતી હોય છે. દરેક જૈન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા નિત્ય બે વખત પ્રતિક્રમણ કરતા હોય છે. પર્યુષણ પર્વ દરમિયાન દરેક જૈન માટે તેની મહત્તા છે. આ સામાયિક તરીકે ઓળખાતી એક ધ્યાન વિધિનો પ્રકાર છે, જે દરમિયાન વ્યક્તિ તેના જીવનના આધ્યાત્મિક દૃષ્ટિકોણ તરફ વિચાર કરે છે. વાર્ષિક એક પ્રતિક્રમણ શ્રાવક માટે ફરજીયાત મનાય છે. દર વર્ષે ચાતુર્માસમાં ઉજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવામાં આવે છે. પર્યુષણ વખતે અનેક શ્રાવકો આઠ દિવસ સુધી પૌષધ કરે છે. પૌષધનો અર્થ થાય છે – સાધુ જેવું જ સાદું જીવન જીવવું. પર્યુષણ દરમિયાન જીવદયાનું પણ સૂક્ષ્મ રીતે પાલન કરવામાં આવે છે. સામાયિક અને પ્રતિક્રમણ પર્યુષણના પર્વની નિત્યક્રિયા છે. પર્વાધિરાજ પર્યુષણના પર્વ નિમિત્તે પૂજ્ય સાધુ ભગવંતોની નિશ્રામાં વિશિષ્ટ આરાધના-વ્યાખ્યાન યોજવામાં આવે છે કારણ કે ચાતુર્માસ દરમ્યાન સાધુ સાધ્વીજીઓ એક શહેર કે ગામ આદિમાં સ્થાયી થયેલ હોવાથી, શ્રાવક શ્રાવિકાઓ માટે આ સમય ધર્મ ધ્યાનની વાતો વ્યાખ્યાનો આદિ સંભળી, તપ અને અન્ય વ્રત તથા આરાધનાઓ કરી તેમની શ્રદ્ધા અને આધ્યાત્મીકતાને દ્રઢ કરવાનો સમય મનાય છે. પર્યુષણના પર્વમાં દેરાસર, ઉપાશ્રય તથા સંઘોમાં ભક્તિમય કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે. પર્યુષણના આ દિવસોમાં પ્રભુ મહાવીર તથા અન્ય તીર્થંકરોને આકર્ષક આંગીથી શણગારવાનો ભારે મહિમા હોય છે. જૈન દેરાસરોમાં સંવત્સરી સુધી રોજે રોજ રેશમી દોરા, સોનુ, હીરા-માણેક, મોતીની આંગી કરવામાં આવે છે, જેના દર્શન કરવા ભાવિકોની ભીડ જામે છે. એ ઉપરાંત દેરાસરોમાં રોશની તથા સુશોભન કરવામાં આવે છે. ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ વગેરે ઉપરાંત આયંબિલ, એકાસણા, બ્યાસણા, દેવદર્શન, ગુરૂવંદન, જીનવાણી, સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિભાવના વગેરેમાં જોડાઈને ભાવિકો આરાધના કરે છે. પર્યુષણ
પર્વના અંતિમ દિવસે બારસા સૂત્ર વાંચન, પ્રતિક્રમણ-ક્ષમાપના સાથે સંવત્સરીની ઉજવણી કરવામાં આવે છે. પર્યુષણ પર્વમાં ક્ષમા યાચનાનો વિશેષ મહિમા રહેલો છે. પર્વની સમાપ્તિએ સૌ એકબીજાને મિચ્છામિ દુક્કડં કહે છે, જેનો અર્થ થાય છે કે, “જાણતા કે અજાણતા મારા કોઈ કૃત્ય, શબ્દ કે અન્ય કોઈપણ રીતે આપનું મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું”. પર્યુષણનો મૂળ હેતુ આત્માને શુદ્ધ કરી પરમાત્માની સમીપે પહોંચવાનો છે, જે ભગવાન મહાવીર સ્વામીના મૂળ સિદ્ધાંત “અહિંસા પરમો ધર્મ”ના માર્ગે ચાલવાનું શીખવે છે. સૌના કલ્યાણની કામનાને જીવંત કરે છે તેમજ મોક્ષ પ્રાપ્તિના દ્વારને ખોલે છે.
✍️ : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877