ધાર્મિક શિવ કથા : ભાગ 245
શ્રાવણ વદ ચૌદસ : શિવપુરાણ વાંચવાનું અને સાંભળવાનું ફળ તેમજ આયોજન
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કોઈપણ શ્રદ્ધા રાખીને શિવપુરાણ કથા સાંભળે છે તે જન્મ મરણના બંધનથી મુક્ત થઇ જાય છે અને ભગવાન શંકરના પરમ ધામમાં જાય છે. બીજા દેવતાઓની તુલનામાં ભગવાન શિવજી જલ્દી પ્રસન્ન થઇ જાય છે અને થોડી પૂજાનું ખૂબ જ મોટું ફળ આપી દે છે. એકવાર ભસ્માસુરે ભગવાન શંકરની તપસ્યા કરીને ઇચ્છિત ફળ માગ્યું કે હું જેના માથે હાથ મુકું તે ભસ્મ થઇ જાય. ભગવાન શંકર એટલા ભલા ભોળા કે કંઈ પણ સમજ્યા વિચાર્યા વગર તથાસ્તુઃ કહી દીધું. ભસ્માસૂરે વિચાર્યું કે પહેલા શંકરજીને જ ભસ્મ કરી જોઉં અને તે ભગવાન શંકરની પાછળ દોડ્યો. ભગવાન શંકર દોડતા વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી નૃત્ય દરમિયાન ભસ્માસૂરનો હાથ તેનાજ માથા ઉપર મુકાવી ભસ્મ કરી દીધો અને ભગવાન શિવજીની રક્ષા કરી. એટલે ભગવાન શંકરની થોડીક પૂજા કરો તો તો તે પ્રસન્ન થઇ ખુબજ મોટું ફળ આપી દે છે. જે શિવપુરાણની કથા વાંચે છે, સાંભળે છે અને મનન કરે છે તેને કપિલ ગાયના દાન જેટલું ફળ મળે છે. પુત્રહીનને પુત્ર, મોક્ષાર્થીને મોક્ષ પ્રાપ્ત થાય છે તથા તેના કોટિ જન્મોનાં પાપ નાશ પામે છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે. જો આપને શિવપૂરાણની કથા કરાવવી છે તો એના પણ નિયમો છે. સહુપ્રથમ વિદ્વાન બ્રાહ્મણ પાસે સારું મુહૂર્ત કઢાવવું જોઈએ. શિવપુરાણ માટે શ્રાવણ, ભાદરવો,આસો, માગસર, મહા, ફાગણ વૈશાખ અને જેઠ મહિનો વધુ શુભ છે પણ વિદ્વાનોના કહેવા મુજબ જે દિવસે શિવપુરાણ કથા પ્રારંભ કરીએ તેજ શુભ મુહૂર્ત છે. શિવપુરાણ કરવા માટેનું સ્થાન સામાન્ય રીતે ખૂબ જ પવિત્ર હોવું જોઈએ. જન્મભૂમિમાં તેનું આયોજન કરવાનું વિશેષ કહેવામાં આવ્યું છે. ‘જનની જન્મ ભૂમિશ્ચ: સ્વર્ગાદપિ ગરિયશી ‘ તે ઉપરાંત તીર્થોમાં પણ શિવપુરાણનું આયોજન કરીને વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાય છે, છતાં પણ જ્યાં મનને સંતોષ મળે તે સ્થાન પર કથા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણના વક્તા વિદ્વાન બ્રાહ્મણ હોવા જોઈએ. તેમને શાસ્ત્રો અને વેદોનું સારું જ્ઞાન હોવું જોઈએ. બધાં બ્રાહ્મણ સારા આચરણવાળા અને સદાચારી હોવા જોઈએ. તે સંધ્યા વંદના અને રોજ ગાયત્રી જાપ કરતા હોવા જોઈએ. બ્રાહ્મણ અને યજમાને સાત દિવસો સુધી ઉપવાસ કરવા જોઈએ. ફક્ત એક સમય ભોજન કરવું અને તે શુદ્ધ શાકાહારી હોવું જોઈએ. કથાનું વાચન કરનારની પુજા કરી તેમને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કરવા જોઈએ તથા કથામાં ભાગ લેનાર કે સાંભળવા આવનાર બ્રાહ્મણોનું પણ સન્માન કરી દાન દક્ષિણા આપવા જોઈએ.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
: ધાર્મિક શિવ કથા : ભાગ 246
શ્રાવણ વદ અમાસ : આરાવારા, શિવપૂજા તથા શનિ અમાવસ્યા
🕉️ 🕉️ 🕉️ 🕉️ 🕉️
હિંદુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ પિઠોરી અમાવાસ્યા તરીકે ઓળખાય છે. આ વખતે શ્રાવણની અમાવાસ્યા 14 સપ્ટેમ્બર 2023ના રોજ છે. તમને જણાવી દઈએ કે આ અમાવસ્યાને કુશોતપતિની અથવા કુશાગ્રહણી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાનનું પણ મહત્વ છે. વર્ષ દરમિયાન કુલ બાર અમાસ આવતી હોય છે. અધિક માસના સંજોગોમાં આ સંખ્યા તેર સુધી પહોંચી જતી હોય છે. આ તમામ અમાસમાં શ્રાવણી અમાસનું એક આગવું જ મહત્વ છે. કારણ કે, આ શ્રાવણ માસનો અંતિમ દિવસ હોઈ શિવકૃપા અર્થે સર્વોત્તમ મનાય છે. શ્રાવણ માસના અંતિમ ચાર દિવસ પૈકી ત્રણ દિવસ આરાવારા (નાના બાળકો, સંતાન મૃત્યુ પામ્યા હોય તેને માતા પાણી રેડે) ગણાય છે. જ્યારે ચોથા અને અંતિમ દિવસે માત્ર પુરુષો પીપળે પિતૃ તૃપ્તિ અર્થે પાણી રેડવા જાય છે. રાજકોટ જયોતિશવિદ્દ મંડળના મહામંત્રી લલિતભાઇ શાસ્ત્રીના જણાવ્યા મુજબ અમાસના દિવસે પીપળે પાણી મૃતક પરિવારજનોનો નામોચ્ચાર કરતા કરતા ધીમી ધારે રેડવાનું હોય છે. જેઓએ ગુરુ કર્યા હોય અને તેમનું દેહાવસાન થયું હોય તે શિષ્યો પણ પીપળે પાણી રેડી તર્પણ કરાવી શકે છે. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ પિતૃ તૃપ્ત થતાં વંશવૃિધ્ધ, ધન, વૈભવ, સમૃિધ્ધ, સંસ્કાર, મૃદુતા તેમજ આવાસ વિહોણાને આવાસની પ્રાપ્તિ થાય છે. પાણીમાં ડૂબી જવાથી, અગ્નિમાં અકસ્માતે બળી જવાથી, પ્રસૂતિ સમયે સર્પદંશ, આપઘાત તેમજ કોઇ પણ પ્રકારના અકસ્માતમાં મૃત્યુ થવું સહિત ૩૬ પ્રકારના દુર્મરાગ ગણાયા છે. પીપળે પાણી રેડવાથી મૃતકની સદ્દગતિ થાય છે. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ શ્રાવણ વદ અમાસ છે. જે ભક્તોએ શ્રાવણ માસ પર્યંત ભગવાન શિવની આરાધના કરી છે એ હજુ પણ આજે પોતાની શક્તિ અને નિષ્ઠાથી આરાધના કરશે તેમને તેમની ભક્તિ અનુસાર આજ દિવસે ભગવાન શિવના આશીર્વાદ મળશે. શ્રાવણ માસનો અંતિમ દિવસ હોઈ આ દિવસની પૂજાનો સવિશેષ મહિમા રહેલો છે. શક્ય હોય તો આજના દિવસે ભોળાનાથને આંકડાનું ફૂલ, બીલીપત્ર કે ધતૂરો જરૂરથી અર્પણ કરવો. કહે છે કે શ્રાવણ માસના અંતિમ દિવસની પૂજા ભક્તના સઘળા મનોરથોને પૂર્ણ કરનારી સાબિત થઈ શકે છે. સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વિષ્ણુધર્મોત્તર પુરાણ અનુસાર જેઓએ શ્રાવણ માસ સાધનાની પૂર્ણાહુતિ કરવાની છે તેઓએ પણ આ દિવસે સાધના પૂર્ણ થતી હોવાથી આ નિમિત્તે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન, વસ્ત્રો તથા અન્ય દાન પુણ્ય કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. અસ્તુ.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877