ધાર્મિક કથા : ભાગ 249
ગણપતિનું વાહન ઉંદર જ કેમ? 🐁🐀
ભગવાન ગણેશજીની પ્રતિમાઓ પૂજા મંડપોમાં શોભાયમાન થઈ રહી છે. ગણેશજીની સાથે તેમના વાહનની પણ પૂજા થઈ રહી છે. આનું કારણ છે કે ગણેશજીને કૈલાશ પર્વત પરથી ભક્તોનાં ઘર સુધી લાવનાર તેમનું વાહન મૂષક છે. ગણેશજીએ પોતાના વાહન મૂષકની શા માટે પસંદગી કરી? ગણેશપુરાણમાં આપેલી કથાનુસાર દ્વાપર યુગમાં એક બળવાન મૂષક પરાશરના આશ્રમમાં આવીને મહર્ષિ પરાશરને ખૂબ દુખી કરતો. ઉત્પાતિ મૂષકે મહર્ષિ આશ્રમની માટીનાં વાસણો તોડી નાંખ્યા હતા તેમજ આશ્રમમાં રાખેલું અનાજ નષ્ટ કરી દીધું. ઋષિઓનાં વસ્ત્રો અને ગ્રંથોને કતરી નાંખ્યા હતાં. મહર્ષિ પરાશર મૂષકના આ કૃત્યથી ખૂબ દુખી થઈને ગણપતિની શરણમાં ગયા. ગણેશજી મહર્ષિ પરાશરની વિનંતિથી પ્રસન્ન થઈને ઉત્પાત કરી રહેલા મૂષકને પકડવા માટે પોતાનો પાશ નાંખ્યો. પાશે મૂષકનો પીછો કરીને પાતાળ લોક સુધી ગયો અને તેને બાંધીને ગણપતિ સમક્ષ રજૂ કર્યો. ગણપતિને સામે જોઈને મૂષક તેમની સ્તુતિ કરવા લાગ્યો. ગણેશજીએ કહ્યું કે તમે મહર્ષિ પરાશરને ખૂબ રંજાડ્યા છે, પરંતુ હવે તમે મારી શરણમાં છો જેથી તમને ઈચ્છો તે માંગી લો. ગણેશજીના આવા વચન સાંભળીને મૂષકને અભિમાન થયું. તેને કહ્યું કે મારે તમારી પાસેથી કાઈ નથી જોઈતું. જો તમારે મારી પાસેથી કશું માગવું હોય તો માંગી લો. ગણેશજી સ્મિત કરીને મૂષકને કહ્યું કે તમે મારું વાહન બની જાઓ. આ રીતે મૂષક ગણેશજીનું વાહન બનીને તેમની સેવામાં લાગી ગયા. આની પાછળ પણ એક કથા ગણેશ પુરાણમાં આપેલી છે. વિશાળકાય મુશક એ વાસ્તવમાં પાછલા જન્મમાં એક દુષ્ટ ગાંધર્વ હતો, જેનું નામ ક્રોંચ હતું. એક વાર ક્રોંચ ઉતાવળે ઇન્દ્ર સભામાં જતો હતો ત્યારે એનો પગ મહામુનિ વામદેવને અડ્યો. મુનિએ ક્રોધે ભરાઈને તેને મુષક થવાનો શ્રાપ આપ્યો અને ક્રોંચ ઉંદર થઈ મૂનિ પરાશરના આશ્રમમાં પડ્યો. આશ્રમમાં તેનો ઉપદ્રવ વધી ગયો. એના રોજે રોજના ત્રાસથી ગણેશજીએ તેને બરાબરનો આમળ્યો. હવે તે પોતાનું અભિમાન ઓગાળી વિનમ્ર થયો. ત્યારે એ ઉંદરે સ્તૃતિ કરી અને આમ શ્રાપિત મૂષક ગાંધર્વ ક્રોંચ ગણપતિનું વાહન બન્યો.
✍️ : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
ધાર્મિક કથા : ભાગ 250
ગણેશ વિસર્જનની પૌરાણિક કથા
🚩🌸🌸🌸🕉️
પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા, તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી, જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે. તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે, તે નિશ્ચિતરૂપે તમારી મદદ કરશે, ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી. ગણપતિ બાપ્પાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે. તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી. ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશજીને સંભળાવી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી. જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયુ હતું. તેમના શરીરનુ તાપમાન ઓછુ કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાઇ ગયા પછી તેમનુ શરીર અકડાઇ ગયું અને શરીર પરથી માટી ખરવા માંડી. ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો. કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો. ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંતચતુર્દશીએ તેમનું વિસર્જન કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીના રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે. હિન્દુ પંચાગ મુજબ ભાદરવા મહિનાની સુદ ચૌદશની તિથિને અનંત ચતુર્દશી તરીકે મનાવવામાં આવે છે. તેને અનંત ચૌદસ પણ કહે છે. ચાલુ વર્ષે આ તિથિ 28 સપ્ટેમ્બરના રોજ આવે છે. અનંત ચૌદસનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરે છે તથા અનંત સૂત્ર બાંધે છે. અનંતસૂત્ર કપડાં કે રેશમનું બનેલું હોય છે અને તેમાં 14 ગાંઠ હોય છે. માન્યતા છે કે અનંત ચતુર્દશીએ ભગવાન વિષ્ણુને અનંત સૂત્ર બાંધવાની તમામ અડચણોમાંથી મુક્તિ મળી જાય છે. અનંત ચૌદસના દિવસે ભગવાન શ્રીગણેશની મૂર્તિનું વિસર્જન પણ કરવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને તેમનું વિસર્જન કરે છે અને આવતા વર્ષે ફરીથી પધારવા માટેની પ્રાર્થના કરે છે. અનંત ચતુદર્શીએ શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. તેમના તમામ પ્રકારના પાપ તથા સંકટ નાશ પામે છે. ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે.
👉 ગણપતિ વિસર્જનમાં આ વાત ધ્યાનમાં રાખો. 👇
ગણેશ વિસર્જન પહેલા બાપ્પાની ચોકીને ફૂલો અને લાલ-પીળા કપડાં વગેરેથી સજાવી લો. આ પહેલાં તેને ગંગાજળ કે ગૌમૂત્રથી સાફ કરો અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરો. બાપ્પાની પ્રિય ભોગ લગાવો. જે બાદ ભગવાન ગણેશની સ્વસ્તિ વાચન કરો. ગણપતિની આરતી કરો અને બાદમાં વિદાય લેવાની પ્રાર્થના કરો. વિસર્જન વખતે ગણપતિની મૂર્તિને લઈ જતા સમયે તેમનું મુખ ઘરની અંદર હોય નહીં કે બહાર તે વાતનું ખાસ ધ્યાન રાખો. વિસર્જન પહેલા ઘરમાં સ્થાપિત રહેલા બાપ્પાની આ દરમિયાન જાણતા-અજાણતા થયેલી ભૂલોની ક્ષમા માંગો. એટલું જ નહીં તેમને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ
બની રહે, તમારા સંકટ દૂર થઈ જાય. વિસર્જન પહેલા ફરી એક વખત તળાવ કે કુંડ નજીક પહોંચીને ગણપતિની આરતી કરો. જે બાદ તેમને પૂરા સન્માન સાથે વિદાય આપો. ગણપતિને જળમાં વિસર્જિત કરતી વખતે તેમની પ્રતિમાને ફેંકવાના બદલે પૂરા માન-સન્માન સાથે જળમાં પ્રવાહિત કરો. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પહેલાં ગણેશ વિસર્જન થઇ જવું જોઇએ. ગણેશ જળ તત્વના અધિપતિ દેવતા છે એટલે તેમની પ્રતિમાનું વિસર્જન જળમાં કરવામાં આવે છે. જળ પંચ તત્વોમાંથી એક છે. તેમાં મિશ્રિત થઇને પ્રાણ પ્રતિષ્ઠિત ગણેશ મૂર્તિ પંચ તત્વોમાં સમાહિત થઇને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. જળમાં વિસર્જન થવાથી ભગવાન ગણેશનું સાકાર સ્વરૂપ નિરાકાર થઇ જાય છે. જળમાં મૂર્તિ વિસર્જનથી એવું માનવામાં આવે છે કે, પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવી જાય છે.
✍️ : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877